અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, હૈદરાબાદ-પંજાબ વચ્ચેની મૅચમાં કયા-કયા રેકૉર્ડ્સ બન્યા?

શનિવારે પંજાબ કિંગ્સ ઇલેવન તથા સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલધડક રસપ્રદ મૅચ રમાઈ હતી, જેમાં હૈદરાબાદની ટીમે પંજાબને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.

પંજાબે પહેલા બૅટિંગ કરી હતી અને છ વિકેટ ગુમાવીને 245 રનનો સ્કોર કર્યો હતો. આઈપીએલની ટુર્નામેન્ટમાં પંજાબનો આ બીજો સર્વશ્રેષ્ઠ જુમલો છે.

જવાબમાં દાવ લેવા ઉતરેલી હૈદરાબાદની ટીમે માત્ર 18 ઓવર અને ત્રણ દડામાં વિજય મેળવ્યો હતો.

આઈપીએલની વર્તમાન ટુર્નામેન્ટમાં સતત ચાર મૅચ હારનારી હૈદરાબાદની ટીમ માટે શનિવારની મૅચનો વિજય મનોબળ વર્ધનનું કામ કરશે. સાથે જ ટીમ પૉઇન્ટ્સના ટેબલમાં પણ ઉપર આવી છે.

આ મૅચ દરમિયાન હૈદરાબાદના બૅટ્સમૅન અભિષેક શર્માએ આક્રમક ઇનિંગ રમી હતી. આ મૅચ દરમિયાન અનેક રેકૉર્ડ પણ બન્યા હતા.

પંજાબ તરફથી કૅપ્ટન શ્રેયસ અય્યરે કપ્તાની 36 બૉલમાં 82 રનની કપ્તાની પારી રમીને ટીમનો સ્કોર 245 પર પહોંચાડ્યો હતો. તેમણે છ ચોક્કા અને છ છક્કા લગાવ્યા.

શ્રેયસે બેટિંગમાં તો ટીમની આગેવાની બરાબર કરી પરંતુ જ્યારે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ બેટિંગમાં આવ્યા ત્યારે તેઓ હતાશ નજરે પડ્યા.

અભિષેકની વિસ્ફોટક ઇનિંગ

246ના લક્ષ્યાંકને ભેદવા માટે હૈદરાબાદ તરફથી મેદાનમાં ઉતરેલી અભિષેક શર્મા તથા ટ્રૅવિસ હેડની જોડીએ સિઝનમાં પહેલી વખત ટીમને મજબૂત અને મક્કમ શરૂઆત અપાવી હતી.

અભિષેક શર્માએ ઇનિંગની બીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને પોતાના મિજાજનો અંદાજ આપી દીધો હતો. એ પછીની ઓવર અર્શદીપસિંહે નાખી હતી. ત્યારે ટ્રાવિસ હેડે ત્રણ ચોગ્ગા મારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.

અભિષેકે માત્ર 19 બૉલમાં ત્રણ છક્કા અને સાત ચોક્કાની મદદથી અડધી સદી ફટકારી હતી. સનરાઇઝર્સની ટીમનો સ્કોર માત્ર સાત ઓવર અને ત્રણ બૉલમાં ત્રણ આંકડા પર પહોંચી ગયો હતો, એટલું જ નહીં નવમી ઓવર સુધીમાં તો કુલ જરૂરિયાતના અડધોઅડધ રન બનાવી લીધા હતા.

સનરાઇઝર્સનો સ્કોર 171 રને પહોંચી ગયો હતો, ત્યારે પંજાબની ટીમને પહેલી સફળતા મળી હતી. 13મી ઓવરમાં ચહલના બૉલ પર મૅક્સવેલે ટ્રેવિસ હેડનો કૅચ લીધો હતો. ટ્રેવિસ હેડે 37 બૉલમાં 66 રન બનાવ્યા હતા.

એ પછીના ચાર બૉલમાં અભિષેકે સદી ફટકારી. અભિષેકે માત્ર 40 બૉલમાં આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

અભિષેક શર્માને મળેલા બે જીવતદાન પંજાબની ટીમે ભારે પડ્યા હતા. અભિષેક 28 રન પર હતા ત્યારે યશ ઠાકુર તેમનો કૅચ ચૂકી ગયા હતા અને 58 રને હતા ત્યારે ચહલે તેમને જીવતદાન આપ્યું હતું.

55 દડામાં 10 છક્કા અને 14 ચોક્કાની મદદથી 141 રન બનાવીને આઉટ થયા હતા.

જોકે, ત્યારસુધીમાં મૅચનું વલણ નક્કી થઈ ગયું હતું. આઈપીએલ દરમિયાન કોઈપણ ખેલાડીનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. અભિષેકને તેમની શાનદાર પારી બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

પંજાબે આપ્યો હતો 246 રનનો ટાર્ગેટ

શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચ દરમિયાન હૈદરાબાદના અભિષેક શર્મા તથા ટ્રેવિસ હેડ ટુર્નામેન્ટ દરમિયાન પ્રથમ વખત ફૉર્મમાં જોવા મળ્યા હતા.

પંજાબના પ્રભસિમરનસિંહે મોહમ્મદ શમીની પ્રથમ ઓવરના છેલ્લા ત્રણ બૉલ દરમિયાન ત્રણ ચોક્કા માર્યા હતા.

બૅટ્સમૅનો માટે સ્વર્ગ સમાન પીચ પર શરૂઆતથી જ પંજાબની ટીમના પ્રિયાંશ આર્ય ઉપર બધાની નજર હતી. જેણે ચેન્નાઈ સામેની ગત મૅચમાં માત્ર 39 બૉલમાં સદી ફટકારીને પોતાની ટીમના વિજયને સરળ બનાવ્યો હતો.

તેમણે શમીની બીજી ઓવરના પહેલા બૉલ પર જ ક્રિઝની બહાર આવીને છક્કો માર્યો હતો. પ્રભસિમરન તથા પ્રિયાંશની આક્રમક બેટિંગને કારણે માત્ર ત્રણ ઓવરમાં પંજાબની ટીમે 50 રનનો જુમલો ખડકી દીધો હતો.

સામાન્ય રીતે સનરાઇઝર્સ હૈદરાબાદ વતી હર્ષલ પટેલ છેલ્લે-છેલ્લે બૉલિંગ કરવા માટે આવ્યા. પરંતુ શનિવારની મૅચમાં તેમને શરૂઆતમાં બૉલિંગ કરાવવામાં આવી હતી, જેનો લાભ તેમની ટીમને થયો હતો.

પ્રિયાંશ આર્યેએ ચાર છક્કા અને બે ચોક્કાની મદદથી માત્ર 13 બૉલમાં 36 રન બનાવ્યા હતા. તેઓ હર્ષલના બૉલ પર નીતીશકુમારના હાથે કૅચ થઈ ગયા હતા.

શમીની સામત

શ્રેયસ અય્યરે કપ્તાનને છાજે એવી ઇનિગ રમી હતી. તેમણે 36 બૉલમાં 82 રન બનાવ્યા હતા. શ્રેયસે છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેમણે આઈપીએલના ઇતિહાસમાં પોતાની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી.

પ્રિયાંશના આઉટ થયા બાદ પ્રભસિમરન તથા શ્રેયસે ચોક્કા, છક્કા ફટકારીને ટીમના સ્કોરબોર્ડને ઝડપભેર ફરતું રાખ્યું હતું.

પ્રભસિમરનસિંહે 23 બૉલમાં 42 રન બનાવ્યા હતા. પ્રભસિમરને સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

પંજાબની ઇનિંગનું આકર્ષણ માર્ક સ્ટોઇનિસની આક્રમક બૅટિંગ પણ રહી હતી. સ્ટોઇનસે મોહમ્મદ શમીની છેલ્લી ઓવરમાં ચાર બૉલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમણે 11 દડામાં 34 રનની ઇનિંગ રમી હતી.

શમીએ કોઈ પણ વિકેટ લીધા વગર 75 રન આપ્યા. આ મામલે જૉફ્રા આર્ચર તેમના કરતા આગળ છે. આર્ચરે સનરાઇઝર્સ સામે વગર વિકેટ લીધે 76 રન આપ્યા હતા.

હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે ચાર ઓવરમાં 42 રન આપીને ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ (આર્ય, અય્યર, શશાંકસિંહ તથા મૅક્સવેલ) લીધી હતી. મૅચ દ્વારા આઈપીએલમાં ડૅબ્યૂ કરનારા ઇશાન મલિંગાએ પહેલી જ ઓવરમાં પ્રભસિમરનને આઉટ કર્યા. તેમણે પંજાબની ટીમના બે ખેલાડીઓને પેવોલિયન ભેગા કર્યા હતા.

મૅચ દરમિયાન બનેલા રેકૉર્ડ્સ

અભિષેક શર્માએ 141 રન બનાવ્યા કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા ખડવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર છે. અગાઉ લોકેશ રાહુલે 132 રન બનાવ્યા હતા.

અભિષેક શર્મા હૈદરાબાદની ટીમ વતી સૌથી વધુ રન ફટકારનારા ખેલાડી બની ગયા છે.

અભિષેક શર્માએ ત્રીજી વખત 20 બૉલમાં અડધી સદી ફટકારી હતી. તેઓ નિકોલસ પૂરન પછી બીજાક્રમે છે.

પંજાબની ટીમે ત્રીજી ઓવરમાં જ 50થી વધુ રન કરી લીધા હતા. એક રીતે તે આરસીબીના રેકૉર્ડની બરાબરી કરી છે.

અભિષેક શર્માએ 24 વખત બૉલને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો હતો. તેઓ ક્રિસ ગેઇલથી પાછળ રહ્યા હતા. જેમણે એક ઇનિંગમાં 30 વખત ચોક્કા કે છક્કા માર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.