You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2025: એ પાંચ કારણો જેના કારણે ગુજરાત ટાઇટન્સનો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામે પરાજય થયો
શુક્રવારે ગુજરાત ટાઇટન્સ તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ઍલિમિનેટર મૅચ રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો 20 રને વિજય થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 228 રનનો જુમલો ખડક્યો હતો, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ છ વિકેટના ભોગે માત્ર 208 રન બનાવી શકી હતી.
આ સાથે જ ગુજરાતની ટીમ માટે આઈ.પી.એલ.ની અઢારમી આવૃત્તિની સફર સમાપ્ત થઈ રહી છે.
ગુજરાત ટાઇટન્સની ટીમે મૅચ દરમિયાન કેટલીક ભૂલો કરી હતી, જે તેમને છેવટ સુધી નડી હતી અને છેવટે ટુર્નામેન્ટની બહાર દોરી ગઈ હતી.
રવિવારે પંજાબ કિંગ્સ તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે બીજી ક્વૉલિફાયર મૅચ રમાશે.
રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુની ટીમ અગાઉથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મુકામ સુધી પહોંચવા માટે આર.સી.બી.એ નવ વર્ષની રાહ જોવી પડી છે.
ફાઇનલ મૅચ ત્રીજી જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
મુંબઈ ઇન્ડિયન્સની શાનદાર બેટિંગ
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અત્યારસુધીમાં પાંચ વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જ્યારે-જ્યારે ગુજરાતની ટીમ સામે ઉતરી છે, ત્યારે તેને મજબૂત ટક્કર મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું, કારણ કે આ મેદાન ઉપર રમાયેલી પહેલી ક્વૉલિફાયર મૅચ દરમિયાન પંજાબ કિંગ્સની ટીમ પહેલાં બેટિંગ કરતાં નોંધપાત્ર જુમલો ખડકી નહોતી શકી.
ટૉસ બાદ પોતાના નિર્ણય અંગે તર્ક આપતા હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે શુક્રવારે તેમને પીચ 'બેટિંગ ફ્રૅન્ડલી' જણાય છે એટલે અમે પહેલાં બેટિંગ લઇશું.
પંડ્યાનો આ દાવ ફળ્યો હતો અને પહેલાં બેટિંગ કરતા મુંબઈની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 228 રન ખડક્યા હતા.
કૅચ છૂટ્યા, મૅચ છૂટી
મૅચ બાદ શુભમન ગિલે શબ્દ ચોર્યા વગર કહ્યું હતું કે અમારાથી કેટલીક ભૂલો થઈ છે. ત્રણ કૅચ છોડ્યા બાદ મૅચ જીતવી સરળ ન હોય, વિશેષ કરીને પાવરપ્લૅ દરમિયાન.
રોહિતને પાવરપ્લૅ દરમિયાન બે જીવતદાન મળ્યાં હતાં. પહેલાં ગેરાલ્ડ કોએત્ઝી બાઉન્ડ્રી પાસે કૅચ ગુમાવ્યો અને પછી વિકેટની પાછળ કુસલ મૅંડિસ બૉલને પકડી શક્યા ન હતા. રોહિતે 50 બૉલમાં 81 રન બનાવ્યા હતા.
આ સિવાય સૂર્ય કુમાર યાદવનો કૅચ પણ છૂટ્યો હતો, જેમણે 20 બૉલમાં 33 રન ફટકારીને ટીમને પોતાનું પ્રદાન આપ્યું હતું.
'પ્લૅયર ઑફ ધ મૅચ' બન્યા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે 'આજે નસીબે મને સાથ આપ્યો મને ખબર હતી કે મારે તેનો પૂરો લાભ લેવાનો છે. મને ખુશી છે કે હું એવું કરી શક્યો અને ટીમને સારી સ્થિતિમાં લાવી શક્યો.'
નવોદિતો પર દાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવને કારણે લગભગ એક અઠવાડિયા માટે આઈ.પી.એલ.ની તમામ મૅચો મોકૂફ કરી દેવી પડી હતી.
એક સપ્તાહ પછી ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ, પરંતુ તેનું શિડ્યુલ પાછું ઠેલાયું હતું. જેના કારણે આઈ.પી.એલ.ની ટીમોમાં રમતા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પોત-પોતાની ટીમોમાં પરત ફરવું પડે તેમ હતું.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી રિયાન રિકલ્ટન, કૉર્બિન બોશ તથા વિલ જેક્સે પોત-પોતાની ઇન્ટરનૅશનલ ટીમોમાં પરત ફરવું પડ્યું હતું.
એ પછી મુંબઈની ટીમે જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લિસન અને રાજ અંગદ બાવાને સ્થાન આપ્યું હતું.
જોની બેયરસ્ટોએ 22 બૉલમાં 47 રનની જોરદાર ઇનિંગ રમી હતી અને રોહિત શર્માનો સાથ આપ્યો હતો.
ગ્લિસને 3.3 ઓવરમાં 39 રન આપ્યા હતા અને પ્રમાણમાં મોંઘા બૉલર સાબિત થયા હતા.
સાંઈ સુદર્શન ઝડપભેર સ્કોરબોર્ડને ફેરવી રહ્યા હતા, ત્યારે ગ્લિસનની બૉલ ઉપર બૉલ્ડ થયા હતા. 15મી ઓવરમાં સાંઈ સુદર્શનના જવાથી ગુજરાત ટાઇટન્સની ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થયું હતું.
ગુજરાત ટાઇટન્સના કપ્તાને મૅચ બાદ કહ્યું હતું કે છેલ્લી બે-ત્રણ ઓવર અમારા માટે ભારે પડી હતી. અને સાંઈ સુદર્શનનું નિર્ગમન એ કદાચ એમાનું એક કારણ હતું.
ઊંચો ટાર્ગેટ
મુંબઈ ઇન્ડિયન્સે 228 રન બનાવ્યા હતા, જે પ્લે-ઑફ મૅચ દરમિયાનના સર્વોચ્ચ જુમલામાંથી એક હતો.
વર્ષ 2022માં પ્રથમ વખત આઈ.પી.એલ.માં આવેલી ગુજરાતની ટીમ અત્યારસુધીમાં બે વખત ફાઇનલમાં પહોંચી છે. છતાં તેના ઉપર ઊંચા સ્કોરનું મનોવૈજ્ઞાનિક દબાણ આવ્યું હતું.
મૅચ દરમિયાન જણાવ્યા પ્રમાણે, આઈ.પી.એલ. દરમિયાન 17 વખત એવું થયું છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 200 કરતાં વધુ રન બનાવ્યા હોય અને હરીફ ટીમ એક પણ વખત જીતી ન હોય.
જોકે, સાંઈ સુદર્શને ગુજરાત વતી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 49 બૉલમાં 80 રન બનાવ્યા હતા. જેના કારણે મૅચ રસપ્રદ બની હતી. અન્યથા આ મૅચ લગભગ એકતરફી જ બની રહી હોત.
જસપ્રિત બુમરાહની બૉલિંગ
મુંબઈ ઇન્ડિયન્સ વતી જસપ્રિત બુમરાહે ખૂબ જ કિફાયતી બૉલિંગ કરી હતી, તેમણે 6.75ની એવરેજથી ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા.
24 બૉલમાં 48 રન કરીને ગુજરાત ટાઇટન્સ વતી બેટિંગનું આક્રમણ સંભાળનારા વૉશિંગ્ટન સુંદરને અણિના સમયે બુમરાહે બૉલ્ડ કર્યા હતા.
બુમરાહની યૉર્કર બૉલની મૅચ દરમિયાન કૉમેન્ટેટરો અને ઇન્ટરનેટ ઉપર ભારે ચર્ચા થઈ હતી.
છેલ્લી એક ઓવરમાં ગુજરાત ઇન્ડિયન્સને 24 રન જોઇતા હતા. એવા સમયમાં જો વૉશિંગ્ટન સુંદર થોડો વધુ સમય પિચ પર રહ્યા હોત, તો શું થયું હોત ? તે સમીકરણ જ જસપ્રિતની એકમાત્ર વિકેટનું મહત્ત્વ સમજવા માટે પૂરતું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન