આઇપીએલની મૅચમાં અમ્પાયર બૅટનું માપ કેમ જોઈ રહ્યા છે, બૅટની સાઇઝનો વિવાદ શું છે?

આ વર્ષે આઇપીએલની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર કગિસો રબાડાએ ચિંતા વ્યક્ત કરી હતી કે આઇપીએલમાં બૅટ્સમૅન અને બૉલરો વચ્ચે અસંતુલન છે.

આ ચિંતા અનેક લોકોએ પણ વ્યક્ત કરી હતી.

આઇપીએલમાં બેટિંગ કરનારી ટીમો વીસ ઓવરમાં 300થી વધુ રન કરવાનો પ્રયાસ કરી રહી છે. રબાડાએ કહ્યું હતું કે જો એવું થશે તો આ રમતને 'ક્રિકેટ'ની જગ્યાએ 'બેટિંગ' કહેવી પડે.

હવે એવું લાગે છે કે બીસીસીઆઇ સંતુલન કરવાનો પ્રયાસ કરી રહી છે.

આઇપીએલમાં હવે બૅટની તપાસ થશે

હવે બેટિંગ માટે ગાર્ડ લેતાં પહેલાં દરેક બૅટ્સમૅને પોતાના બૅટની ચકાસણી પર ખરા ઊતરવાનું રહશે. એટલે કે બેટિંગ શરૂ કરતાં પહેલાં અમ્પાયર બૅટની તપાસ કરશે.

હવે ફોર્થ અમ્પાયર શરૂઆતમાં ઓપનર બૅટ્સમૅનોના બૅટ પીચ પર ઊતરતા પહેલાં તપાસશે. જ્યારે બાદમાં મેદાનમાં ઊતરનાર બૅટ્સમૅનોની બૅટની તપાસ ફીલ્ડમાં હાજર અમ્પાયર કરશે.

આઇપીએલમાં અનેક બૅટ્સમૅનોના બૅટ નક્કી કરેલા માપ કરતાં મોટા ઉપયોગમાં લીધા હોવાનું સામે આવ્યા બાદ આ પગલું લેવાયું છે.

અત્યાર સુધી એવું થતું કે આવું કરનાર બૅટ્સમૅનોને ચેતવણી આપીને છોડી દેવાતા હતા.

આઇપીએલ આ નિર્ણય મેદાનમાં પારદર્શિતા અને સમાનતા લાવવા માટે લીધો છે.

તો ઇંગ્લિશ કાઉન્ટી સર્કિટની ટીમ નૉટિંઘમશરે છેલ્લા વર્ષમાં બૅટ સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ કેટલાક પૉઇન્ટ ગુમાવવા પડ્યા હતા.

ક્રિકેટમાં બૅટના નિયમો શું હોય છે?

ક્રિકેટમાં બૅટ્સમૅનનું બૅટ કેટલું પહોળું અને ભારે હોવું જોઈએ તેના કેટલાક ચોક્કસ નિયમો છે.

ક્રિકેટમાં બૅટના બે ભાગ હોય છે, એક બ્લેડ અને બીજો હૅન્ડલ.

બૅટનું હૅન્ડલ કેન કે લાકડાથી બનેલું હોવું જોઈએ. હૅન્ડલ પર બૅટ્સમૅનની પકડ મજબૂત કરવા માટે ગ્રિપ ચડાવી શકાય છે. સામાન્ય રીતે આ ગ્રિપ રબરની હોય છે.

બૅટના હૅન્ડલ સિવાયના ભાગને બ્લેડ કહેવાય છે, તેને લઈને પણ કેટલાક નિયમો છે.

એમસીસી એટલે મૅરીલેબોન ક્રિકેટ ક્લબના નિયમો અનુસાર, હૅન્ડલ સમેત બૅટની કુલ લંબાઈ 38 ઇંચ કે 96.52 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ.

તો બૅટનું બ્લેડ મહત્તમ 4.25 ઇંચ એટલે કે 10.8 સેન્ટીમીટર પહોળું હોવું જોઈએ.

તેની મોટાઈ (ઊંડાઈ) 2.64 ઇંચ એટલે કે 6.7 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે. કિનારી 1.56 ઇંચ એટલે કે 4.0 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે.

આ નિયમ એમસીસીના છે. આઇપીએલમાં જે ત્રિકોણીય માપદંડ (ગેજ) અમ્પાયરોને અપાયા છે તેના પર યોગ્ય બૅટનાં કદ-આકાર છાપેલાં હોય છે.

બૅટની ઊંડાઈ 2.68 ઇંચ, પહોળાઈ 4.33 ઇંચ અને કિનારી 1.61 ઇંચની હોય છે. બૅટનો નીચલો ભાગ એટલે કે કર્વ કે ઉભાર 0.20 ઇંચ સુધી હોઈ શકે છે.

આઇપીએલમાં બૅટના માપ માટે આ ગેજ એટલે કે માપદંડ નક્કી કરેલા છે. બૅટ આ પ્રકારનું હોવું અનિવાર્ય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં બૅટની સાઇઝને લઈને ચિંતાઓ વચ્ચે આઇપીએલના અમ્પાયરોને બૅટના માપ માટે આ માપદંડો (ગેજ) આપેલા છે.

મૅચમાં અનેક વાર બૅટની તપાસ થઈ ચૂકી છે

આઇપીએલમાં આ સિઝન પહેલાં મૅચના દિવસે બૅટની તપાસ નહોતી થતી. અધિકારી એક દિવસ પહેલાં બૅટની તપાસ કરતા હતા. પણ આ વ્યવસ્થામાં એક ખામી એ હતી કે બૅટ્સમૅન આગળના દિવસે બીજું બૅટ લઈને મેદાનમાં ઊતરી શકતા હતા.

ક્રિકેટમાં અનેક બૅટ્સૅન નક્કી કરેલા માપથી પહોળું કે મોટું બૅટ લઈને રમતા રહ્યા છે.

બૅટના નીચેના ભાગમાં એક ખાસ જગ્યા હોય છે, જ્યાંથી બૅટ્સમૅન મોટા ભાગે શૉટ મારે છે. જો આ ભાગ ઉપરના ભાગ કરતાં વધુ ભારે કે પહોળો હોય તો સ્ટ્રોક વધુ મજબૂત થઈ જાય છે.

તાબડબોડ બેટિંગ કરનાર બૅટ્સમૅન એવા બૅટ પસંદ કરે છે, જેની કિનારી પહોળી હોય. એવામાં અનેક વાર બૉલ ટાઇમિંગથી બૅટ પર ન લાગે કે બૉલ કિનારી પર અડી જાય તો પણ બાઉન્ડરી સુધી પહોંચી જતો હોય છે.

જોકે હવે બૅટ પર વધુ ધ્યાન અપાશે, એવામાં આશા રખાઈ રહી છે કે કોઈ બૅટ્સમૅન નક્કી કરેલા માપથી મોટું કે પહોંળું બૅટ લઈને મેદાનમાં ન ઊતરે.

અમ્પાયર મેદાનમાં હાર્દિક પંડ્યા, શિમરોન હેટમાયર, નીતેશ રાણા અને ફિલ સાલ્ટ સમેત અનેક બૅટ્સમૅનોના બૅટ તપાસી ચૂક્યા છે.

મેદાનમાં બૅટની કરાતી તપાસથી રમતમાં અડચણ પેદા થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

એ પણ મહત્ત્વનું છે કે અત્યાર સુધી આઇપીએલમાં બૅટની સાઇઝ મુદ્દે કોઈ પણ બૅટ્સમૅને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, એની પુષ્ટિ કરાઈ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.