ઇઝરાયલે ઈરાનનાં 99 ટકા રૉકેટોને હવામાં જ કઈ રીતે નષ્ટ કરી નાખ્યાં?

ઈરાને ઇઝરાયલ પર કરેલા ડ્રૉન અને મિસાઇલ હુમલાઓની વચ્ચે ફરી એકવાર ઇઝરાયલની ઍન્ટિ-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન ડૉમ’ની ચર્ચા થઈ રહી છે.

હમાસ સાથે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલ પોતાની સુરક્ષામાં આયર્ન ડૉમનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યું છે. હવે ઈરાન સામે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં જ ઇઝરાયલે જણાવ્યું હતું હમાસ અને અન્ય પેલેસ્ટાઇનનાં સંગઠનોએ તેના પર 1500થી વધુ રૉકેટ છોડ્યાં હતાં. પરંતુ તેમાંથી મોટા ભાગનાં રૉકેટ ઇઝરાયલના સુરક્ષાકવચને કારણે જમીન સુધી પહોંચે તે પહેલાં જ નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

આ સુરક્ષાકવચનું નામ 'આયર્ન ડૉમ' એટલે કે ઍન્ટિ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે.

ઇઝરાયલી અધિકારીઓ અનુસાર આ સિસ્ટમ 90 ટકા મામલાઓમાં કારગર સાબિત થાય છે. આ રૉકેટ રહેણાંક વિસ્તારોમાં જમીન પર પડે એ પહેલાં જ તેને તોડી પાડવામાં આવે છે.

કઈ રીતે કામ કરે છે આયર્ન ડૉમ સિસ્ટમ?

આયર્ન ડૉમ એક મોટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે જેને ઇઝરાયલે લાખો ડૉલર ખર્ચીને ઊભી કરી છે.

આ સિસ્ટમ જાતે જ એ શોધી લે છે કે મિસાઇલ રહેણાકી વિસ્તારમાં ત્રાટકવાની છે કે નહીં. તેને એ વાતનો પણ ખ્યાલ આવી જાય છે કે કઈ મિસાઇલ નિશાન પર જઈ રહી છે અને કઈ પોતાનું નિશાન ચૂકી રહી છે. માત્ર એ જ મિસાઇલ કે જે રહેણાક વિસ્તારમાં પડવાની હોય છે તેને આ સિસ્ટમ હવામાં જ તોડી પાડે છે. આ ખૂબી જ આ ટેકનિકને અતિશય ઉપયોગી બનાવે છે.

'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ 'અખબાર અનુસાર દરેક ઇન્ટરસેપ્ટરની કિંમત અંદાજે 1.5 લાખ છે. વર્ષ 2006માં ઇસ્લામી સમૂહ હિઝબુલ્લાહ સાથે લડાઈ પછી ઇઝરાયલે આ ટૅકનિક પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

હિઝબુલ્લાહે ઇઝરાયલની દિશામાં હજારો રૉકેટ છોડ્યાં હતાં જેના કારણે ઘણા ઇઝરાયલી નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાના એક વર્ષ પછી જ ઇઝરાયલની સરકારી કંપની રફાલ ડિફેન્સે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે એક ‘મિસાઇલ શિલ્ડ’ બનાવશે.

આ પ્રોજેક્ટ માટે ઇઝરાયલને 20 કરોડ ડૉલરની મદદ અમેરિકાથી મળી હતી.

વર્ષોનાં સંશોધન પછી વર્ષ 2011માં આ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન દક્ષિણમાં આવેલા શહેર બીરસેબાથી છોડેલી મિસાઇલોને આ નવી સિસ્ટમ તોડી પાડવામાં સફળ રહી હતી.

આ સિસ્ટમમાં ખામીઓ પણ છે?

ઇઝરાયલ માને છે કે એ વાતમાં કોઈ શક નથી કે આયર્ન ડૉમે ઇઝરાયલના લોકોની સુરક્ષા કરી છે નહીંતર રૉકેટ હુમલાઓમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં હોત.

જોકે, એવું નથી કે આ સિસ્ટમ સંપૂર્ણપણે મિસાઇલપ્રૂફ છે.

બીબીસીના પૂર્વ રક્ષા અને કૂટનીતિક સંવાદદાતા અને વિદેશ મામલાના જાણકાર જૉનાથન માર્કસ કહે છે કે જ્યારે આ સિસ્ટમ અશ્કલોન નામના શહેરનું સંરક્ષણ કરી રહી હતી, ત્યારે એક બૅટરી ભૂતકાળમાં થયેલા ઇઝરાયલ-ગાઝા યુદ્ધમાં ખરાબ થઈ ગઈ હતી. જોકે, આ અત્યાર સુધીમાં બનેલો આ એકમાત્ર મામલો છે.

કેટલાક જાણકારોનું કહેવું છે કે આ સિસ્ટમ હાલમાં ગાઝા તરફથી આવનારાં રૉકેટને નષ્ટ કરી દે છે. પરંતુ ભવિષ્યમાં એવી સંભાવના પણ રહેલી છે કે તે અન્ય દુશ્મન દેશો સામે એટલી કારગર ન પણ નીવડે.

'જેરૂસલેમ પૉસ્ટ'માં ગુપ્ત મામલાઓના તંત્રી યોના જેરેમી બૉબ અનુસાર હિઝબુલ્લાહ ઓછા સમયમાં વધુમાં વધુ મિસાઇલો છોડી શકવામાં સક્ષમ છે, અને એવી સંભાવના છે કે આવી પરિસ્થિતિમાં આ સિસ્ટમ કામ ન પણ આપે. પરંતુ હાલનાં કેટલાંક વર્ષો તરફ નજર ફેરવીએ તો ઇઝરાયલના લોકો આ સિસ્ટમના આભારી છે કે તેના કારણે તેમનો જીવ બચી રહ્યો છે.

જોકે, તેલ અવીવ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્ટિસ્ટ ડૉ. યોઆવ ફ્રૉમરનું કહેવું છે કે ઇઝરાયલે માત્ર આ સિસ્ટમના ભરોસે બેસી ન રહેવું જોઈએ અને લાંબાગાળા માટે કોઈ અન્ય સમાધાન શોધવું જોઈએ.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, “આ એક વિડંબના છે કે આયર્ન ડૉમના સફળ થવાને કારણે કેટલીક વિદેશ નીતિઓ નિષ્ફળ ગઈ, જેના કારણે હિંસા વધી છે. વર્ષો પછી પણ આપણે હિંસાના પૂર્ણ ન થનારા ચક્રમાં ફસાયેલા છીએ.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)