You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજા રઘુવંશી હત્યાકેસ : 'મારા દીકરાની ભૂલ શું હતી, કેમ મારી નાખ્યો', રાજાનાં માતાની વ્યથા
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા રાજા રઘુવંશી હત્યાકેસમાં મેઘાલયના શિલોંગની એક કોર્ટે રાજાનાં પત્ની સોનમ રઘુવંશી સહિત પાંચ લોકોને આઠ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલ્યાં છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ઈસ્ટ ખાસી હિલ્સના એસપી વિવેક સ્યેંમને ટાંકીને જણાવ્યું કે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.
સોનમ સહિત પાંચ લોકોને બુધવારે શિલોંગની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસે મંગળવારે ટ્રાન્ઝિટ રિમાન્ડથી સોનમનો કબજો મેળવ્યો હતો અને બીજા આરોપીઓને લઈને બુધવારે શિલોંગ પહોંચી હતી.
મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સમાં બીજી જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો. તેના એક અઠવાડિયા બાદ તેમનાં ગૂમ પત્ની સોનમ મેઘાલયથી લગભગ 1000 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં મળી આવ્યાં હતાં.
ઇંદોરનું દંપતી રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયું હતું અને પછી બંને ગુમ થઈ ગયાં હતાં. 23 મેથી તેમનો કોઈ પતો ન હતો.
તેના 11 દિવસ પછી બીજી જૂને ઈસ્ટ ખાસી હિલ્સમાં વેઇસાડોંગ ધોધ નજીક લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યાર બાદ આઠમી જૂને જાણવા મળ્યું કે સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશમાં ગાઝીપુર પોલીસની અટકાયત હેઠળ છે.
જોકે, તેઓ ઈસ્ટ ખાસી હિલ્સથી ગાઝીપુર કેવી રીતે પહોંચ્યાં તે હજુ સુધી જાણી શકાયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈસ્ટ ખાસી હિલ્સના એસપી વિવેક સ્યેંમે પત્રકારોને જણાવ્યું કે, "તપાસ ચાલુ છે. અમારે ઘણી વાતોની પુષ્ટિ કરવાની છે. તેમની સામે હત્યામાં સામેલ હોવાના પુરાવા છે, પરંતુ પૂછપરછ પછી બધું સ્પષ્ટ થશે."
રાજા અને સોનમના પરિવારજનો શું કહે છે?
રાજા રઘુવંશીનાં માતા ઉમા રઘુવંશીએ કહ્યું કે, "મને મારા પુત્ર માટે ન્યાય જોઈએ. દોષિતોને સજા થવી જોઈએ. મારા દીકરાએ શું કર્યું છે? તેની શું ભૂલ હતી? તેને શા માટે મારવામાં આવ્યો?"
બીબીસી સાથે વાત કરતા રાજાનાં માતા ઉમા રઘુવંશીએ કહ્યું હતું કે, "બંને પરિવારો વચ્ચે બધું રાજીખુશીથી થયું હતું. બંને ખુશ હતા. લગ્ન પછી સોનમ અમારી સાથે એવી રીતે રહેતી હતી, જાણે કોઈ બહુ જૂનો સંબંધ હોય. અમને તો વિશ્વાસ જ નથી આવતો કે સોનમ આવું કરી શકે છે."
બીજી તરફ સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદે કહ્યું કે તેમનાં બહેને પોતાનો દોષ નથી સ્વીકાર્યો.
એએનઆઈ પ્રમાણે ગોવિંદે કહ્યું કે "પકડાયેલા આરોપીઓમાંથી એક રાજ કુશવાહ સાથે તેમની બહેન સોનમનો ત્રણ વર્ષથી પરિચય હતો."
તેમણે કહ્યું, "રાજ કુશવાહ તેમને હંમેશાં દીદી કહીને બોલાવતા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી સોનમ રાજ કુશવાહને રાખડી બાંધતાં હતાં."
આ અગાઉ સોનમના પિતા દેવીસિંહે પત્રકારો સાથે વાતચીતમાં પોતાની દીકરી સોનમને 'નિર્દોષ' ગણાવી હતી અને કહ્યું કે તેમની "પોતાની દીકરી પર પૂરો ભરોસો છે કે તેઓ આવું કોઈ કામ ન કરી શકે."
મેઘાલય હનીમૂન મર્ડરનો આખો મામલો શું છે?
બીજી જૂને ઈસ્ટ ખાસી હિલ્સમાં વેઇસાડોંગ ધોધ નજીક 150 ફૂટ ઊંડી ખાઈમાંથી રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ સોનમ લાપતા હતાં.
રાજા રઘુવંશીનો મૃતદેહ ચોથી જૂનની સાંજે મેઘાલયથી તેમના ઘરે પહોંચ્યો હતો.
આ દંપતી 23 મેએ લાપતા થયું તેનાથી એક દિવસ અગાઉ જ મેઘાલયના નોંગ્રિયાટ પહોંચ્યું હતું અને તેઓ છેલ્લે શિપારા હોમસ્ટેમાંથી ચેક-આઉટ કરતાં જોવાં મળ્યાં હતાં.
પોલીસે સ્થાનિક લોકો અને ટૂરિસ્ટ ગાઈડને મળીને કેસની તપાસ કરી, પરંતુ કોઈ કડી મળતી ન હતી.
તે વખતે ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના એસપી વિવેક સ્યેંમે બીબીસી હિંદીને જણાવ્યું હતું કે. "આ એક હત્યા છે તેમાં કોઈ શંકા નથી. અમને ગુનામાં વપરાયેલો દાઓ (એક ધારદાર મોટો ચાકુ) પણ મળી આવ્યો છે."
મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે આ મામલે 'ત્રણ બીજા લોકોની ધરપકડ થઈ' ત્યારે સોનમ 'બહાર આવી' અને તે પોતાની જાતે બધો ખુલાસો કરી નાખે છે.
જોકે, અગાઉ સોનમના પિતા દેવીસિંહે મેઘાલય પોલીસ પર ખોટી વાર્તા ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
સોનમ વિશે કેવી રીતે ખબર પડી?
દંપતી ગુમ થયું ત્યાર પછી 17 દિવસથી સોનમ રઘુવંશીની શોધખોળ ચાલુ હતી. 10 દિવસ પછી રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો ત્યાર બાદ સોનમની શોધખોળ શરૂ થઈ.
મેઘાલય પોલીસને રાજાના શબ પાસેથી લાલ અને કાળા રંગનો એક રેઇનકોટ મળ્યો હતો. આ ઉપરાંત હોટલ બહારના સીસીટીવી ફૂટેજ મળ્યા. આ સિવાય સોનમ વિશે કોઈ માહિતી મળતી ન હતી.
સોનમના પિતા દેવીસિંહે પત્રકારોને જણાવ્યું કે આઠ જૂનની રાતે સોનમે ઉત્તર પ્રદેશના કોઈ ધાબા પરથી પોતાના ભાઈ ગોવિંદસિંહને ફોન કર્યો હતો.
તેમણે કહ્યું, "ત્યાર પછી અમે પોલીસને આ માહિતી આપી અને પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ."
ગાઝીપુરમાં નંદગંજ થાણા ક્ષેત્ર હેઠળ નૅશનલ હાઈવે પર કાશી ધાબા આવેલો છે. ગાઝીપુરના એસપી ડૉ. ઈરજ રાજાએ જણાવ્યું કે એમપી પોલીસે સંપર્ક કર્યો, ત્યાર પછી સોનમને ધાબા પરથી રિકવર કરાયા.
કાશી ધાબાના સંચાલક સાહિલ યાદવે મીડિયાને કહ્યું કે, "સોનમે પરિવારજનોને ફોન કરવા મારો ફોન માંગ્યો હતો. પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરતી વખતે તેઓ રડવા લાગ્યાં. થોડા સમય પછી તેમના ભાઈએ મને ફોન કર્યો અને સ્થાનિક પોલીસને જાણ કરવા કહ્યું. પોલીસ ત્યાં પહોંચી અને રાતે લગભગ 2.30 વાગ્યે તેમને લઈ ગઈ."
સાહિલનું કહેવું છે કે તેમણે જ્યારે સોનમને ત્યાં કઈ રીતે પહોંચ્યા તેના વિશે પૂછ્યું, તો સોનમે કોઈ જવાબ ન આપ્યો.
ઈંદોરના એડિશનલ ડીસીપી (ક્રાઈમ) રાજેશ દંડોતિયાએ બીબીસીને જણાવ્યું કે આ અગાઉ ઈંદોર પોલીસ અને શિલોંગ પોલીસે સંયુક્ત અભિયાન કરીને ત્રણેયને હિરાસતમાં લીધા હતા.
ત્યાર બાદ મેઘાલયના ડીજીપી આઈ નોંગરાંગે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, "ઇંદોરની વ્યક્તિની હત્યાના મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમનાં પત્ની પણ સામેલ છે. હનીમૂન દરમિયાન કથિત રીતે પત્નીએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને તેને અંજામ આપવા માટે અન્ય લોકોની મદદ લીધી હતી."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રિમાન્ડ મળ્યા પછી પાંચેય આરોપીઓને ફરીથી શિલોંગ સદર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.
મેઘાલય પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરશે અને ઘટનાની બધી કડીઓ જોડવાનો પ્રયાસ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન