You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને લાગે છે કે હું ફસાઈ ગયો છું', અમેરિકાની વિઝા નીતિથી દુખી ભારતીયોની કહાણી
- લેેખક, અર્ચના શુક્લા, નિકિતા યાદવ
- પદ, બીબીસી ન્યૂઝ
જ્યારે 26 વર્ષીય ઉમર સોફીને કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઑફ જર્નાલિઝમ તરફથી સ્વીકૃતિપત્ર મળ્યો, ત્યારે તેમને લાગ્યું કે તેમની સફરનો સૌથી કઠિન ભાગ પૂરો થઈ ગયો છે.
ત્રણ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી સોફીને આખરે તેમની સપનાની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો અને થોડીક શિષ્યવૃત્તિ પણ મળી. તેમણે મોટી આશાની અપેક્ષાએ નોકરી છોડી દીધી.
પરંતુ 27 મેના રોજ જ્યારે અમેરિકાએ અચાનક વિદ્યાર્થી વિઝા ઍપોઇન્ટમૅન્સ સ્થગિત કરી દીધી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.
કાશ્મીરમાં રહેતા સોફીએ બીબીસીને કહ્યું કે "હું સુન્ન થઈ ગયો હતો. હું સમજી જ નહોતો શકતો કે શું થઈ ગયું."
લગભગ 2,000 કિમી (1,242 માઈલ) દૂર મુંબઈમાં રહેતાં 17 વર્ષીય સમીતા ગર્ગ (નામ બદલ્યું છે) પણ આવી જ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યાં છે.
બાયૉકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે તેમને એક ટોચની અમેરિકન યુનિવર્સિટીમાં સ્વીકાર્યાંના એક દિવસ પછી ડર્મેટૉલૉજિસ્ટ બનવા તરફનું તેમનું પ્રથમ પગલું હતું, પણ યુએસ ઍમ્બૅસીએ વિદ્યાર્થી વિઝા ઍપૉઇન્ટમૅન્ટ્સ અટકાવી દીધી.
ગર્ગે બીબીસીને ફોન પર જણાવ્યું કે "આ ડરામણી અને તણાવપૂર્ણ સ્થિતિ છે. એવું લાગે છે કે હું મૂંઝવણમાં મુકાઈ ગઈ છું, મને ખબર નથી કે આ સ્થિતિનો ક્યારે અંત આવશે."
સોફી અને ગર્ગ બંને પાસે ઑગસ્ટમાં શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં તેમના વિઝા મેળવવા માટે ફક્ત થોડાં અઠવાડિયાં બાકી છે, પરંતુ તેઓ તેમની યોજનાઓ સાથે આગળ વધી શકશે કે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલા વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જાય છે?
ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વિશ્વભરના યુએસ દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા માટેની ઍપૉઇન્ટમૅન્ટ્સનું સમયપત્રક બંધ કરવા અને અરજદારોની સોશિયલ મીડિયા ચકાસણી વધારવા કહ્યું હતું.
આ વ્યાપક પગલું હાર્વર્ડ જેવી અમેરિકાની ઉચ્ચ યુનિવર્સિટીઓ પર કડક કાર્યવાહી બાદ આવ્યું હતું, જેના પર ટ્રમ્પે ખૂબ ઉદાર હોવાનો અને યહૂદી વિરોધ સામે લડવા માટે પૂરતું કામ ન કરવાનો આરોપ મૂક્યો હતો.
ટ્રમ્પના નિર્ણયોના ભારતમાં દૂરગામી પરિણામો આવ્યાં છે, જે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકા મોકલે છે.
છેલ્લા મહિના દરમિયાન બીબીસીએ અરજી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ સાથે વાત કરી. જેમાંથી બધાએ પોતાના ભવિષ્ય વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી.
મોટા ભાગના લોકોએ પોતાનાં નામ ન કહેવાનું મુનાસિબ માન્યું, કારણ કે તેમને અમેરિકન સરકાર તરફથી બદલો લેવાના ડર હતો. તેઓ ચિંતા કરતા હતા કે તેમના બોલવાથી વિઝા મેળવવાની અથવા તેને રિન્યૂ કરવાની તકોને નુકસાન થઈ શકે છે.
વિદેશી વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરતી સંસ્થા ઓપન ડોર્સ અનુસાર 2023-24 વર્ષમાં 1.1 મિલિયનથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુએસ કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો હતો.
તેમાંથી લગભગ ત્રીજા ભાગના અથવા 330,000થી વધુ ભારતના હતા.
કયા વિદ્યાર્થીઓ પર વિઝા રદ થવાનું જોખમ છે?
શૈક્ષણિક સલાહકારો અહેવાલ આપે છે કે અનિશ્ચિતતાને કારણે આગામી પાનખર સત્ર માટે અમેરિકન યુનિવર્સિટીઓમાં અરજીઓમાં ઓછામાં ઓછો 30% ઘટાડો થયો છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર ટીસી ગ્લોબલના સ્થાપક નવીન ચોપરાએ જણાવ્યું કે "તેમને (વિદ્યાર્થીઓ) સૌથી મોટો ડર સલામતીનો છે, જો તેમના વિઝા નકારવામાં આવે અથવા તેમને મધ્ય-સત્રમાં દેશનિકાલ કરવામાં આવે તો શું થશે?"
નિષ્ણાતો કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ હવે કાં તો તેમની યોજનાઓ મુલતવી રાખી રહ્યા છે અથવા યુકે, જર્મની, આયર્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા વધુ "સ્થિર" માનવામાં આવતા દેશો તરફ વળી રહ્યા છે.
પ્રેમા ઉન્ની (નામ બદલ્યું છે)ને ડેટા ઍનાલિટિક્સમાં માસ્ટર ડિગ્રી માટે ત્રણ યુએસ યુનિવર્સિટીઓમાં સ્વીકારવામાં આવ્યાં હતાં, પરંતુ સ્થળાંતરની તૈયારી કરવાને બદલે તેમણે આ તકો સંપૂર્ણપણે છોડી દેવાનું નક્કી કર્યું.
તેઓ કહે છે, "દરેક પગલે અનિશ્ચિતતા છે. પહેલા વિઝા, પછી ઇન્ટર્નશિપ અને પાર્ટ-ટાઇમ કામ પર પ્રતિબંધો અને કૅમ્પસમાં સતત દેખરેખ. આ બધું ખૂબ જ તણાવપૂર્ણ છે."
વિઝા ઇન્ટરવ્યૂ પર રોક એ વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોને કડક બનાવનારી નીતિઓની શ્રેણીમાં પ્રથમ પગલું છે. થોડાં અઠવાડિયાં પહેલાં યુએસએ ચેતવણી આપી હતી કે જે વિદ્યાર્થીઓ યોગ્ય સૂચના વિના વર્ગો છોડે છે અથવા ચૂકી જાય છે, તેમના પર વિઝા રદ થવાનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
આ નિર્ણયો વર્ષના તે સમયની આસપાસ આવ્યા છે જ્યારે 70% જેટલા વિદ્યાર્થી વિઝા જારી કરવામાં આવે છે અથવા રિન્યૂ કરવામાં આવે છે અને તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણ અનુભવે છે.
બોસ્ટન કૉલેજના પ્રોફેસર ક્રિસ આર ગ્લાસે બીબીસીને જણાવ્યું કે "કોઈ પણ વિદ્યાર્થી એવા કોઈ દેશમાં જવા ન માગે, જેની વિઝા નીતિ અચાનક બદલાઈ જાય. તેમને સ્થિરતા અને વિકલ્પોની જરૂર હોય છે."
'અમેરિકાનું અર્થતંત્ર પણ પ્રભાવિત થઈ શકે છે'
પ્રોફેસર ગ્લાસ કહે છે કે, આ અનિશ્ચિતતાનાં લાંબા ગાળાનાં પરિણામો આવશે. ભારતીય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ પર અને અમેરિકાના ભવિષ્યને પણ અસર કરશે. જે એક પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષણ કેન્દ્રની શાખને પણ અસર પહોંચાડશે.
