You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
“એ વાતની ખાતરી હશે કે અમે સાથે મરી શકીશું”- ગાઝામાં વરસતા બૉમ્બ વચ્ચે બીબીસી સંવાદદાતાએ વર્ણવેલી આપવીતી
- લેેખક, અદનાન ઍલ-બુર્શ
- પદ, બીબીસી અરબી, ખાન યુનિસ, ગાઝાથી
ગાઝાના ખાન યુનિસ શહેરમાં આવેલી નાસિર હૉસ્પિટલની બહાર મોટી સંખ્યામાં જીન્સ પહેરેલા નવયુવાનોની ભીડ જમા છે. લોકોના પગમાં ચંપલો છે. જોવામાં એવું લાગે છે કે આ લોકો કોઇના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા છે.
ઇઝરાયલે જ્યારથી દક્ષિણ ગાઝામાં હુમલાઓ વધાર્યા છે ત્યારથી ત્યાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.
હૉસ્પિટલની બહાર ચૂપચાપ લોકો ઊભા છે. હૉસ્પિટલની બહાર અને ઇમર્જન્સી વૉર્ડમાં તણાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ઇમર્જન્સીમાં કોઈ કેસ આવશે તે વાતને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યકર્મીઓ પહેલેથી તૈયાર ઊભા છે. જ્યારે પણ કોઈ અવાજ થાય છે ત્યારે લોકો ભેગા થઈ જાય છે.
પરંતુ અહીંની સાર્વજનિક વ્યવસ્થા હવે તૂટી રહી છે. લોકો હતાશામાં છે અને હવે તેઓ થાકી ગયા છે.
સાયરનના અવાજ અને આંખો આંજી દેતી રોશની સાથે હૉસ્પિટલની બહાર એક કાર આવીને ઊભી રહે છે. એક ઘાયલ યુવાનને બહાર કાઢીને સ્ટ્રેચર પર લેવામાં આવે છે. તેને ખૂબ ઝડપથી હૉસ્પિટલની અંદર લઈ જવાય છે.
થોડી જ મિનિટો પછી ધૂળથી ઢંકાયેલી એક વધુ કાર ત્યાં પહોંચે છે. તેમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવે છે. એ માત્ર ચાર કે પાંચ વર્ષનું બાળક હશે.
દર્દીઓથી ભરેલી પડી છે હૉસ્પિટલો
બીજા દિવસે, શહેરના સમાહ ઇલવાન નામનાં છ બાળકોનાં માતા મદદ માટે આજીજી કરતાં જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હું સમગ્ર વિશ્વ અને આરબ વિશ્વને સંદેશ આપવા માંગુ છું. હું દુનિયાને કહેવા માંગુ છું કે અમે નિર્દોષ છીએ. અમે કંઈ જ ખોટું કર્યું નથી."
બે ખાલી પાણીની બૉટલ હવામાં લહેરાવતા તેઓ કહે છે કે તેમને પાંચ પુત્રીઓ અને એક પુત્ર છે. તેઓ તરસ્યા છે.
તેઓ કહે છે, "અમારું જીવન કૂતરાં અને બિલાડીઓ જેવું થઈ ગયું છે. કદાચ બિલાડીઓ અને કૂતરાંઓને પણ ક્યાંક આશરો મળી જાય છે. પરંતુ અમારી પાસે માથું છુપાવવાની કોઈ જગ્યા નથી. અમે રસ્તાઓ પર ભટકી રહ્યા છીએ."
એકપણ જગ્યા સુરક્ષિત બચી નથી
સાતમી ઑક્ટોબરે હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયલની સીમામાં ઘૂસીને હુમલો કર્યો. ત્યારથી ગાઝામાં રહેનાર લોકોની જિંદગીઓ તબાહ થઈ ગઈ છે.
હમાસના હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. હમાસના ઉગ્રવાદીઓએ લગભગ 240 લોકોને બંધક બનાવી લીધા હતા. આમાંના ઘણા લોકોને છેલ્લા કેટલાક દિવસોમાં છોડી દેવામાં પણ આવ્યા હતા.
અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને હમાસને ઉગ્રવાદી સંગઠન જાહેર કરેલું છે.
જવાબમાં, ઇઝરાયેલે ગાઝા પર અઠવાડિયાના ભારે બૉમ્બમારા પછી ઉત્તરી ગાઝામાં જમીની અભિયાન શરૂ કર્યું.
ગાઝામાં હમાસ નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે 7 ડિસેમ્બરથી ઇઝરાયલના હુમલામાં મૃત્યુઆંક 16 હજારને વટાવી ગયો છે.
તાજેતરમાં, હમાસ અને ઇઝરાયલ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો જે સાત દિવસ સુધી અમલમાં રહ્યો હતો. આ સમય દરમિયાન હમાસે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં કેટલાક બંધકોને મુક્ત કર્યા હતા.
પરંતુ ત્યારપછી ઇઝરાયલે ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેણે યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ગત અઠવાડિયાથી ઇઝરાયલે ગાઝાના દક્ષિણી ભાગો પર હવાઈ હુમલામાં વધારો કર્યો છે.
ત્યારથી, ગાઝા પટ્ટીના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસની હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હૉસ્પિટલમાં તેની ક્ષમતા કરતા વધુ દર્દીઓ પહોંચી રહ્યા છે.
ઈઝરાયલની ટૅન્ક અને સૈનિકો હાલમાં ખાન યુનિસ શહેરમાં પ્રવેશ્યા છે. હવાઈ હુમલાની સાથે સાથે અહીં જમીની હુમલા પણ વધ્યા છે.
યુદ્ધ ફરી શરૂ થયું છે. હું ખાન યુનિસમાં એકલો છું, જ્યારે મારો પરિવાર મધ્ય ગાઝામાં છે.
થોડા દિવસો પહેલા સુધી, આ ઓબી વાન માટે ખૂબ જ સુરક્ષિત જગ્યા હતી, અહીં સારું સિગ્નલ પણ આવતું હતું.
‘કોઈની સાથે આવું ન થાય’
એક પત્રકાર તરીકે મને મારા કામ પર હંમેશાં ગર્વ રહ્યો છે. પરંતુ મારા વિકલ્પો ઝડપથી બંધ થઈ રહ્યા છે અને મૃત્યુ ઝડપથી મારી નજીક આવી રહ્યું છે.
હું મારા પરિવારને જોવા દર થોડા દિવસે મધ્ય ગાઝા જતો હતો. પરંતુ હવે ઇઝરાયલી સૈનિકોએ ત્યાં જતો એક રસ્તો બંધ કરી દીધો છે. ત્યાં પહોંચવા માટે બીજો રસ્તો છે પણ તે ઘણો જોખમી બની ગયો છે.
હું ઉત્તરી ગાઝાનો રહેનારો છું. પરંતુ જ્યારે ઇઝરાયેલી સેનાએ ઉત્તરમાં ગાઝા શહેરમાં પ્રવેશતા લોકોને દક્ષિણ તરફ જવાનો આદેશ આપ્યો ત્યારે તેમનું કહેવું હતું કે દક્ષિણ ગાઝા એક 'સુરક્ષિત સ્થળ' છે.
તે સમયે હું મારા પરિવાર સાથે દક્ષિણ ગાઝા તરફ ગયો હતો.
હવે ઇઝરાયલ અમને ખાન યુનિસમાં ખતરનાક ગ્રાઉન્ડ ઑપરેશન હાથ ધરવાની ચેતવણી આપી રહ્યું છે. તેઓ કહે છે કે હવે અમારે ઇજિપ્તની સરહદની નજીક, રફાહ તરફ એટલે કે વધુ દક્ષિણ તરફ જવું પડશે.
યુદ્ધ શરૂ થયું ત્યારથી મારા અને મારા પરિવાર સાથે જે બન્યું છે તે બધું બનવા છતાં, આ પ્રથમવાર બની રહ્યું છે જ્યારે હું સંપૂર્ણપણે નિરાશા અનુભવું છું. મારી ઇચ્છાશક્તિ અને સંયમ તૂટી ગયો છે.
મને મારા પરિવારને કોઈ યોજના સાથે સુરક્ષિત રાખવાની આદત છે. હવે હું પોતે જ દુવિધાની સ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યો છું અને ભાંગી પડ્યો છું.
મારા મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે, શું મારે કામ કરવાનું ચાલુ રાખીને રફાહ તરફ જવું જોઈએ? શું મારે એ આશા રાખવી જોઇએ કે મારો પરિવાર ઠીક હશે? શું મારે રિપોર્ટિંગ કરવાનું બંધ કરવું જોઈએ અને મારા પરિવારને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ? જો કંઈક ખરાબ બનશે તો ઓછામાં ઓછી એ વાતની ખાતરી હશે કે અમે સાથે મરી શકીશું.
હું આશા રાખું છું કે કોઈ પણ વ્યક્તિને આવી ભયંકર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે જ્યાં તેની સામે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન હોય.