You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝાની એ બાળકી જેને ઇઝરાયલના હુમલામાં મૃત્યુ પામેલી માતાના ગર્ભમાંથી જીવતી બચાવાઈ
- લેેખક, ફર્ગાલ કિએને
- પદ, બીબીસી ન્યૂઝ
સબરીન તેમના બાળકને હાથમાં લઈને જોઈ શકે એ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. આ યુવાન માતાના ગર્ભમાં સાડાસાત મહિનાનું બાળક હતું. સતત મહિનાઓથી તેઓ દિવસ-રાત ભયના ઓથાર નીચે પસાર કરી રહ્યા હતા. પરંતુ તેમને આશા હતી કે તેમના પરિવારનું નસીબ ચમકશે અને ગાઝામાં યુદ્ધનો અંત આવશે.
પરંતુ એવું ન બન્યું અને 20 એપ્રિલની મધ્યરાત્રિએ થયેલા વિસ્ફોટ અને નીકળેલી અગનજ્વાળાઓમાં તેમનાં તમામ સ્વપ્નો ભસ્મીભૂત થઈ ગયાં.
ઇઝરાયલીઓએ રફાહમાં અલ-સકાની ફેમિલી હોમ પર બૉમ્બ ઝીંક્યો હતો જ્યાં સબરીન, તેમના પતિ અને તેમની ત્રણ વર્ષની બાળકી મલક ઊંઘી રહ્યા હતા.
તેમના પતિ અને મલકનું તરત જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સબરીનને ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ તેમના ગર્ભમાં રહેલું બાળક હજુ જીવિત હતું.
બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોએ સબરીનને હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં. ત્યાં ડૉક્ટરોએ તત્કાળ સિઝેરિયન ઑપરેશન કરીને બાળકીને જન્મ આપ્યો હતો.
પરંતુ સબરીનને બચાવી શકાયાં નહીં. પરંતુ ડૉક્ટરોએ બાળકીને પુનર્જીવિત કરવા માટે તમામ પ્રયત્નો કર્યા, શ્વાસને ચાલુ કરવા અને તેનાં ફેફસાંમાં હવા પમ્પ કરવા માટે તેની છાતી હળવેથી થપથપાવી.
રફાહની ઇમિરાતી હૉસ્પિટલના ડૉ. મોહમ્મદ સલામા કહે છે, "આ બાળકીનો શ્વાસ સંબંધિત તીવ્ર તકલીફો સાથે જન્મ થયો છે."
પરંતુ માત્ર 1.4 કિલોની આ બાળકીને બચાવવા અતિશય મથામણો અને પ્રયત્નો કરવા પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકને ઇન્ક્યુબેટર પર મૂકતા પહેલાં ડૉક્ટરે આ બાળકના શરીર પર મૂકેલી પટ્ટી પર લખ્યું કે, "શહીદ સબરીન અલ સકાનીનું બાળક."
ડૉ. સલામા કહે છે, "અમે એટલું કહી શકીએ કે તેની તબિયતમાં થોડો સુધારો છે."
"પરંતુ પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. આ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ તેના ‘પ્રીમૅચ્યોર બર્થ’ ને કારણે થયો છે. આ બાળકી અત્યારે તેની માતાના ગર્ભમાં જ હોવી જોઈતી હતી પરંતુ અમારે તેનો એ હક્ક છીનવી લેવો પડ્યો."
ડૉક્ટરના કહ્યા પ્રમાણે આ બાળકને કદાચ હજુ એક મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડશે.
સલામા કહે છે, "ત્યારબાદ ખ્યાલ આવશે કે કઈ દિશામાં એ બાળકીને તેનું જીવન લઈ જાય છે. વક્રતા એ છે કે જો તે બચી જશે તોપણ એ અનાથ હશે."
માતાની યાદમાં બાળકીનું નામ
આ બાળકીનાં માતાપિતા તેનું નામ પાડવા માટે આ પૃથ્વી પર હયાત નથી. તેની મૃત બહેન મલક તેનું નામ રૂહ રાખવા માગતી હતી. રૂહનો મતલબ અરબી ભાષામાં આત્મા થાય છે. પરંતુ હૉસ્પિટલના લોકો આ બાળકીને તેની માતાની યાદમાં સબરીન કહે છે.
આ બાળકીના બચી ગયેલા સંબંધીઓ હૉસ્પિટલમાં એકઠા થયા છે અને શોકગ્રસ્ત થઈને આ અનાથ બાળકીના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છે.
બાળકીના નાની મિરવત અલ સકાની કહે છે, "જે લોકોને આ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી તેમની સાથે ભયંકર ‘અત્યાચાર’ થઈ રહ્યો છે."
તેઓ કહે છે, "મારા પુત્ર સાથે પણ આવું થયું હતું. તે અમારાથી વિખૂટો પડી ગયો અને આ લોકો તેને હજુ પણ શોધી શક્યા નથી. શા માટે તેઓ અમારા પર હુમલાઓ કરી રહ્યા છે? અમને ખબર નથી. તેઓ માત્ર બાળકો અને મહિલાઓને જ ટાર્ગેટ કરી રહ્યા છે."
બાળકીના કાકા રમી અલ શેખ કહે છે,"તેમનો આખો પરિવાર ભૂંસાઈ ગયો. આ બાળકી જ બચી. તેમનો શું ગુનો હતો? આ બધા તો સામાન્ય, નિર્દોષ નાગરિકો છે."
સબરીનના નાના અહલામ-અલ-કુર્દી બાળકીને ઉછેરવાનું વચન આપતા કહે છે, "તે મારી આત્મા છે, એ તેનાં માતાપિતાની યાદગીરી છે. હું તેનું ધ્યાન રાખીશ."
"મોટા ભાગનાં બાળકો અને મહિલાઓ છે"
હમાસ સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગાઝામાં યુદ્ધ શરૂ થયા બાદ 34 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી લગભગ બે તૃતીયાંશ જેટલી સંખ્યા મહિલાઓ અને બાળકોની છે.
સાતમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા પછી 1200 ઇઝરાયલીઓના મોત નીપજ્યાં હતાં અને 253 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં ભીષણ હુમલાઓ શરૂ કર્યા હતા.
ઇઝરાયલી આર્મી એવો દાવો કરે છે કે તે સામાન્ય લોકો પર હુમલાઓ કરતી નથી અને હમાસના લોકો સામાન્ય લોકોની ઓથ લઈ રહ્યા છે.
રફાહ પર થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં 20મી એપ્રિલે 15થી વધુ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
તેમાંથી કેટલાંક બાળકોના પિતા આબેદ-અલ-આલે કહ્યું હતું કે તેમની ઓળખસમાં તમામ બાળકો અને પત્નીનું મૃત્યુ નીપજ્યું છે.
તેઓ કહે છે, "મને તેમાંથી પુરુષ બતાવો. એ બધાં બાળકો અને મહિલાઓ છે."
ઇઝરાયલી સેનાએ બીબીસીને આ હુમલા પછી મોકલેલા નિવેદનમાં કહ્યું હતું કે, "એક તબક્કે, IDF (ઇઝરાયલી સંરક્ષણ દળો) એ ગાઝામાં લશ્કરી કમ્પાઉન્ડ, પ્રક્ષેપણ સ્થળો અને સશસ્ત્ર આતંકવાદીઓ સહિત આતંકવાદી સંગઠનોના ઘણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો."
હવે અંદાજિત 14 લાખ લોકો રફાહમાં અટવાયેલા છે, જેમને આઈડીએફ દ્વારા યુદ્ધની શરૂઆતમાં સલામતી માટે દક્ષિણ વિસ્તારો તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું.
પરંતુ તાજેતરના દિવસોમાં એવી અટકળો વધી છે કે હમાસ સામેની લડાઈ ચાલુ રાખવા માટે ઇઝરાયલી દળો ટૂંક સમયમાં રફાહમાં પ્રવેશ કરશે.
અમેરિકાએ ઇઝરાયલને રફાહ પર સંપૂર્ણપણે આક્રમણ શરૂ કરવાને બદલે સિલેક્ટિવ વ્યૂહરચના અપનાવવા હાકલ કરી છે, જે ત્યાં ગંભીર માનવતાવાદી કટોકટીનું કારણ બની શકે છે.