ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ભારત માટે કેટલો મોટો પડકાર છે?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

એપ્રિલ મહિનાની શરૂઆતથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે મધ્ય પૂર્વની બહાર પણ ફેલાઈ તેની આશંકાઓ વધી રહી છે.

ઈરાને ગયા અઠવાડિયે ઇઝરાયલ પર 300થી વધારે ડ્રોન અને મિસાઇલ હુમલાનો દાવો કર્યો.

એક એપ્રિલના દિવસે સીરિયાના દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલા પછી જ આ પ્રકારના હુમલાની આશંકાઓ હતી. ઈરાને આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું.

જોકે, ઇઝરાયલે આ વિશે કોઈ પણ અધિકારિક નિવેદન નથી આપ્યું. જોકે, અમેરિકાએ શુક્રવારે કહ્યું કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. ત્યાર બાદ આ ક્ષેત્રમાં તણાવ વધવાની શંકાઓ વધી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ સ્થિતિ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે કારણ કે ભારતના ઈરાન અને ઇઝરાયલ બન્ને દેશો સાથે સારા સંબંધ છે.

આ ઉપરાંત પશ્ચિમી એશિયાના દેશોમાં રહેતા ભારતીયનો સંખ્યા પણ વધારે છે. તેમનું માનવું છે કે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે.

ભારત પર શું અસર થશે?

ઈરાનના હુમલા પછી ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ચિંતા વ્યકત કરી હતી અને કહ્યું બન્ને દેશોએ રાજદ્વારી રસ્તે ચાલવું જોઈએ.

ભારતે પોતાના નાગરિકોને આ બન્ને દેશોની યાત્રા ન કરવા માટે સલાહ આપી છે.

નિષ્ણાતો માને છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા સંઘર્ષ દરમિયાન ભારત માટે સૌથી મોટો પડકાર આ બન્ને દેશ અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો છે.

ભારત સરકારે એક ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે ઈરાન અને ઇઝરાયલનો પ્રવાસ કરવા માટે કોઈ નિયંત્રણો નથી લગાવ્યાં. જોકે, સાવચેતીના ભાગ રૂપે નાગરિકોને પ્રવાસ ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમયે ઇઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો છે, જ્યારે ઈરાનમાં પાંચથી દસ હજાર ભારતીયો રહે છે.

ભારતની ટ્રાવેલ એડવાઇઝરી

હમાસ સાથે લડાઈ શરૂ થયા પછી ઇઝરાયલમાં નિર્માણ ક્ષેત્રમાં કામ કરનાર લોકોની ભારે અછત હતી.

ઇઝરાયલ સરકારે આ અછતને પૂરી કરવા માટે ભારત સરકાર સાથે કરાર કર્યો. આ કરારના આધારે ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી લગભગ દસ હજાર મજૂરોની સ્ક્રીનિંગ પછી ઇઝરાયલ મોકલવાના હતા.

હરિયાણાથી લગભગ 530 મજૂરો ઇઝરાયલ પહોંચી ચૂક્યા છે. જોકે, ભારત સરકારની ટ્રાવેલ એડવાઇઝરી પછી અન્ય મજૂરોની ઇઝરાયલ જવાની યોજના અટકી ગઈ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેયર્સ સાથે જોડાયેલા સીનિયર ફેલો ડૉક્ટર ફઝ્ઝુર્રહમાને કહ્યું, “આપણા 90 લાખથી એક કરોડ લોકો પશ્ચિમ એશિયાના દેશોમાં રહે છે. આ લોકો દર વર્ષે લગભગ 50થી 55 લાખ ડૉલરની રકમ ભારત મોકલે છે.”

આ ઉપરાંત જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના નેલ્સન મંડેલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉનફ્લિક્ટ રિઝૉલ્યૂશનમાં ફૅકલ્ટીના સભ્ય પ્રેમાનંદ મિશ્રાએ કહ્યું કે ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના જવાબમાં હૂતી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં હુમલાઓ વધ્યા હતા.

આ હુમલાઓની અસર સમુદ્ર વ્યાપારિક માર્ગ પર પહેલાંથી જ જોવા મળી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જો યુદ્ધ જેવી સ્થિતિ બનશે તો ફરીથી લાંબા સમય સુધી તટસ્થ રહેવાની નીતિ જાળવી રાખવી મુશ્કેલ રહેશે.

ઈરાન પર ઇઝરાયલના હુમલાની પુષ્ટિ પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલ અને સોનાના ભાવ વધ્યા છે.

શુક્રવારે એશિયામાં ક્રૂડ ઑઇલના ભાવમાં ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો હતો. ક્રૂડ ઑઇલનો ભાવ લગભગ 90 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોંચી ગયો.

સોનાનો ભાવ રેકૉર્ડ 2400 ડૉલર પ્રતિ ઔંસ પાસે પહોંચી ગયો હતો.

પ્રેમાનંદ મિશ્રાએ કહ્યું કે ક્રૂડ ઑઇલના ભાવમાં થઈ રહેલો વધારાની અસર આખી અર્થવ્યવસ્થા પર પડે છે.

ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને જો મોંઘવારી વધશે તો તેની અસર સીધી ચૂંટણીલક્ષી રાજનીતિ પર પડે છે, જે ભારત નહીં ઇચ્છે.

મિશ્રાએ કહ્યું ભારત ક્રૂડ ઑઇલ માટે આફ્રિકાના દેશો તરફ પણ નજર ફેરવી શકે છે. જોકે, અહીં ઉલ્લેખનીય છે કે ભારતને ઈરાનથી સસ્તુ તેલ મળી શકત જે હવે નથી મળી રહ્યું.

ભારત માટે આ કેટલો મોટો રાજદ્વારી પડકાર છે?

ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલા પછી ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ચિંતા જાહેર કરતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે.

ભારતે કહ્યું કે આપણે ધીરજ રાખવી જોઈએ અને તાત્કાલિક હિંસાથી પાછળ હટીને રાજદ્વારી વાટાધાટો થકી ઉકેલ શોધવા માટે આહ્વાન કરીએ છીએ.

નિષ્ણાતોનું માનવું છે કે ભારત તરફથી આપવામાં આવેલું નિવેદન વિદેશ નીતિમાં અસંગતતા દર્શાવે છે.

ડૉક્ટર પ્રેમાનંદ મિશ્રાએ કહ્યું, "અમેરિકાએ ઈરાન પર પહેલા જ પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ હાલની સ્થિતિ અલગ છે. ભારત જો હવે ઇઝરાયલ સાથે પોતાના સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે તો ઈરાન સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે. તેનાથી વિપરીત જો ઈરાન સાથે સારા સંબંધ રાખે તો ઇઝરાયલની સાથે-સાથે અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે."

તેમણે ઉમેર્યું, "આ કટોકટી પર ભારત દ્વારા વધુ પડતાં નિવેદનોથી બચવું એ પણ એક સંકેત છે કે ભારતમાં પણ દુવિધા યથાવત્ છે. આ મૂંઝવણભરી સ્થિતિ કોઈ પણ દેશની વિદેશ નીતિમાં પડકાર નથી પરંતુ સંકટ છે. મારા મતે આ ભારત માટે રાજદ્વારી સંકટ છે. કારણ કે ભારતની વિદેશ નીતિ આવા મુદ્દાઓમાં તટસ્થતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંપૂર્ણપણે ફસાઈ ગયું છે."

ભારતના ઈરાન અને ઇઝરાયલ સાથે સંબંધ

ડૉક્ટર પ્રેમાનંદ મિશ્રાએ કહ્યું, "ભારત માટે આગળ ખાણ તો પાછળ કુવા જેવી સ્થિતિ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જો તણાવ વધશે તો ભારત માટે આ મામલે ચૂપ રહેવું અને લાંબા સમય માટે તટસ્થ રહેવું મુશ્કેલ બનશે."

ઇઝરાયલ સાથે ભારતના રાજકીય સંબંધોનો ઇતિહાસ ખૂબ લાંબો નથી.

ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ રૂપે 1948માં અસ્તિત્વમાં આવ્યો. જોકે, ભારતે ઇઝરાયલ સાથે 1992માં રાજકીય સંબંધો સ્થાપિત કર્યા હતા. જોકે, ત્યાર બાદ ભારતનાં ઇઝરાયલ સાથે સંબંધ સતત મજબૂત થયા.

ઇઝરાયલ હાલમાં ભારતને હથિયાર અને ટેકનિક નિકાસ કરતા શીર્ષ દેશો પૈકી એક છે.

બીજી તરફ ભારતનો ઈરાન સાથે સંબંધ જૂનો છે. ઈરાન ભારતને ક્રૂડ ઑઇલની નિકાસ કરતા શીર્ષ દેશો પૈકી એક હતો. ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમના કારણે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલાં ઈરાન ભારતને ક્રૂડ ઑઇલ નિકાસ કરતા દેશોમાં બીજા સ્થાને હતો.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે સંતુલિત સંબંધ જાળવી રાખ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ વર્ષે જ ઈરાનની યાત્રા કરી હતી. આ દરમિયાન ચાબહાર બંદર પર પણ ચર્ચા થઈ હતી.

શું ભારત મધ્યસ્થી કરી શકશે?

ભારતે ચાબહાર પોર્ટના નિર્માણ માટે રોકાણ કર્યું છે. આ પોર્ટ ભારત અને ઈરાન માટે મહત્ત્વપૂર્ણ છે.

ઈરાનને આ પોર્ટ થકી પશ્ચિમી દેશોના પ્રતિબંધોની અસર ઓછી કરવામાં મદદ કરશે.

બીજી તરફ ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સાથે વેપાર કરવા માટે પાકિસ્તાન રૂટની જરૂર નહીં પડે.

ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ સમાચાર પત્ર ધી ઇન્ડિયન ઍક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એક સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

જોકે, ઈરાજ ઈલાહીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થીની વાત ન કરી. જોકે, એવો મોકો આવશે તો ભારત માટે આ વાત સરળ નહીં રહે.

ડૉ. પ્રેમાનંદ મિશ્રાએ કહ્યું, "ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સૌથી મોટી તકલીફ એ છે કે આ બન્ને દેશો વિચારધારાના આધાર પર ચાલે છે. બન્ને દેશોને એકમત કરવા એટલુ સરળ કામ નથી. જેમ કે, ઈરાનનું માનવું છે કે પેલેસ્ટાઇનના મુદ્દાના ઉકેલ વગર ઇઝરાયલને માન્યતા ન આપી શકાય."

"ભારત બે રાષ્ટ્રોના ઉકેલમાં માને છે. ભારત ઇઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો માને છે, જેને ઈરાન માનતું નથી. આવી સ્થિતિમાં સર્વસંમતિ હોવી મુશ્કેલ છે."

પ્રેમાનંદ મિશ્રાનું માનવું છે કે આટલા બધા મુદ્દાઓ ગૂંથાયેલા હોવાને કારણે એક સરળ જવાબ હોઈ શકે નહીં, ખાસ કરીને જ્યારે દેશમાં જૂન સુધી માહોલ સંપૂર્ણપણ ચૂંટણીમય રહેશે.