IPL MI vs CSK: કોણ છે આયુષ મ્હાત્રે, જેણે ડૅબ્યૂ મૅચમાં જ ધમાકેદાર બેટિંગ કરીને બનાવ્યો રેકૉર્ડ

ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઈપીએલ)માં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો આસાનીથી 9 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મૅચમાં કોઈ ખેલાડી ચર્ચાસ્પદ રહ્યા હોય તો તે આયુષ મ્હાત્રે છે. આયુષની ઉંમર માત્ર 17 વર્ષ છે અને સીએસકે વતી ડૅબ્યૂ મૅચમાં તેમણે જે ફટકાબાજી કરી તે અસામાન્ય હતી. તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમનારા સૌથી યુવાન ખેલાડી છે.

આયુષની ઇનિંગની ખાસ વાત એ હતી કે તેમણે માત્ર 15 બૉલમાં 32 રન બનાવ્યા હતા. તેમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર સામેલ હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો

આયુષ મ્હાત્રેની ફટકાબાજી ચાલુ હતી ત્યારે તેની બેટિંગ જોઈને તેમના પિતરાઈ ભાઈ ભાવુક થઈ ગયા હતા.

ગઈકાલની મૅચનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં આયુષ મ્હાત્રેના ભાઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

હજુ એક દિવસ અગાઉ 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની આવડતનો બધાને પરચો આપ્યો હતો. બીજા દિવસે આયુષ મ્હાત્રેની બેટિંગે બધાને મોહિત કરી દીધા હતા.

વૈભવ અને આયુષની સરખામણી પણ કરવામાં આવી રહી છે. વૈભવે પોતાની બેટિંગમાં પહેલા જ બૉલ પર સિક્સર ફટકારી હતી જ્યારે આયુષે ત્રીજા જ દડાને સિક્સ મારીને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો.

ધોની પણ પ્રભાવિત

વૈભવ આઉટ થયા ત્યારે તેઓ રડી પડ્યા હતા અને આયુષ મેદાનમાં ઉતર્યા ત્યારે તેમના પિતરાઈ ભાઈ રડી પડ્યા હતા તેનો વીડિયો વાઇરલ થયો છે.

પાંચ વખત ચૅમ્પિયન બનેલી ટીમમાં આયુષ મ્હાત્રે તાજેતરમાં જ જોડાયા છે. પ્લેઈંગ ઇલેવનમાં રાહુલ ત્રિપાઠીની જગ્યાએ મ્હાત્રેનો સમાવેશ કરાયો હતો.

ચોથી ઓવરમાં રચિન રવીન્દ્ર આઉટ થયા પછી તેઓ મેદાનમાં આવ્યા હતા. મ્હાત્રેએ આઈપીએલની કારકિર્દીમાં પ્રથમ ત્રણ બૉલમાં જ એક ચોગ્ગો અને બે સિક્સર ફટકારી હતી. તેના કારણે એમ એસ ધોની જેવા ખેલાડી પણ પ્રભાવિત થઈ ગયા હતા.

મ્હાત્રેની ઇનિંગ બહુ લાંબી ન ચાલી

જોકે, આયુષ મ્હાત્રે બહુ લાંબી ઇનિંગ રમી શક્યા ન હતા. દીપક ચહરની બૉલિંગમાં તેઓ આઉટ થઈ ગયા જે દરમિયાન તેમણે 15 બૉલમાં 32 રન બનાવ્યા હતા.

આ દરમિયાન સીએસકેએ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં મ્હાત્રેના નાના કઝીનની આંખોમાંથી આંસુ વહેતાં હોય અને તેઓ બહુ લાગણીશીલ થઈ ગયા હોય એવું જોવા મળે છે.

આ મૅચમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ફાંકડી બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી અને સીએસકેને નવ વિકેટે આસાનીથી પરાજય આપ્યો હતો.

177 રનનો પીછો કરતી વખતે રોહિતે 45 બૉલમાં 76 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 30 બૉલમાં 68 રન બનાવ્યા હતા. બંને છેલ્લે સુધી આઉટ નહોતા થયા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 144 રનની અણનમ ભાગીદારી બની હતી જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સની આસાન જીત થઈ હતી.

સીએસકે વતી એકમાત્ર રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.