You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વિઝા નહીં મળે તો તેમના માટે કયા-કયા વિકલ્પો છે?
- લેેખક, રિબેકા થૉર્ન
- પદ, બીબીસી સંવાદદાતા
ટ્રમ્પ સરકારે અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓની વિઝા અપૉઇન્મેન્ટ મોકૂફ કરવાની યોજના ઘડી છે, જેના કારણે વિશ્વભરના વિદ્યાર્થીઓ તણાવ અનુભવી રહ્યા છે અને યુ.એસ.માં તેમને પોતાનું ભવિષ્ય અદ્ધરતાલ જણાય છે.
અમેરિકામાં બીબીસીની પાર્ટનર સંસ્થા સી.બી.એસ.એ અપૉઇન્મેન્ટ્સને હંગામી ધોરણે મોકૂફ કરવાની સ્ટેટ ડિપાર્ટમેન્ટની તૈયારીઓનો મૅમો જોયો છે.
ફોરેન ઍક્ચેન્જ વિઝા તથા સ્ટુડન્ડ વિઝા ઉપર અમેરિકા આવવા માંગતા વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસ હાથ ધરવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે અમેરિકાની કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ વધુ પડતી ઉદારમતી વલણ ધરાવે છે, આ નિર્ણયને તેમની ઉપર લગામ કસવાના ટ્રમ્પ સરકારના ઇરાદા સાથે જોડીને જોવામાં આવે છે.
ટ્રમ્પનું કહેવું છે કે હાવર્ડ યુનિવર્સિટી તેના કૅમ્પસ ઉપર યહૂદીવિરોધી લાગણીઓને નાથવા માટે પૂરતા પ્રયાસ નથી કરી રહી એટલે યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપી શકે, એવા મતલબનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયની સામે હાવર્ડ યુનિવર્સિટીએ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા અને જજે હાલ પૂરતો આ બૅન ઉપર સ્ટે મૂક્યો છે.
ભારતીય વિદ્યાર્થીઓને કેવી અસર થશે?
વિદેશી વિદ્યાર્થીઓ વિશે માહિતી સંકલિત કરતી સંસ્થા 'ઓપન ડૉર્સ'ના જણાવ્યા મુજબ, શૈક્ષણિક વર્ષ 2023-'24 માટે વિશ્વના 210 દેશોના 11 લાખ વિદ્યાર્થીઓએ અમેરિકાની કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.
આ ગાળા દરમિયાન સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચઅભ્યાસ માટ અમેરિકા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓપન ડૉર્સના ડેટા મુજબ ત્રણ લાખ 30 હજાર વિદ્યાર્થીઓએ અમેરિકાની કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો હતો.
બે લાખ 80 હજાર વિદ્યાર્થીઓ સાથે ચીન બીજા ક્રમે હતું. એ પછીના ક્રમે દક્ષિણ કોરિયા, કૅનેડા, તાઇવાન, વિયેતનામ, નાઇજીરિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ અને નેપાળ હતાં.
તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે ટ્રમ્પ સરકાર દ્વારા "આક્રમક રીતે ચાઇનિઝ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝા પાછા ખેંચી લેશે, જેમાં ચાઇનિઝ કમ્યૂનિસ્ટ પાર્ટી સાથે સંબંધ ધરાવનારા વિદ્યાર્થીઓ તથા કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે."
ટ્રમ્પ સરકારની યોજના પ્રમાણે, ભવિષ્યમાં ચીન કે હૉંગકૉંગમાંથી વિઝા માટે જે કોઈ અરજી આવશે તેની "વધારે તપાસ" કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયને કારણે કેટલા ચાઇનિઝ વિદ્યાર્થીઓને અસર થશે, તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ચીનનું કહેવું છે કે તે આ પગલાંનો "મક્કમપણે વિરોધ" કરે છે સાથે કહ્યું હતું કે અમેરિકા સાથે વધુ સર્જનતાત્મક સંબંધ ઇચ્છે છે.
ટ્રમ્પ સરકારે હજારો લોકોના વિઝા પાછા ખેંચી લીધા છે અને મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને ડિપૉર્ટ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી કૅમ્પસોમાં પેલેસ્ટાઇનતરફી દેખાવકારો ઉપર તવાઈ ઉતારી છે. માર્ચ મહિનાના અંતભાગમાં માર્કો રૂબિયોએ કહ્યું હતું કે યુ.એસ.એ ઓછામાં ઓછા 300 વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પેલેસ્ટાઇનતરફી દેખાવોને કારણે પાછા ખેંચી લીધા છે.
હાવર્ડ યુનિવર્સિટીએ અદાલતમાં દાખલ કરેલા જવાબમાં કહ્યું હતું કે જો તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું તેનું સર્ટિફિકેશન રદ કરવામાં આવશે તો તેને ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ થશે.
કૉર્ટની અરજી સાથે આપવામાં આવેલા ડેક્લેરેશનમાં હાવર્ડ ઇન્ટરનૅશનલ ઑફિસના ડાયરેક્ટર મૌરિન માર્ટિને કહ્યું હતું કે આ નિર્ણયને કારણે હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોને "ભારે ભાવનાત્મક તણાવ" થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ ગ્રૅજ્યુએશન સૅરેમનીમાં ભાગ નથી લઈ રહ્યા, આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળી રહ્યા છે તથા અમુક કિસ્સામાં અન્ય કૉલેજોમાં ટ્રાન્સફર લઈ રહ્યા છે.
કોર્ટને જણાવ્યા પ્રમાણે, અમુક વિદ્યાર્થીઓ આશંકા વ્યક્ત કરી છે કે જો તેમને પોતાના દેશમાં પરત ફરવા માટે ફરજ પાડવામાં આવશે, તો ત્યાં તેમણે ઘર્ષણમાં ઉતરવું પડશે અથવા તેમનું રાજકીય દમન થશે.
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી તથા યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગમાં ઉચ્ચ આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટેના ગ્લોબલ સ્ટ્રૅટજિસ્ટ પ્રો. એમિરટ્સ વિલિયમ બ્રૂસ્ટિનના કહેવા પ્રમાણે, તેની અમેરિકા ઉપર ભારે અસર થશે.
"હાવર્ડ યુનિવર્સિટી કદાચ ઉગરી જશે, મતલબ કે કપરું હશે, પરંતુ મને પબ્લિક યુનિવર્સિટીઓ વિશે ચિંતા છે, જેઓ શૈક્ષણિક આવક તથા ફિસ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપર ભારે આધાર રાખે છે."
તેઓ કહે છે, "આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અલગ-અલગ મુદ્દે આપણાં કૅમ્પસ પર વૈવિધ્યસભર દૃષ્ટિકોણ રજૂ કરી શકે છે, જેની ઉપર ખરેખર અસર થશે."
વિદ્યાર્થીઓ પાસે કેવા વિકલ્પ?
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કૅનેડા, યુ.કે. તથા ઑસ્ટ્રેલિયાએ પણ વિદેશથી ભણવા આવી રહેલા વિદ્યાર્થીઓને નોંધપાત્ર સંખ્યામાં આકર્ષ્યા છે.
જોકે ઇમિગ્રૅશન કાયદાઓમાં નાટ્યાત્મક ફેરફારોને કારણે તેમના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કૅનેડાએ પોતાને ત્યાં ભણવા આવવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે – આ માટે તે વિદેશી વિદ્યાર્થીઓ માટે જરૂરી આર્થિકસદ્ધરતાને વધારવા માગે છે. ઇમિગ્રૅશનનને મર્યાદિત કરવાના માટે હાથ ધરવામાં આવેલા અનેક પ્રયાસોમાં આ પણ એક છે.
યુ.કે.માં ઑક્સફર્ડ તથા કૅમ્બ્રિજ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ આવેલી છે અને યુ.કે. પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની તકોને મર્યાદિત કરવા માટે પ્રયાસરત છે.
જાન્યુઆરી-2024માં સ્ટુડન્ટ વિઝા પરના નિયંત્રણો અમલમાં આવ્યાં, જેના પગલે પોસ્ટ-ગ્રૅજ્યુએશનના વિદ્યાર્થીઓ પરિવારના આશ્રિત સભ્યોને યુ.કે.માં લાવવાનો અધિકાર ગુમાવી દીધો. નવો પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં વર્ક વિઝા માટે સ્વિચ નથી કરી શકતા.
વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બજારમાં ઑસ્ટ્રેલિયા બહુ મોટું નામ છે. તેણે પણ વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે, તે 'ઓવરઑલ' ઇમિગ્રૅશનને કોરોનાકાળ પહેલાંના સ્તરે લઈ જવા માગે છે.
પ્રો. બ્રુસ્ટિનના કહેવા પ્રમાણે, વધુ ને વધુ દેશો પોતાની શૈક્ષણિકવ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે પ્રયાસરત છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના ઘરઆંગણે અભ્યાસ મેળવે. જોકે, તેમના પાસે બહાર ભણવા જવાનો પણ વિકલ્પ રહેશે.
આ દેશો આપી રહ્યાં છે આમંત્રણ
અમેરિકામાં જે કંઈ થઈ રહ્યું છે, તે અનેક યુનિવર્સિટીઓ માટે તક સમાન છે, કારણ કે તેઓ પોતાના ફંડિંગના નોંધપાત્ર હિસ્સા માટે વિદેશી વિદ્યાર્થીઓ ઉપર આધાર રાખે છે – કારણ કે વિદેશથી ભણવા આવતા લોકો ઊંચી શૈક્ષણિક ફિસ ચૂકવવા માટે તૈયાર હોય છે.
હૉંગકૉંગના ચીફ ઍક્ઝિક્યુટિવ જૉન લીના કહેવા પ્રમ્ણે, જે વિદ્યાર્થીઓ "અમેરિકાની ભેદભાવભરી નીતિને કારણે ભણતરમાં મુશ્કેલી અનુભવે છે અથવા તો અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યાં છે" તેઓ "આવકાર્ય" છે.
લીએ કહ્યું, "જે વિદ્યાર્થીઓ હૉંગકૉંગમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને સરકાર તથા સ્થાનિક સંસ્થાનો શ્રેષ્ઠ સહાયતા તથા જરૂરી વ્યવસ્થા કરી આપશે."
મલેશિયાની સનવૅ યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સ્ટીઓએ અમેરિકા સિવાયનાં સ્થળોએ અભ્યાસ કરવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.
ગ્રૂપના સી.ઈ.ઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) ઍલિઝાબેથ લીએ લિંક્ડઇન પર લખ્યું, "અમે ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (એ.એસ.યુ.) સાથે પાર્ટનરશિપ ધરાવીએ છીએ. તમે હાવર્ડમાં અભ્યાસ દરમિયાન જેટલી ક્રૅડિટ્સ મેળવી હોય તેને એ.એસ.યુ.માં ટ્રાન્સફર કરાવી શકો છો. અથવા તો અમારા પોતાના સન-યુ ડિગ્રી પ્રોગ્રામના કોઈપણ કોર્ષમાં જોડાય શકો છો, સાથે જ લાનકૅસ્ટર યુનિવર્સિટીમાંથી વધારાનું બ્રિટીશ સર્ટિફિકેશન પણ મેળવી શકો છો."
ઉચ્ચ અભ્યાસ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં સિવાય જર્મની પણ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.
જર્મની ઍકેડમિક ઍક્સચેન્જ સર્વિસના અનુમાન પ્રમાણે, વર્ષ 2025માં લગભગ ચાર લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ત્યાં ભણવા માટે આવશે.
જર્મનીએ યુરોપિયન સંઘ સિવાયના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમો હળવા બનાવ્યા છે. જર્મનીએ ઈ.યુ. સિવાયના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છૂટ આપી, અગાઉ આ મર્યાદા 10 કલાકની હતી.
જર્મનીએ પણ આર્થિક સદ્ધરતાના પુરાવાની માગમાં વધારો કર્યો છે, પરંતુ તે કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેટલો વધારે નથી.
પ્રો. બ્રુસ્ટિનના કહેવા પ્રમાણે, છેલ્લાં 15 વર્ષ દરમિયાન ઉચ્ચઅભ્યાસ માટેનાં આંતરરાષ્ટ્રીય બજારોમાં મૂળતઃ પરિવર્તન આવ્યું છે. ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે અનેક સ્થળો (દેશો) અને વિકલ્પ ઉપલબ્ધ છે.
પ્રો. બ્રુસ્ટિનના કહેવા પ્રમાણે, "મલેશિયાની કેટલીક યુનિવર્સિટીઓ ઉચ્ચ કોટિની છે. મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા હજુ પણ પરવડે એમ છે. અમેરિકા છોડવા માંગતા ટોચના પ્રાધ્યાપકોને આકર્ષવા માટે ફ્રાન્સમાં નાણાકીય ફાળવણી કરવામાં આવી રહી છે. મને લાગે છે કે યુરોપ પણ હજુ મેદાનમાં છે, પણ હું પૂર્વ અને દક્ષિણ પૂર્વીય એશિયાના દેશોમાં જે કંઈ બની રહ્યું છે, તેના ઉપર ભાર મૂકું છું, તે વિશ્વનો ખૂબ જ ડાયનેમિક ભૂભાગ છે."
ભારતમાં વિદેશી યુનિવર્સિટીની 'શાખા'?
પ્રો. બ્રુસ્ટિનનું માનવું છે કે આગામી સમયમાં 'બ્રાન્ચ-કૅમ્પસ'નો વિચાર વધુ પૉપ્યુલર થશે. તેઓ કહે છે, "બ્રિટનની યુનિવર્સિટીઓ લાંબા સમયથી આમ કરી રહી હોવાની મને જાણ છે."
તેઓ ઉમેરે છે, "મલેશિયન યુનિવર્સિટીઓ પણ આમ કરે છે. અને અમેરિકામાં જે કંઈ ચાલી રહ્યું છે, એની ઉપર નજર કરીએ તો, ઇલિયન્સ ઇન્સ્ટિટ્યૂટ ટૅક્નૉલૉજી ભારત અને ચીનમાં કાર્યરત છે."
હાવર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, તે વિશ્વના 50થી વધુ દેશોમાં ભણવાની તક આપે છે. જેમાં આર્જેન્ટિના, ઇંગ્લૅન્ડ, કોરિયા, સેનેગલ અને બ્રાઝિલ સહિતના દેશોનો સમાવેશ થાય છે.
જો ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ બહાલ રહેશે, તો શું અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્થળોમાંથી કોઈક જગ્યાએ ટ્રાન્સફર લઈને અભ્યાસ ચાલુ રાખી શકશે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન