'કડકડતી ઠંડીમાં મને લગભગ નગ્ન રાખ્યો', ગાઝામાં એક પીડિતની વ્યથા

    • લેેખક, ઇથર શૈલબી, શિરીન યુસૂફ
    • પદ, બીબીસી સંવાદદાતા, અરબી સેવા

22 વર્ષના એક પેલેસ્ટિનિયન નાગરિકે ગુરુવારે બીબીસીને જણાવ્યું કે કઈ રીતે તેમને ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે (આઇડીએફ) અટકાયતમાં લીધા અને ત્યારપછી તેમની સાથે શું શું થયું. સેનાએ તેમની સાથે બીજા ડઝનેક લોકોની અટકાયત કરી હતી.

આ ઘટના સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.

બીબીસીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે. આ વીડિયોમાં ડઝનબંધ લોકો જમીન પર ઘૂંટણના બળે બેસેલા દેખાય છે. તેમના શરીર પર માત્ર અન્ડરવેયર છે. તેમની નજીક ઇઝરાયલી સૈનિકો પહેરો ભરી રહ્યા છે.

એવું મનાય છે કે આ લોકોની ગાઝા પટ્ટીના ઉત્તરમાં બેત લાહિયામાં ધરપકડ કરવામાં આવી હતી.

સુરક્ષાના કારણસર પોતાનું નામ અને ઓળખ જાહેર ન કરવાની વિનંતી સાથે એક યુવાને ફોન પર બીબીસીને જણાવ્યું, “તેમણે અમને રસ્તા પર બેસવા મજબૂર કર્યા. અમે લગભગ ત્રણ કલાક સુધી ત્યાં બેસેલા રહ્યા. ત્યારબાદ ટ્રક આવ્યા, તેમણે અમારા હાથ બાંધ્યા અને અમારી આંખો પર પટ્ટીઓ બાંધી. બાદ અમને અજાણી જગ્યાએ લઈ ગયા.”

વીડિયોમાં રસ્તાના કિનારે મોટી સંખ્યામાં પુરુષો એક હરોળમાં બેસેલા જોવા મળે છે. એવું લાગે છે કે તેમને પગરખાં ઉતારી દેવાનું કહેવામાં આવ્યું હોય. તેમનાં ચંપલો જ્યાં-ત્યાં વિખેરાયેલાં જોવાં મળે છે.

વીડિયોમાં જોવા મળે છે કે ઇઝરાયલી સૈનિકો અને બખતરબંધ ગાડીઓ તેમની આજુબાજુ ઊભી છે, જે આ લોકો પર નજર રાખી રહ્યા છે.

પૂછવામાં આવ્યા સવાલો

આ ઘટના સાથે જોડાયેલા એક અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે આ લોકોને સેનાના ટ્રકોમાં બેસાડીને ક્યાંક લઈ જવાઈ રહ્યા હતા.

ઇઝરાયલી મીડિયામાં આ લોકોને હમાસના ઉગ્રવાદીઓ તરીકે દેખાડવામાં આવી રહ્યા છે જેમણે ઇઝરાયલી સેના સામે આત્મસમર્પણ કરી દીધું છે.

આ યુવાને કહ્યું કે નિશ્ચિત જગ્યાએ લઈ જવાયા પછી તેમની અતિશય ખરાબ રીતે પૂછપરછ કરવામાં આવી. એમને પૂછવામાં આવ્યું કે પેલેસ્ટિનિયન વિદ્રોહી જૂથ હમાસ સાથે તેમનો શું સંબંધ છે.

એક અન્ય તસવીર (જેની બીબીસીએ હજુ સુધી પુષ્ટિ કરી નથી)માં એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકોની આંખો પર પટ્ટીઓ બાંધવામાં આવી છે. તેમને ઘૂંટણ પર બેસાડવામાં આવ્યા છે. એવું દેખાઈ રહ્યું છે કે આ લોકો એક રેતીના ઢગલા પાસે બેસેલા છે.

‘પિતાને સાથે લઈ ગયા’

22 વર્ષના એ યુવાનની આપવીતીની આ તસવીર સાક્ષી પૂરી રહી છે એવું લાગે છે. તેમણે બીબીસી સાથે વાતચીતમાં જે જગ્યા વિશે જણાવ્યું એ પણ તેનાથી મેળ ખાય છે. તેમણે જણાવ્યું કે તેમને, તેમના પિતાને અને પાંચ પિતરાઈ ભાઇઓને જ્યાં લઈ જવામાં આવ્યા એ જગ્યા રેતાળ હતી.

તેમણે જણાવ્યું કે તેમને ત્યાં લગભગ નગ્ન છોડી દેવામાં આવ્યા. જોકે, રાત્રે તેમને ઓઢવા માટે એક ધાબળો આપવામાં આવતો હતો.

તેમણે કહ્યું કે સવાલ-જવાબ કર્યા બાદ તેમને એક અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા અને ઘરે જવાનું કહેવાયું હતું.

તેમણે કહ્યું, “મારા પિતા અને પિતરાઈ સિવાય અમને બધા લોકોને છોડી દેવામાં આવ્યા હતા. મારા પિતા સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સી યુએનઆરડબલ્યૂએ સાથે કામ કરે છે. મને એ ખ્યાલ નથી કે તેઓ એમને તેમની સાથે કેમ લઈ ગયા.”

“અમે અંધારામાં ખુલ્લા પગે પથ્થર અને કાચના ટુકડાઓથી ભરી પડી હોય તેવી સડક પર ચાલતા રહ્યા.”

‘400માંથી 250 લોકોને છોડી દેવામાં આવ્યા’

પેલેસ્ટિનિયન નાગરિક મોહમ્મદ લુબ્બાદ બેલ્જિયમમાં રહે છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના ભાઈ ઇબ્રાહીમ વિશે પોસ્ટ કરી હતી, જેની પરિવારના 10 અન્ય સભ્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

એક તસવીરમાં તેમણે ઘણા લોકોની વચ્ચે બેઠેલા તેના ભાઈ ઇબ્રાહીમના ચહેરા પર ગોળ ચકામું કરીને લખ્યું કે, આ મારો ભાઈ છે. તસવીરમાં તેમનો ભાઈ તેના નામવાળા કપડા પહેરેલો જોવા મળે છે.

બાદમાં મોહમ્મદ આ વિશે બીબીસી સાથે વાત કરવા માટે સહમત થયા.

તેમણે કહ્યું, "તેઓ મારા ભાઈ ઇબ્રાહીમને ઉપાડી ગયા તે પહેલાં મેં તેની સાથે બે કલાક સુધી વૉટ્સઍપ વીડિયો કૉલ પર વાત કરી. મારો ભાઈ કમ્પ્યુટર એન્જિનિયર છે."

તેમણે બીબીસીને જણાવ્યું કે ઇબ્રાહીમને બે દીકરી છે.

"મારા ભાઈએ મને કહ્યું કે અમારું ઘર અને બેત લાહિયાનું આખું ગામ ઇઝરાયલી સેનાએ ઘેરી લીધું છે."

"બે કલાક પછી મેં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો. મેં તરત જ તેમાં મારા ભાઈને ઓળખી કાઢ્યો અને મારા અન્ય કેટલાક પડોશીઓને પણ વીડિયોમાં જોયા."

મોહમ્મદ લુબ્બાદ કહે છે કે તેમના બે પિતરાઈ ભાઈને બાદ કરતા બધા જ સંબંધીઓને છોડી દેવામાં આવ્યા હતા. તેમાંથી એક 35 વર્ષીય અહમદ લુબ્બાદ છે જેઓ વ્યવસાયે શિક્ષક છે અને ચાર બાળકોના પિતા છે. તેમના હજુ એક પિતરાઈ આયમાન લુબ્બાદ છે જેઓ માનવાધિકાર કાર્યકર્તા છે અને ત્રણ બાળકના પિતા છે.

મોહમ્મદ કહે છે કે તેમનો પરિવાર સામાન્ય છે અને તેમના સેના સાથે કોઈ સંબંધો નથી.

જેમની ધરપકડ થઈ છે તેમાંથી એક વ્યક્તિના સંબંધીએ બીબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયલે કુલ 400 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 250 લોકોને છોડી દેવામાં આવ્યા હતા.

ઇઝરાયલે શું કહ્યું?

જ્યારે વીડિયો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી સરકારના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે અટકાયતમાં લેવાયેલા તમામ લોકો સેનામાં ભરતી થઈ શકે તે ઉંમરના હતા અને તેઓ એ વિસ્તારોમાં જોવા મળ્યા હતા જેને પહેલેથી જ ખાલી કરી દેવામાં આવ્યા હતા.

ઉત્તરી ગાઝામાં જમીની હુમલા કરતા પહેલા ઇઝરાયલે અહીંના લોકોને વાદી ગાઝાથી દક્ષિણ તરફ જવા માટે કહ્યું હતું.

આઇડીએફે તસવીર પર સીધી ટિપ્પણી કરી નથી, પરંતુ સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસના સૈનિકો અને શિન બેતના અધિકારીઓએ શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી."

"આમાંના ઘણા લોકોએ 24 કલાકની અંદર જ અમારા દળો સામે આત્મસમર્પણ કર્યું છે. પૂછપરછ પછી તેમની પાસેથી મળેલી ગુપ્ત માહિતીનો ઉપયોગ યુદ્ધ ચાલુ રાખવા માટે કરવામાં આવશે."

શુક્રવારે ઇઝરાયલ સરકારના પ્રવક્તા ઇલોન લેવીએ બીબીસીને જણાવ્યું હતું કે લોકોને ઉત્તર ગાઝાના જબાલિયા અને શેજાયામાંથી પકડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બે સ્થાનો "હમાસના ગઢ માનવામાં આવે છે અને તેમનું કેન્દ્ર મનાય છે."

તેમણે જણાવ્યું હતું કે આ લોકોની પૂછપરછ કરવામાં આવશે જેથી કરીને એ જાણી શકાય કે કોણ હમાસના આતંકવાદી છે અને કોણ નથી."

બર્બરતાપૂર્ણ તસવીરો

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુકેના પેલેસ્ટિનિયન રાજદૂતે કહ્યું, "આ યુએન કૅમ્પમાંથી લઈ જવામાં આવેલા સામાન્ય નાગરિકોને અટકાયતમાં લેવાની અને તેમનાં કપડાં ઉતારવાની ઇઝરાયલી સેનાની ક્રૂરતાની તસવીરો છે."

ઍમ્બૅસૅડર હુસમ ઝોમલોતે કહ્યું, "આ તસવીરો માનવતાના ઇતિહાસની સૌથી ખરાબ યાદોની સાક્ષી બનશે."

અટકાયત કરાયેલા લોકોમાં પેલેસ્ટિનિયન પત્રકાર દિયા અલ-કહલૂત પણ સામેલ છે. તેઓ અરબી અખબાર અલ-અરબી અલ-જાદીદના ગાઝા બ્યુરો ચીફ છે. અખબારે ગુરુવારે તેની પુષ્ટિ કરી હતી.

દિયા અલ-કહલૂતના પિતરાઈ ભાઈ, મોહમ્મદ અલ-કહલૂત, ગાઝામાં બીબીસી માટે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે તેમના પરિવારના કુલ 24 લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

27 વર્ષીય મોહમ્મદ કહે છે, "મેં તેમાંથી 12 લોકોને વાઇરલ વીડિયો અને તસવીરો પરથી ઓળખી કાઢ્યા હતા."

તેમણે કહ્યું કે આમાંથી માત્ર સાત લોકોને જ શુક્રવારે મુક્ત કરવામાં આવ્યા છે.

મોહમ્મદ કહે છે, "જેમને મુક્ત કરવામાં આવ્યા હતા તેમને ગાઝા અને ઇઝરાયલની સરહદ નજીક છોડી દેવામાં આવ્યા હતા. જ્યાં સુધી હું જાણું છું, ત્યાં સુધી તેમને ઇઝરાયલની સેના દ્વારા ઝિકિમ નજીકની સરહદ પર મુક્ત કરવામાં આવ્યા હતા."

મોહમ્મદ અલ-કહલૂતે જણાવ્યું હતું કે તેમના સંબંધીઓને ઘરે પહોંચવા માટે છ કિલોમીટર ચાલવું પડ્યું હતું.

તેઓ કહે છે કે તેમને તેમના બે ભાઈ 36 વર્ષના મોહસિન અને 29 વર્ષના અલાની ચિંતા છે જેમને હજુ પણ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

અરબી ભાષાની ન્યૂઝ વેબસાઇટે (જેની અંગ્રેજી ભાષાની વેબસાઇટ ન્યૂ અરબ નામની છે) અલ-કહલૂતની અટકાયતની સખત નિંદા કરી હતી અને તેને અપમાનજનક ગણાવી હતી.

અખબાર કહે છે, "અમે આંતરરાષ્ટ્રીય સમુદાય, પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને માનવાધિકાર માટે કામ કરતા વૉચડોગ્સ અને એજન્સીઓને અપીલ કરીએ છીએ કે તેઓ આ વિસ્તારમાં પત્રકારો પરના હુમલાઓ માટે ઇઝરાયલની ટીકા કરે."

બીબીસીએ આઈડીએફને દિયા અલ-કહલૂતની કથિત ધરપકડ અંગે પ્રશ્નો પૂછ્યા છે.

(ડિપ્લોમેટિક મામલાના બીબીસી સંવાદદાતા પૉલ ઍડમ્સે આ રિપોર્ટ માટે જરૂરી વધારાનું રિપોર્ટિંગ કર્યું છે.)