એન્જિનિયરિંગની અજાયબીઃ ઘૂઘવતા દરિયામાં તરતો હાઇવે

    • લેેખક, ટ્રેસી ટિઓ
    • પદ, બીબીસી ટ્રાવેલ

હું ઍટલાન્ટિક મહાસાગર અને મૅક્સિકોના અખાત વચ્ચે માઈલો લાંબા સમુદ્રી માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઉપર સીગલ પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. આકાશ પીગળીને સમુદ્રમાં ભળી જતું હોય એવું લાગતું હતું. નજર પહોંચે ત્યાં સુધી વાદળી રંગ ફેલાયેલો હતો.

મેં મારા ગોગલ્સ સરખા કર્યા કે તરત જ મને મારી આંખના ખૂણેથી પાણીમાં જરા સરખી હરકતની ખબર પડી. ત્યાં એક બોટલનોઝ ડોલ્ફિન હતી. તેની સાથે તેના દોસ્તો પણ હતા. ડોલ્ફિનની એ ટોળકીએ ટૂંક સમયમાં જળ બેલે ડાન્સનું પ્રદર્શન કર્યું હતું. મોજાંઓમાં ફરી પડવા પહેલાં તેમણે સુંદર આર્ક (કમાન) બનાવી હતી.

મારી આજુબાજુ માછીમારોની નૌકાઓ ફરતી હતી અને મને પણ માછલી પકડવાનું મન થયું હતું, પરંતુ હાઇવે પર પ્રતિકલાક 50 માઈલની ઝડપે કાર ચલાવતી વખતે એવું કરવું મુશ્કેલ હોય છે.

માયામીથી કી વેસ્ટ ફ્લોરિડા દ્વીપ સુધી પ્રવાસ કરવાનું આજે જેટલું છે એટલું આસાન અગાઉ ક્યારેય ન હતું. વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાના દક્ષિણ છેડા સુધી પહોંચવા માટે માત્ર નૌકા દ્વારા એક દિવસ પ્રવાસ કરવો પડતો હતો અને તે પણ મોસમ તથા સમુદ્રનાં મોજાં પર નિર્ભર હતું.

ઓવરસીઝ હાઇવે

ઓવરસીઝ હાઇવે નામે વિખ્યાત એન્જિનિયરિંગની એક આશ્ચર્યજનક અજાયબીને લીધે હું એક એવી જગ્યાએ જઈ રહી હતી, જ્યાં ઉત્તર અમેરિકા અને કેરેબિયનનો મેળાપ થાય છે.

મને લાગતું હતું કે હું મેંગ્રોવનાં જંગલો અને કેઝ (ભેખડો) વચ્ચે તરી રહી છું. આ હાઇવે મધ્ય ભાગના દક્ષિણ છેડાથી 42 પુલો પર, 44 ટ્રોપિકલ દ્વીપો પર 113 માઈલ સુધી ફેલાયેલો છે.

ઓવરસીઝ હાઇવેની શરૂઆત હકીકતમાં ઓવરસી રેલ રોડ તરીકે થઈ હતી અને તે દૂરંદેશીવાળા ડેવલપર હેનરી મોરિસન ફ્લેગલર (જેમને ફ્લોરિડાના પિતા પણ કહેવામાં આવે છે)ના દિમાગની દેણ છે. ફ્લેગલરે બિઝનેસમૅન જોન ડી રોફકેલર સાથે મળીને સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીની 1870માં સ્થાપના કરી હતી. એ કંપની વીસમી સદીની શરૂઆતમાં દુનિયાના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કૉર્પોરેશન પૈકીની એક બની ગઈ.

ફ્લોરિડાનો પ્રવાસ અને ‘ધ સનશાઇન સ્ટેટ’ની પર્યટન ક્ષમતાનો તાગ મેળવા પછી ફ્લેગલરે પોતાના મોટા ભાગના પૈસા તે ક્ષેત્રમાં ખર્ચ્યા હતા.

તેમણે ભવ્ય રિસોર્ટ્સ બનાવ્યા, જેનાથી અમેરિકાના સૌથી ગરીબ રાજ્યો પૈકીનું એક ઉત્તર પૂર્વ અમેરિકાના પ્રવાસીઓ માટે શિયાળામાં સ્વર્ગ બની ગયું. તેમ છતાં મહેમાનો માટે ફ્લેગલરના શાનદાર, પરંતુ દૂર આવેલાં મનોરંજન સ્થળો સુધી પહોંચવાનો કોઈ માર્ગ ન હતો.

તેથી ફ્લેગલરે 1885માં ફ્લોરિડાના ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પાસે ફ્લોરિડાના ઉત્તર છેડે જેક્સનવિલે રાજ્યના દક્ષિણ છેડા પાસે માયામી સુધી અલગ-અલગ રેલવે લાઇનોની જાળ બિછાવી હતી.

એ લાઈનનો અંતિમ છેડો માયામી હોવું જોઈતું હતું, પરંતુ અમેરિકાએ 1904માં પનામા કૅનાલ પર નિર્માણ શરૂ કર્યું ત્યારે ફ્લેગલરે કી વેસ્ટ માટે જબરી સંભાવના દેખાઈ હતી. નહેરની સૌથી પાસે આવેલો જમીનનો એક ટુકડો અને દક્ષિણ પૂર્વ અમેરિકામાં સૌથી ઊંડું બંદર.

સિગાર અને માછલી ઉદ્યોગને લીધે જ વ્યસ્ત આ કેન્દ્ર પહેલેથી ધમધમતું હતું, પરંતુ દ્વીપના દૂરના સ્થળે હોવાને કારણે માલસામાન ઉત્તર તરફ મોકલવાનું મુશ્કેલ તથા મોંઘું બની ગયુ હતું.

તેથી ફ્લેગલરે પોતાના ટ્રેકને 156 માઇલ દક્ષિણમાં કી વેસ્ટ સુધી વિસ્તારવાનો નિર્ણય કર્યો હતો. તેનો મોટા ભાગનો હિસ્સો ખુલ્લા સમુદ્રની ઉપર હતો.

‘દુનિયાની આઠમી અજાયબી’

આ કથિત વેસ્ટ એક્સ્ટેન્શનને તેમના અનેક સમકાલીન લોકોએ અશક્ય ગણાવ્યું હતું અને તેમના વિચારને તેમના ટીકાકારોએ “ફ્લેગલરની મૂર્ખતા” ગણાવ્યો હતો. 1905 અને 1912 વચ્ચે સમુદ્રમાં થયેલા તોફાનને લીધે ત્રણ નિર્માણ સ્થળોને નુકસાન થયું હતું તથા 100થી વધુ મજૂરો માર્યા ગયા હતા.

તેમ છતાં ફ્લેગલર ડર્યા વિના આગળ વધતા રહ્યા હતા અને તેમાં સાત વર્ષ થયાં હતાં. પાંચ કરોડ ડૉલર (આજના 1.56 અબજ ડૉલર)ના ખર્ચ અને રેલવેના નિર્માણ માટે 4,000 આફ્રિકન-અમેરિકન, બહામી તથા યુરોપિયન પ્રવાસીઓએ મગરમચ્છો, વીંછીઓ અને સાપો સાથે મુકાબલો કર્યો હતો.

આખરે 1912માં આ રેલ રોડ સંપૂર્ણપણે બની ગયો ત્યારે તેને ‘દુનિયાની આઠમી અજાયબી’ કહેવામાં આવ્યો હતો.

ટ્રેનના ઉદઘાટન દરમિયાન લાકડાના ઈંધણથી ચાલતું એક એન્જિન માયામીથી કી વેસ્ટ પહોંચ્યું હતું. એ વખતે 82 વર્ષના થઈ ગયેલા ફ્લેગલરને તે એન્જિનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેઓ તેમની કારમાં નીકળ્યા હતા. એ કાર આજે પણ પામ બીચ ખાતેના ફ્લેગલર મ્યુઝિયમમાં જોવા મળે છે.

તેમણે તેમના દોસ્તને કથિત રીતે કહ્યું હતું, “હવે હું ખુશીથી મરી શકીશ. મારું સપનું સાકાર થઈ ગયું.”

ફલોરિડાના ઇતિહાસકાર બ્રેડ બરટેલી કહે છે, “ફ્લેગલરે આ માટે થયેલા ખર્ચ પૈકીના ત્રણ કરોડથી વધુ ડૉલર પોતાના ખિસ્સામાંથી આપ્યા હતા, એ નોંધપાત્ર હકીકત છે. આજે જેફ બેઝોસ કે બિલ ગેટ્સ આવું કરવાની ક્ષમતા ધરાવતા હોય તે શક્ય છે. તેની સૌથી સારી આધુનિક સરખામણી ઍલન મસ્કની સ્પેસ એક્સ સાથે કરી શકાય.”

આ રેલ રોડ 1935 સુધી કાર્યરત્ રહ્યો હતો. સદીના સૌથી ભયાનક સમુદ્રી તોફાનમાં તેનો લાંબો હિસ્સો ધોવાઈ ગયો હતો. ફ્લેગલરની આ ઉત્કૃષ્ટ કૃતિને ફરી બનાવવા માટે તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું, જેથી મોટર કાર્સ માટેના અમેરિકનોના નવા શોખને પોષી શકાય.

ફ્લેગલરે બનાવેલા મજબૂત પુલ કલાકના 200 માઈલની ઝડપે ફૂંકાતા પવનમાં પણ ટકી રહેવાની ક્ષમતાવાળા હતા. તેના પર ભરોસો કરીને અમેરિકન સરકારે 1938માં એક ઓવર વૉટર રોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેનો સમાવેશ દુનિયાના આવા સૌથી લાંબા માર્ગોમાં થાય છે.

તેના નિર્માણકાર્યમાં જોડાયેલા લોકોએ મોટર કાર માટે જગ્યા બનાવવા રેલવે ટ્રેકને ઠીક કર્યા અને નવા ખુલ્લા ઓવરસીઝ હાઇવેએ સુદૂર ફ્લોરિડાના કીઝને આજના કાયમ ધમધમતા પર્યટન સ્થળમાં પરિવર્તિત કરી નાખ્યું.

રેલરોડના નિર્માણની એક સદી પછી પણ એ સમયે બનેલા 20 પુલો પરથી પ્રવાસીઓને માયામીથી કી વેસ્ટ લઈ જવામાં આવે છે.

તમે ચાર કલાકથી ઓછો સમય ડ્રાઇવ કરીને પહોંચી શકો છો. આ રસ્તા પર પ્રવાસ કરવો એ પણ મનોરંજનનો હિસ્સો છે.

એન્જિનિયરિંગની અજાયબી

આકર્ષક સ્ટોપ્સની શ્રેણી પ્રવાસીઓને એ સમજવાની તક આપે છે કે એન્જિનિયરિંગની આ અજાયબીનું નિર્માણ કેવી રીતે થયું હતું અને ફ્લોરિડા કીઝ પર કાયમ માટે પ્રભાવ પાથર્યો. માયામીથી 69 માઈલ દૂર આવેલું કી લાર્ગો ફ્લોરિડા કીઝનો સૌથી ઉત્તરી અને પહેલો સ્ટોપ છે.

મગરમચ્છો, સાપ અને જળમાંના બીજા જીવજંતુઓએ ફ્લેગલરની નિર્માણ ટુકડીને ડરાવી હશે, પરંતુ આજકાલ સમુદ્રી જીવન જોવા માટે પ્રવાસીઓ કી લાર્ગો આવે છે. કી લાર્ગોને દુનિયાની ‘ડૂબકીબાજીની રાજધાની’ કહેવામાં આવે છે.

જોન પેનીકૅમ્પ કોરલ રીફ સ્ટેટ પાર્ક પાસે આવેલી ફ્લોરિડા કીઝ નેશનલ મરીન સેન્ચ્યુરી ઉત્તર અમેરિકાના આ એકમાત્ર જીવંત કોરલ બેરિયર રીફમાં ડૂબકી લગાવવા માટે ડૂબકીબાજોને આકર્ષિત કરે છે.

અહીંનું સમુદ્રી ઘાસ માછલીઓ, મૈનાટી (સમુદ્રી ગાય) અને સમુદ્રી કાચબાઓ માટે મહત્ત્વપૂર્ણ પ્રાકૃતિક આવાસ ઉપલબ્ધ કરાવે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ ‘ક્રાઇસ્ટ ઑફ ધ ડીપ’ની પોતાના હાથ ફેલાવીને ઊભેલી નવ ફૂટની કાંસાની મૂર્તિ છે, જે 1965થી પ્રવાસીઓનું ધ્યાન આકર્ષી રહી છે.

પાણીમાંથી નીકળીને ધરતી પર આવો પછી માયામી અને કી વેસ્ટ વચ્ચે આવેલી એક વસાહત ઇસ્લામોરાડા તરફ આગળ વધજો. તે એક સમયે વિદેશી ટ્રેનનું સ્ટેશન હતું.

રેલ રોડના નિર્માણ તથા તેમાં આવેલી અડચણો વિશેની 35 મિનિટની એક દસ્તાવેજી ફિલ્મ અહીંના કીઝ હિસ્ટ્રી ઍન્ડ ડિસ્કવરી સેન્ટરમાં દર્શાવવામાં આવે છે. ટ્રેનના સુવર્ણ યુગની કળાકૃતિઓ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. તેમાં કારમાં પીરસાતી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે એ સમયનું એક અસલી મેનુ કાર્ડ પણ દેખાડવામાં આવે છે, જેમાં એક સર્લોઇન (બીફ) સ્ટીકની કિંમત 1.6 ડૉલર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સેવન માઈલ બ્રિજ

ઇસ્લામોરાડાથી 35 માઈલ દક્ષિણમાં આવેલા એક નાના દ્વીપ પિજન કીના કૅમ્પમાં રહેતા લગભગ 400 મજૂરોએ 1908થી 1912 દરમિયાન સમુદ્રની ઉપર રેલવેનો સૌથી મુશ્કેલ હિસ્સો વિખ્યાત ‘સેવન માઈલ બ્રિજ’ બનાવ્યો હતો. તેને ઓલ્ડ સેવન પણ કહેવામાં આવે છે. તે સેન્ટ્રલ અને લોઅર કીઝને જોડતો હતો.

ખુલ્લા પાણીના 6.8 માઈલના હિસ્સાને પાર કરવાનું મુશ્કેલ કામ સિવિલ એન્જિનિયર વિલિયમ જે ક્રોમને 1909માં સોંપવામાં આવ્યું હતું. નિર્માણ દળ 24 કલાક કામ કરતું હતું અને આ માર્ગનો સૌથી લાંબો પુલ બનાવવા માટે સમુદ્રની વચ્ચે 700થી વધુ ઍડિશનલ પાઇલિંગ ચાલતું હતું, જે ક્યારેક સમુદ્રની સપાટીથી લગભગ 30 ફૂટ નીચે હતું.

તેમને ડૂબકીબાજોનો સહારો મળ્યો હતો. ડૂબકીબાજોએ રેલવે ટ્રેકના વજનને ટેકો આપવા માટે પાણીની અંદર કૉંક્રિટ પેડેસ્ટલ બનાવવામાં મદદ કરી હતી.

જૂના કન્સ્ટ્રક્શન કૅમ્પના ખંડેર સુધી પહોંચવા માટે મેરાથન શહેરથી પિજન કી સુધી જૂના પુલ પર ટ્રોલીનો ઉપયોગ કરી શકાય છે.

2.2 માઈલનો વિભાગ (એકમાત્ર હિસ્સો જ્યાં પહોંચી શકાય છે) જાન્યુઆરી 2022માં 4.4 કરોડ ડૉલરના ખર્ચે કરવામાં આવેલા જીર્ણોદ્ધાર પછી ખોલવામાં આવ્યો છે.

એક સમયે જર્જરિત બનેલો પુલ ટ્રોલી સિવાય દરેક પ્રકારના ટ્રાફિક માટે બંધ રાખવામાં આવે છે. તે એકદમ સ્વચ્છ પાણીથી 65 ફૂટ પર સાઇકલ ચલાવવા કે સ્કેચિંગ કરવા અથવા કાચબા કે શાર્ક જેવા સમુદ્રી જીવનનો અનુભવ કરવા ઇચ્છતા લોકો માટે સલામત મેદાન બની ગયો છે.

આજે પિજન કી પર માત્ર ચાર સ્થાયી નિવાસીઓ રહે છે. પાંચ એકરમાં ફેલાયેલો આ દ્વીપ હવે એક રાષ્ટ્રીય ઐતિહાસિક લૅન્ડમાર્ક છે અને તેનું સંચાલન મોટા ભાગે સૌરઊર્જાથી કરવામાં આવે છે.

સંગ્રહાલય અને પ્રદર્શન

અહીં એક સંગ્રહાલય પણ છે, જેમાં એવી અનેક ઇમારતોનો પ્રવાસ કરાવવામાં આવે છે, જ્યાં ક્યારેક અહીં કામ કરતા લોકોને રાખવામાં આવતા હતા. સેવન માઈલ બ્રિજના નિર્માણ દરમિયાન અહીં કામ કરતા લોકોનું જીવન કેવું હતું એ અહીં જણાવવામાં આવે છે.

આજે ઓવરસીઝ હાઇવે પર પ્રવાસ કરતા લોકો જાણે છે કે તેઓ કી વેસ્ટમાં અમેરિકા વનનો લૅન્ડમાર્ક જુએ ત્યારે તેમનો પ્રવાસ પૂર્ણ થાય છે. અહીં કાળા અને સફેદ નિશાન સૌથી દક્ષિણ છેડાનો સંકેત આપે છે. તેનો અર્થ એ થાય છે કે પ્રવાસીઓ હવે માયામી (132 માઈલ ઉત્તરે)ની તુલનાએ ક્યુબા (90 માઈલ દક્ષિણ)ની પાસે છે.

જોકે, મોટા ભાગના પ્રવાસીઓ સીધા શહેરની વચ્ચે ડુવલ સ્ટ્રીટ કે અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેના ઘર તથા મ્યુઝિયમ તરફ જાય છે, પરંતુ રેલ મ્યુઝિયમ પણ દર્શનીય છે.

મ્યુઝિયમમાં કી વેસ્ટનો 500 વર્ષનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. સાત ચોરસ માઈલનો આ દ્વીપ સમુદ્રી ચાંચિયાઓના અડ્ડામાંથી વ્યાપારી કેન્દ્રમાં કઈ રીતે પરિવર્તિત થયો અને એક પ્રવાસનસ્થળ બન્યો તે અહીં દર્શાવવામાં આવે છે.

રેલવેના સમયની કળાકૃતિઓમાં પગારની ચુકવણી કરતી ગાડી સામેલ છે, જે રેલવે કર્મચારીઓને પગાર આપવા માટે એક પ્રકારની મોબાઇલ બૅન્ક તરીકે કામ કરતી હતી.

રેલ રોડનો વિકાસ કેવી રીતે થયો અને વીસમી સદીની ટેકનિકલ મર્યાદાઓને પાર કરીને દરેક મુશ્કેલીને કેવી રીતે દૂર કરવામાં આવી હતી, તે આધુનિક દુનિયાની આઠમી અજાયબીના પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું છે.

ફ્લોરિડાના ઇતિહાસકાર અને લેખક ડૉ. કોરી કન્વર્ટીટો કહે છે, “મારે ફ્લોરિડા કીઝના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી ઘટનાની વાત કરવાની હોય તો તે નિશંકપણે ફ્લેગલરનું ઓવરસી નિર્માણ હશે.”

“તેમની દૂરંદેશી, લગન અને ઉદ્યમને લીધે કીઝ પહેલી વાર અમેરિકન ધરતી સાથે જોડાયા. લોકો અને દ્વીપો સુધી આવતા પ્રવાસીઓને તેનાથી થતા વ્યાપારી તથા પ્રવાસ સંબંધી લાભની પણ અવગણના ન કરી શકાય. તેણે કીઝના અર્થતંત્રના માર્ગ પર કાયમી પ્રભાવ પાથર્યો છે અને આજે આપણે જે પ્રવાસન ઉદ્યોગ જોઈ રહ્યા છીએ તેનાં દ્વાર ખોલ્યાં છે.”