40 દેશોના વૈજ્ઞાનિકોએ ભારતના આ નાના ગામમાં સૂર્યગ્રહણ જોવા ધામા કેમ નાખ્યા હતા?

    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

તેલંગણાનું એક એવું ગામ કે જે એક સમયે આખી દુનિયામાં પ્રખ્ચાત હતું.

નાગરકુર્નૂલ જિલ્લાના બિજીનપલ્લી મંડળમાં આવેલું પાલેમ ગામ કંઈક ખાસ છે.

1980માં ડઝનબંધ વિજ્ઞાનીઓ અને અવકાશ સંશોધકો આ ગામની મુલાકાત લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા, પણ તેનું કારણ શું હતું?

પાલેમ તેલંગણાનાં અન્ય બધાં ગામ જેવું જ છે, પરંતુ 1980માં અહીં દેખાયેલા એક દૃશ્યે આ ગામને વિશ્વના નકશા પર સ્થાન આપ્યું હતું.

1980ની 16 ફેબ્રુઆરીએ પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. વિજ્ઞાનીઓએ ગણતરી કરી હતી કે તે સૂર્યગ્રહણ પાલેમ ગામેથી સ્પષ્ટ દેખાશે.

પરિણામે સંખ્યાબંધ સંશોધકો સૂર્યગ્રહણનો અભ્યાસ કરવા આ ગામમાં આવ્યા હતા.

અમેરિકાના નૅશનલ સેન્ટર ફૉર એટમોસ્ફેરિક રિસર્ચની હાઈ એલ્ટિટ્યૂટ ઑબ્ઝર્વેટરીએ ગ્રહણના ફોટોગ્રાફ લેવા માટે પાલેમ ગામમાં એક ખાસ કૅમેરો મોકલ્યો હતો.

તે કૅમેરો ગોર્ડન ન્યૂરિકે ડિઝાઇન કર્યો હતો.

પ્લેનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાની ટીમે બીબીસીને જણાવ્યું હતું કે પાલેમમાં થયેલા સંશોધનથી સૂર્યની ભ્રમણકક્ષાને વધુ સારી રીતે સમજવામાં અને સૌર ભૌતિકશાસ્ત્રને આગળ વધારવામાં મદદ મળી હતી.

ભારતનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ

ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાના જર્નલમાં એ જ વર્ષે '16 ફેબ્રુઆરી, 1980ના પૂર્ણ સૂર્યગ્રહણનું અવલોકન' નામનો એક સંશોધનપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

એ સંશોધનપત્ર વી. પી, ગૌર, કે. આર. બોંડલ, કે. સિંહા, જી. સી. જોશી અને એમ. સી. પાંડેએ પ્રકાશિત કર્યો હતો.

સંશોધકોએ તેમાં લખ્યું હતું, "ક્ષેત્ર નિરીક્ષણ કર્યા પછી ઉસ્માનિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ સાથે મળીને અમે (તત્કાલીન) આંધ્રપ્રદેશ રાજ્યના હૈદરાબાદથી 110 કિલોમીટર પશ્ચિમમાં આવેલા પાલેમ (મહેબૂબનગર જિલ્લો) નામના એક નાનકડા ગામને આ સૂર્યગ્રહણ નિહાળવા માટે પસંદ કર્યુ હતું."

આ નિરીક્ષણ માટે તેમને ઉત્તરપ્રદેશ સરકારે નાણાકીય સહાય આપી હતી, જ્યારે અમેરિકાની સ્મિથસોનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીએ અન્ય સહાય કરી હતી.

શ્રી વેંકટેશ્વર ગવર્ન્મેન્ટ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજની વેબસાઇટ જણાવે છે, "ફેબ્રુઆરી, 1980માં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટે લગભગ 40 દેશોના વિજ્ઞાનીઓ પાલેમ ગામે આવ્યા હતા અને સંશોધન કરવા માટે લગભગ 40 દિવસ ગામમાં રહ્યા હતા."

મહેલમાંથી લીધા સૂર્યગ્રહણના ફોટોગ્રાફ્સ

વિજ્ઞાનીઓના કહેવા મુજબ, ભારતમાં પૂર્ણ સૂર્યગ્રહણ ભાગ્યે જ જોવા મળે છે.

પ્લેનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાના આયોજક રઘુનંદને બીબીસીને કહ્યું હતું, "પૂર્ણ સૂર્યગ્રહણનું અવલોકન કરીને વિજ્ઞાનીઓ સૂર્ય તથા સૌરમંડળની ઉત્પત્તિ વિશે જાણવાના પ્રયાસ કરે છે. એ દિવસોમાં ચંદ્રમિશન જેવી ટેકનોલૉજી બહુ વિકસિત ન હતી ત્યારે આવા ગ્રહણનું અવલોકન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું."

"ગુંટુર નજીક આ પ્રકારનું ગ્રહણ જોવા મળ્યું ત્યારે જ હિલિયમની શોધ થઈ હતી એ વાત જાણીતી છે. તેથી જ ગ્રહણોનું અવલોકન વિજ્ઞાનીઓ માટે ખાસ હોય છે."

રઘુનંદન ઉમેર્યું હતું, "પાલેમની વાત કરીએ તો, સૂર્યગ્રહણ ક્યાંથી નિહાળવું તે વિજ્ઞાનીઓ અગાઉથી નક્કી કરતા હોય છે. અંબરપથ સૂર્યગ્રહણના માર્ગ પરનું સૌથી અંધારિયું સ્થળ હતું. પાલેમ ગામ તે માર્ગ પર આવેલું હતું. તેમણે એ ગામ પસંદ કર્યું, કારણ કે અન્ય સ્થળો કરતાં અહીંથી ગ્રહણ જોવાનો સમય (લગભગ ચાર મિનિટ) લાંબો હતો. ત્યાંનું સ્વચ્છ આકાશ પણ અનુકૂળ હતું."

"એનસીએઆર સંસ્થાએ પાલેમમાં કૅમેરા સ્થાપિત કર્યા હતા. પાલેમમાં ગ્રહણ ફોટોગ્રાફીની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ સમયે ગ્રહણ નિરીક્ષણ પદ્ધતિ વિકસિત થઈ રહી હતી. તેથી જ તેઓ પાલેમ ગામે આવ્યા હતા. પાલેમમાં અવલોકન દરમિયાન તેમણે સૂર્યના બાહ્ય કોરોનાના મધ્ય ભાગનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો."

પ્લેનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાની ટીમના જણાવ્યા મુજબ, પાલેમમાં અવલોકનને લીધે સૂર્ય વિશે નવી બાબતો સમજવામાં મદદ મળી છે.

તેમાંથી કેટલીક નીચે મુજબ છેઃ

  • સૌર કોરોના (સૂર્યના વાયુમંડળનો સૌથી બહારનો ભાગ)ના હાઈ-રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ લઈ શકાયા.
  • તેના કારણે સૂર્યના કોરોનામાંની જટિલ ચુંબકીય રચનાઓને સમજવામાં સરળતા થઈ.
  • પૃથ્વીના વાતાવરણ તેમજ આયનોસ્ફિયર પરના સૂર્યના પ્રભાવને સમજવામાં તે ઉપયોગી સાબિત થયું.
  • તેણે ભારતીય અને અમેરિકન વિજ્ઞાનીઓને સાથે મળીને કામ કરવાની તક પૂરી પાડી હતી.

વિજ્ઞાનીઓ એક સમયે ગ્રહણ થતું હોય ત્યાં દોડી જતા હતા, પરંતુ હવે તેઓ પોતાના અવલોકનો માટે જરૂર પડ્યે કૃત્રિમ ગ્રહણ સર્જવા સુધી આગળ વધી ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન