ઇઝરાયલ-પેલેસ્ટાઇન: ઇઝરાયલના PMની હત્યા, જેણે શાંતિની આશા પર પાણી ફેરવી દીધું

    • લેેખક, પૌલા રોસાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

છેલ્લા થોડા સમયગાળામાં થયેલી રાજકીય હત્યાઓ પૈકીની તે એક હત્યા હતી.

4 નવેમ્બર,1995ના દિવસે કટ્ટર યહૂદી રાષ્ટ્રવાદી યિગલ અમિરે આઇઝેક રૅબિન પર સટીક નિશાન લઇને બે ગોળીઓ છોડી. આ બે ગોળીઓ વાગવાથી માત્ર એક વ્યક્તિનું મૃત્યુ તો થયું પણ સાથેસાથે એ વિચારનું પણ મૃત્યુ થયું જેનું તેઓ સમર્થન કરતા હતા.

એ માત્ર એક વિચાર ન હતો, સંભાવના પણ હતી. શાંતિ સ્થાપિત થવાની સંભાવના, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા ગાળા સુધી કાયમી શાંતિ સ્થાપિત થવાની સંભાવના પણ રૅબિનના મૃત્યુ સાથે જ મૃત્યુ પામી.

હત્યાના બે વર્ષ પહેલા જ ઇઝરાયલી વડા પ્રધાન રૅબિન અને પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (પીએલઓ)ના નેતા યાસિર અરાફાતે ઑસ્લો કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જ્યારે હસ્તધૂનન કર્યું હતું ત્યારે બંનેનો સ્મિત રેલાવતો ફોટો જાણે કે શાંતિ તરફ આગળ વધવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરતો હતો.

દાયકાઓથી ચાલી રહેલો સંઘર્ષ હવે સમાપ્ત થઈ જશે એવી આશા ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના લોકોને જાગી હતી. પણ આ કરાર થતા જ ઇઝરાયલના જમણેરી કટ્ટરપંથીઓ અને હમાસના ઇસ્લામિક ઉગ્રવાદીઓએ જાણે કે હિંસા અને નફરતનું નવું મોજું ફેલાવવાનું શરૂ કર્યું.

તે સમયે હાલના વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂ વિપક્ષમાં હતા જેમણે રૅબિનના આ નિર્ણયનો ભારે ભારે વિરોધ કર્યો હતો.

બીબીસી ઇન્ટરનેશનલ અફેયર્સ એડિટર જેરેમી બૉવેન યાદ કરતા કહે છે કે એ સમયે ઇઝરાયલનાં શહેરોમાં રૅબિનને અરાફતનાં કપડાં પહેરેલાં, માથા પર કુફિયા (પેલેસ્ટિનિયન સ્કાર્ફ) પહેરેલા, નાઝી તરીકે તેમનું ચિત્રણ કરતા પોસ્ટરો મોટી સંખ્યામાં લગાડવામાં આવ્યાં હતાં.

કટ્ટર જમણેરી સંસ્થાઓ અને લોકોએ પેલેસ્ટિનિયન વિસ્તારોનું સંચાલન આપી દેવા બદલ તેમને ક્યારેય માફ કર્યા નથી.

તો બીજી તરફ હમાસે પણ આત્મઘાતી હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. હમાસે ઓસ્લો કરારનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે આપણે એક એવા રાષ્ટ્રની શરણમાં જઈ રહ્યા છીએ જેનું કોઈ અસ્તિત્વ જ નથી.

આજથી બરાબર 28 વર્ષ પહેલાં 4 નવેમ્બર, 1995ના રોજ રૅબિને તેલ અવીવમાં શાંતિકરારના સમર્થનમાં 1 લાખથી વધુ લોકોને એકઠા કર્યા હતા.

તે દિવસે તેમણે એક ભાષણ આપ્યું હતું જે તેમના જીવનનું છેલ્લું ભાષણ બની રહ્યું હતું.

તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “મેં સેનામાં 27 વર્ષ વિતાવ્યાં છે. હું ત્યારે લડ્યો હતો જ્યારે શાંતિની કોઈ સંભાવના જ ન હતી. હું માનું છું કે મોટા ભાગના લોકોને શાંતિ જોઈએ છે અને તેઓ શાંતિ માટે જોખમ ખેડવા પણ તૈયાર છે.”

ત્યારબાદ ત્યાં એકઠા થયેલા લોકોએ એકસાથે ‘શિર લાશાલોમ’ (શાંતિનું ગીત) ગાયું હતું.

કાર્યક્રમ પછી લોહીથી લથબથ ઇઝરાયલી વડા પ્રધાનના જૅકેટના ખિસ્સામાંથી આ શાંતિગીતના શબ્દો લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.

કાર્યક્રમ પછી જેવું તેમણે સ્ટેજ છોડ્યું ત્યારે તરત જ યિગલ અમિરે તેમને પીઠમાં બે ગોળીઓ મારી.

સેનાના પૂર્વ પ્રમુખ જેમણે શાંતિનો રસ્તો અપનાવ્યો

આઇઝેક રૅબિન ઇઝરાયલી લેબર પાર્ટીના સભ્ય હતા જેઓ બે વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. છેલ્લે તેઓ 1992માં ચૂંટાયા હતા.

પરંતુ મોટા ભાગના ઇઝરાયલીઓ તેમને સૈન્ય કામગીરીથી જ ઓળખે છે.

રૅબિને તેમની કારકિર્દીની શરૂઆત પાલ્માચથી કરી હતી, જે હાગનાહનું એલિટ યુનિટ હતું. ઇઝરાયલના ગઠન પછી હાગનાહ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ- આઇડીએફ તરીકે ઓળખાયું.

1948ના આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી રૅબિન એક શક્તિશાળી આઈડીએફ કમાન્ડર તરીકે તો ઓળખાતા જ હતા, પરંતુ હજુ તો એ તેમની સૈન્ય કારકિર્દીની શરૂઆત જ હતી.

1967ના છ-દિવસીય યુદ્ધ દરમિયાન તેઓ સૈન્ય પ્રમુખ હતા અને તે યુદ્ધમાં ઇઝરાયલે દુશ્મન આરબો સામે ભવ્ય વિજય મેળવ્યો હતો.

એક અઠવાડિયાથી ઓછા સમયમાં ઇઝરાયલે ઇજિપ્ત, સીરિયા, જૉર્ડન અને ઇરાકને હરાવી દીધા હતા અને સિનાઈ, ગૉલ્ડન હાઇટ્સ, ગાઝા અને વેસ્ટ બૅન્ક જેવા વિસ્તારો પર કબજો કરી લીધો હતો.

ઘણા ઇઝરાયલી જનરલોના માફક જ પોતાની કારકિર્દીની ટોચે પહોંચ્યા પછી રૅબિને પણ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો.

તેઓ વૉશિંગ્ટનમાં ઇઝરાયલી ઍમ્બૅસૅડર હતા અને પાછા ફર્યા બાદ 1973માં તેઓ લેબર પાર્ટીમાં ઉપપ્રમુખના પદે નીમાયા હતા. 1974માં ગૉલ્ડા મેયરના રાજીનામા પછી તેમને વડા પ્રધાન તરીકે નીમવામાં આવ્યા. તે સમયગાળો 1974-77 નો હતો. ત્યારબાદ 1992થી મૃત્યુપર્યન્ત તેમણે આ જવાબદારી નિભાવી હતી.

ઇતિહાસકારોનું માનવું છે કે તેમણે સૈન્યમાં પસાર કરેલો સમય તેમના માટે અતિશય ફાયદાકારક નીવડ્યો હતો. ઓસ્લો કરાર તરફ આગળ વધવાનો નિર્ણય લેવામાં તેમને તેથી જ સરળતા રહી હતી.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી ઇતિહાસના પ્રોફેસર ડૅરેક પૅન્સલર બીબીસી સાથે વાતચીતમાં જણાવે છે કે, “એવું ન હતું કે રૅબિને કરેલો પ્રયત્ન એ શાંતિ સ્થાપિત કરવાનો છેલ્લો પ્રયત્ન હતો, પણ એ વાત ચોક્ક્સ કહી શકાય કે તે શાંતિ સ્થાપિત કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન હતો. સૈન્યમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવાનો તેમને અનુભવ હતો અને તેમની પોતાની પણ વિશ્વસનીયતા હતી.”

રૅબિને યુદ્ધોનું નેતૃત્વ કર્યું હતું પરંતુ તેમનું માનવું હતું કે વાતચીત અને વાટાઘાટ એ ઇઝરાયલની સુરક્ષા માટે એટલા જ અગત્યનાં છે.

તેમના એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે, “હું, ક્રમાંક 30743, રિઝર્વ લેફ્ટનન્ટ જનરલ આઇઝેક રોબિન, ઇઝરાયલી સેના અને શાંતિ સેનાનો પ્રમુખ, એવી વ્યક્તિ કે જેણે સેનાઓ મોકલી છે, સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, એ જ આઇઝેક રૅબિન આજે કહેવા માગું છું કે આપણે એવા યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ જેમાં કોઈ અત્યાચાર, ઈજાઓ, લોહી, સંઘર્ષ નહીં હોય. એ એવું યુદ્ધ હશે કે જેમાં તમને ભાગ લેવાનો આનંદ આવશે, એ શાંતિ માટેનું યુદ્ધ હશે.”

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના વાય ઍન્ડ ઍસ નાઝારિયન સેન્ટર ફૉર ઇઝરાયલ સ્ટડીઝના ડિરેક્ટર ડૉવ વૅક્સમેનનું કહેવું છે કે, “આઇઝેક રૅબિન એ સંપૂર્ણપણે એવા ડાબેરી નેતા ન હતા કે જેઓ યુદ્ધ અને હિંસામાં માનતા ન હોય. પરંતુ એ સમયે તેઓ ઇઝરાયલનું નેતૃત્વ કરવા માટે સૌથી સક્ષમ નેતા હતા, ખાસ કરીને શાંતિપ્રક્રિયા બાબતે તેઓ વિશ્વાસપાત્ર હતા.”

“વડા પ્રધાન રૅબિન એ આ સંધિને સફળતાપૂર્વક પાર પાડવામાં નિમિત્ત બન્યા. તેમનો લાંબો લશ્કરી બાબતોનો અનુભવ હોવાને કારણે તેઓ ઇઝરાયલીઓને ગૅરન્ટી આપી શકતા હતા. ખાસ કરીને યહૂદીઓને તેઓ એ વાતનો ભરોસો અપાવવામાં સફળ નીવડ્યા હતા કે તેઓ તેમની સુરક્ષા કરી શકે તેમ છે.”

1978ના કૅમ્પ ડેવિડ કરાર અને 1991ની મેડ્રિડ શાંતિ પરિષદના સથવારે તથા તેમને મળી રહેલા સમર્થનના બળે ઓસ્લો કરાર કરવા માટે રૅબિન નિર્ણાયક વ્યક્તિ સાબિત થયા.

ઓસ્લો કરાર શું હતા?

મધ્ય-પૂર્વ જેવી અતિશય સંવેદનશીલ જગ્યાઓએ શાંતિ સ્થાપવા માટે અતિશય વિવેક અને ધીરજની જરૂર પડે છે.

તેના કારણે ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન ગ્રૂપોએ 1993માં નૉર્વેની રાજધાની ઓસ્લોમાં ગુપ્ત મંત્રણાઓ શરૂ કરી હતી જેના પર ઓસ્લો કરાર-1 સ્વરૂપે વ્હાઇટ હાઉસમાં સંધિ થવાની હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સામે રૅબિન અને અરાફાતે હાથ મિલાવ્યા અને અશક્ય વાત શક્ય બની ગઈ.

બંને નેતાઓ અને ઇઝરાયલના વિદેશમંત્રી શિમોન પેરિસને 1994માં શાંતિના અદ્વિતીય પ્રયાસ માટે નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

આ જ કડીમાં બીજો પ્રયાસ ઓસ્લો કરાર-2 1995માં કરવામાં આવ્યો.

આ કરાર પહેલા ઇઝરાયલ પીએલઓ સાથે વાટાઘાટ કરવાનો ઇનકાર કરતું હતું અને તેને એક આતંકવાદી સંગઠન તરીકે ગણાવતું હતું. પરંતુ આ કરારને કારણે પહેલી વાર ઇઝરાયલે આ જૂથને પેલેસ્ટાઇનના લોકોનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠન તરીકે જાણે કે માન્યતા આપી.

વળતાં પ્રતિભાવ તરીકે આ સમૂહે પણ ઇઝરાયલને દેશ તરીકે ગણ્યો, આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરી અને તેના નેતાઓ વનવાસમાંથી જાણે કે બહાર આવ્યા.

ઓસ્લો કરારને કારણે તેમને પેલેસ્ટાઇનના શહેરી વિસ્તારો પર નિયંત્રિત અંશે શાસન કરવાની તક મળી અને પેલેસ્ટિનિયન નેશનલ ઑથૉરિટીની રચના થઈ.

પરંતુ જે માળખું રચાયું હતું એ કાયમી ન હતું. તેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે આ સુવિધા પાંચ વર્ષ માટે છે અને એ પાંચ વર્ષમાં બીજી વાટાઘાટ દ્વારા એક કાયમી ઉકેલ સુધી પહોંચવામાં આવશે.

પરંતુ આ કરારને 30 વર્ષ વીતી ગયાં અને એ ‘કાયમી સમાધાન’ની વાત ક્યારેય હકીકત બની શકી નહીં.

શું રૅબિનની હત્યાને કારણે શાંતિપ્રક્રિયાનો અંત આવી ગયો?

તેમની હત્યાને કારણે ઓસ્લો કરાર પર આઘાતજનક અસરો પડી એમ કહી શકાય.

રૅબિનની હત્યા પછી શિમોન પેરેસ વડા પ્રધાન બન્યા હતા પરંતુ એક વર્ષ બાદ આવેલી ચૂંટણીમાં તેઓ રસાકસીભરી પરિસ્થિતિમાં બેન્જામિન નેતન્યાહૂ સામે હારી ગયા.

ડૉવ વૅક્સમેન કહે છે કે, “નેતન્યાહૂએ શાંતિમંત્રણાઓ અટકાવી દીધી ન હતી. તેમણે તેને ચાલુ રાખવા માટે તેમનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા.”

તેલ અવીવ યુનિવર્સિટીમાં યહૂદી ઇતિહાસના પ્રોફેસર ઑરિટ રૉઝિન કહે છે કે રૅબિનની હત્યાના સમાચાર ઇઝરાયલીઓ માટે એટલા જ આંચકાજનક હતા, જેટલો 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર કરેલો હુમલો.

તે વખતે પરિસ્થિતિઓ અલગ હતી. ઇઝરાયલી નેતાઓને લાગતું હતું કે તેઓ પરિસ્થિતિ પરથી નિયંત્રણ ગુમાવી રહ્યા છે. નવા વડા પ્રધાન તરીકે શિમોન હજુ અવઢવમાં હતા કે આ મંત્રણાને કઈ રીતે આગળ લઈ જવી.

એક ઇતિહાસકાર કહે છે, “ઇઝરાયલના વડા પ્રધાનની હત્યાની ત્યાંના જમણેરી લોકોએ ઉજવણી કરી હતી. લોકો તેમના ઘરની બાલ્કનીમાં નાચ્યા હતા.”

તેમની હત્યાનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક 19 વર્ષીય યુવાન ટેલિવિઝન પર આવ્યો હતો અને તેણે રૅબિનની કારનું પ્રતીક બતાવતાં કહ્યું હતું કે અમે તેની કાર સુધી પહોંચી ગયા છીએ અને હવે તેમના સુધી પણ પહોંચી જઈશું. તેનું નામ ઇતામાર બૅન ગ્વિર હતું જે આજે ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોના પ્રધાન છે.

ત્યારબાદ હમાસના આત્મઘાતી હુમલાઓ અને કટ્ટર ઇઝરાયલી જમણેરીઓએ મળીને જાણે કે આ શાંતિકરાર પર પાણી ફેરવી દીધું.

વિશ્લેષકો કહે છે કે, ત્યારબાદ ઇઝરાયલ કે પેલેસ્ટાઇન બંનેમાંથી કોઈના નેતાઓ શાંતિની જ્વાળાને પ્રજ્જવલિત રાખી શક્યા નહીં.

આપણે એ ધારી ન શકીએ કે તેમની હત્યા ન થઈ હોત તો આગળ શું બન્યું હોત.

પેલેસ્ટાઇન રાષ્ટ્રનું સ્વરૂપ કેવું હશે, શરણાર્થીઓના મુદ્દાનું સમાધાન કેવી રીતે કરવામાં આવશે, પેલેસ્ટાઇનમાં યહૂદી વસાહતોનું શું થશે વગેરે જેવા અઘરા પ્રશ્નો સુધી તો હજુ વાત પહોંચી જ ન હતી.

ડૉવ વૅક્સમેન કહે છે કે રૅબિને ક્યારેય અલગ પેલેસ્ટાઇન દેશનું સમર્થન કર્યું ન હતું પણ તેમને ખ્યાલ હતો કે વાટાઘાટ કઈ તરફ જઈ રહી છે.

આજે ઓસ્લો કરારની વાતો હજુ પણ ચાલે છે પરંતુ તેનું મહત્ત્વ રહ્યું નથી. પીએનએ પણ તેની કાયદેસરતા ગુમાવી રહ્યું છે.

ત્યારબાદ શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ નીવડ્યા નથી.

2008માં ઇઝરાયલી વડા પ્રધાન ઇહુદ ઑલમર્ટ અને પીએનએના વડા મહમૂદ અબ્બાસ વચ્ચે થયેલો પ્રયત્ન છેલ્લો ગણવામાં આવે છે.

હાર્વર્ડ પ્રોફેસરના મતે ત્યારબાદ નેતન્યાહૂ ફરીથી વડા પ્રધાન બન્યા અને જાણે કે શાંતિની રહીસહી આશાઓ પર પાણી ફરી ગયું.