અમદાવાદ પ્લેન ક્રૅશ: નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઍર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માત અંગે શું કહ્યું?

12 જૂને અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થઈ ગયું હતું અને એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે. આ સિવાય વધુ આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ 48 કલાક બાદ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં દુર્ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.

જેમાં તેમણે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા દુર્ઘટનાનો ઘટનાક્રમ, જે કોઈ પગલાં લેવામાં આવ્યાં તથા મૃતદેહને સોંપવામાં થઈ રહેલી ઢીલ વિશેના આરોપોના જવાબો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાના 24 કલાકની અંદર દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ સિવાય કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. યુકે તથા યુએસથી વિશેષ તપાસ દળો પણ ભારત પહોંચ્યાં છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી તથા અધિકારીએ શું કહ્યું?

નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહાના કહેવા પ્રમાણે, "તા. 12 જૂનના બપોરે બે વાગ્યા આસપાસ અમને દુર્ઘટના વિશે માહિતી મળી હતી કે અમદાવાદથી ગૅટવિક જતું વિમાન ક્રૅશ થયું છે."

સમીરકુમાર સિંહાએ વિગતો આપતાં જણાવ્યું, "બપોરે એક વાગ્યા અને 39 મિનિટે પ્લેને ટેક ઑફ કર્યું હતું અને ગણતરીની સેકન્ડોમાં 650 ફૂટની ઊંચાઈ મેળવી હતી. આ સમયે વિમાન તેની ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું. બપોરે 1.39 કલાકે પાઇલટે ઍર ટ્રાફિક કંટ્રૉલરને મેડે કૉલ આપ્યો હતો. મતલબ કે પૂર્ણ ઇમર્જન્સી."

"એટીસીના (ઍર ટ્રાફિક કંટ્રૉલર) જણાવ્યા પ્રમાણે, એ પછી તેમણે વિમાનનો સંપર્ક કર્યો, ત્યારે વળતો પ્રતિસાદ મળ્યો ન હતો. બરાબર એક મિનિટ બાદ ઍરપૉર્ટથી લગભગ બે કિલોમીટર દૂર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રૅશ થયું હતું."

"પ્લેને પેરિસથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદ સેક્ટરની મુસાફરી ખેડી હતી અને આ દરમિયાન કોઈ મુશ્કેલી માલૂમ પડી ન હતી."

"બપોરે અઢી વાગ્યે રન-વેને બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલને અનુસર્યા બાદ સાંજે પાંચ વાગ્યાથી મર્યાદિત ઉડાનો માટે રન-વેને ફરીથી ચાલુ કરી દેવાયો હતો."

સિંહાના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ તથા પોલીસે પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી. સાંજે છ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા, ત્યારસુધીમાં આગની ઉપર લગભગ સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો.

દુર્ઘટનાના ગણતરીના કલાકોમાં ઇમર્જન્સી રૂમ કાર્યરત થઈ ગયો હતો તથા હેલ્પલાઇન નંબર સાર્વજનિક કરી દેવાયા હતા. એએઆઈબી દ્વારા વર્ષ 2017ના વિમાન અકસ્માત સંદર્ભના દિશાનિર્દેશો મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ કિંજરાપૂના કહેવા પ્રમાણે, 'એએઆઈબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમાં જરૂર પ્રમાણે નવા સભ્યોને જોડવામાં આવશે.'

તેમણે ઉમેર્યું હતું કે, 'કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં વધુ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારી, આઈબી, ડીજીસીએ, ગુજરાત સરકારના અધિકારી, અમદાવાદના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચઅધિકારીઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક સોમવારે મળશે અને ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ સુપ્રત કરશે.'

કિંજરાપૂના કહેવા પ્રમાણે, "ભારતમાં બૉઇંગ 787નાં 34 વિમાનો કાર્યરત છે. તેમની ઉપર વિશેષ સર્વેલન્સ રાખવામાં આવશે અને તપાસ કરાશે. આને માટે જે કોઈ પગલાં જરૂરી હશે, તે લેવામાં આવશે."

"વિમાનનું બ્લૅક બૉક્સ મળી આવ્યું છે, જેથી કરીને દુર્ઘટના પહેલાં શું-શું બન્યું હતું અને શા માટે અકસ્માત થયો હતો, તેના વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી આવશે."

કિંજરાપૂએ કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મૃતકોની ઓળખવિધિ માટે ડીએનેએ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. કોઈપણ પ્રકારની ચૂક ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રોટોકૉલને અનુસરી રહી છે, એટલે મૃતદેહને સોંપવામાં સમય લાગી રહ્યો છે.

અમદાવાદ પ્લેન ક્રૅશ : દુર્ઘટના બાદ શું-શું થયું?

ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનું એક બ્લૅક બૉક્સ મળી ગયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ આ વાતની જાણકારી આપી છે.

શુક્રવારે રામમોહન નાયડુ કિંજરાપુએ ઍક્સ પર પોસ્ટ કર્યું, "ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)એ અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી ફલાઇટ ડેટા રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) 28 કલાકની અંદર શોધી કાઢ્યું છે. આ તપાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આનાથી ઘટનાની તપાસમાં ઘણી મદદ મળશે."

આ પહેલાં રૉયટર્સ, પીટીઆઈ અને એએફપી જેવી ન્યૂઝ એજન્સીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટના બાદ વિમાનનું એક બ્લૅક બૉક્સ મળી ગયું છે.

રૉયટર્સ અને એએફપી આ માહિતી પોલીસ પાસેથી મળી હોવાનું જણાવે છે.

જ્યારે પીટીઆઈએ ભારત સરકારની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.

