હૂતી વિદ્રોહીઓએ અમેરિકાને એવા યુદ્ધમાં ફસાવી દીધું છે જેને તે જીતી શકે એમ નથી?

    • લેેખક, સેલિન ગેરેટ અને કેટ ફૉર્બ્સ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, બહેરીન, કૅનેડા અને હોલૅન્ડની આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ જે યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે તેને માટે વિજય હાંસલ કરવો સરળ કામ નથી.

ઈરાન દ્વારા સમર્થિત હૂતી બળવાખોરોએ નવેમ્બરના મધ્યથી રેડ સી (લાલ સમુદ્ર જે રાતા સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) તેમાં આંતરરાષ્ટ્રીય અને વ્યાપારી જહાજો પર ત્રીસથી વધુ હુમલા કર્યા છે.

આ હુમલાઓ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી.

23 જાન્યુઆરીએ પત્રકારો સાથે વાત કરી રહેલા યુએસ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ લાલ સમુદ્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ હુમલાઓનો જવાબ આપવા માટે વધારાનાં પગલાં લેવાં તૈયાર છે.

આ હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સમુદ્ર માર્ગે થતા વેપારને અસર કરી છે અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વ અસ્થિર બની શકે તેવી આશંકા પણ જન્માવી છે.

શું અમેરિકા અને તેના સાથીઓ એવા જૂથ સામે વિજય હાંસલ કરી શકે છે કે જેની સામે સાઉદી અરેબિયા લગભગ એક દાયકાથી નિષ્ફળ રીતે લડ્યું છે?

સાઉદી અરેબિયાએ લાલ સમુદ્રમાં થઈ રહેલી આ ઘટનાક્રમ પર મૌન જાળવી રાખ્યું છે, જ્યારે સાઉદી અરેબિયાની હૂતી બળવાખોરો સાથે શાંતિ વાટાઘાટો હાલમાં ચાલી પણ રહી છે.

'અમેરિકા અને બ્રિટન પાસે કોઈ વિકલ્પ નહોતો'

આ હુમલાઓ પહેલાં લાલ સમુદ્રમાં સ્થિતિ સુધારવા માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે સફળ થયા ન હતા.

યમન માટે અમેરિકાના વિશેષ દૂત ટિમ લૅન્ડરકિંગનું કહેવું છે કે, સ્થિતિ આ તબક્કે પહોંચી છે તે ખેદજનક છે.

હૂતી બળવાખોરો જેમણે યમનના સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારો પર કબજો મેળવ્યો છે, તે કહે છે કે તેમના હુમલાઓ પેલેસ્ટિનિયનો સાથે એકતારૂપી છે કારણ કે ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરે છે.

થિંક ટૅન્ક ઍટલાન્ટિક કાઉન્સિલના વિલિયમ વેચસ્લર માને છે કે, અમેરિકા અને બ્રિટન પાસે બળનો ઉપયોગ કરીને જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

તેઓ કહે છે, "આંતરરાષ્ટ્રીય વેપારમાં આઠ મુખ્ય દરિયાઈ ચોકીઓ છે. જેમાંથી અડધી મધ્ય પૂર્વમાં છે. વધુમાં, મધ્ય પૂર્વ વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. હૂતી બળવાખોરોએ તેમાંથી એકને સીધી ધમકી આપી છે. દરિયાઈ ચોકીઓ ખૂબ જ અસામાન્ય છે."

"કોઈપણ વ્યક્તિ જે આપણા રોજિંદા જીવનને સુધારવામાં ઊર્જાની ભૂમિકાને સમજે છે, કોઈપણ જે આર્થિક પ્રગતિની ચિંતા કરે છે, તે નિર્ણાયક મુદ્દાઓને સુરક્ષિત રાખવાનું મહત્ત્વ સમજી શકે છે."

હૂતી બળવાખોરો કેટલા શક્તિશાળી છે?

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં સાબિત કર્યું છે કે, તેઓ સ્વ-ઘોષિત દેશની સેનાનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

ઈરાનના કથિત સમર્થન સાથે તેઓ હવે વિખરાયેલા બળવાખોર જૂથમાંથી આધુનિક સાધનો અને તેમના પોતાના હેલિકૉપ્ટરની મદદથી ખુદને પ્રશિક્ષિત લડાયક દળમાં પરિવર્તિત કરી રહ્યા છે.

વિલિયમ વેચસ્લર કહે છે, "હૂતી બળવાખોરોના પ્રતિકારના બે ભાગ છે. એક ભાગ ઇરાદો અને બીજો ક્ષમતા છે. કોઈ એવું વિચારી ન શકે કે તે તેમની (હૂતી બળવાખોરોની) હિંમત તોડી શકે છે. પરંતુ એક અભિપ્રાય એ છે કે તેમની ક્ષમતા નાશ પામશે."

જો કે હૂતીઓ લાંબા સમયથી એક મોટા પ્રતિસ્પર્ધી સામે લડવામાં સફળ રહ્યા છે. અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સાથીઓ સામે સામનો કરવો એ એક અલગ બાબત છે. તેમની સામૂહિક તાકાત, વ્યૂહરચના અને અનુભવ સાઉદીની સેના કરતા ઘણાં વધારે છે.

'અસરકારક કાર્યવાહી જરૂરી'

હવે વિશ્લેષકો સામે પ્રશ્ન એ છે કે, અમેરિકા આ યુદ્ધમાં કેટલી હદે સામેલ થવા માગશે.

સ્ટીવન કૂક સિનિયર ફેલો છે અને કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સમાં મધ્ય પૂર્વ અને આફ્રિકન સ્ટડીઝના નિષ્ણાત છે.

તેમણે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે,"અમારી પાસે પુષ્કળ શક્તિ છે પરંતુ અમારે સાવચેતી સાથે તેનો ઉપયોગ કરવાની જરૂર છે. અમે યમન પર હુમલો કરવાની અથવા સરકાર બદલવાની વાત નથી કરી રહ્યા. જેમ અમે ભૂતકાળમાં કર્યું છે."

"હું કહીશ કે મેં તાજેતરમાં સંખ્યાબંધ આરબ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેમણે કહ્યું હતું કે, જુઓ, જો તમે માત્ર હૂતીઓને છેડશો, તો આ વાત અટકશે નહીં. તમારે અસરકારક લશ્કરી કાર્યવાહી કરવી પડશે જે હૂતીઓને ખાડીમાં જ ધકેલી રાખશે. તેમના હુમલાને મુશ્કેલ બનાવો. જો અશક્ય ન હોય તો, જહાજોને હેરાન કરવું અને હુમલો કરવાની તેમની ક્ષમતાને ઘટાડો."

યુદ્ધ ક્યાં સુધી ચાલશે?

જેમ્સ ગાર્ડન ફોગો યુએસ નેવીના નિવૃત્ત ઍડમિરલ છે અને હવે સેન્ટર ફૉર મેરીટાઇમ સ્ટ્રેટેજી સાથે સંકળાયેલા છે.

તેઓ યુરોપ અને આફ્રિકામાં યુએસ નેવીના ભૂતપૂર્વ કમાન્ડર પણ રહી ચૂક્યા છે.

તેઓ કહે છે, "એવી પ્રબળ સંભાવના છે કે, આ આખો મામલો ઈરાનના પ્રભાવ સામે કોઈ મોટી કાર્યવાહીમાં ફેરવાઈ જશે. અને આ એક એવો પ્રશ્ન છે જેના પર વહીવટીતંત્ર ખુલીને વાત નથી કરી રહ્યું, પરંતુ ચોક્કસપણે તે તેના વિશે વાતચીતમાં સામેલ છે."

તેમણે 1980થી 1988 દરમિયાન અરેબિયન ગલ્ફમાં ટૅન્કર યુદ્ધો વિશે તાજેતરની મીડિયા બ્રીફિંગની યાદ અપાવી.

એક સમયે શિપિંગ ટૅન્કરો પર ઈરાનના હુમલા બાદ અમેરિકાએ ઈરાની નેવી પર હુમલો કર્યો હતો.

એડમિરલ ફોગોએ તેની તુલના યુએસએસ કોલ પરના હુમલા સાથે કરી હતી જે "ઑક્ટોબર 2000માં યમનમાં ઉડાવી દેવામાં આવ્યો હતો. તેમાં 17 અમેરિકન ખલાસીઓ માર્યા ગયા હતા."

તેઓ કહે છે, "અલ-કાયદાએ તે હુમલાની જવાબદારી લીધી હોવા છતાં તે જૂથ સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી. એક વર્ષ પછી શું થયું? 9/11 (અમેરિકા પર હુમલા)."

એડમિરલ ફોગો કદાચ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા કે આ મામલે લશ્કરી કાર્યવાહી જરૂરી છે. સ્ટીવન કૂક આ સાથે સંમત છે.

સ્ટીવન એ.કુક આ વાત પર સહેમત છે. તેઓ કહે છે, "નેવિગેશનની સ્વતંત્રતા અમેરિકન હિતમાં છે. અને આ પ્રકારના કોઈ જૂથોને તે વિસ્તારમાં તેની સત્તા જાળવી રાખવાની છૂટ આપવી તે ખૂબ જોખમી હોઈ શકે છે."

ઈરાનની ભૂમિકા શું છે?

ઈરાન ચોક્કસપણે હૂતી બળવાખોરોને શસ્ત્રો અને નાણાકીય સહાય પૂરી પાડે છે, પરંતુ ઈરાનનું તેમના પર સીધું નિયંત્રણ નથી.

રે ટાકિયા કાઉન્સિલ ઑન મિડલ ઈસ્ટ સ્ટડીઝમાં વરિષ્ઠ ફેલો છે.

તેમના મતે, હૂતી બળવાખોરો પોતે અમેરિકા સાથે દુશ્મનાવટ ધરાવે છે અને તેઓએ ઇઝરાયેલ વિરોધી નીતિઓ અપનાવી છે. તેમને ઈરાન દ્વારા આ મામલે ઉશ્કેરવામાં આવ્યા નથી.

તેઓ કહે છે, "આનો અર્થ એ થયો કે તેઓ ઈરાન દ્વારા ઊભા કરવામાં કે બનાવવામાં આવ્યા નથી. એક રીતે તેઓ સમાન વિચારધારા ધરાવતાં સંગઠનો છે. તેઓ ખરેખર સાઉદી અરેબિયાને નુકસાન પહોંચાડવાના એક તકવાદી પ્રયાસ તરીકે ઊભરી આવ્યા છે."

હૂતી બળવાખોરો ઈરાન માટે અસરકારક જૂથની ભૂમિકા ભજવે છે. જે ઈરાનને અમેરિકા દ્વારા ઇઝરાયેલ પર દબાણ લાવવા સક્ષમ બનાવે છે.

ટાકિયાનો અભિપ્રાય છે કે, "ઈરાનને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમેરિકાને ડર હોઈ શકે છે કે આ વિવાદ હજુ વધશે. આવી સ્થિતિમાં તેઓ ઇઝરાયલને કોઈ પ્રકારની સમજૂતી માટે સંમત થવા માટે મજબૂર થશે."

તેઓ કહે છે, "અહીં મૂળભૂત ધારણા એ છે કે, અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય ઇઝરાયેલ પર પ્રતિબંધો લાદી શકે છે. ઇઝરાયેલ એક સ્વ-ઘોષિત દેશ છે જે ખૂબ જ જટિલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે."

અમેરિકા શું હાંસલ કરવા માગે છે?

નિષ્ણાતોના મતે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની યમનને લઈને દેખીતી રણનીતિનો હેતુ હૂતી લડવૈયાઓને નબળા પાડવાનો જણાય છે.

પરંતુ આ નીતિ તે જૂથને હરાવવા અથવા હૂતી બળવાખોરોના મૂળ આશ્રયદાતા ઈરાનનો સીધો મુકાબલો કરવાની વાત કરતી નથી.

યુએસ નીતિ મર્યાદિત લશ્કરી કાર્યવાહી અને પ્રતિબંધો પર આધારિત છે. આના પરથી એવું લાગે છે કે, તેનો હેતુ હૂતી બળવાખોરોને સજા કરવાનો અને મધ્ય પૂર્વમાં કોઈ મોટો સંઘર્ષ ઊભો થતો અટકાવવાનો છે.

અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના બ્રાયન કાર્ટર માને છે કે આ મિશનનો મૂળ હેતુ હૂતી વિદ્રોહીઓનો નાશ કરવાનો કે યમનની સરકારને સત્તામાં પાછી લાવવાનો નથી.

તેઓ સમજે છે કે, આ વ્યૂહરચનાનો હેતુ લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજોને પડકારવા માટે હૂતી બળવાખોરોની ક્ષમતાઓને ઘટાડવાનો છે.

તેઓ કહે છે, "તેમની સૈન્ય પ્રણાલીને નબળી કરવી એ કોઈ અશક્ય કાર્ય નથી. તે એક લશ્કરી લક્ષ્ય છે, જેને પ્રાપ્ત કરી શકાય છે."

ટિમ લૅન્ડરકિંગે પણ ભારપૂર્વક જણાવ્યું કે, આ યુદ્ધ મોટા પાયે સંઘર્ષ નથી. આ માત્ર હૂતી બળવાખોરોની જહાજ પર હુમલો કરવાની ક્ષમતાને ખતમ કરવા માટે છે.

તે જ સમયે પૅન્ટાગોનનું કહેવું છે કે, 11 જાન્યુઆરીથી અમેરિકન કાર્યવાહી શરૂ થઈ ત્યારથી, યમનમાં 25થી વધુ મિસાઇલ લૉન્ચિંગ અને ડિપ્લૉયમેન્ટ પ્લાન્ટ્સ અને 20થી વધુ મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો છે.

તેમનું કહેવું છે કે ડ્રૉન, મેરીટાઇમ રડાર અને હૂતી વિદ્રોહીઓની ઍરિયલ સર્વેલન્સ ક્ષમતાની સાથે હથિયારોના સ્ટોરને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

શું હૂતી બળવાખોરો મજબૂત બનશે?

ટિમ લૅન્ડરકિંગ કહે છે કે, હૂતી બળવાખોરો કદાચ આ યુદ્ધમાં જોડાવા માંગે છે.

તેમણે બીબીસીને કહ્યું કે, કદાચ તે યમનના લોકોને બતાવવા માગે છે કે, તે માત્ર પેલેસ્ટાઈનના લોકો સાથે નથી પરંતુ પશ્ચિમની વિરુદ્ધ પણ ઉભા છે.

બીબીસી સંરક્ષણ સંવાદદાતા ફ્રેન્ક ગાર્ડનર કહે છે કે, હૂતી બળવાખોરો હવે આરબ વિશ્વમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. કારણ કે તેઓ કહે છે કે, તેઓ ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાન સમર્થિત બળવાના ભાગરૂપે હમાસને ટેકો આપી રહ્યા છે.

ઑપરેશન પોસાઇડન આર્ચર હેઠળ યુએસની આગેવાની હેઠળના હુમલામાં હવે નવાં લક્ષ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ, હૂતી બળવાખોરોની લૉન્ચિંગ સાઇટ્સ પર હુમલા કરવામાં આવ્યા હતા.

પૅન્ટાગોનનું કહેવું છે કે, મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે તે લૉન્ચિંગ માટે તૈયાર થઈ રહી હતી. પશ્ચિમી ગુપ્તચરોએ તાજેતરમાં અનુમાન લગાવ્યું છે કે, હૂતી બળવાખોરોના મિસાઇલના ભંડારમાંથી ઓછામાં ઓછા 25 ટકા નાશ પામ્યા છે અથવા તેની ક્ષમતા ગુમાવી દીધી છે.

આમ હોવા છતાં એવી સંભાવના છે કે, ઇઝરાયેલ, અમેરિકા અથવા બ્રિટનનાં જહાજો પર હૂતી બળવાખોરો દ્વારા હુમલા ચાલુ રહેશે.

ગાર્ડનર કહે છે કે, એ હુમલાઓને કારણે જ્યારે યમનમાં ઘણા નાગરિકો તેના ક્રૂર શાસનથી નાખુશ છે, ત્યારે તેને સ્થાનિક સ્તરે ઘણો ટેકો મળ્યો છે.

હિશામ અલ-અમીસી કહે છે કે, એવા સમયે જ્યારે સ્થાનિક સ્તરે અમેરિકા અને બ્રિટિશ વિરોધી ભાવનાઓ ચરમસીમા પર છે, ત્યારે આ બાબતને સંપૂર્ણ લશ્કરી સંદર્ભમાં જોવી અને તેના સામાજિક અને રાજકીય અસરોને સંપૂર્ણપણે અવગણવી તે યોગ્ય નથી.

(24 જાન્યુઆરીએ આ લેખ માટે ઍટલાન્ટિક કાઉન્સિલના વિલ વેચસ્લર અને અમેરિકન ઍન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના બ્રાયન કાર્ટરનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. 23 જાન્યુઆરીએ બીબીસીના વર્લ્ડ ટુનાઇટ પ્રોગ્રામમાં યમન માટેના યુએસના ખાસ રાજદૂત ટિમ લૅન્ડરકિંગે વાત કરી હતી. સ્ટીવન એ. કૂક, એડમિરલ જેમ્સ જી. ફોગો અને રે ટાકિયા 18 જાન્યુઆરીના રોજ કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સ તરફથી વર્ચ્યુઅલ મીડિયા બ્રીફિંગમાં હાજર હતા.)