You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચરા યુદ્ધ: આ દેશ ગુબ્બારા ભરી ભરીને પાડોશી દેશમાં કચરો કેમ ફેંકી રહ્યો છે?
- લેેખક, કેલી એનજી
- પદ, બીબીસી ન્યૂઝ
ઉત્તર કોરિયાએ તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયા પર ઓછામાં ઓછા 260 કચરો ભરેલા ગુબ્બારા છોડ્યા છે. તેના કારણે દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ નાગરિકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપવી પડી છે.
દક્ષિણ કોરિયાની સેનાએ પણ ચેતવણી આપી છે કે આ ગુબ્બારા અને તેની સાથે બાંધવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીઓથી લોકોએ દૂર રહેવું કારણે કે તેમાં કચરો ભરેલો હોય છે.
દક્ષિણ કોરિયાના નવમાંથી આઠ પ્રાંતમાં આ પ્રકારના ગુબ્બારા મળી આવ્યા છે અને હાલમાં તેની તપાસ થઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંનેએ 1950ના દાયકામાં થયેલા કોરિયન વૉર પછીથી તેમના પ્રોપેગૅન્ડા કેમ્પેઇનમાં ગુબ્બારાનો સતત ઉપયોગ કર્યો છે.
આ પહેલાં દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું હતું કે તેઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ ગુબ્બારામાં ઉત્તર કોરિયાની પ્રોપેગૅન્ડા ફેલાવતી પત્રિકાઓ છે કે નહીં.
ઉત્તર કોરિયાએ કેમ આવો નિર્ણય લીધો?
તાજેતરનો આ બનાવ સામે આવવાનું કારણ કંઈક અલગ છે. બન્યું એવું કે ઉત્તર કોરિયાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેના સરહદી વિસ્તારોમાં દક્ષિણ કોરિયાના ઍક્ટિવિસ્ટ્સ દ્વારા ફેલાવાતા કચરા અને પત્રિકાઓ સામે પગલાં ભરશે.
ઉત્તર કોરિયાના ઉપસુરક્ષામંત્રી કિમ કાંગ-2એ 26મેના રોજ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, “વપરાયેલા કાગળોની પસ્તી અને કચરો થોડા જ દિવસોમાં તમારા (રિપબ્લિક ઑફ કોરિયા) સરહદી વિસ્તારોમાં છોડવામાં આવશે અને પછી તમને એ અનુભવ થશે કે આ કચરો સાફ કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે છે.”
અહીં ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ઑફ કોરિયા એ દક્ષિણ કોરિયાનું અધિકૃત નામ છે જ્યારે ઉત્તર કોરિયા ડેમો\ક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા તરીકે ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે 28મેના રોજ મોડી રાત્રે દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓ તરફથી પાટનગર સિઓલમાં રહેતા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ આઉટડોર ઍક્ટિવિટીઝથી દૂર રહે.
લોકોને એવી સૂચના પણ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ સામાન દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનને તરત તેની જાણ કરવી.
આ ગુબ્બારામાં શું છે?
સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે અર્ધપારદર્શક સફેદ રંગના ગુબ્બારા સાથે અનેક કચરાની થેલીઓ બાંધવામાં આવી છે. આ થેલીઓમાં ટૉઇલેટ પેપર, માટી, બેટરીઓ જેવી વસ્તુઓ પણ ભરેલી હોય છે.
અનેક તસવીરોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે પોલીસ અને સૈન્યના જવાનો આ ચીજોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા દેખાય છે.
દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, “કેટલાક આવેલા ગુબ્બારામાં તેમના ઘેરા રંગ અને તેમાંથી આવી રહેલી ગંધના આધારે મળ ભરેલો હોય તેવું લાગતું હતું.”
દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે, ‘આ આંતરરાષ્ટ્રીય કાયદાનો સ્પષ્ટ ભંગ’ છે.
સેનાએ કહ્યું હતું કે, “આના કારણે અમારા લોકોની સુરક્ષાને ગંભીર ખતરો છે. આ ગુબ્બારાને કારણે જે કંઈ પણ થશે તેના માટે ઉત્તર કોરિયા જ સંપૂર્ણપણે જવાબદાર હશે. અમે ઉત્તર કોરિયાને સખત ચેતવણી આપીએ છીએ કે તે સત્વરે આ વિચિત્ર ક્રિયા બંધ કરે.”
ઉત્તર કોરિયાના આવા પ્રકારના પગલા સામે દક્ષિણ કોરિયાના ઍક્ટિવિસ્ટ્સે પણ ગુબ્બારા છોડ્યા છે. તેમાં પૈસા, મીડિયા કન્ટેન્ટ અને ચોકો પાઇસ ભરેલા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે ચોકો પાઇસ એ દક્ષિણ કોરિયામાં ખવાતો નાસ્તો છે જેના પર ઉત્તર કોરિયામાં પ્રતિબંધ છે.
આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કોરિયાના એક ઍક્ટિવિસ્ટ ગ્રૂપે એવો દાવો કર્યો હતો કે, “એવા 20 ગુબ્બારા છે કે જેમાં ઉત્તર કોરિયા વિરોધી પત્રિકાઓ, કોરિયન પોપ મ્યુઝિક અને વીડિયો ધરાવતી યુએસબી ફ્લેશ ડ્રાઇવ હતી.”
સિઓલની સંસદે ડિસેમ્બર, 2020માં ઉત્તર કોરિયા વિરોધી પત્રિકાઓ છોડવાને ગુનો ગણાવ્યો હતો, પરંતુ ટીકાકારોએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે એ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને માનવાધિકારોની વિરુદ્ધ છે.
અગાઉ પણ અનેક વાર ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયામાં આવા ગુબ્બારા છોડ્યા છે અને સત્તાવાળાઓ પર આ રીતે હુમલાઓ પણ કર્યા છે.
2016માં બનેલી એક ઘટના પ્રમાણે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રકારના ગુબ્બારામાં ટૉઇલેટ પેપર, સિગારેટ બટ્સ અને બીજો કચરો હતો. પરંતુ દક્ષિણ કોરિયાની પોલીસે એવો દાવો કર્યો હતો કે તેમાં ‘અતિશય ભયાનક જૈવરાસાયણિક ઘટકો’ હતા.
સિઓલથી ઍડિશનલ રિપોર્ટિંગ :જેક ક્વૉન