You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી જનાર એકમાત્ર મુસાફર કોણ છે, કઈ સીટ પર બેઠા હતા?
ગુરુવારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશલ ઍરપૉર્ટ પરથી ઉપડ્યાના ગણતરીનાં મિનિટો બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
વિમાનમાં 230 મુસાફર તથા 12 ક્રૂ મૅમ્બર સવાર હતા. ત્યારે દુર્ઘટનામાં એક મુસાફરનો આબાદ બચાવ થયો હોવાનું બહાર આવ્યું છે.
ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયો હોવાની પુષ્ટિ કરી છે.
કમિશનર મલિકે કહ્યું, "પોલીસને બેઠક ક્રમાંક 11 A પર સવાર મુસાફર હયાત મળી આવ્યા છે અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે."
આ મુસાફર બ્રિટિશ નાગરિક છે તથા તેમનું નામ વિશ્વાસકુમાર રમેશ છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે વિશ્વાસ સાથે વાત કરી હતી અને તેમનો બૉર્ડિંગ પાસ પણ શૅર કર્યો હતો.
અહેવાલ મુજબ, વિશ્વાસે કહ્યું હતું કે ટેકઑફની 30 સેકંડમાં મોટો ધડાકો થયો અને વિમાન ક્રૅશ થઈ ગયું. આ બધું ખૂબ જ ઝડપથી બની ગયું હતું.
જોકે, દુર્ઘટનાને કારણે વિમાનમાં તથા કુલ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના વિશે કોઈ ચોક્કસ આંકડો અમદાવાદના પોલીસ કમિશનરે આપ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ત્રણ ટુકડીઓને ગાંધીનગરથી અમદાવાદ રવાના કરી છે. જે રાહત અને બચાવકાર્યમાં મદદ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુકેમાં વિશ્વાસના ભાઈએ શું કહ્યું?
બીબીસી સંવાદદાતા નવતેજ જોહલે વિશ્વાસકુમાર રમેશના પિત્રાઈ અજય વલગી સાથે લૅસ્ટરમાં વાતચીત કરી હતી. અજયના કહેવા પ્રમાણે, તેમના ઉપર વિશ્વાસ કુમારનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓ "કુશળ" છે અને તેમણે "મોટો ધડાકો સાંભળ્યો" હતો.
વિશ્વાસના ભાઈ અજય પણ એજ વિમાનમાં સવાર હતા, પરંતુ તેમના વિશે વિશ્વાસ પાસે કોઈ માહિતી ન હતી. અજય અને વિશ્વાસના પરિવારજનો લૅસ્ટરસ્થિત નિવાસસ્થાને એકઠાં થઈ રહ્યાં છે અને વધુ માહિતી મેળવવા માટે પ્રયાસરત છે.
વિશ્વાસના પરિવારમાં પત્ની અને બાળક છે. મળતી માહિતી મુજબ, વિશ્વાસનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ યુકેમાં રહેતા હતા.
'એક મુસાફરનો બચાવ સમજાવવો મુશ્કેલ'
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. તેઓ બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનની 11-એ નંબરની સીટ ઉપર સવારી કરી રહ્યા હતા.
ક્રૅનફિલ્ડ યુનિવર્સિટી ખાતે ઍવિએશન ઍન્ડ ધ ઍન્વાયર્મેન્ટ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ગાય ગ્રૅટ્ટને બીબીસી ન્યૂઝનાઇટ કાર્યક્રમ દરમિયાન વાત કરતા કહ્યું, "આવું લગભગ ક્યારેય સાંભળવા નથી મળ્યું."
તેઓ કહે છે કે "આધુનિક સમયના વિમાન ક્રૅશવર્થી બની રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે," મતલબ કે "જો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય, તો બધાને બચી નીકળવાની શક્ય વધુ તક રહે."
ગ્રૅટ્ટન ઉમેરે છે, "એટલે જ દુર્ઘટના સમયે આપણે સાંભળીએ છીએ કે કાં તો બધા મુસાફર બચી ગયા, અથવા તો અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કોઈ બચી ન શક્યું. આથી, એક (મુસાફરનું બચવું) ખરેખર અસામાન્ય બાબત છે."
ગ્રૅટ્ટનના કહેવા પ્રમાણે, જો તેમને અટકળ કરવા માટે કહેવામાં આવે તો તેઓ કહેશે કે વિશ્વાસકુમાર રમેશ બેઠક ક્રમાંક 11-એ પર બેઠા હતા. પ્લેન ક્રૅશ થયું ત્યારે તેઓ પોતાની સીટ ઉપર બેઠા હોય અને સીટની સાથે "નડતર વગર બહાર ફેંકાયા" હોય. તેઓ ખરેખર "ખૂબ જ નસીબદાર નીવડ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન