મક્કામાં મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની ચાવી કોની પાસે છે?

મુસ્લિમોના સૌથી પવિત્ર ધર્મસ્થળ કાબાની ચાવીના સંરક્ષક ડૉ સાલેહ બિન જૈનુલ આબેદીન શેબીનું નિધન થઈ ગયું છે.

કાબાના દરવાજાની ચાવી ડૉ સાલેહની પાસે જ રહે છે. માનવામાં આવે છે કે પયગંબર મહમદના જમાનામાં જ તેમના ખાનદાનને આ ચાવી મળી હતી અને ત્યારથી જ આ પરિવારની પાસે છે.

સદીઓથી ડૉ સાહેલ બિન જૈનુલના પરિવારની પાસે આ ચાવીને સુરક્ષિત રાખવાની જવાબદારી છે.

ડૉ સાલેહ અલ શેબી પરિવારના 109માં વારસ હતા જેમને ચાવી સંભાળવાની જવાબદારી મળી હતી.

2013માં તેમના કાકા અબ્દુલ કાદિર તાહા અલ શેબીના નિધન બાદ ડૉ સાલેહને આ ચાવી સોંપવામાં આવી હતી.

ઉમ્મ ઉલ કુરા યુનિવર્સિટીથી ઇસ્લામિક સ્ટડીઝમાં પીએચડી કરવા માટે ડૉ સાલેહનો જન્મ 1947માં મક્કા શહેરમાં થયો હતો. મક્કાને ઇસ્લામ ધર્મનું સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે.

તેમણે યુનિવર્સિટીમાં એક ટીચરના રૂપમાં કેટલાંક વર્ષો સુધી ભણાવ્યું. તેમણે ઇસ્લામથી જોડાયેલા કેટલાક શોધ અને પુસ્તકોનું પ્રકાશન પણ કર્યું હતું.

કાબાની ચાવીની જવાબદારી

કાબામાં દાખલ થવા માટે માત્ર એક જ દરવાજો છે જેને બાબ-એ-કાબા કહેવામાં આવે છે.

કાબા હરમના ફર્શથી 2.13 મીટરની ઊંચાઈ પર છે. આ દરવાજો કાબાની ઉત્તર-પૂર્વ દીવાલ પાસે સ્થિત છે અને આ દરવાજો એ કાળા પથ્થરની બિલકુલ નજીક સ્થિત છે જ્યાંથી તવાફની શરૂઆત થાય છે.

હજ (કે ઉમરા) દરમિયાન હાજી, આ કાળા પથ્થરને ચૂમે છે અને પછી કાબાના ચક્કર લગાવે છે જેને તવાફ કહેવામાં આવે છે.

કાબાની ચાવીને સંભાળવા અંગેના ઇતિહાસ વિશે ઇસ્લામી ઇતિહાસકાર અહમદ અદને બીબીસી સોમાલી સાથે વાત કરતા કહ્યું, "જ્યારે પયગંબર મહમદનો જન્મ થયો હતો, કુરૈશ કબીલાની જવાબદારીઓ વહેંચાયેલી હતી. બની હાશિમ પરિવાર, જેમાં પયગંબરનો જન્મ થયો, તેમની પાસે ઝમઝમનો કૂવો હતો અને તેની ચાવી હતી. કાબાની ચાવી ઉસ્માન બિન તલહા પાસે હતી."

અહમદ અદન તે ઘટનાના સંદર્ભ પણ આપે છે જેમાં પયગંબર મહમદે ઉસ્માન બિન તલહાને કહ્યું હતું, એ દિવસ નજીક આવી રહ્યો છે, જ્યારે એ ચાવી મારી પાસે હશે.

ઇસ્લામી ઇતિહાસ અનુસાર, મક્કાને જીતી લીધા બાદ કેટલાક સમય માટે, આ ચાવી ઉસ્માન બિન તલહા પાસેથી લઈ લેવામાં આવી હતી પરંતુ પછી અલ્લાહના આદેશ પર પાછી તેમને સોંપી દેવામાં આવી હતી.

પયગંબર મહમદે સ્વયં આ ચાવી ઉસ્માન બિન તલહાને આપી હતી અને ત્યારથી જ તેમનો પરિવાર પેઢી દર પેઢી આ ચાવી સંભાળે છે.

ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પયગંબર મહમદે આ ચાવી ઉસ્માનને આપતા કહ્યું હતું કે, "કાબાની આ ચાવી હંમેશાં તમારી પાસે રહેશે અને કોઈ જાલિમ સિવાય અન્ય કોઈ આ ચાવી તમારી પાસે નહીં લઈ શકે."

હાલનો દરવાજો

વર્ષ 1942 પહેલાં કાબાનો દરવાજો કોણે બનાવડાવ્યો અને કેવી રીતે બનાવડાવ્યો તેનો ઇતિહાસમાં વધુ ઉલ્લેખ નથી મળતો.

જોકે 1942માં ઇબ્રાહિમ બદ્રે ચાંદીનો દરવાજા બનાવડાવ્યો હતો. ત્યાર બાદ 1979માં ઇબ્રાહિમ બદ્રના પુત્ર અહમદ બિન ઇબ્રાહિમ બદ્રે કાબા માટે સોનાનો દરવાજો તૈયાર કરાવ્યો હતો. આ દરવાજો ત્રણ સો કિલો સોનાથી બનાવવામાં આવ્યો હતો.

કાબાના પૂર્વ સંરક્ષક શેખ અબ્દુલ કાદિરના સમયમાં શાહ અબ્દુલ્લાહના આદેશ પર કાબાના તાળાને બદલવામાં આવ્યું.

તત્કાલીન પ્રિન્સ ખાલિદ અલ ફૈસલે કાબાની સફાઈના અવસર પર નવા તાળા અને ચાવી શાહ અબ્દુલ્લાહ તરફથી શેખ અબ્દુલ કાદિરને સોંપી હતી.

જ્યારે લાંબી બીમારી પછી શેખ અબ્દુલ કાદિરના મૃત્યુ બાદ ડૉ સાલેહ બિન જૈનુલ આબેદીન અલ શેબી આ ચાવીના નવા સંરક્ષક બન્યા.

ઇતિહાસમાં કાબાનાં તાળાં અને ચાવી કેટલાય શાસકોએ અનેક વખત બદલ્યાં. પારંપરિક રૂપથી કાબાની ચાવી કુરાનની આયતોની નકશીકામવાળી બૅગમાં રાખવામાં આવી હતી.

હાલનાં વર્ષોમાં કાબાના સંરક્ષકની જવાબદારી તાળું ખોલવા અને બંધ કરવા પૂરતી છે.

જોકે સાઉદી અરેબિયા આવનારા રાજદ્વારી મહેમાનો માટે સાઉદી અરેબિયાના શાહી કાર્યાલય, ગૃહ મંત્રાલય અથવા આપાત સૈન્ય બળ ચાવી વડે આ તાળું ખોલી શકે છે.

આ ઉપરાંત, ઇસ્લામી કૅલેન્ડરના મોહર્રમ મહીનાની દર પંદરમી તારીખના, શાહી આદેશ પર ચાવીના સંરક્ષક કાબાના દરવાજાને ખોલે છે એટલે કાબાને નવડાવી શકાય.

કાબાનું તાળું અને ચાવી

વર્તમાનમાં કાબાનું તાળું અને ચાવી 18 કૅરેટ સોના અને નિકલથી બન્યાં છે. જ્યારે કાબાની અંદરનો ઓસારો લીલા રંગનો છે.

તાળા અને ચાવી પર પણ કુરાનની આયતો લખેલી છે.

તુર્કીમાં, સંગ્રહાલયમાં આવી 48 ચાવીઓ રાખેલી છે, જેનો ઉપયોગ ઉસ્માનિયા સલતનતના તત્કાલીન ગવર્નર કાબાને ખોલવા માટે કરતા હતા જ્યારે સાઉદી અરેબિયામાં આ ચાવીઓની શુદ્ધ સોનાથી બનેલી કૉપીઓ રાખવામાં આવી છે.

કાબાની ચાવીની હરાજી

12મી સદીમાં બનેલી કાબાની ચાવીની લિલામી 2008માં એક કરોડ 81 લાખ ડૉલરમાં થઈ હતી.

લંડનમાં ઇસ્લામી જગતમાં કલાકૃતિઓની લિલામી દરમિયાન એક અજ્ઞાન ખરીદારે આ ચાવી ખરીદી હતી.

કાબાની જે ચાવીને લિલામ કરવામાં આવી હતી તે લોઢાની બનેલી હતી અને 15 ઇંચ લાંબી હતી. આ ચાવી પર લખ્યું છે- "આને ખાસ કરીને અલ્લાહના ઘર માટે નિર્મિત કરાઈ હતી."

લંડનમાં લિલામ થયેલી કાબાની ચાવી એકમાત્ર એવી ચાવી છે જે કોઈની ખાનગી મિલકત છે.

આ સિવાય, કાબાની 58 ચાવીઓ અલગ-અલગ સંગ્રહાલયોમાં છે.