નોંધનીય છે કે સામાન્ય રીતે પ્લેનમાં બે બ્લૅક બૉક્સ હોય છે. આ બ્લૅક બૉક્સ નાના પરંતુ મજબૂત ડેટા રેકૉર્ડર હોય છે. એકમાં કૉકપીટના અવાજ રેકૉર્ડ થાય છે, જેથી તપાસકર્તાઓ પાઇલટ શું બોલી રહ્યા છે એ અને અન્ય અસામાન્ય અવાજો સાંભળી શકે. આ સિવાય બીજું રેકૉર્ડર ઊંચાઈ અને ગતિ જેવા ફ્લાઇટ ડેટાને રેકૉર્ડ કરે છે.

'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું જીવતો કેવી રીતે બચી ગયો'

ગુરુવારે અમદવાદના મેઘાણીનગર ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટનામાં વિમાનમાં સવાર 242 પૈકી માત્ર વિશ્વાસકુમાર રમેશ નામની વ્યક્તિ જીવિત બચી હતી. જ્યારે મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત બાકીના લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વિશ્વાસકુમાર એક બ્રિટિશ નાગરિક છે. તેઓ લંડન જઈ રહેલી બૉઇંગ 787 ફ્લાઇટની 11-A સીટ પર બેઠા હતા.

ભારતના સરકારી બ્રૉડકાસ્ટર ડીડી ન્યૂઝે રમેશ સાથે વાતચીત કરી. તેઓ હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તેમણે કહ્યું કે, "મને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે જીવતો બચી ગયો."

"પહેલાં તો મને લાગ્યું કે હું મરવાનો છું. હું મારી આંખ ખોલી શક્યો, મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને પ્લેનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો."

રમેશે કહ્યું કે તેમની બેઠક બાજુનો પ્લેનનો ભાગ હૉસ્ટેલ બિલ્ડિંગને અથડાયો નહોતો અને ગ્રાઉન્ડ ફ્લોરથી નજીક હતો.

તેમણે કહ્યું, "મારો દરવાજો તૂટી ગયો અને મને એક નાનકડી જગ્યા ખુલ્લી દેખાઈ. મેં પ્લેનમાંથી બહાર નીકળવાની કોશિશ કરી."

સળગી રહેલા પ્લેનથી દૂર જઈ રહેલા રમેશનો વીડિયો તરત વાઇરલ થઈ ગયો. તેમણે કહ્યું કે તેમનો ડાબો હાથ દાઝી ગયો છે, ઘટનાસ્થળેથી બાદમાં તેમને તરત હૉસ્પિટલ લઈ જવાયા હતા.

શુક્રવારે વહેલી સવારે વડા પ્રધાન મોદી પણ સિવિલ હૉસ્પિટલ ખાતે રમેશને મળ્યા. નોંધનીય છે કે હાલ ત્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારને મળ્યા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારની મુલાકાત લીધી. અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં વિજય રૂપાણીનું નિધન થયું છે.

વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું, "વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત કલ્પનાથી પરે છે. હું તેમને દાયકાઓથી જાણતો હતો. અમે સાથે મળીને કામ કર્યું."

"વિજયભાઈ વિનમ્ર અને મહેનતુ હતા, પાર્ટીની વિચારધારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. તેમણે સંગઠનમાં વિભિન્ન જવાબદારીઓ સંભાળી અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું."

વડા પ્રધાન મોદીએ લખ્યું, "તેમને જે ભૂમિકા સોંપાઈ, એ તેમણે સારી રીતે ભજવી. પછી ભલે એ રાજકોટ મહાનગરપાલિકામાં હોય, રાજ્યસભા સાંસદ તરીકે હોય, ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે હોય કે રાજ્ય સરકારમાં કૅબિનેટ મંત્રી સ્વરૂપે હોય."

વડા પ્રધાન મોદીએ વિજય રૂપાણીના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વડા પ્રધાન મોદી શુક્રવારે અમદાવાદમાં એ જગ્યાએ પણ પહોંચ્યાં, જ્યાં ગુરુવારે ઍર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

અમદાવાદ પ્લેન ક્રૅશમાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય આઠનાં મૃત્યુ

ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થતાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ બીબીસીને આ વાતની પુષ્ટિ કરી છે.

એ પૈકી ચાર મેડિકલ સ્ટુડન્ટ્સ હતા, જેઓ એ ઇમારતો પૈકી એકમાં રહી રહ્યા હતા, જેનાથી વિમાન અથડાયું. અન્ય ચાર હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સંબંધીઓ હતા.

અમદાવાદ પ્લેન ક્રૅશ અંગેની અપડેટ્સ

  • અમદાવાદથી લંડન ગૅટવિક જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જ્યારે આ વિમાન ડૉક્ટરોની હૉસ્ટેલ સાથે અથડાતાં આ ઘટનામાં સવાર 242 લોકોમાંથી એકને બાદ કરતાં તમામનાં મૃત્યુ થયાં.
  • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શુક્રવારે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી.
  • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા હૉસ્પિટલ ગયા.
  • મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહોની ઓળખ કરી રહ્યા છે.
  • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 60 વર્ષીય કૅપ્ટન સુમિત સભરવાલનું પણ મૃત્યુ થયું છે. તેમને આઠ હજાર કલાક કરતાં વધુ ઉડાણનો અનુભવ હતો.
  • બ્રિટનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકને ગ્લૂસેસ્ટર અને નૉર્થમ્પટનશાયરમાં શ્રદ્ધાંજલિ અપાઈ.
  • એક સિનિયર સ્વાસ્થ્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટનામાં એ રહેણાક વિસ્તારના આઠ લોકોનાં પણ મૃત્યુ થયાં, જ્યાં વિમાન પડ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન