You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના સેંકડો યુવાનો ઇઝરાયલ જવા આટલા આતુર કેમ છે?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ગયા અઠવાડિયે એક ઠંડીગાર સવારે ઊનનાં વસ્ત્રો અને ધાબળામાં લપેટાયેલા સંખ્યાબંધ પુરુષો હરિયાણાના વિશાળ યુનિવર્સિટી કૅમ્પસમાં કતારમાં ઊભા હતા.
બૅકપૅક અને લંચબૉક્સ સાથે આવેલા આ પુરુષો ઇઝરાયલમાં પ્લાસ્ટરિંગ વર્કર, સ્ટીલ ફિક્સર્સ અને ટાઇલ સેટર્સ વગેરે જેવી બાંધકામ ક્ષેત્રની નોકરી મેળવવા માટેની પ્રેક્ટિકલ પરીક્ષા માટે કતારમાં ઊભા હતા.
પેન્ટર, સ્ટીલ ફિક્સર, મજૂર, ઑટોમોબાઇલ વર્કશોપ ટેકનિશિયન અને સર્વેયર તરીકે કામ કરી ચૂકેલા યુનિવર્સિટીમાં શિક્ષિત, લાયકાતપ્રાપ્ત શિક્ષક રણજિતકુમાર જેવા લોકો માટે આ બહુ સારી તક હતી.
બે ડિગ્રી અને ડીઝલ મિકેનિક તરીકેનો સરકારી ‘ટ્રેડ ટેસ્ટ’ પાસ કરવા છતાં 31 વર્ષના રણજિત રોજ રૂ. 700થી વધુની કમાણી ક્યારેય કરી શક્યા નથી. તેનાથી વિપરીત ઇઝરાયલમાં નોકરી કરવાથી આવાસ અને સ્વાસ્થ્ય સુવિધા ઉપરાંત મહિને લગભગ રૂ. 1,37,000 પગાર આપવામાં આવે છે.
રણજિતકુમારે ગયા વર્ષે જ પાસપૉર્ટ મેળવ્યો હતો અને સાત સભ્યોના પરિવારને ટેકો આપવા માટે ઇઝરાયલમાં સ્ટીલ ફિક્સર તરીકે નોકરી મેળવવા તેઓ આતુર છે તે કદાચ આશ્ચર્યજનક નથી.
તેમણે કહ્યું હતું, “અહીં સલામત નોકરી મળતી નથી. મોંઘવારી વધી રહી છે. નવ વર્ષ પહેલાં સ્નાતક થયા પછી પણ હું આર્થિક રીતે સ્થિર થયો નથી.”
સત્તાવાર અહેવાલ અનુસાર, ઇઝરાયલ પોતાના બાંધકામ ક્ષેત્રને વેગ આપવા માટે ચીન, ભારત તથા અન્ય દેશોમાંથી 70,000 કામદારો લાવવાની યોજના ધરાવે છે.
અહેવાલોમાં જણાવ્યા મુજબ, સાતમી ઑક્ટોબરના હમાસના હુમલા બાદ ઇઝરાયલે લગભગ 80,000 પેલેસ્ટિનિયન કામદારો પર પ્રતિબંધ મૂક્યો એ પછી દેશમાં શ્રમિકોની અછત સર્જાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાંથી લગભગ 10,000 કામદારોની ભરતી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં નોકરીની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. હરિયાણાના રોહતક શહેરમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી દેશભરના હજારો કામદારો માટે પરીક્ષાનું આયોજન કરે છે. (દિલ્હીમાંના ઇઝરાયલી દૂતાવાસે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો)
નોકરી મેળવવા ઇચ્છતા રણજિતકુમાર જેવા સંખ્યાબંધ લોકો ભારતના વિશાળ અને અનિશ્ચિત અનૌપચારિક અર્થતંત્રનો હિસ્સો છે. આવા લોકો ઔપચારિક કૉન્ટ્રાક્ટ્સ કે બીજા લાભ વિના કામ કરતા હોય છે.
રણજિતકુમારની જેમ ઘણા લોકો સ્નાતક ડિગ્રી ધરાવે છે, પરંતુ સલામત નોકરી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. આવા લોકો બાંધકામ ક્ષેત્રે કેઝ્યુઅલ કામદાર તરીકે રોજના રૂ. 700 લેખે મહિનામાં 15-20 દિવસ કામ મેળવી શકે છે.
તેમના બાયોડેટા પૈકીના એકમાં લખવામાં આવ્યું છે, “હું સારો ટીમ પ્લેયર છું.”
ઘણા લોકો વધુ કમાણી કરવા માટે બહુવિધ નોકરીઓ કરે છે. ઘણા લોકો તેમની મુશ્કેલી માટે 2016ની નોટબંધી અને 2020ના કોવિડ લૉકડાઉનને જવાબદાર ઠેરવે છે. અન્ય લોકો સરકારી પરીક્ષામાં પ્રશ્નપત્ર ફૂટી જવાની ફરિયાદ કરે છે.
ઘણા લોકોના દાવા મુજબ, તેમણે અમેરિકા અને કૅનેડામાં ગેરકાયદે પ્રવેશવા વિચાર કર્યો હતો, પરંતુ એજન્ટોને ચૂકવવા માટેનાં નાણાં એકત્ર કરી શક્યા ન હતા.
તેમના જણાવ્યા અનુસાર, આ બધાં કારણસર તેઓ સલામત, વધુ આકર્ષક વિદેશી નોકરી શોધવા પ્રોત્સાહિત થયા છે. “યુદ્ધક્ષેત્રમાં નોકરી કરવાના જોખમ સામે કોઈ વાંધો નથી.”
સંજય વર્મા પણ 2014માં ગ્રેજ્યુએટ થયા હતા, ટેકનિકલ એજ્યુકેશન ડિપ્લોમા કર્યું હતું અને પોલીસ, અર્ધલશ્કરી તથા રેલવેમાં વિવિધ પદો માટે સરકારી પરીક્ષા આપવામાં તેમણે છ વર્ષ વિતાવ્યાં છે.
તેમણે કહ્યું હતું, “ત્યાં ખાલી જગ્યા જૂજ છે અને માગ 20 ગણી વધારે છે.”
ઈટાલીમાં પ્રતિમાસ 900 યુરોના પગારની નોકરી મેળવવા માટે તેઓ 2017માં એજન્ટને રૂ. 1,40,000 ચૂકવી શક્યા ન હતા.
પરબતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નોટબંધી અને કોવિડ લૉકડાઉનના બે આંચકા પછી તેઓ અનિશ્ચિતતામાં સરી પડ્યા હતા. રાજસ્થાનના 35 વર્ષની વયના પરબતસિંહે ઈમરજન્સી ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું. તેમને 12 કલાકની નોકરી માટે મહિને રૂ. 8,000 પગાર મળતો હતો. તેમણે તેમના ગામમાં બે નાના બાંધકામ કૉન્ટ્રાક્ટ પણ લીધા હતા અને ભાડે ચલાવવા માટે છ કાર પણ ખરીદી હતી.
અન્ય ઘણા લોકોની માફક પરબતસિંહે પણ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગાર મેળવવાની યાત્રા શરૂ કરી હતી. શાળા અભ્યાસ દરમિયાન તેમણે અખબારના ફેરિયા તરીકે, મહિને રૂ. 300ની કમાણી સાથે કામ શરૂ કર્યું હતું.
માતાના અવસાન પછી તેમણે કપડાંની એક દુકાનમાં કામ કર્યું હતું. યોગ્ય નોકરી મળતી ન હતી એટલે તેમણે મોબાઇલ ફોન રિપૅરિંગનો કોર્સ કર્યો હતો, પરંતુ “તેનાથી ખાસ મદદ મળી ન હતી,” એમ તેમણે કહ્યું હતું.
પાંચથી સાત વર્ષ આ રીતે ચાલ્યું પછી 2016માં તેમનું નસીબ સુધર્યું હતું. તેમણે ઍમ્બ્યુલન્સ ચલાવી હતી, નાના ગામડામાં કન્સ્ટ્રક્શનના કૉન્ટ્રાક્ટ રાખ્યા હતા અને ટૅક્સી ભાડે આપવાનો ધંધો કર્યો હતો.
“2020ના લૉકડાઉનમાં હું ખતમ થઈ ગયો હતો. મારે તમામ કાર વેચી નાખવી પડી હતી, કારણ કે લોન ચૂકવવાનું પરવડે તેમ ન હતું. હવે હું ફરી ઍમ્બ્યુલન્સ ચલાવું છું અને બાંધકામના નાના સરકારી કૉન્ટ્રાક્ટ્સ રાખું છું.”
હરિયાણાના 40 વર્ષની વયના ટાઇલ સેટર રામ અવતાર જેવા બે દાયકાનો અનુભવ ધરાવતા અન્ય લોકો પણ છે. જીવનનિર્વાહના વધતા ખર્ચ અને બાંધી આવકના પડકારોનો સામનો કરતા રામ અવતારને તેમના સંતાનોના ઉચ્ચ શિક્ષણના ખર્ચની ચિંતા છે.
તેમની દીકરી સાયન્સ કૉલેજમાં અભ્યાસ કરી રહી છે, જ્યારે દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છે છે.
રામ અવતારે દુબઈ, ઈટાલી અને કૅનેડામાં નોકરી મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એજન્ટો માગેલી તોતિંગ ફી તેમને પરવડે તેમ નથી. તેમના જણાવ્યા મુજબ, ભાડા, બાળકોના અભ્યાસના ખર્ચ અને ભોજનના ખર્ચ માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “ઇઝરાયલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે અમે જાણીએ છીએ. હું મોતથી ડરતો નથી. મોત તો અહીં પણ થઈ શકે.”
'યુદ્ધથી ડર નથી લાગતો'
હર્ષ જાટ તેમના આઠ એકરના પારિવારિક ખેતરમાં કામ કરવા પાછા ફર્યા હતા, “પણ હવે કોઈને ખેતી કરવામાં રસ નથી,” તેમણે કહ્યું હતું.
તેમણે કારકુન, પોલીસમૅન જેવી સરકારી નોકરી મેળવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા.
તેમણે જણાવ્યા મુજબ, તેમના ગામના યુવાનો અમેરિકા અને કૅનેડામાં ગેરકાયદે પ્રવેશવા એજન્ટોને રૂ. 60 લાખ ચૂકવતા હોય છે. આ રીતે અમેરિકા પહોંચ્યા બાદ તેઓ, ફેન્સી કાર ખરીદવાની પરિવારોની ઇચ્છા સંતોષવા ઘરે પૈસા મોકલતા હોય છે.
તેમણે કહ્યું હતું, “હું વિદેશ જઈને સારા પગારવાળી નોકરી મેળવવા માંગુ છું, કારણ કે મારું સંતાન થશે ત્યારે એ મને પૂછશે કે આપણા પાડોશી પાસે મોંઘી કાર છે, પણ આપણી પાસે કેમ નથી?”
“હું યુદ્ધથી ડરતો નથી,” એમ હર્ષે કહ્યું હતું.
ભારતમાં રોજગારીની સ્થિતિનું મિશ્ર ચિત્ર જોવા મળે છે. પીરિયોડિક લેબર ફોર્સના સરકારી ડેટા દર્શાવે છે કે બેરોજગારીમાં ઘટાડો થયો છે.
2017માં તેનું પ્રમાણ છ ટકા હતું, જે 2021-22માં ચાર ટકા થયું છે. ડેવલપમૅન્ટ ઇકૉનૉમિસ્ટ અને યુનિવર્સિટી ઑફ બાથના વિઝિટિંગ પ્રોફેસર સંતોષ મેહરોત્રાના જણાવ્યા મુજબ, સરકારી ડેટામાં અવેતન કામને નોકરી તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું હોવાથી આ ઘટાડો દેખાય છે.
પ્રોફેસર મેહરોત્રાએ કહ્યું હતું, “નોકરી મળતી નથી એવું નથી, પણ માત્ર સંગઠિત ક્ષેત્રમાં જ નોકરીની તક વધી રહી છે અને તેની સાથે નોકરી શોધી રહેલા યુવાનોની સંખ્યા પણ વધી રહી છે.”
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, બેરોજગારી ઘટતી હોવા છતાં તેનું પ્રમાણ ઊંચું છે. 1980ના દાયકાથી સ્થિર રહ્યા બાદ 2004થી 2018માં નિયમિત વેતન અથવા પગારદાર નોકરીયાતોનો હિસ્સો વધવા લાગ્યો હતો.
પુરુષોમાં તે પ્રમાણ 18 ટકાથી વધીને 25 ટકા થયું હતું, જ્યારે મહિલાઓમાં 10 ટકાથી વધીને 25 ટકા થયું હતું. અલબત્ત, “વૃદ્ધિમાં મંદી અને રોગચાળા”ને કારણે નિયમિત વેતનવાળી નોકરીઓની ગતિમાં ઘટાડો થયો હતો.
આ અહેવાલ મુજબ, 15 ટકાથી વધુ ગ્રેજ્યુએટ્સ અને 25 વર્ષથી ઓછી વયના 42 ટકા ગ્રેજ્યુએટ્સને રોગચાળા પછી દેશમાં નોકરી મળી નથી.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના લેબર ઇકૉનૉમિસ્ટ રોઝા અબ્રાહમે કહ્યું હતું, “આ જૂથ વધુ આવકની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને તેઓ અસલામત ગીગ વર્ક કરવા ઇચ્છતા નથી. આ જૂથને વધુ આવક માટે (ઇઝરાયલ જવા જેવા) અત્યંત જોખમી સાહસ અને ઓછી અનિશ્ચિતતા સામે વાંધો નથી.”
આવા લોકો પૈકીના એક ઉત્તર પ્રદેશના અંકિત ઉપાધ્યાય છે. તેમણે જણાવ્યું હતું કે એક એજન્ટને પૈસા ચૂકવીને તેમણે વિઝા મેળવ્યા હતા અને કુવૈતમાં સ્ટીલ ફિક્સર તરીકે આઠ વર્ષ સુધી કામ કર્યું હતું. એ પછી રોગચાળા દરમિયાન તેમણે નોકરી ગુમાવવી પડી હતી.
તેમણે કહ્યું હતું, “હવે મને કોઈ ડર નથી. હું ઇઝરાયલમાં કામ કરવા ઇચ્છુક છું. મને ત્યાંના જોખમ સામે કોઈ વાંધો નથી. ઘરઆંગણે સલામત નોકરી નથી.”