પીએમ વિશ્વકર્મા યોજના કારીગરોને કેવી રીતે મદદરૂપ થશે? તેનો લાભ કોને, ક્યારે મળશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કૌશલ્યવાન શ્રમિકો માટે એક નવી નાણાકીય સહાયની યોજના જાહેર કરી છે. પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે, 15 ઑગસ્ટથી કરવામાં આવ્યો છે.

આ યોજનાનું સંપૂર્ણ નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના છે. સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યોજના રૂ. 13-15 હજાર કરોડના બજેટ સાથે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવશે. આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ કળાકારો, કારીગરો અને નાના ધંધાર્થીઓને નાણાકીય સહાય વડે તેમના બિઝનેસની વૃદ્ધિમાં મદદ કરવાનો છે.

કેન્દ્રના પ્રધાનમંડળે 16 ઑગસ્ટે આ યોજનાને રૂ. 13 હજાર કરોડના બજેટ સાથે મંજૂરી આપી હતી. આ યોજના 2023-24થી 2027-28 એમ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત તો કરી દીધી, પરંતુ કળાકારો અને કારીગરોને આ યોજના માટે નાણાં કોણ આપશે તે જાણવું જરૂરી છે.

પીએમ વિશ્વકર્મા યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ કારીગરોની ગુરુ-શિષ્ય પરંપરાને ટેકો આપવાનો અને તેમને તથા તેમના પરિવારોને મૂડી સહાય આપીને તેમના બિઝનેસની વૃદ્ધિમાં મદદ કરવાનો છે.

આ યોજનાનો ઉદ્દેશ કળાકારો વધારે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપે તેવું કરવાનો પણ છે. આ યોજના મારફત કારીગરો અને કળાકારોને દેશભરના અને વિશ્વના મોટા બિઝનેસ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

આ યોજનાના લાભ શું છે?

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને કળાકારોને સર્ટિફિકેટ્સ અને ઓળખપત્રો આપવામાં આવશે. આ યોજના હેઠળ લક્ષ્યાંકિત લાભાર્થીઓને કોલેટરલ ફ્રી ઍન્ટર્પ્રાઇઝ ડેવલપમૅન્ટ લોનના રૂપમાં નાણાકીય સહાય આપવામાં આવશે.

તેમને પ્રથમ તબક્કામાં રૂ. એક લાખ સુધીની લોન મળશે અને તેની ચૂકવણી કરી આપશે પછી તેઓ વ્યાજના રાહત દરે રૂ. બે લાખ સુધીની લોન મેળવવાને પાત્ર બનશે. લાભાર્થીઓ પાસેથી લોન પેટે વસૂલવાપાત્ર વ્યાજનો રાહત દર પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા વ્યાજ છૂટની સીમા આઠ ટકા સુધીની હશે અને તે બૅન્કોને અગ્રિમ સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.

કોને-કોને લાભ મળશે?

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ સમગ્ર દેશના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના કારીગરો તથા કળાકારોને મળશે.

નીચે મુજબના 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શરૂઆતમાં તેનો લાભ મળશે. એવા વ્યવસાયીઓમાં સુથાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, કાથીનું કામ કરતા વણકરો, વાંસના કળાકારો, સાદડી-સાવરણીના ઉત્પાદકો, પરંપરાગત રમકડાના ઉત્પાદકો, વાળંદ, ધોબી, માળી, દરજી, માછીમારીની જાળના નિર્માતાઓ, હોડી નિર્માતાઓ, શસ્ત્રાસ્ત્ર ઉત્પાદકો, લુહાર, તાળાં બનાવતા લોકો અને હથોડી તથા ટૂલકીટના નિર્માતાઓનો સમાવેશ થાય છે.

બીજા ક્યા લાભ મળશે?

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, “પરંપરાગત કૌશલ્યને નિખારવા અને એ સંબંધી યોગ્ય તાલીમની તકો ઉપલબ્ધ કરાવવા સ્કીલ અપગ્રેડેશન પ્રદાન કરવું એ આ યોજનાનો બીજો ઉદ્દેશ છે.”

કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીઓને તાલીમના સમયગાળા દરમિયાન દૈનિક સહાય તરીકે રૂ. 500 આપવામાં આવશે અને જરૂરી સાધનો ખરીદવા માટે રૂ. 15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

આ યોજના હેઠળ પ્રથમ વર્ષમાં પાંચ લાખ પરિવારોને આવરી લેવાનું લક્ષ્ય છે. પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 30 લાખ કારીગર પરિવારોને યોજનાનો લાભ મળશે.

ક્યા દસ્તાવેજો જરૂરી છે અને અરજી કેવી રીતે કરવી?

પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિથી થશે. આ યોજના અને અરજી પ્રક્રિયા વિશેની વિગત વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કુલ 11,321 લોકો અરજી કરી ચૂક્યા છે અને પ્રથમ તબક્કાની વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થવાની બાકી છે.

સરકારની વેબસાઇટ પરની માહિતી મુજબ, યોજના માટે નોંધણી નીચે મુજબ કરી શકાશે.

મોબાઈલ અને આધાર વેરિફિકેશન : કારીગરે મોબાઈલ ઑથેન્ટિકેશન અને આધાર ઇકેવાયસી કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન ફોર્મ : કારીગરે રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને અરજી સુપ્રત કરવાની રહેશે. લાભાર્થીઓની નોંધણી ગ્રામ પંચાયત તથા શહેરી નગરપાલિકાઓના સ્તરે કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા તેમજ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી દ્વારા પણ કરવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ : કારીગરે પીએમ વિશ્વકર્મા ડિજિટલ ઓળખપત્ર અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.

આખરે, કારીગરે તેની કાર્યકુશળતાના આધારે યોજનાના ઘટકો માટે અરજી કરવાની રહેશે. સરકારી વેબસાઈટ પર જણાવ્યા મુજબ, “લાભાર્થીઓ અરજી સુપ્રત કરે એ પછી ત્રણ તબક્કાનું વેરિફિકેશન કરવામાં આવશે. તે નિયમ અનુસારનું હશે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી કરવામાં આવશે.”