Dream 11 સહિતની ઍપ્સ ઑનલાઇન ક્રિકેટ ગેમ રમાડીને એક જ દિવસમાં કરોડો કેવી રીતે કમાય છે?

    • લેેખક, સુમેધા પાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દિલ્હીમાં એક પાર્કિંગ લોટનું સંચાલન કરતા ધર્મેન્દ્ર ગૌતમ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સર્જાયેલા તણાવને પગલે સ્થગિત કરવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફરી શરૂ થઈ ત્યારે ખૂબ જ ખુશ થયા હતા.

આઈપીએલ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ છે, પરંતુ ધર્મેન્દ્ર ગૌતમ તેમના ક્રિકેટપ્રેમને લીધે જ આ લીગ સાથે જોડાયેલા નથી. આઈપીએલનો બે મહિનાનો સમય તેમના માટે ફૅન્ટસી ક્રિકેટ (એપ્લિકેશન્શ) ઍપ્સ મારફત કમાણી કરવાનો સમય છે.

ધર્મેન્દ્ર ગૌતમ કહે છે, "રમતનો રોમાંચ અને જીતવાની આશા જ મને આગળ ધપાવતી રહે છે."

આવી ફૅન્ટસી ગેમિંગ ઍપ્સ પર યૂઝર્સ વાસ્તવિક ખેલાડીઓની પોતપોતાની ટીમો બનાવે છે. વાસ્તવિક મૅચોમાં તે ખેલાડીઓ કેવું પ્રદર્શન કરશે તેના આધારે યૂઝર્સ પૉઇન્ટ્સ કમાય છે અને જે યૂઝર લીડર બોર્ડ પર આવે તે રોકડ ઈનામ જીતે છે.

આ માટેની ઍન્ટ્રી ફી ફક્ત એક રૂપિયો છે, પણ યૂઝર્સ માટે તેમાં લાખો રૂપિયા કમાવાની તક હોય છે.

આ રીતે ધર્મેન્દ્ર ગૌતમ જેવા ભારતીયોને ફૅન્ટસી ક્રિકેટ ઍપ્સ અતિ મધુર તક આપે છે, જેમાં તેમને મનપસંદ રમત જોવાની સાથે આસાનીથી પૈસા કમાવાનો મોકો પણ હોય છે.

ભારતમાં ફૅન્ટસી ક્રિકેટમાં તેજી

ફૅન્ટસી ગેમિંગ ઍપ્લિકેશન્સ માટે ભારતમાં ક્રિકેટની પ્રચંડ લોકપ્રિયતાનો અર્થ એવા ઉત્સાહી લોકોનો ઉપયોગ કરવાનો છે, જેઓ આ ઍપ્સનો ઉપયોગ કરવા માટે તૈયાર હોય.

2010ના દાયકાના મધ્યથી અંત સુધીમાં ટેલિકૉમ કંપનીઓના સ્પર્ધાત્મક દરને કારણે ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં થયેલા ઝડપી વધારાએ ફૅન્ટસી ગેમિંગ ઉદ્યોગ માટે ઉત્પ્રેરકનું કામ કર્યું.

ઇન્ટરનેટની વ્યાપક પહોંચને લીધે સામાન્ય ભારતીયોના મોબાઇલ સ્ક્રીન પર સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ તેમજ ફૅન્ટસી ઍપ્લિકેશન્સનું આગમન થઈ ગયું.

ઍકાઉન્ટિંગ ફર્મ કેપીએમજીના 2019ના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2016માં 368 મિલિયન હતી, જે 2018માં વધીને 560 મિલિયન થઈ ગઈ હતી. એ જ સમયગાળા દરમિયાન ફૅન્ટસી સ્પોર્ટ્સ ઑપરેટર્સની સંખ્યા 10થી વધીને 70 થઈ ગઈ હતી.

ડ્રીમ ઇલેવન ઍપ્લિકેશન 2019માં યુનિકૉર્નનો દરજ્જો મેળવનાર પ્રથમ ભારતીય ફૅન્ટસી ગેમિંગ પ્લૅટફૉર્મ બની હતી અને તેનું વૅલ્યુએશન એક અબજ ડૉલર સુધી પહોંચી ગયું હતું. મોબાઇલ પ્રીમિયર લીગ (એમપીએલ) ઍપ 2021માં અને Games24x7 ઍપ 2022માં યુનિકૉર્ન ક્લબમાં જોડાઈ હતી.

ઍકાઉન્ટિંગ ફર્મ ડેલૉઇટ સાથે સહયોગમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના ડેટાને ટાંકીને સ્વ-નિયમનકારી સંસ્થા ફૅડરેશન ઑફ ઇન્ડિયન ફૅન્ટસી સ્પોર્ટ્સ (એફઆઈએફએસ)એ બીબીસીને જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ્સના 22.5 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે.

એફઆઈએફએસના ડેટા અનુસાર, યૂઝર્સ તેમના પૈસા વિવિધ સ્પોર્ટ્સમાં દાવ પર લગાવી શકે છે, પરંતુ કુલ પૈકીના 85 ટકા માત્ર ક્રિકેટને અનુસરે છે.

આસાનીથી કમાણી, લાલચ અને જોખમો

ફૅન્ટસી ગેમિંગ ઍપ્સની લોકપ્રિયતા ઝડપથી પૈસા કમાવાની ઇચ્છાને આભારી છે, એ દેખીતું છે.

દિલ્હી સ્થિત સ્પોર્ટ્સ પત્રકાર સિદ્ધાંત અનેય કહે છે, "આ ગેમ્સ જીતની ધૂંધળી આશા આપીને વધુ ખેલાડીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે. ભારતમાં તે મુખ્યત્વે ક્રિકેટકેન્દ્રી છે, પરંતુ એ અન્ય સ્પોર્ટ્સમાં પણ વિસ્તરી રહી છે. ઝડપથી કમાણી કરવાની ઇચ્છા તેના કેન્દ્રમાં છે."

સિદ્ધાંત અનેયે જે ઇચ્છાનો ઉલ્લેખ કર્યો તેને વિસ્તારવામાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરની સ્થાનિક કોર્ટમાં ક્લાર્ક તરીકે કાર્યરત દયારામ જેવા ઉદાહરણો મદદરૂપ થાય છે.

લખનૌ સુપર જાયન્ટ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની આઈપીએલની એપ્રિલમાં રમાયેલી મૅચ માટે ડ્રીમ ઇલેવન ઍપ્લિકેશનમાં લીડરબોર્ડ પર ટોચે રહ્યા બાદ દયારામ ત્રણ કરોડ રૂપિયા જીત્યા હતા.

દયારામે બીબીસીને કહ્યું હતું, "હું બે વર્ષથી રમું છું, પણ આ પહેલી મોટી જીત હતી. હું ખૂબ જ ખુશ છું અને જે થયું તે હજુ પણ માની શકતો નથી."

દયારામે ઉમેર્યું હતું કે તેમણે તેમના પરિવાર માટે પોતાનું ઘર બાંધવાની યોજના બનાવી છે. "હું સતત રમતો રહેવાનો નથી. તેમાં હારવાનો વારો પણ આવી શકે."

જોકે, દયારામનો કિસ્સો સામાન્ય નથી.

દિલ્હીમાં કૉન્ટ્રેક્ટ વર્કર તરીકે કાર્યરત મોહમ્મદ રકીબ વધુ સામાન્ય અનુભવનો સારાંશ આપતાં કહે છે, "હું આઈપીએલની દરેક મેચ માટે ફૅન્ટસી ટીમો બનાવું છું, પરંતુ ક્યારેય ઈનામ જીત્યો નથી."

ધર્મેન્દ્ર ગૌતમ પણ સ્વીકારે છે કે ફૅન્ટસી ગેમિંગ ઍપ્સ પર જીતવાની શક્યતા બહુ ઓછી હોય છે અને એ તેમને સતત આગળ વધવા પ્રેરિત કરે છે.

તેઓ કહે છે, "રોમાંચ અને આશા ઉત્સાહજનક છે. તમે જીતો નહીં તો પણ એવી લાગણી કાયમ રહે છે કે કદાચ આગલી વખતે તમે જીતશો. હું કદાચ ત્રણ કરોડ રૂપિયા નહીં જીતું, પરંતુ મેં લોકોને રૂ. 300 કે રૂ. 500 જીતતા જોયા છે."

રકીબ અને ગૌતમના ઉદાહરણો ફૅન્ટસી ગેમિંગના સમાજશાસ્ત્રીય પાસાને ઉજાગર કરે છે. ઓછી આવક ધરાવતા ઘણા ભારતીયો તેને પૈસા કમાવાના શૉર્ટકટ તરીકે જુએ છે.

આગળ કેપીએમજીના જે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક રૂ. ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા 40 ટકા ઉત્તરદાતાઓ સપ્તાહમાં પાંચથી વધુ વખત ફૅન્ટસી સ્પોર્ટ્સ રમે છે. રૂ. 10 લાખથી વધુનું કમાણી કરતા માત્ર 12 ટકા ઉત્તરદાતાઓમાં આવું વલણ જોવા મળ્યું હતું.

વધુ નોંધપાત્ર વાત એ છે કે રૂ. ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા ઉત્તરદાતાઓ પૈકીના 39 ટકા લોકોએ જણાવ્યું હતું કે આમાં જોડાવાની પ્રેરણા "પૈસા જીતવાની તક" છે. તેનાથી વિપરીત રૂ. 10 લાખથી વધુની આવક ધરાવતા 25 ટકા ઉત્તરદાતાઓએ આ બાબતને તેમની પ્રેરણા ગણાવી હતી.

આવી ઍપ્લિકેશન્સ દ્વારા નાણાકીય લાભ મેળવવાની આશા ઘણીવાર દુઃખદ અંજામમાં પરિણમે છે.

ફૅન્ટસી ગેમિંગમાં થયેલા નુકસાનને કારણે લોકોએ આત્મહત્યા કરી હોય તેવા ઘણા કિસ્સા બન્યા છે.

ગયા માર્ચમાં બિહારમાં 38 વર્ષના એક પુરુષે બે કરોડ રૂપિયા હાર્યા પછી આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી એક ચિઠ્ઠીમાં તેણે કોવિડ-19 રોગચાળા દરમિયાન લાગેલી ફૅન્ટસી ક્રિકેટની લતને આવા આત્યંતિક પગલા માટે જવાબદાર ગણાવી હતી.

ટેકનૉલૉજી સંબંધિત બાબતોને સમર્પિત સંસ્થા સર્વિસ ફૉર હેલ્ધી યૂઝ ઑફ ટેકનૉલૉજી (એસએચયુટી)ના વડા ડૉ. મનોજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે રોગચાળા પછી ફૅન્ટસી સ્પોર્ટ્સ પ્રત્યેના લગાવમાં વધારો થયો છે.

ડૉ. શર્માએ કહ્યું હતું, "નિયંત્રણનો ભ્રમ હોય છે. લોકોને લાગે છે કે તેઓ જીતી શકે છે, પરંતુ વારંવાર થતું નુકસાન સમસ્યાનું કારણ બની શકે છે."

ગેમિંગ ઍપ્સ સંબંધી આત્મહત્યાઓને કારણે ઓછામાં ઓછા બે રાજ્યોની સરકારોએ પગલાં લીધાં છે. તામિલનાડુના મુખ્યપ્રધાને આવી બાબતો માટે ખાસ તપાસ શરૂ કરવાની જાહેરાત 2022માં કરી હતી. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ તે જ વર્ષે કહ્યું હતું કે તેમની સરકાર ઑનલાઇન ગેમિંગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવશે.

નિષ્ણાતો માને છે કે યોગ્ય નિયમનનો અભાવ ફૅન્ટસી ગેમિંગને જોખમી બનાવે છે.

અસ્પષ્ટ નિયમનને કારણે ફૅન્ટસી ગેમિંગમાં રિસ્ક લેતા લોકોને નુકસાન

ફૅન્ટસી સ્પોર્ટ્સના નિયમનના મુદ્દે તાજેતરનાં વર્ષોમાં ચર્ચા જગાવી છે. ઓછાંમાં ઓછાં ચાર રાજ્યો – ઓડિશા, આસામ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાએ જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ આવી ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

જોકે, ફૅન્ટસી સ્પોર્ટ્સ કૌશલ્યની રમત છે કે તકની રમત છે એ વિશેના વિવાદને કારણે આ પ્રતિબંધનો આધાર અસ્થિર છે. કૌશલ્યની રમતોમાં વ્યૂહાત્મક નિર્ણય લેવાના કૌશલ્યનો, પ્રતિભાનો અને જ્ઞાનનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત તકને રમતો સંપૂર્ણપણે નસીબ પર આધારિત હોય છે.

ટેકનૉલૉજી અને ગેમિંગ ઍડવોકેટ જય સાયતા કહે છે, "ફૅન્ટસી ગેમ્સ કૌશલ્યની રમતો તરીકે લાયક છે અને તે જુગારના કાયદાના દાયરાની બહાર છે, તેવા ચુકાદા બહુવિધ હાઇકોર્ટ્સે આપ્યા છે. એ પૈકીના કેટલાક નિર્ણયનો સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું છે. તેથી રાજ્યો અને કેન્દ્ર આવી ઍપ્લિકેશન્શ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકતા નથી."

આ દલીલનો ઉલ્લેખ કરીને કર્ણાટક તથા તામિલનાડુમાં રાજ્ય સરકારોએ ફૅન્ટસી ગેમિંગ પર લાદેલા પ્રતિબંધને ઊલટાવી દેવામાં આવ્યો છે.

ફૅન્ટસી ગેમિંગ ઍપ્સના ઉપયોગ નિરુત્સાહ કરવાના એક પ્રયાસમાં કેન્દ્ર સરકારે ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ્સમાંથી મળતા જીતના નાણાં પર 28 ટકા ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ 2023માં લાદ્યો હતો. કરનો આ દર દારૂ અને તમાકુ ઉત્પાદનો પરના દર જેટલો જ છે.

જોકે, આ નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ગેમિંગ કંપનીઓ સહિતના અરજદારો એવી દલીલ કરે છે કે પ્રસ્તુત કર ભારતીય બંધારણની કલમ ક્રમાંક 14 (કાયદા સમક્ષ બધા સમાન) અને કલમ ક્રમાંક 19 (1) (જી) (કોઈપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરે છે.

કેન્દ્રના ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયે ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ માટે રાષ્ટ્રીય નિયમનકારી માળખું 2023માં નોટિફાઈ કર્યું હતું, પરંતુ એ માળખા હેઠળ જે સ્વ-નિયમનકારી સંસ્થાઓની રચના કરવાની હતી તે હજુ સુધી થઈ નથી.

એફઆઈએફએસએ બીબીસીને જણાવ્યું હતું કે ફૅન્ટસી ગેમિંગ પ્લૅટફૉર્મ્સે "મજબૂત પગલાં" લીધાં છે. એફઆઈએફએસના જણાવ્યા મુજબ, આ પગલાં યૂઝર્સને "પોતાની નાણાકીય અને સમય મર્યાદા નક્કી કરવા જેવા જવાબદારીભર્યા નિર્ણયો લેવા" માટે સશક્ત બનાવે છે.

સ્વ-નિયમનકારી સંસ્થાએ એવો દાવો પણ કર્યો હતો કે ફૅન્ટસી ગેમિંગ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.

ફૅન્ટસી ગેમિંગ ઍપ્સ બાબતે ચર્ચા સતત ચાલી રહી છે ત્યારે યૂઝર્સ તેમાં દરરોજ જોડાતા રહે છે. ધર્મેન્દ્ર ગૌતમ વર્ણવે છે તેમ તેમના જેવા ઘણા લોકો માટે તે "એક નશો" છે.

"હું રમું છું, કારણ કે મારી આસપાસના બધા લોકો રમે છે અને અમને બધાને જીતવાની આશા છે. તેથી તેને છોડવું મુશ્કેલ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન