જ્યારે સમુદ્રમાં ડૂબી ગયેલું એક જહાજ 1500 કિમી દૂર મુંબઈના દરિયાકિનારે અચાનક પ્રગટ થયું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઍટલાન્ટિક મહાસાગરમાં 1500થી વધુ મુસાફર સાથે ડૂબી ગયેલા ટાઇટેનિકની દુર્ઘટનાનાં 111 વર્ષ પછી પણ અનેક સવાલના જવાબ નથી મળ્યા. હવે, કાટમાળસ્થળની સહેલગાહે નીકળેલી સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો સહિતના અનેક સવાલ ઊભા કરે છે.

આવી જ રીતે અનેક સવાલો લઈને જુલાઈ-2011માં મુંબઈમાં જૂહુ બીચ પર 'એમવી પાવિત' નામનું ભારતીયની માલિકીનું જ ઑઇલટૅન્કર તણાઈ આવ્યું હતું. આ ઘટના ચોંકાવનારી એટલે હતી કે આ જહાજને હજી છ અઠવાડિયા પહેલાં જ 'ડૂબી ગયેલું' જાહેર કરી દેવામાં આવ્યું હતું.

જહાજમાં કોઈ જ સવાર નહોતું. દરિયાકિનારે આવેલાએ આ મહાકાય જહાજે સ્થાનિકોમાં કૌતુક ઊભું કર્યું હતું.

કેટલાક દિવસો બાદ સ્થાનિક માછીમારોએ વરસાદની વચ્ચે કેટલાક લોકોને કાળાં કપડાં પહેરીને તેમાંથી ઊતરતા જોયા હતા, જેના કારણે રહસ્ય ગાઢ બન્યું હતું.

આ બિનવારસી જહાજે મીડિયામાં ચકચાર જગાવી દીધી ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ ઉપર અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા, તો કેટલાંક રહસ્યો પરથી પડદો પણ ઊંચક્યો હતો.

એક નજર ભારતીય વહાણવટાના ઇતિહાસના એ પ્રકરણ પર, જેના પરથી પ્રેરણા લઈને બોલીવૂડની ફિલ્મ પણ બની છે.

મધદરિયે ડૂબી રહેલા જહાજની વહારે આવ્યું બ્રિટિશ નેવીનું જહાજ

જૂન-2011માં ભારતીયની માલિકીનું જહાજ 'એમવી પાવિત' ઓમાન અને મધ્યપૂર્વમાં ઑઇલની હેરફેર કરી રહ્યું હતું. આ જહાજ 77 મીટર લાંબું અને 12 મીટર પહોળું હતું. જ્યારે આ જહાજે તે સંકટમાં હોવાનાં સિગ્નલ મોકલ્યાં હતાં, ત્યારે ક્રૂએ એંજિન ફેલ થઈ ગયું હોવાનું તથા એંજિનરૂમમાં પાણી ભરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

બ્રિટનના યુદ્ધજહાજ એચએમએસ અલબાન્સે ક્રૂના સભ્યોને એ ડૂબતા જહાજ પરથી બચાવીને સંભવિત જાનહાનિને અટકાવી હતી.

એ બ્રિટિશ યુદ્ધજહાજના કમાન્ડર ટોમ શાર્પના કહેવા પ્રમાણે, "મને યાદ છે ત્યાં સુધી તે સમયે સી-સ્ટેટ સિગ્નલ પાંચ પ્રવર્તમાન હતું, જેનો અર્થ દરિયો તોફાની એવો થાય છે. જેમાં ત્રણથી ચાર મીટર ઊંચા મોજાં ઊઠે છે અને જોરદાર પવન ફૂંકાય છે. અમને કહેવામાં આવ્યું હતું કે જહાજમાં કોઈક સમસ્યા છે, પરંતુ શું સમસ્યા છે? તે નક્કરપણે જણાવવામાં નહોતું આવ્યું. જેથી સમસ્યા કેટલી ગંભીર છે અને અમારી પાસે કેટલો સમય છે, તેનું અનુમાન કાઢી શકાય."

"આથી, મેં અમારા એક હૅલિકૉપ્ટરને સ્થિતિ જાણવા માટે ત્યાં મોકલ્યું. પાઇલોટે હવામાંથી જહાજના ક્રૂ સાથે વાત કરી તો માલૂમ પડ્યું કે તેના એંજિનરૂમમાં પાણી ભરાઈ રહ્યું હતું, જેના કારણે તે આગળ નહોતું વધી શકતું. ક્રૂને લાગતું હતું કે તે ડૂબી જશે, એટલે તેઓ જહાજ ત્યજીને નીકળી જવા માગતા હતા."

જહાજનો કૂવાસ્તંભ નમી રહ્યો હતો, ભારે પવનની વચ્ચે જહાજ ઉપર હૅલિકૉપ્ટર ઉડતું રહ્યું અને 12 કલાકના સાહસિક બચાવઅભિયાનમાં 13 ક્રૂ મૅમ્બર્સને ઍરલિફ્ટ કર્યા હતા, જે એક રેકર્ડ હતો. બચી ગયેલા ખલાસીઓને કંપનીના જ અન્ય એક જહાજ 'એમવી જગપુષ્પા'માં બેસાડવામાં આવ્યા હતા. જે તેમને ગુજરાતના સિક્કા બંદરે લઈ આવ્યું હતું.

ત્યારબાદ એ જહાજને 'ડૂબી ગયેલું' જાહેર કરી દેવામાં આવ્યું હતું. ન કેવળ ભારતીય, પરંતુ આંતરરાષ્ટ્રીય અખબારોમાં પણ બ્રિટિશ જહાજની મદદ તથા જહાજ ડૂબવાના સમાચાર છપાયા હતા. જોકે, ત્યાંથી જ રહસ્યની શરૂઆત થઈ હતી.

દરિયાના પેટાળમાંથી અચાનક દરિયા કિનારે પ્રગટ થયું પાવિત

ઑગસ્ટ-2011 આસપાસ પનામામાં નોંધાયેલું જહાજ એમવી પાવિત મુંબઈના દરિયાકિનારે પહોંચ્યું ત્યારે સ્થાનિકો માટે તે જાણે ટુરિસ્ટ સ્પૉટ બની ગયું હતું. લોકો ત્યાં ફોટા પડાવવા માટે આવતા હતા.

જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ જહાજ અનેક સવાલ લઈને આવ્યું હતું. જેમકે, હજુ ત્રણેક વર્ષ પહેલાં જ નાની બોટમાં બેસીને દરિયામાર્ગે આવેલાં ઉગ્રવાદીઓએ મુંબઈમાં દહેશત ફેલાવી હતી. જો એક હજાર ટનનું જહાજ આવી શકતું હોય તો નાની બોટ તો આવી જ શકે.

બીજું, કે દરિયાકિનારે જે જહાજ આવ્યું, તેને અગાઉ ડૂબી ગયેલું જાહેર કરવામાં આવ્યું હતું. તો તે દરિયાના પેટાળમાંથી ફરી પ્રત્યક્ષ કેવી રીતે થયું? સામાન્ય રીતે આ કદના જહાજ માટે ઓછામાં ઓછા 10 ખલાસીની જરૂર પડે, પરંતુ તેના ઉપર કોઈ સવાર કેમ ન હતું?

જો, મધ્યપૂર્વના દરિયામાં 'એમવી પાવિત' ડૂબ્યું ન હતું તો તે કપ્તાન અને ખલાસી વગર મુંબઈ સુધી કેવી રીતે પહોંચ્યું? તેના ઉપર લાઇટ નહોતી, આથી અન્ય જહાજ સાથે કે માછીમારી કરી રહેલી બોટો ટક્કર થઈ શકી હોત. મુંબઈના દરિયામાં આવેલી ઑઇલરિગ્સને નુકસાન પહોંચાડી શક્યું હોત.

એ ચોમાસાની સિઝન હોવાને કારણે માછીમારો દરિયો નહોતા ખેડી રહ્યા, અન્યથા તેમની બોટ સાથે આ જહાજની ટક્કર થઈ શકી હોત. આમ છતાં આ જહાજ તેમના ઘરની નજીક સુધી પહોંચી ગયું હતું અને જો એ દિવસે ભરતી આવી હોત, તો તેમના ઘરોમાં પણ ઘૂસી ગયું હોત.

સમગ્ર ઘટનાક્રમના આધારે બોલીવૂડમાં 'ભૂત – પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ' નામની ફિલ્મ બની હતી.

દરિયામાં અને દરિયાકિનારે રહસ્યનાં વમળો

જે માહિતી સાર્વજનિક થઈ હતી, તે મુજબ જહાજની એક પાઇપમાં ટેનિસના દડા જેટલું મોટું કાણું પડ્યું હતું. પાણીનો પ્રવાહ ધસમસતો આગળ વધી રહ્યો હતો.

આ એક સામાન્ય સમસ્યા હતી જેને કોઈપણ દરિયાખેડૂ લાકડાનો ટુકડો ભરાવી ઉકેલી શકે. તો શું જહાજના ક્રૂમૅમ્બર ગભરાઈ ગયા હતા?

દરેક વખતે જહાજને ત્યજી દેવાયું હોય, તે પછી તે ડૂબે જ એવું જરૂરી નથી. દરેક મોટા જહાજમાં ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ હોય છે, જે સેટેલાઇટ મારફત જહાજને ટ્રૅક કરવાનું કામ કરે છે.

આ વ્યવસ્થા દરિયાઈ સત્તાધીશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને જહાજના સ્થાન વિશે માહિતી આપે છે. આંતરરાષ્ટ્રીય નિયમન, સલામતી અને નિયમન માટે તે જરૂરી હોય છે.

ચાંચિયાગીરી, દરિયામાં કચરો નાખતો અટકાવવા, ગુનાખોરીને અટકાવવા તથા બીજી અનેક બાબતોમાં તે મદદરૂપ સાબિત થાય છે. વર્ષો સુધી પાવિતનું એઆઈએસ ટ્રાન્સપૉન્ડર ચાલુ રહ્યું હતું, પરંતુ ક્રૂને બચાવવામાં આવ્યું, તેના એક મહિના પહેલાંથી તે બંધ હતું. તો તેને બંધ કરી દેવામાં આવ્યું હતું કે કોઈ ખામી ઊભી થતાં તે ટ્રાન્સપૉન્ડર બંધ થઈ ગયું હતું ?

શું તે જહાજનો વીમો પકવવા માટેની છેતરપિંડી હતી? જોકે, જહાજના માલિકોએ વીમો પાસ કરાવવા માટે દાવો કર્યો હતો કે નહીં, તેના વિશે માહિતી નથી મળતી.

બીજું કે જો કોઈએ વીમાકંપની પાસેથી મોટી રકમ મેળવવી હોય તો તે જહાજને ડૂબાડી દેવું સહેલું હોય છે. એના માટે પણ કોઈ દરિયો તોફાની હોય તેવો સમય પસંદ ન કરે.

તો શું આ જહાજ આફ્રિકાના દરિયાઈ ચાંચિયાઓને તેલ પૂરું પાડતું હતું? 2011માં આફ્રિકાના દરિયાકિનારામાં ચાંચિયાગીરી મોટાપાયે ચાલી રહી હતી. અને તેમને તેલ પૂરું પાડનાર કોઈપણ જહાજ મોટી કમાણી કરી શકે તેમ હતું.

આ બધાની વચ્ચે કેટલા મીડિયારિપોર્ટ્સને કારણે રહસ્ય વધુ ગાઢ બન્યું હતું, જે મુજબ એકરાત્રે વરસાદમાં કાળાં કપડાં પહેરેલા લોકો તેમાંથી ઊતર્યા હતા અને બોટ મારફતે નીકળ્યા હતા. નજરે જોનાર સ્થાનિક માછીમારોએ આ વાત જણાવી હતી.

સામાન્ય રીતે જહાજોની નોંધણી કર બચાવવાની અનુકૂળતા કરી આપતા દેશો (ટૅક્સ હૅવન કંટ્રી)માં કરવામાં આવે છે, જેથી કરીને કર ન ભરવો પડે, અથવા ઓછો ભરવો પડે તથા ક્રૂ મૅમ્બર્સને પગાર અને કામની સ્થિતિમાં ચોક્કસ દેશનાં નિયમનોનું પાલન ન કરવું પડે.

એમવી પાવિત પનામામાં નોંધાયેલું હતું અને તેના માલિક ભારતીય હતા. જ્યારે આ મુદ્દે મીડિયામાં ભારે હોહા થઈ, ત્યારે તેઓ સત્તાધીશો સમક્ષ આવ્યા. તેમણે બે-ત્રણ બેઠકોમાં ભાગ લીધો, પરંતુ પછી તેઓ ગુમ થઈ ગયા.

પહેલાં ક્રૂ અને પછી માલિકોએ તેને ત્યજી દીધું હતું, જેથી કરીને તેને દરિયાકિનારેથી ખસેડવા માટેનો ખર્ચો ચૂકવવો ન પડે. તેઓ તેને વેચી શકે તેમ નહોતા અથવા તો તેમાંથી કશું મળવાની આશા રહી ન હતી. એમવી પાવિત પહેલું કે એકમાત્ર જહાજ નહોતું અને નથી. આવું ભારત સહિત બધે થાય છે.

ખૂલ્યાં અનેક રહસ્યો

એમવી પાવિત જહાજના ડૂબવા અંગે રહસ્ય ખુલ્યું કે યુકેના એક અખબારની ગેરસમજણ અને મિસકૉમ્યુનિકેશનને કારણે આ અવઢવ ઊભી થઈ હતી. વાસ્તવમાં જહાજ ડૂબ્યું ન હતું અને વહેણ તથા હવાના સહારે તેણે છ અઠવાડિયાંમાં એક હજાર પાંચસો કિલોમિટરની દૂર આવેલા મુંબઈના દરિયાકિનારા સુધીની સફર ખેડી હતી.

અફાટ સાગરમાં હજારો-લાખો વર્ગકિલોમિટરના વિસ્તારમાં આવી રીતે ગુમ થઈ ગયેલા જહાજને શોધવું કેટલું મુશ્કેલ છે. અત્યારે કેટલાં જહાજો દરિયામાં આવી રીતે તરી રહ્યાં છે, તે કહેવું પણ મુશ્કેલ છે. આ સંજોગો દરિયાઈ સલામતી અને સુરક્ષા માટે મુશ્કેલી ઊભી કરે છે.

ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશનના મતે, 2004થી અત્યારસુધીમાં પાંચસો જેટલાં જહાજ ત્યજી દેવામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં પૉર્ટને ચૂકવણું ન કરવું પડે, તે માટે માલિકો દ્વારા ક્રૂઝશિપને પણ ત્યજી દેવામાં આવે છે.

વીમા કંપની ઍલ્યાન્ઝ ગ્લોબલના મતે, દર વર્ષે આવી રીતે 50થી 75 જહાજ 'ગુમ' થઈ જાય છે. મતલબ કે દર અઠવાડિયે એક કરતાં વધુ જહાજ ગુમ થાય છે. 1990ના દાયકાથી આ સંખ્યામાં ઘટાડો થયો છે.

આવી રીતે ત્યજી દેવાયેલા કે ડૂબી જતા જહાજ અને વિશેષ કરીને ઑઇલટૅન્કર દરિયામાં કેટલું પ્રદૂષણ ફેલાવે છે, દરિયાઈ વન્યસૃષ્ટિ, જીવસૃષ્ટિ, પર્યટન, માછીમારીને કેટલું નુકસાન કરે છે, તેના વિશે કોઈ અભ્યાસ નથી થયા. તે જહાજો મરીન સર્વેયર્સ, સત્તામંડળો અને સરકારો માટે મુશ્કેલીરૂપ બની રહ્યાં છે.

તો પછી એ કાળાં કપડાંવાળું કોણ હતું, જે જહાજમાંથી ઊતર્યું હતું? ભારતના શિપિંગ ડાયરેક્ટ્રેટ સાથે સંકળાયેલા કૅપ્ટન હરીશ ખત્રીના કહેવા પ્રમાણે, એ ચાર-પાંચ જણા મુંબઈ પોલીસના કર્મચારીઓ હતા, જેઓ કાળા રેઇનકોટ પહેરીને તપાસ માટે જહાજ પર ગયા હતા.

કૅપ્ટન ખત્રી ચાંચિયાગીરીમાં સંડોવાયેલા જહાજોથી વાકેફ હોવાથી, તેઓ આવાં કોઈ કામમાં એમવી પાવિતની સંડોવણીની વાતને પણ નકારે છે. સાથે જ ઉમેરે છે કે 'તે એટલી ખરાબ સ્થિતિમાં ન હતું કે તેને ત્યજી દેવું પડે.'

આ ઘટનાક્રમ પછી દેશની સુરક્ષા એજન્સીઓએ બોધપાઠ લીધો અને દરિયાઈસુરક્ષાને વધુ સુદૃઢ કરવામાં આવી જેથી કરીને આવી ઘટના ફરી ન ઘટે.

એમવી પાવિતનું શું થયું? મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડે તેને જૂહુ બીચથી કાઢવાનો કૉન્ટ્રાક્ટ આપ્યો અને તેને દીઘી પૉર્ટ લઈ જવામાં આવ્યું હતું. તેને મુંબઈના દરિયાકિનારેથી હઠાવવા પાછળ થયેલા ખર્ચ અને બીજી રકમની વસૂલાત કરવા માટે તેને ભંગાર તરીકે વેચી દેવામાં આવ્યું. આ સાથે જ દરિયાકિનારે ધસી આવેલાં સવાર વિનાના જહાજની કહાણી ઉપર પૂર્ણવિરામ લાગ્યું.

એમવી પાવિતને કારણે સ્પષ્ટ થયું કે મધદરિયે જે બને તે સમજથી બહાર હોઈ શકે છે. માત્ર વહેણ અને પવનના આધારે આટલું મોટું જહાજ દરિયાનો પ્રવાસ ખેડી શકે છે. દરિયો જો પોતાના પેટમાં 'ટાઇટેનિક' કે ' હાજી કાસમની વીજળી'નાં રહસ્યોને છૂપાવી શકે છે, તો 'એમવી પાવિત' સ્વરૂપે રહસ્યોને પ્રગટ પણ કરી દે છે.

(આલેખન – જયદીપ વસંત. ડૅન એશબી તથા લુસી ટેલર પૉડકાસ્ટના 'ધ ઘોસ્ટ શીપ' આધારે. પૉડકાસ્ટ સાંભળવા માટે અહીં ક્લિક કરો.)