You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સૈનિકો જ્યારે જેરુસલેમની અલ અક્સા મસ્જિદની સુરક્ષા કરતા
- લેેખક, ગુરજોત સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
લાયલપુરના પાલસિંહ, પટિયાલાના આશાસિંહ, અજનાલાના મગહરસિંહ, ગ્વાલિયર ઇન્ફેંન્ટ્રીના સીતારામ અને ગાઝિયાબાદના બશીર ખાનની કબર કે અંતિમ સ્મારક તેમના જન્મસ્થળથી હજારો કિલોમીટર દૂર જેરુસલેમમાં એક મકબરામાં છે.
પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સેંકડો સૈનિકો જે બ્રિટિશ સેનાનો ભાગ હતા, મધ્યપૂર્વમાં માર્યા ગયા હતા.
તે સમયે પેલેસ્ટાઈન અને મધ્યપૂર્વના અન્ય ભાગોમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સ્મારક ચાર કબ્રસ્તાનમાં બનાવાયા હતા જે હાલમાં ઇઝરાયલમાં છે.
એટલું જ નહીં તેમની યાદોને જીવિત રાખવા તેમના નામના પથ્થર પણ કબર સાથે લગાવાયા હતા. બ્રિટિશ સેનાનો એક મોટો ભાગ ભારતીય સૈનિકોનો હતો.
આ સૈનિકો અવિભાજિત પંજાબ સાથે સાથે વર્તમાન ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોના હતા. ઇઝરાયલના તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે જારી કરેલા પુસ્તક ‘મેમોરિયલ ઑફ ઇન્ડિયન સોલ્જર્સ ઇન ઇઝરાયલ’માં પણ તેમનાં નામોનો ઉલ્લેખ છે.
આ પુસ્તક ઇઝરાયલમાં ભારતના તત્કાલીન રાજદૂત નવતેજસિંહ સરનાના કાર્યકાળ દરમ્યાન છપાયું હતું.
રિયાધમાં ઇસ્લામી દેશોનું સંગઠન
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાના એક મહિનાથી વધુનો સમય થયો છે.
7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો જેમાં 1,200 સૈનિકો માર્યા ગયા. આ દિવસથી ઇઝરાયલ ગાઝા પર લગાતાર બૉમ્બમારો કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર ગાઝામાં તો ઇઝરાયલની સેના ભૂમિગત અભિયાન ચલાવી રહી છે. હમાસના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યાર સુધી 11,000થી વધુ લોકો માર્યા ગયા છે. ઉત્તર ગાઝાનો એક મોટો ભાગ તબાહ થઈ ગયો છે અને આ સમયે હૉસ્પિટલ આસપાસ ભીષણ લડાઈ ચાલી રહી છે.
સોશિયલ મીડિયા અને વર્તમાનપત્રો પણ આ યુદ્ધની મુદ્દે ઇતિહાસ પર ચર્ચાને જીવિત રાખે છે.
વીસમી સદીની શરૂઆતમાં હાલના ઇઝરાયલમાં તહેનાત રહેલા ભારતીય સૈનિકોની તસવીરોને લઈને પણ સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્ય પ્રગટ કરી રહ્યા છે.
અલ-અક્સા મસ્જિદ બહાર પાઘડી પહેરેલા સૈનિકો તહેનાત
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં વર્તમાન ઇઝરાયલમાં અલ-અક્સા મસ્જિદ કે ‘ટેમ્પલ માઉન્ટ’ બહાર પાઘડી પહેરેલા સૈનિકો તહેનાત હોય તેવું દેખાય છે.
નવતેજ સરના કહે છે કે અલ-અક્સ મસ્જિદ કે ટેમ્પલ માઉન્ટ યહૂદી અને આરબ બંને સમુદાયો માટે એક મહત્ત્વપૂર્ણ પવિત્ર સ્થળ છે.
જેરુસલેમ મુદ્દે યહૂદી અને આરબો વચ્ચે દાયકાઓથી તણાવ રહ્યો છે અને સમયાંતરે અહીં સંઘર્ષ થતો રહે છે.
સરના કહે છે, “તે સમયે આ ક્ષેત્ર બ્રિટિશ સામ્રાજ્યના કબજા હેઠળ હતું. ભારતીય સૈનિકો તટસ્થ મનાતા હતા એટલે તેમને સુરક્ષા માટે અહીં તહેનાત કરાયા હતા.”
તેમણે કહ્યું કે આ સૈનિકો અહીં આવતા લોકોની તપાસ પણ કરતા હતા.
પંજાબી સૈનિકોની ભૂમિકા
સૈન્ય ઇતિહાસકાર મનદીપસિંહ બાજવા જણાવે છે કે બ્રિટિશ સેનામાં અવિભાજિત ભારતના વિભિન્ન ભાગોના સૈનિકો સાથે સાથે અવિભાજિત પંજાબના સૈનિકો પણ સામેલ હતા.
અહીંના સૈનિકોએ હાઇફાની લડાઈ અને અન્ય કેટલીયે લડાઈઓમાં ભાગ લીધો હતો.
મનદીપસિંહ બાજવા કહે છે કે તે સમયે મોટા ભાગના ભારતીય સૈનિકો પાઘડી પહેરેલા હતા અને ક્યારેક ક્યારેક એક ગેરસમજ એવી પણ છે કે મોટા ભાગના સૈનિકો પંજાબી અથવા શીખ હતા.
જોકે શીખોએ પોતાની વસતીના હિસાબે ખૂબ મોટો ફાળો આપ્યો હતો. સિનાઈ-પેલેસ્ટાઈન અભિયાનમાં શીખોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. પશ્ચિમી મોરચે, ઇરાક (તે સમયે મેસોપોટામિયા કહેવાતું હતું)માં તેમની ભૂમિકા મહત્ત્વની હતી.
મોટા ભાગના ભારતીય સૈનિક દ્વિતીય વિશ્વયુદ્ધ સુધી પાઘડી પહેરતા હતા. ભારતીય સૈનિકોના પોશાકમાં ફેરફાર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન શરૂ થયો હતો.
કેટલાંક વર્ષો પહેલાં ઇઝરાયલની સરકાર તરફથી જારી કરાયેલી ટપાલ ટિકિટ વિશે તેમણે કહ્યું કે ઇઝરાયલે જારી કરેલી ટપાલ ટિકિટ ન માત્ર શીખ સૈનિકોના સન્માનમાં છે પણ બધા જ ભારતીય સૈનિકોના સન્માનમાં છે.
મનદીપસિંહ બાજવાનું કહેવું છે કે અહીં લડાયેલી લડાઈ ‘હાઇફાની લડાઈ’ પ્રથમ વિશ્વયુદ્ધમાં એક મહત્ત્વનું યુદ્ધ હતું.
1918માં હાઇફાના યુદ્ધ દરમ્યાન પણ ભારતીય સૈનિકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મનદીપસિંહ બાજવાનું કહેવું છે કે હાઇફાની લડાઈ બ્રિટિશ સેના અને ઓટ્ટોમન સામ્રાજ્યની સેના વચ્ચે એક નિર્ણાયક લડાઈ હતી.
બ્રિટિશ સામ્રાજ્ય માટે લડનારી સેનામાં મોટી સંખ્યામાં ઘોડેસવારો હતો. તેમણે તુર્કીની સેનાને હરાવી હતી.
તેમણે કહ્યું કે તે સમયે બ્રિટિશ સેનામાં ભારતીય રાજ્ય દળની વિવિધ શાખાઓ સામેલ હતી તેમને ‘ઇમ્પિરિયલ ટ્રૂપ્સ’ પણ કહેવાતી.
હાઇફાની આ લડાઈમાં જોધપુર લાંસર્સ અને મૈસૂર લાંસર્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ શાખાઓ જોધપુર પરિવાર અને મૈસૂર પરિવારની હતી.
મનદીપસિંહ બાજવાનું કહેવું છે કે પટિયાલા પરિવાર સાથે સંબંધ રાખનારા પટિયાલા લાંસર ‘હાઇફાની લડાઈ’ દરમ્યાન સેનાનો ભાગ હતા પણ તેમણે યુદ્ધમાં ભાગ નહોતો લીધો.
હાઇફાની લડાઈમાં પંજાબી સૈનિકોની ભૂમિકા વિશે તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર પણ ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી છે કે તેમાં શીખ સૈનિકો સામેલ હતા.
તેમણે કહ્યું, “એ ગર્વની વાત છે કે પંજાબી કે ભારતીય સૈનિકોએ વિશ્વયુદ્ધોમાં મોટી ભૂમિકા નિભાવી પણ હાઇફાની લડાઈમાં શીખોના સામેલ હોવાનો દાવો સાચો નથી.”
બાબા ફરીદ સાથે જોડાયેલી જગ્યા
નવતેજ સરના જણાવે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પેલેસ્ટાઈનમાં કોઈ મોટું યુદ્ધ નહોતું થયું. નવતેજ સરના ‘દ હેરોડ્સ ગેટ-એ જેરુસલેમ ટેલ’ પુસ્તકના લેખક છે.
તેમણે કહ્યું કે ભારતીય સૈનિક આરામ અને સ્વાસ્થ્ય લાભ માટે લીબિયા, લેબનન, ઇજિપ્ત અને અન્ય ક્ષેત્રોથી જેરુસલેમ આવતા હતા.
તેમણે ભારતીય ધર્મશાળામાં આરામ કર્યો જે બાબા ફરીદ ધર્મશાળાના નામે પણ ઓળખાય છે. બાબા ફરીદે (હઝરત ફરીદ-ઉદ-દીન ગંજ શુકર) વર્ષ 1200માં આ જગ્યાની મુલાકાત લીધી હતી.
પેલેસ્ટાઈનમાં ભારતીય સૈનિકોની ભૂમિકા શું હતી?
ભારતીય સૈનિક પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પેલેસ્ટાઈનના ક્ષેત્રોમાં કેટલીયે મહત્ત્વપૂર્ણ લડાઈઓનો ભાગ હતા. ત્યાં સુધી કે ભારતીય સેનાના મેજર દલપતસિંહને આજે પણ હાઇફાની લડાઈના હીરો માનાવામાં આવે છે.
ભારતીય દૂતાવાસ તરફથી પ્રકાશિત પુસ્તિકા અનુસાર ‘અવિભાજિત ભારતના સૈનિકોએ મધ્યપૂર્વ, વિશેષ રીતે પેલેસ્ટાઈનમાં બંને વિશ્વયુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.’
ભારતીય દૂતાવાસે પ્રકાશિત કરેલ પુસ્તિકા મુજબ, આશરે દોઢ લાખ ભારતીય સૈનિકોને વર્તમાન ઇજિપ્ત અને ઇઝરાયલમાં મોકલાયા હતા.
અહીં સૈનિકોએ સપ્ટેમ્બર-ઑક્ટોબર 1918ના પેલેસ્ટાઈન અભિયાનમાં ભાગ લીધો હતો.
‘કૉમનવેલ્થ વૉર ગ્રેવ્સ કમિશન’ મુજબ, પ્રથમ વિશ્વયુદ્ધમાં 13,02,394 ભારતીય સૈનિકો સામેલ હતા, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનારાઓની સંખ્યા 25 લાખ સુધી પહોંચી ગઈ હતી.
જ્યારે પેલેસ્ટાઈન પહોંચ્યા ભારતીય સૈનિક
સૈન્ય ઇતિહાસકાર મનદીપસિંહ બાજવાએ કહ્યું કે પેલેસ્ટાઈન એક મહત્ત્વપૂર્ણ સ્થાન હતું જ્યાં બ્રિટિશ સેનાએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે લડાઈ લડી હતી.
ઑટોમન સામ્રાજ્યની સીમાઓ સિનાઈ, સીરિયા અને જૉર્ડન સુધી ફેલાયેલી હતી.
તેમણે કહ્યું કે બાલફોર ઘોષણા એ જ યુદ્ધ દરમ્યાન જારી કરાઈ હતી જેણે વર્તમાન ઇઝરાયલનો પાયો નાખ્યો હતો.
નવતેજ સરનાએ કહ્યું કે 1917માં જ્યારે બ્રિટિશ જનરલ ઍલેન્બીએ જેરુસલેમ પર કબજો કર્યો હતો ત્યારે ભારતીય સૈનિક ઍલેન્બીની સેનાનો ભાગ હતા.
સ્થાનિકો આ સૈનિકોને કેવી રીતે યાદ કરે છે?
નવતેજ સરના જણાવે છે કે હાઇફાના લોકો મેજર દલપતસિંહના સન્માનમાં એક પ્રતિમા બનાવવા ઇચ્છે છે જેમાં અમે તેમનો સાથ આપ્યો.
એટલે 23 સપ્ટેમ્બરે હાઇફા દિવસના અવસરે વાર્ષિક સમારોહની પણ શરૂઆત કરાઈ.
તેમણે કહ્યું કે હાઇફા કબ્રસ્તાન હાઇફાની લડાઈમાં ભાગ લેનારા સૈનિકો માટે નહીં પણ અન્ય સૈનિકો માટે સ્મારક છે.
તેમણે કહ્યું કે હાઇફા કબ્રસ્તાનમાં જે સૈનિકોનું સ્મારક છે તેમને એ દિવસે યાદ કરાય છે અને સાથે ‘હાઇફાની લડાઈ’માં સામેલ થયેલા સૈનિકોને પણ યાદ કરાય છે.
અહીં હવે માત્ર પ્રવાસીઓ જ નહીં પણ ઇઝરાયલની મુલાકાત લેનારા અધિકારીઓ પણ સન્માન પ્રગટ કરવા આવે છે.
નવતેજ સરના જણાવે છે કે સમય ઘણો વીતી ગયો હોવાના કારણે સૈનિકોના બાબતે ઘણા લોકો નથી જાણતા.
તેમણે કહ્યું, “જે લોકો હજુ પણ હાઇફામાં રહે છે તેઓ હાઇફાની લડાઈમાં ભાગ લેનારા સૈનિકોને યાદ કરે છે. હાઇફા હિસ્ટોરિકલ સોસાયટી પણ છે જે આના પર કામ કરી રહી છે.”
ભારતીય સૈનિકોની કબરો ક્યાં છે?
ઇઝરાયલમાં ચાર કબ્રસ્તાન છે જ્યાં ભારતીય સૈનિકોને દફનાવા છે અથવા તેમની યાદમાં ખાંભી બનાવાઈ છે.
જેરુસલેમ ઇન્ડિયન વૉર સિમેટ્રીમાં જુલાઈ 1918 અને જૂમ 1920 દરમ્યાન દફન કરાયેલા 79 ભારતીય સૈનિકોની કબરો છે જેમાંથી એકની ઓળખ નથી શકી.
હાઇફા ઇન્ડિયન વૉર સિમેટ્રીમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, હૈદરાબાદમાં રહેનારા સૈનિકોની પણ યાદો છે.
સૌથી વધારે ભારતીય સૈનિકોને ‘રામલ્લા વૉર સિમેટ્રી’માં દફન કરવામાં આવ્યા છે. આ કબ્રસ્તાનમાં 528 કબરો છે. પહેલું વિશ્વ સ્મારક પણ અહીં છે.
1941માં સ્થાપિત ‘ખયાત બીચ વૉર કબ્રસ્તાન’માં બીજા વિશ્વયુદ્ધના 691 સૈનિકોની કબરો છે જેમાંથી 29 ભારતીય હતા.
નવતેજ સરના કહે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા સૈનિકોના સ્મારક કૉમનવેલ્થ વૉર ગ્રેવ્સ કમિશને સ્થાપિત કર્યા હતા.
તેમણે કહ્યું કે આ કબ્રસ્તાનોમાં હાઇફા એક મહત્ત્વપૂર્ણ કબ્રસ્તાન છે.
હાઇફાની લડાઈ 1918માં થઈ હતી. મૈસૂર, જોધપુર, બિકાનેર લાંસર શાખાઓએ ભાગ લીધો. આ યુનિટોની યાદમાં નવી દિલ્હીમાં ત્રણ મૂર્તિ સ્મારક સ્થાપિત કરાયું છે.
એ જરૂરી નથી કે સૈનિક એ વિસ્તારમાં જ મૃત્યુ પામ્યા હોય અથવા તેમને ત્યાં જ દફનાવાયા હોય. ક્યારેક સૈનિકોની યાદના ભાગરૂપે એ કબરોમાં પથ્થર પર તેમનું નામ લખી ખાંભી બનાવાય છે.
સરના જણાવે છે કે આ સૈનિકો હિંદુ, મુસલમાન અને શીખ ધર્મના હતા.
તેમણે કહ્યું, “અમે આ સ્થળોની ઓળખ કરી, જાણકારી મેળવી, તસવીરો લીધી અને પુસ્તિકાને એ રીતે પ્રકાશિત કર્યું જે પહેલાં ક્યારેય નથી થયું.”
તેમણે કહ્યું, “અમે યુદ્ધ કબરો પર કૉમનવેલ્થ કમિશન સાથે મળીને કામ કર્યું અને હવે જ્યારે પણ ભારત સરકારના પ્રતિનિધિ ત્યાં જાય છે તો તેઓ પણ સન્માન દર્શાવવા આ સ્થળો પર જાય છે.”
સૈન્ય ઇતિહાસકાર મનદીપસિંહ બાજવા કહે છે કે કૉમનવેલ્થ ગ્રેવ્સ કમિશન આશરે 60 દેશોમાં બનેલા બ્રિટિશ સામ્રાજ્યના સૈનિકોના કબ્રસ્તાનોની દેખરેખ રાખે છે. તેમાં થતાં ખર્ચાઓમાં ભારત પણ યોગદાન આપે છે.