ઉર્વીલ પટેલ: CSKમાં એન્ટ્રીની સાથે જ 11 બૉલમાં 31 રન કરનારા આ ગુજરાતી ખેલાડી કોણ છે?

આઈપીએલ 2025માં સિઝનની વચ્ચે ટીમમાં જોડાનારા કેટલાક ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે, જેમાંથી એક ગુજરાતી ખેલાડી ઉર્વીલ પટેલ પણ કહી શકાય.

કોલકાતા નાઇટ રાઇડર્સ અને સીએસકેની મૅચમાં ઉર્વીલ પટેલે સીએસકે વતી પોતાની કારકિર્દીની શરૂઆત કરી જે ધમાકેદાર રહી હતી. તેમણે પીચ પર ઊતરતાની સાથે જ બીજા બૉલમાં સિક્સર ફટકારી હતી. તેમની ઇનિંગ ટૂંકી પણ અસરકારક હતી, જેમાં તેમણે માત્ર 11 બૉલમાં 31 રન બનાવ્યા હતા.

આઈપીએલ 2025ની હરાજી વખતે આયુષ મ્હાત્રે અને ઉર્વીલ પટેલ બંને અનસોલ્ડ રહી ગયા હતા. ચેન્નાઈએ ઑક્શનમાં 55 લાખ રૂપિયામાં વંશ બેદીને લીધા હતા. આરસીબી સામેની મૅચમાં વંશને ઈજા હોવાના કારણે તેમની જગ્યાએ દીપક હુડાને લેવામાં આવ્યા. તેમની જગ્યાએ ત્રણ દિવસ અગાઉ ચેન્નાઈએ સિઝનની વચ્ચે વિકેટકિપર અને બૅટ્સમૅન ઉર્વીલ પટેલને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર સાઇન કરી લીધા.

એમ. એસ. ધોનીએ તરત જ આ બૅટ્સમૅનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી અને બુધવારની રાતે તેમણે પીચ પર ઊતરતા જ ફટકા મારવાનું શરૂ કરી દીધું હતું.

બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગ કરતા ઉર્વીલ કોણ છે?

17મી ઑક્ટોબર, 1998ના રોજ મહેસાણામાં જન્મેલા પરંતુ મૂળ વડનગરના ઉર્વીલ એક સમયે ગુજરાતમાંથી રમવું કે બરોડાની ટીમમાંથી તે વિશે દ્વીધામાં હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડનાં વિવિધ ઍસોસિયેશનમાં ગુજરાત અને બરોડા (ઉપરાંત સૌરાષ્ટ્ર) છે પરંતુ ગુજરાતના નકશામાં આ ત્રણેય ટીમ આવરી લેવાય છે.

ઉર્વીલનો જન્મ મહેસાણામાં હોવાને કારણે તેઓ મૂળ બરોડા ક્રિકેટ ઍસોસિયેશન માટે રમવા લાયકાત ધરાવતા હતા. જ્યારે તેમનું મૂળ વતન વડનગર એટલે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન માટે પણ તેઓ રમી શકે તેમ હતા.

જોકે, ઉર્વીલે આ બંને ઍસોસિયેશન માટે પદાર્પણ કર્યું. તેઓ શરૂઆતમાં ભારતીય ક્રિકેટ બોર્ડની ટી20 અને લિસ્ટ-એ મૅચો બરોડામાંથી રમ્યા પરંતુ 2018-19માં તેઓ ગુજરાતની ટીમમાં આવી ગયા હતા.

વડનગરના કહીપુર ગામના વતની ઉર્વીલનાં માતાપિતા વ્યવસાયે શિક્ષણક્ષેત્રે સંકળાયેલાં છે. ઉર્વીલે માત્ર છ વર્ષની વયે ક્રિકેટક્ષેત્રે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

2023માં તેને ઘડવાની શરૂઆત કરી હતી. 2023માં ઉર્વીલને ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાંથી કોઈ ક્રિકેટર આવી રીતે ચમક્યા હોય તેવો પ્રથમ પ્રસંગ હતો.

ઉર્વીલે અગાઉ જુનિયર ક્રિકેટમાં પણ કમાલ કરેલી છે. 2018માં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં પણ તેમની પસંદગી થઈ હતી.

આ ઉપરાંત બરોડામાં યોજાતી કિરણ મોરે ટી20 લીગમાં ઉર્વીલે એક વાર માત્ર 66 બૉલમાં 188 રન ફટકારી દીધા હતા, પરંતુ આ ટુર્નામેન્ટ બીસીસીઆઈની નહીં હોવાથી તેમનો આ રેકૉર્ડ સત્તાવાર યાદીમાં સામેલ થઈ શક્યો નથી.

પોતાની બેટિંગ વિશે ઉર્વીલે એક વખત કહ્યું હતું, "હું મૅચની પરિસ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ભારત માટે રમવાનું મારું સ્વપ્ન છે, પરંતુ તેના માટે મહેનત અત્યંત જરૂરી હોય છે અને હાલમાં હું તે માટે આકરો પરિશ્રમ કરી રહ્યો છું."

ઉર્વીલે ગેઇલ અને પંતનો રેકૉર્ડ તોડ્યો

ભારતના ટી20 ઇતિહાસમાં (આઈપીએલની મૅચો સહિત) કોઈ બૅટ્સમૅને 28 બૉલમાં સદી ફટકારી નથી પણ ઉર્વીલે આ સફળતા મેળવી છે. અગાઉ ક્રિસ ગેઇલે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર વતી રમતી વખતે એપ્રિલ 2013માં પુણે વૉરિયર્સ સામે 30 બૉલમાં સદી ફટકારી હતી.

175 રનની એ યાદગાર ઇનિંગ્સમાં ગેઇલે 11 સિકસર ફટકારી હતી અને તેમના કરતાં એક વધારે સિક્સર ઉર્વીલે ત્રિપુરા સામે ફટકારી હતી. ટી20માં ભારતીય બૅટ્સમૅનની ઝડપી સદીની વાત કરીએ તો આ વખતે વણવેચાયેલા રહેલા ઉર્વીલને આઈપીએલની હરાજીના સૌથી મોંઘા બૅટ્સમૅન ઋષભ પંત (27 કરોડ રૂપિયા)ના 32 બૉલમાં સદીના રેકૉર્ડને પાછળ રાખી દીધો હતો.

આમ તેમણે ભારતીય ટી20 અને ભારતીય બૅટ્સમૅનોમાં સૌથી ઝડપી ટી20 સદીનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ઉર્વીલ પટેલ માટે જોકે ઝડપી બેટિંગ કરવી નવી વાત નથી. હજી એક વર્ષ અગાઉ તેમણે ચંદીગઢ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રૉફીની વનડે ક્રિકેટ મૅચમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 41 બૉલમાં સદી ફટકારી હતી.

એ વખતે તેમણે એક સમયની પોતાની ટીમ બરોડા માટે ભૂતકાળમાં રમી ચૂકેલા યુસૂફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન