'269 અલવિદા...', વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેતી વખતે આવું કેમ લખ્યું, આ નંબરનું શું છે મહત્ત્વ?

ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના મહત્ત્વના પ્રવાસે જવાની છે તે અગાઉ કોહલીએ ઇન્સ્ટાગ્રામ મારફતે દુનિયાને પોતાની રિટાયરમેન્ટની જાણ કરી હતી.

કોહલીએ લખ્યું કે "ટેસ્ટ ક્રિકેટમાં બૅગી બ્લૂ પહેર્યું તેને 14 વર્ષ થઈ ગયાં છે. પ્રામાણિકતાથી કહું તો મને કલ્પના ન હતી કે આ સફર મને અહીં સુધી લઈ આવશે. તેણે મારી કસોટી કરી છે, મને ઘડ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે જીવનભર મારી સાથે રહેશે."

કોહલીએ આગળ લખ્યું, "આ ફૉર્મેટથી અલગ થવું, મારા માટે સરળ નથી. પરંતુ આ (નિર્ણય) મને યોગ્ય લાગે છે. મેં તેને (ટેસ્ટ) એ બધું આપ્યું જે મારી પાસે હતું. અને તેણે મને તેનાથી વધારે આપ્યું જેની હું આશા કરી શકતો હતો."

તેમણે લખ્યું કે તેઓ આ ખેલ પ્રત્યે હ્રદયથી આભાર પ્રગટ કરીને ટેસ્ટ ક્રિકેટથી અલગ થઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે તેઓ એ તમામ લોકોના આભારી છે જેમની સાથે તેઓ મેદાન પર હતા અને એ તમામ લોકોના જેઓ તેમની સફરમાં સાથે હતા.

વિરાટે છેલ્લે લખ્યું, "હું હંમેશાં પોતાના ટેસ્ટ કૅરિયરને ખુશી સાથે માણશે."

અલવિદા 269...

269 નંબરનો અર્થ શો છે?

પહેલા રોહિત શર્મા નિવૃત્ત થયા અને હવે વિરાટ કોહલીએ અચાનક સંન્યાસ લીધો જેને કારણે કેટલાક ક્રિકેટ વિશ્લેષકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

હવે 12મી મે, 2025ના રોજ વિરાટ કોહલીએ પોતાને ટેસ્ટ ક્રિકેટથી અલવિદા કહ્યું છે. સાથે પોતાની નોટમાં તેમણે 269 નંબરનો ઉલ્લેખ કર્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લેતા તેમણે ઘોષણા કરતા તેમના સંદેશમાં લખ્યું, 269 અલવિદા...

ત્યારે 269 નંબરનું તેમના માટે શું મહત્ત્વ છે? તમને જણાવી દઈએ કે 269 નંબર એ તેમનો ટેસ્ટ કૅપ નંબર છે. જેને પહેરીને તેઓ તેમની ટેસ્ટ કૅરિયરમાં મેદાન પર રમવા ઉતર્યા હતા.

તેઓ ભારત તરફથી ટેસ્ટ રમનારા 269મા ખેલાડી બન્યા હતા અને 269 એ તેમનો ટેસ્ટ કૅપ નંબર છે.

અલવિદા 269...નો અર્થ એ જ થાય છે કે હવે ટેસ્ટમૅચના મેદાનમાં 269 નંબર જોવા નહીં મળે.

વિરાટ કોહલીની ઝગમગતી ટૅસ્ટ કારકિર્દી

વિરાટ કોહલી ભારત વતી 123 ટેસ્ટમૅચ રમ્યા છે જેમાં તેમણે 46.85 રનની એવરેજથી કુલ 9230 રન બનાવ્યા છે. ટેસ્ટમૅચમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનોની યાદીમાં વિરાટ કોહલી ચોથા ક્રમે છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 254 રન (નૉટઆઉટ) છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી ફટકારી છે અને તેમના નામે 31 અર્ધશદી પણ છે.

સચીન તેંડુલકરે સૌથી વધુ 15921 રન બનાવ્યા છે જેમાં તેઓ 200 ટેસ્ટમૅચ રમ્યા હતા. બીજા ક્રમે 13265 રન સાથે રાહુલ દ્રવિડ છે જેઓ 163 ટેસ્ટ રમ્યા હતા. જ્યારે સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10,122 રન બનાવ્યા છે.

2018-19ની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી વખતે કોહલી ભારતીય ટીમના કૅપ્ટન હતા. તેમના નેતૃત્વમાં ભારત ઘરઆંગણે ઘણી મજબૂત ટીમ બની હતી. તેમણે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમોને ઘરઆંગણે હરાવી હતી.

2022માં સાઉથ આફ્રિકા સામે ભારતના પરાજય પછી તેમણે ટેસ્ટમાં કૅપ્ટનશિપ છોડી હતી.

વિરાટ કોહલીનો વિવાદો સાથે સંબંધ

વિરાટ કોહલી એક શાનદાર ખેલાડી છે જેઓ પોતાની આક્રમકતા માટે જાણીતા છે અને તેના કારણે તેઓ કેટલીક વખત વિવાદોના કેન્દ્રમાં પણ રહ્યા છે.

ડિસેમ્બર 2024માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટના પ્રથમ દિવસે સૅમ કૉન્સ્ટાસ સાથે અથડાવા મામલે વિરાટ કોહલીને આઇસીસીએ દંડ ફટકાર્યો હતો. વિરાટ કોહલીને તેમની મૅચ ફીનો 20 ટકા હિસ્સો દંડ તરીકે ભરવાનો દંડ કરાયો હતો.

તેનાથી અગાઉ 2013માં આઈપીએલની મૅચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. તે વખતે અમ્પાયર અને ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો હતો.

2012માં ઑસ્ટ્રેલિયામાં સિડની ખાતે ટેસ્ટમૅચ રમતી વખતે વિરાટ કોહલીએ દર્શકોને મિડલ ફિંગર દેખાડી હતી. તેના કારણે તેમને દંડ થયો હતો અને 50 ટકા મૅચ ફી કાપી લેવાઈ હતી. કેટલાક દર્શકોએ કથિત રીતે વાંધાજનક શબ્દો કહ્યા તેથી નારાજ થઈને કોહલીએ મિડલ ફિંગર દેખાડી હતી એવું કહેવાય છે.

2015માં ક્રિકેટ વર્લ્ડ કપ વખતે વિરાટ કોહલી એક પત્રકાર સાથે વિવાદમાં ઉતર્યા હતા કારણ કે તેમને લાગ્યું કે 'પત્રકારે વિરાટ અને તેમના ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા વિશે વાંધાજનક લેખ લખ્યો હતો.'

2017માં ઑસ્ટ્રેલિયા ખાતે રમાતી એક ટેસ્ટમૅચ વખતે કોહલીએ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથ સામે આરોપ મૂક્યો હતો કે સ્મિથે એક રિવ્યૂ માટે 'ડ્રેસિંગ રૂમમાંથી ગેરકાયદે મદદ' લીધી હતી.

આ ઉપરાંત 2020ના આઈપીએલ વખતે પણ એક વિવાદ થયો હતો. તે વખતે સુનીલ ગાવસ્કરે કોહલીના પ્રદર્શનની ટીકા કરી હતી.

પાકિસ્તાન સામે હંમેશા કિંગ

વિરાટ કોહલી એક એવા બૅટ્સમૅન છે જેમણે પાકિસ્તાન સામે ઘણી વખત જોરદાર દેખાવ કર્યો છે અને ભારતને જીત અપાવી છે. ફેબ્રુઆરી મહિનામાં ચૅમ્પિયન્સ ટ્રોફીના રસપ્રદ મુકાબલામાં ભારતે પોતાની હરીફ ટીમ પાકિસ્તાનને હાર આપી હતી.

વન-ડે મૅચોના ખેલાડી વિરાટ કોહલીએ ફૉર્મમાં આવીને પાકિસ્તાન સામેની મૅચમાં કરી દેખાડ્યું કે તેમને 'ક્રિકેટના કિંગ' કેમ કહેવાય છે.

તેમણે આ મૅચમાં ભારતને જીત તો અપાવી જ પણ સાથે તેમણે તેમની વન-ડે કૅરિયરની 51મી સદી પણ ફટકારી. અણનમ સદીની ઇનિંગ રમવા બદલ તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યા હતા.

વિરાટ કોહલીની શાનદાર બેટિંગના વખાણ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને પણ કર્યા.

મૅચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં રિઝવાને કહ્યું, "વિરાટ કોહલીના ઍથિક્સથી હું વધારે પ્રભાવિત છું. હું તેમની ફિટનેસ અને પ્રયાસોને બિરદાવું છું."

"લોકો કહેતા હતા કે વિરાટ કોહલી આઉટ ઑફ ફૉર્મ છે. પરંતુ તેમણે આજે કોઈ પણ પરેશાની વગર બેટિંગ કરી."

લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ વિરાટ કોહલીના વખાણ કર્યા. તેમણે ઍક્સ પર લખ્યું, "વિરાટ જિંદાબાદ, અમે તમારા પર ઘણો ગર્વ છે."

પાકિસ્તાન સામે 'રન મશીન' ગણાય છે કોહલી

વિરાટ કોહલીએ વન-ડેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 પાકિસ્તાન સામે જ બનાવ્યો છે. પાકિસ્તાન સામે 17 વન-ડે મૅચ રમતા તેમણે ચાર સદી ફટકારી છે અને કુલ 778 રન બનાવ્યા છે.

આઈસીસી ટુર્નામેન્ટમાં વિરાટનો રેકૉર્ડ તો પાકિસ્તાન સામે તેનાથી પણ વધારે શાનદાર છે. વિરાટ કોહલી દુનિયાના એક માત્ર ખેલાડી છે. જેમણે આઈસીસી ટુર્નામેન્ટમાં એક જ ટીમ સામે લગાતાર ત્રણ વખત પ્લેયર ઑફ ધ મૅચ ઍવૉર્ડ જીત્યો હોય.

પાકિસ્તાની બૉલર શાહીન શાહ આફ્રીદીએ તાજેતરમાં એક મુલાકાતમાં 2022ના ટી-20 વિશ્વકપનો ઉલ્લેખ કર્યો.

છેલ્લી ત્રણ ઓવરમાં ભારતને જીત માટે 48 રનની જરૂરત હતી. વિરાટ કોહલી 42 બૉલમાં 46 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. ટીમ ઇન્ડિયાને જીત અશક્ય લાગતી હતી.

19મી ઓવરમાં પાંચમા બૉલ પર વિરાટ કોહલીએ હારિસ રાઉફને માથા પરથી સિક્સર ફટકારી અને મૅચનું પાસું પલટી નાખ્યું.

શાહીને આ સિક્સરને યાદ કરતાં કહ્યું કે "કોઈ પણ બૅટ્સમૅન માટે ઝડપી બૉલરના માથા પરથી સિક્સર ફટકારવી ઘણું મુશ્કેલ હોય છે."

વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 2012 ટી-20 વિશ્વકપમાં 78 રનની અણનમ પારી રમી હતી. 2015 વન-ડે વિશ્વકપમાં તેમણે 107 રન બનાવ્યા. 2016માં ટી-20 વિશ્વકપમાં 55 રનની અણનમ ઇનિંગ રમી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન