You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક્સિઓમ-4 મિશન શું છે જેમાં 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં રવાના થયા
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી સંવાદદાતા
નાસાનું એક્સિઓમ મિશન વારંવાર વિલંબમાં મુકાયા પછી આજથી લૉન્ચ થયું છે. ભારતના શુભાંશુ શુક્લા અને બીજા ત્રણ અંતરીક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) માટે રવાના થયા છે.
એક્સિઓમ-4 મિશન હેઠળ ચારેય અંતરીક્ષયાત્રી 14 દિવસ સુધી આઈએસએસમાં રહેશે.
આ મિશનમાં અનેક વખત વિલંબ થયો છે.
રૉકેટમાં જોવા મળેલી ટેકનિકલ ખામીઓ અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં લિકેજ જેવી સમસ્યાઓના કારણે મિશન વારંવાર મોકૂફ રાખવું પડ્યું હતું.
અગાઉ રાકેશ શર્મા પ્રથમ ભારતીય અંતરીક્ષયાત્રી હતા જેઓ 1984માં રશિયન મિશન હેઠળ સ્પેસમાં ગયા હતા.
રસપ્રદ વાત એ છે કે રાકેશ શર્મા અંતરીક્ષમાં ગયા ત્યારે શુભાંશુ શુક્લાનો જન્મ પણ નહોતો થયો.
આ એક કૉમર્શિયલ મિશન છે, જે એક્સિઓમ સ્પેસ નામની અમેરિકન કંપની, નાસા અને સ્પેસ એક્સ સાથે મળીને ઑપરેટ કરવામાં આવે છે.
આ કંપનીનું ચોથું મિશન છે જેમાં પહેલી વખત કોઈ ભારતીય અંતરીક્ષયાત્રી હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ શર્મા 1984ની ત્રીજી એપ્રિલે સોવિયેટ અવકાશયાન સોયુઝ ટી-11માં બેસીને અવકાશમાં ગયા હતા. તેમણે સોવિયેટ અવકાશમથક સેલ્યુટ-7 પર સાત દિવસ અને 21 કલાક વિતાવ્યા હતા. સેલ્યુટ-7 એ વખતે અવકાશમાં કાર્યરત હતું અને સંશોધન કરી રહ્યું હતું.
જોકે, કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને રાજા સારી સહિતનાં ભારતીય મૂળનાં કેટલાંક લોકો એ પછી અવકાશમાં ગયાં છે, પરંતુ કોઈ ભારતીય નાગરિક આંતરરાષ્ટ્રીય અવકાશમથકે જવાનો હોય તેવી આ પહેલી ઘટના છે.
શું છે એક્સિઓમ-4?
આંતરરાષ્ટ્રીય અવકાશમથકની રચના, માનવોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (પૃથ્વીથી 160-2000 કિલોમીટર ઉપર) અસ્થાયી રીતે રાખવા અને અવકાશ સંશોધન માટે કરવામાં આવી છે.
આ સ્પેસ સ્ટેશન 2013માં નિષ્ક્રિય થઈને પૃથ્વી પર તૂટી પડશે એવી ધારણા છે. જોકે, વાતાવરણમાં પુનઃપ્રવેશ દરમિયાન જોરદાર ગરમીને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશમથકના મોટા ભાગના હિસ્સા પૃથ્વી પર અથડાતા પહેલાં બળી જશે.
તેના બદલામાં નાસા હવે ખાનગી કંપનીઓની ભાગીદારીથી એક નવા અવકાશમથકની રચના કરવા ઇચ્છે છે અને એક્સિઓમ સ્ટેશન તેનો એક હિસ્સો છે.
તેને સ્થાપિત કરવા માટે જરૂરી ચાર મૉડ્યુલ અનેક તબક્કામાં અવકાશમાં લૉન્ચ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય અવકાશમથક સાથે જોડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અવકાશમથક નિષ્ક્રિય થઈ જશે ત્યારે આ મૉડ્યુલ અલગ થઈ જશે અને નવા અવકાશમથક તરીકે સેવા આપશે. જોકે, એક્સિઓમ સ્પેસ 2031 સુધી રાહ જોવાને બદલે આનો અમલ 2028 સુધીમાં કરવા ધારે છે.
નાસાના કહેવા મુજબ, પ્રથમ મૉડ્યુલ 2026માં અવકાશમાં લૉન્ચ કરવામાં આવશે. બધું યોજના મુજબ પાર પડશે તો એક્સિઓમ સ્ટેશન વિશ્વનું સૌપ્રથમ કૉમર્શિયલ સ્પેસ સ્ટેશન બનશે.
એક્સિઓમ સ્પેસ કંપની 2022થી માનવીઓને અવકાશમાં મોકલી રહી છે. કંપની આ નવા અવકાશમથકની સ્થાપના સંબંધિત કામગીરી માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય અવકાશમથકના સ્થાને અને કૉમર્શિયલ સ્પેસ સ્ટેશન તરીકે તેના ભવિષ્યની ભૂમિકા પણ તૈયાર કરી રહી છે.
આ મિશન એક્સિઓમ-4નો ચોથો તબક્કો છે, પણ તેમાં પ્રવાસ કરવાના છે એ ચાર લોકો કોણ છે?
એ ચાર લોકોમાં અમેરિકન અવકાશયાત્રી તથા એક્સિઓમ-4ના મિશન કમાન્ડર બેકી વ્હિટસન, ભારતના સુભાંશુ શુક્લા, એક્સિઓમ-4 પ્રોજેક્ટના પાઇલટ પોલૅન્ડના સ્લાવોઝ ઉસ્નાન્સ્કી-વિઝનીવસ્કી અને એક્સિઓમ-4 પ્રોજેક્ટના નિષ્ણાત હંગેરીના ડેબોર કાપુનો સમાવેશ થાય છે.
ભારત, પોલૅન્ડ અને હંગેરી આંતરરાષ્ટ્રીય અવકાશમથકમાં સંશોધન મિશનમાં ભાગ લેશે તેવી આ પહેલી ઘટના છે.
શુભાંશુ શુક્લા કોણ છે?
શુભાંશુ શુક્લાનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌમાં 1985ની 10 ઑક્ટોબરે થયો હતો. નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં તાલીમ લીધા પછી 2006માં તેઓ ભારતીય વાયુસેનાની ફાઇટર વિંગમાં જોડાયા હતા.
શુભાંશુને 2000 કલાકનો ફ્લાઇંગ ઍક્સપિરિયન્સ છે. તેમાં ભારતીય વાયુસેનાના સુખોઈ એસયુ-30 એમકેઆઈ, મિગ-21, જગુઆર, હૉક, ડોર્નિયર અને એએન-32 જેવાં યુદ્ધવિમાનો ઉડાડવાનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઈસરો)ના 2019ના એક ફોનકૉલથી શુભાંશુનું જીવન બદલાઈ ગયું હતું. એ પછી તેમણે રશિયાના મૉસ્કોમાં યુરી ગાગરીન કૉસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં એક વર્ષ તાલીમ લીધી હતી. 2024માં તેમને ભારતીય વાયુસેનામાં ગ્રૂપ કૅપ્ટન પદે બઢતી આપવામાં આવી હતી.
ઇસરોએ અવકાશમાં માનવ મોકલવાના તેના પ્રોજેક્ટને ગગનયાન નામ આપ્યું છે.
એ માટે શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અંગદ પ્રતાપ અને અજીત કૃષ્ણની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી.
આ ચાર પૈકીના કેરળના પ્રશાંત બાલકૃષ્ણન નાયર અને શુભાંશુ શુક્લને એક્સિઓમ-4 પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે.
જોકે, પ્રશાંત બાલકૃષ્ણન નાયર એક્સિઓમ-4ની બૅક-અપ ટીમમાં છે. તેનો અર્થ એ થાય કે બૅક-અપ ટીમના સભ્યોને પણ એક્સિઓમ-4 પ્રોજેક્ટના મુખ્ય ચાર સભ્યો જેવી જ ટ્રેનિંગ આપવામાં આવશે.
અંતિમ તબક્કે મુખ્ય સભ્યોમાંથી એક અવકાશયાત્રી ઉડાન ભરવામાં અસમર્થ હોય તો તેનું સ્થાન આ બૅક-અપ ક્રૂના સભ્યો પૈકીની એક વ્યક્તિ લેશે.
અમેરિકાના ફ્લોરિડાના કૅનેડી સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ થનારું આ મિશન 14 દિવસ ચાલશે.
એક્સિઓમ સ્પેસ કંપનીના જણાવ્યા મુજબ, એક્સિઓમ-4 પ્રોજેક્ટનો ઉદ્દેશ "અમેરિકા, ભારત, પોલૅન્ડ, હંગેરી અને સાઉદી અરેબિયા સહિતના 31 દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશરે 60 અવકાશ સંશોધન મિશન હાથ ધરવાનો છે."
તેમાં નીચેની બાબતો સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે.
- ઇન્સ્યુલિન પર આધારિત હોય અને ડાયાબિટીસથી પીડાતા અવકાશયાત્રીઓને મદદ કરવાના માર્ગોની તપાસ ટૂંકા ગાળાના સ્પેસ મિશન્સ દરમિયાન કરવી.
- માઇક્રોગ્રેવિટી અવકાશમાં અસ્તિત્વમાં રહેલું ઘટેલું ગુરુત્વાકર્ષણ છે. માનવ મગજ પર આવા વાતાવરણની અસરોનો અભ્યાસ કરવો.
- માનવ અવકાશમાં કેવી રીતે અનુકૂલન સાધે છે તે સમજવા માટે અવકાશયાત્રીઓ પાસેથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક માહિતી એકત્ર કરવી.
- સાંધા અને રક્ત પ્રવાહ પર ટૂંકી અવકાશી ઉડાનની અસરોનો અભ્યાસ કરવો.
- અવકાશમાં કૅન્સરના વિકાસની, ખાસ કરીને ટ્રિપલ નૅગેટિવ સ્તન કૅન્સર સંબંધી તપાસ કરવી.
- અવકાશયાત્રા દરમિયાન બ્લડ સ્ટેમ સેલ્સ પર થતી અસરોને સમજવી.
એક્સિઓમ-4 પ્રોજેક્ટમાં ઇસરોનું સંશોધન કાર્ય
એક્સિઓમ પ્રોજેક્ટમાં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે મળીને ઇસરોના વડપણ હેઠળના આંતરરાષ્ટ્રીય અવકાશમથક પરના રિસર્ચ મિશન્સનો પણ સમાવેશ કરવામાં આવશે. તેની વિગત નીચે મુજબ છે.
- માઇક્રોગ્રેવિટી વાતાવરણની કમ્પ્યુટર સ્ક્રીન પરની અસરોની તપાસ કરવી.
- માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં ત્રણ માઇક્રોએલ્ગી સ્ટ્રેઇન્સના વિકાસ, ચયાપચય અને આનુવંશિકતાનો અભ્યાસ કરવો. પછી પૃથ્વી પર મેળવેલા ડેટા સાથે તેની તુલના કરવી.
- માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં સ્કેલેટલ મસ્ક્યુલર ડિસફંક્શનનો અને તેની સારવારનો અભ્યાસ કરવો.
- છ પ્રકારના પાક બીજ પર અવકાશયાત્રાની અસરોની તપાસ કરવી.
- પાક બીજની અંકુરણ પ્રક્રિયા તથા વિકાસ પર અવકાશયાત્રાની અસરોની તપાસ કરવી.
એક્સિઓમ સ્પેસના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ દ્વારા ભારત અવકાશ વિજ્ઞાન તથા ટેકનૉલૉજીમાં નોંધપાત્ર પ્રગતિ કરશે અને તે ભારતીય વિજ્ઞાનીઓ તથા ઇજનેરોની આગામી પેઢીને પ્રેરણા આપશે.
રાકેશ શર્મા શું કહે છે?
છેલ્લાં 25 વર્ષમાં 270થી વધુ અવકાશયાત્રીઓએ આંતરરાષ્ટ્રીય અવકાશમથકની મુલાકાત લીધી છે, પરંતુ તેમાં એકેય ભારતીય નાગરિક નથી.
ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ અને અવકાશમાં ગયેલા પ્રથમ ભારતીય રાકેશ શર્મા કહે છે કે કોઈ ભારતીય અવકાશમાં જાય તેવા સમાચારની રાહ તેઓ 41 વર્ષથી જોઈ રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "હું ખૂબ જ ખુશ છું. ભારતીય સ્પેસ સેક્ટર માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષણ છે."
તેમણે ઉમેર્યું હતું, "હું અવકાશમાં ગયો ત્યારે બધું નવું હતું. વિશ્વની અને ખાસ કરીને સમગ્ર ભારતની નજર અમારા પર હતી."
તેમણે કહ્યું કે,"હવે ટેકનૉલૉજીકલ પ્રગતિના યુગમાં અવકાશયાત્રામાં ઘણું પરિવર્તન થયું છે. જોકે, પડકારો તો તેમાં પણ છે."
રાકેશ શર્મા અને બે સોવિયેટ અવકાશયાત્રીઓ એમ ત્રણ સભ્યોની ટીમે 1984માં સોવિયેટ અવકાશમથક પર લગભગ આઠ દિવસ પસાર કરીને વૈજ્ઞાનિક તથા ટેક્નિકલ સંશોધન કર્યું હતું.
ખાસ કરીને રાકેશ શર્માએ બાયોમેડિસિન અને રિમોટ સેન્સિંગ સંબંધી સંશોધન કર્યું હતું.
એ મિશન સાથે ભારત અવકાશમાં માનવ મોકલનાર 14મો દેશ બન્યો હતો. હવે 41 વર્ષ પછી વધુ એક ભારતીય અવકાશમાં જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન