You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૅવિલ્સ બ્રીધ: એ દવા જેને સૂંઘાડતાં જ લોકો ભાન ભૂલી પૈસા અને ઘરેણાં ઉતારીને આપી દે છે
- લેેખક, તફસીર બાબૂ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
ઢાકાનાં રહેવાસી તહમીના બેગમ (નામ બદલાવેલ છે) ને કેટલાક દિવસો પહેલાં એક અનોખી છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું હતું. બજારથી ઘરે પાછા ફરતી વખતે તેમની સામે અચાનક એક અજાણ્યી યુવતી રસ્તો રોકીને ઊભી રહી ગઈ. તેણે તહમીનાની નજીક જઈને એક ઍડ્રેસ વિશે પૂછપરછ કરી.
તેના પછી એક અન્ય યુવક તેમની સામે આવ્યો. તહમીનાને કંઈ ખ્યાલ ન આવ્યો કે તેની સાથે બે-ત્રણ મિનિટમાં શું થઈ ગયું.
તહમીના જણાવે છે કે, "આ ઘટના અજીબોગરીબ અને ભયાનક છે. તે યુવક મારી પાસેથી જાણવા માગતો હતો કે આ વિસ્તારમાં કોઈ પરિચિત ગરીબ છે કે નહીં. આથી મેં તે યુવક પાસેથી વિસ્તૃતમાં જાણકારી માગી હતી. મેં તેની સાથે થોડી મિનિટો સુધી વાત પણ કરી હતી. પછી મને ખબર ન પડી કે શું થયું. મારું મગજ જ કામ કરી રહ્યું ન હતું."
ત્યાર પછી તહમીનાએ એ અપરિચિત મહિલા અને યુવકના કહ્યા અનુસાર તેમના કાનની વળ, ગળાની ચેઇન અને તેના પાસે રહેલા કેટલાક હજાર રૂપિયા તે યુવકને આપી દીધા.
તહમીના જણાવે છે કે, "એ લોકોએ કહ્યું હતું કે તમે તમારા ઘરેણાં અને પૈસા આ થેલીમાં મૂકી દો નહીંતર ખોવાઈ જશે. મેં તેમણે જેમ કહ્યું તેમ જ કર્યું. મારા મનમાં એ વાત ન આવી કે હું ઘરેણાંને કેમ ખોલું અને તે કેમ ખોવાઈ જશે. શા માટે હું તેને થેલીમાં મૂકી દઉં. ત્યારપછી મને એ યુવકે સાથે આવવા માટે કહ્યું. મેં મારી થેલી એ યુવતીને સોંપી દીધી અને એ યુવક પાછળ હું ચાલવા લાગી."
થોડીવાર પછી હોશમાં આવ્યાં તહમીના
થોડીવાર પછી ભાનમાં આવ્યાં બાદ તહમીનાને એ યુવક ક્યાંય દેખાયો નહીં. પહેલાં જ્યાં તેઓ એ યુવક અને યુવતીને મળ્યાં હતાં ત્યાં તેમને કોઈ ન મળ્યું. એ દિવસે સોનાની ચેઇન, કાનની વળ, હજારો રૂપિયા અને તેમનો મોબાઇલ તેમણે ગુમાવી દીધો હતો.
તેઓ જણાવે છે, "મને હજુ પણ સમજાતું નથી કે આવું કઈ રીતે થયું. એ લોકોએ મારી સાથે કંઈ કર્યું ન હતું. તેઓ બંને મારી નજીક જ ઊભાં હતાં અને યુવતી મારા ચહેરા સામે હાથ હલાવીને એક કાગળ પર લખેલા ઍડ્રેસ વિશે પૂછપરછ કરી રહી હતી."
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હાલનાં વર્ષોમાં ઘણા લોકો તહમીના બેગમની જેમ આવા અનુભવમાંથી પસાર થયા છે. આ ઘટનાઓ પાછળ સ્કૉપોલામાઇન નામની નશીલી દવા કારણભૂત હોવાનું મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું કહેવાઈ રહ્યું છે કે આ દવા પ્રવાહી અને પાઉડર બંને સ્વરૂપે મળે છે. અપરાધી મંશા ધરાવનારા લોકો તેને કાગળ, કપડાં, હાથ કે મોબાઇલની સ્ક્રીન પર લગાવીને તેની સુગંધથી કેટલાક સમય માટે કોઈ વ્યક્તિના મગજ પર નિયંત્રણ મેળવી લે છે.
પરંતુ શું ખરેખર કોઈ આવી નશીલી દવા છે ખરી? અને જો આવી નશીલી દવાઓ હોય તો તેની પુષ્ટિ કઈ રીતે કરી શકાય?
બાંગ્લાદેશમાં સ્કૉપોલામાઇનનો વપરાશ
સપ્ટેમ્બર, 2023માં બાંગ્લાદેશના નારાયણગંજમાં એક પ્રાઇવેટ શાળાના શિક્ષકની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડની તપાસના સિલસિલામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારપછી ઢાકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે પહેલી વાર કબૂલ કર્યું હતું કે જેટલી વ્યક્તિઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિ પાસેથી સ્કૉપોલામાઇન મળી આવી હતી. આ વ્યક્તિના કબ્જામાંથી બોટલમાં પાઉડર તરીકે ભરવામાં આવેલ સ્કૉપોલામાઇન સહિત અન્ય નશીલી વસ્તુઓ પણ મળી આવી હતી.
ત્યારબાદ કોર્ટના આદેશ પ્રમાણે સીઆઈડીની લેબમાં તપાસ પછી સ્કૉપોલામાઇનની પુષ્ટિ કરવામાં આવી હતી.
નારાયણગંજના પોલીસ કમિશનર ગુલામ મુસ્તફા રસેલે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને આ સ્કૉપોલામાઇન વિશે કોઈ જાણકારી ન હતી.
તેઓ જણાવે છે, "રાસાયણિક તપાસ બાદ અમને જે રિપોર્ટ મળ્યો હતો તેમાં સ્કૉપોલામાઇન, પોટેશિયમ, સાઇનાઇડ અને ક્લોરોફૉર્મની હતું તેવી પુષ્ટિ થઈ છે. તેમાં સ્કૉપોલામાઇન અમારી માટે એકદમ નવી વસ્તુ હતી. અમે તેનું નામ પણ જાણતા ન હતા. અમને ખબર ન હતી કે તેનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં-ક્યાં થઈ શકે છે. ત્યારબાદ અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે ઘણા લોકો તેને ડૅવિલ્સ બ્રીધ કે ‘શેતાની શ્વાસ’ કહે છે."
ધતૂરાનાં ફૂલોમાંથી સ્કૉપોલામાઇન કોણ બનાવે છે?
સ્કૉપોલામાઇન હકીકતમાં એક સિન્થેટિક ડ્રગ છે. મેડિકલ સાયન્સમાં દવા બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઊબકા આવવા, ગતિને કારણે ચક્કર આવવા, તથા કેટલીકવાર ઑપરેશન પછી રોગીઓ માટે દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ સ્કૉપોલામાઇન પ્રાકૃતિક વસ્તુ નથી. તેને પ્રાકૃતિક ચીજવસ્તુઓમાં કેટલીક બીજી સામગ્રીઓ ઉમેરીને બનાવવામાં આવે છે. તે પ્રવાહી અને પાઉડર બંને સ્વરૂપમાં મળે છે.
તેને બનાવવા માટે મહત્ત્વપૂર્ણ કે મૂળ ઘટકો ધતૂરાનાં ફૂલમાંથી મળે છે.
નાર્કોટિક્સ કંટ્રોલ વિભાગના મુખ્ય કેમિકલ પરીક્ષક ડૉ. દુલાલ કૃષ્ણ સાહા જણાવે છે, "દેશમાં એક સમયે લોકોને પાગલ બનાવવા માટે દૂધમાં ધતૂરો પીસીને પીવડાવવામાં આવતો હતો. ધતૂરાનું ફૂલ એક પ્રકારનું ઝેર છે. તેમાંથી અમુક ભાગ કાઢીને સિન્થેટિક રીતે સ્કૉપાલામાઇન તૈયાર કરવામાં આવે છે. મૅક્સિકોમાં નશીલી દવાઓનો કારોબાર કરનારી ટોળકીઓ આ નશીલી દવાઓને બનાવીને આખી દુનિયામાં ફેલાવી રહી છે."
સ્કૉપોલામાઇન ક્યારે અને કઈ રીતે કામ કરે છે?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ દ્વારા સ્કૉપોલામાઇનનો ઉપયોગ જોવા મળ્યો છે. તે સમયે તેનો ઉપયોગ ઇન્જેક્શન દ્વારા પ્રવાહી સ્વરૂપમાં થતો હતો.
બાંગ્લાદેશની બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીના ફાર્માકોલોજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર (ડૉ) સૈદુર રહેમાન કહે છે કે, "સ્કૉપોલામાઇનનો ઉપયોગ હજુ પણ દવા તરીકે થાય છે. તેના જેવી અનેક દવાઓનો ઉપયોગ તબીબીવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તે સાચું છે બીજા વિશ્વયુદ્ધમાં, ગુપ્તચર એજન્સીઓએ તેનો ટ્રુથ સીરમ તરીકે ઉપયોગ કર્યો હતો. આ દવાને કારણે સંબંધિત વ્યક્તિ સત્ય તેના મન પરનો કાબૂ ગુમાવી દેતો હતો અને સાચું બોલવા લાગતો હતો. તે બીજાના નિયંત્રણમાં ચાલ્યો જતો હતો અને પછી અન્ય લોકોની વાત સાંભળવા લાગતો હતો."
રહેમાન સમજાવે છે, "જ્યારે તમે તેનો ઉપયોગ કોઈની પાસેથી સાચી વાત બહાર કઢાવવા માટે ઉપયોગ કરવા માગતા હોય ત્યારે તેને ટ્રુથ સીરમ કહે છે. પરંતુ જ્યારે તમે કોઈને તેની સુગંધ પાવડરના રૂપમાં શ્વાસમાં લેવા દબાણ કરો છો, તો તેને 'શેતાનનો શ્વાસ' કહેવામાં આવે છે. એ જ રીતે, જ્યારે તેનો ઉપયોગ ઊબકા, ઊલટી અથવા મોશન સિકનેસના કિસ્સામાં થાય છે, ત્યારે તેનો વાસ્તવમાં દવા તરીકે ઉપયોગ થાય છે."
છેતરપિંડીના કિસ્સામાં, સ્કૉપોલામાઇનનો ઉપયોગ મુખ્યત્વે પાવડરના સ્વરૂપમાં થાય છે. તેને વિઝિટિંગ કાર્ડ, કાગળ, કપડાં કે મોબાઇલ સ્ક્રીન પર લગાવીને ખૂબ જ ચતુરાઈથી શિકારના નાક પર લગાવી દેવામાં આવે છે.
નાર્કોટિક્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના ચીફ કેમિકલ ઍક્ઝામિનર ડૉ.દુલાલ કૃષ્ણ સાહા કહે છે કે, "આ દવા વ્યક્તિના શ્વાસની રેન્જમાં આવે તેના માટે તે નાકથી ચારથી છ ઇંચના અંતરે હોવી જરૂરી છે."
"તે શ્વાસ લેવાની 10 મિનિટની અંદર અથવા તે પહેલાં જ તેની અસર બતાવવાનું શરૂ કરે છે. તે શ્વાસમાં જાય ત્યારપછી સ્મૃતિ અને મગજ સભાનપણે કાર્ય કરી શકતા નથી. કેટલાક લોકોને તેની અસર પછી ફરીથી નૉર્મલ બનવામાં એક કલાકનો સમય લાગે છે, જ્યારે કેટલાક લોકો તેમની નૉર્મલ સ્થિતિમાં ત્રણ-ચાર કલાક પછી પણ પાછા ફરી શકતા નથી."
સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે?
બાંગ્લાદેશમાં શરૂઆતમાં ઢાકાથી જ નશીલી દવાઓના ઉપયોગથી છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. હવે અન્ય જિલ્લાઓમાં પણ આવી ફરિયાદો સામે આવી રહી છે.
જોકે, પોલીસ પાસે આવી ઘટનાઓનો કોઈ ચોક્ક્સ આંકડો ઉપલબ્ધ નથી. એક મોટો સવાલ એ પણ છે કે નશીલી દવાઓ લાવનારી ટોળકીઓ કઈ રીતે સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને સ્કૉપાલામાઇનને દેશમાં લઈ આવે છે?
નારાયણગંજની ઘટના પછી જાસૂસી સંસ્થાઓને એ જાણકારી મળી હતી કે સ્કૉપોલામાઇનનું વેચાણ ઑનલાઇન કરવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે પહેલાં જે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેઓ આ દવાના ઑનલાઇન વેચાણ સાથે સંકળાયેલા છે. આ નશીલી દવાઓ અન્ય દેશોમાંથી અહીં આવી રહી છે.
આ દવાને દેશમાં લાવવા માટે કુરિયર સેવાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે કોઈ વ્યક્તિ દવાના કાચા માલ તરીકે સ્કૉપોલામાઇન અહીં લાવી રહ્યું છે કે કોઈ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને લાવી રહી છે.
આ અંગેના એક પ્રશ્ન પર પોલીસ હૅડક્વાર્ટરના એઆઈજી ઈનામુલ હક સાગરે જણાવ્યું હતું કે, "આ ગુના સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમે અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. અગાઉ નારાયણગંજમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. અમે હાલમાં તેમની પાસેથી મળેલી માહિતી છે. આ ધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમની પણ ધરપકડ કરવામાં આવશે."
પરંતુ સૌથી મોટો ભય એ છે કે આ સમય દરમિયાન, સ્કૉપોલામાઇનના ઉપયોગ દ્વારા છેતરપિંડીની ફરિયાદો સતત મળી રહી છે અને ઘણા લોકો તેમની કિંમતી ચીજવસ્તુઓ ગુમાવી રહ્યા છે.