ટ્રમ્પના તાજેતરના નિર્ણય પહેલાં પણ યુએસ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની નોંધણી ધીમી પડી રહી હતી.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબાર અનુસાર અમેરિકાએ નાણાકીય વર્ષ 2023 અને 2024 વચ્ચે 41% વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે દાયકામાં સૌથી વધુ અસ્વીકાર દર છે અને 2014થી લગભગ બમણો છે.
વિદેશી વિદ્યાર્થીઓના વિઝાના પાલન પર નજર રાખતી સ્ટુડન્ટ ઍન્ડ ઍક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (SEVIS)ના ડેટામાં 2024ના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે માર્ચ સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં લગભગ 10% ઘટાડો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘણી અમેરિકન કૉલેજો, ખાસ કરીને STEM (વિજ્ઞાન, ટેકનોલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત) અને અન્ય માસ્ટર પ્રોગ્રામ્સ ઑફર કરતી પ્રાદેશિક અને રાજ્ય યુનિવર્સિટીઓ માટે નાણાકીય જીવનરેખા છે.
આ વિદ્યાર્થીઓ યુએસ નાગરિકો કરતાં નોંધપાત્ર રીતે વધુ ટ્યુશન ફી ચૂકવે છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષકોના સંગઠન નફસાના જણાવ્યા અનુસાર, ફક્ત 2023-24 શૈક્ષણિક વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકન અર્થતંત્રમાં 43.8 બિલિયન ડૉલરનું યોગદાન આપ્યું હતું. તેઓએ 375,000થી વધુ નોકરીઓને પણ ટેકો આપ્યો હતો.
પ્રોફેસર ગ્લાસે જણાવ્યું હતું, "આ મામલો ટ્યુશનની આવકમાં ટૂંકા ગાળાના વિક્ષેપનો નથી. આ બંને દેશોને લાભ આપતા વ્યૂહાત્મક સંબંધોમાં લાંબા ગાળાના ભંગાણ વિશે છે."
દાયકાઓથી સૌથી તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાવાળી ભારતીય યુનિવર્સિટીઓ અથવા સહાયક સંશોધન ઇકૉસિસ્ટમના અભાવે અમેરિકન શિક્ષણ પર આધાર રાખતા આવ્યા છે.
ઘણા લોકો તેમના અભ્યાસક્રમો પૂર્ણ કર્યા પછી ખૂબ જ માગવાળી નોકરીઓ મેળવે છે, ખાસ કરીને, બાયૉટેકનોલૉજી, આરોગ્યસેવા અને ડેટા સાયન્સ જેવાં ક્ષેત્રોમાં કુશળ વ્યાવસાયિકોના નોંધપાત્ર સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે અને પ્રતિષ્ઠિત કંપનીઓનું નેતૃત્વ પણ કર્યું છે.
ગૂગલના સુંદર પિચાઈથી લઈને માઇક્રોસોફ્ટના સત્ય નડેલા સુધીના દરેક વિદ્યાર્થી તરીકે જ અમેરિકા ગયા હતા.
જ્યારે આનાથી ઘણી વાર ભારતમાંથી "બ્રેઇન-ડ્રેન" થવાની ચિંતાઓ ઊભી થઈ છે. નિષ્ણાતો નિર્દેશ કરે છે કે ભારત નજીકના ભવિષ્યમાં ગુણવત્તા અને જથ્થાત્મક ઉચ્ચ શિક્ષણની સમસ્યાને ઉકેલવામાં અસમર્થ છે, જેથી આ વિદ્યાર્થીઓને સ્થાનિક વિકલ્પ પૂરો પાડી શકાય.
નિષ્ણાતો કહે છે કે અનિશ્ચિતતાનાં વાદળ ટૂંક સમયમાં દૂર ન થાય ત્યાં સુધી બંને દેશો માટે આ પરિસ્થિતિ નુકસાનકારક રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન