પૅલેસ્ટાઇન અત્યાર સુધી સ્વતંત્ર રાષ્ટ્ર કેમ નથી બની શક્યું?

    • લેેખક, તફસીર બાબૂ
    • પદ, બીબીસી ન્યૂઝ

એ વર્ષ 1948નું હતું, જ્યારે આરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી પૅલેસ્ટાઇનમાં યુદ્ધનો સિલસિલો અટક્યો નથી.

50 વર્ષ પહેલાં 1973માં જે ત્રીજું આરબ-ઇઝરાયલ યુદ્ધ થયું તેના પછી આરબ દેશો સાથે કોઈ સીધું યુદ્ધ થયું નથી પરંતુ પૅલેસ્ટાઇન અને ઇઝરાયલનો સંધર્ષ હજુ સુધી ચાલુ છે.

જોકે, આ સંઘર્ષને સમાપ્ત કરીને શાંતિ સ્થાપિત કરવા માટે બે અલગ દેશોનો ફૉર્મ્યૂલા ઘણીવાર ચીંધવામાં આવ્યો પણ એ ક્યારેય અમલમાં ન આવી શક્યો.

પૅલેસ્ટાઇન અને ઇઝરાયલ નામના બે અલગ દેશોનો સૌપ્રથમ ઉપાય 1947માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવ્યો હતો. તે સમયે કહેવામાં આવતું હતું કે ઇઝરાયલ યહૂદીઓનો દેશ હશે અને પૅલેસ્ટાઇન આરબોનો દેશ હશે.

તે સમયે યહૂદીઓ પાસે કુલ જમીનનો માત્ર 10 ટકા હિસ્સો હતો. પરંતુ સંયુક્ત રાષ્ટ્રની ફૉર્મ્યૂલા હેઠળ તેમને કુલ જમીનનો અડધો ભાગ આપવામાં આવ્યો હતો. જોકે, આરબ દેશોએ આ વાત ક્યારેય સ્વીકારી નથી.

આ મતભેદને કારણે પ્રથમ આરબ-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ખેંચાયું હતું. જોકે, કેટલાક મુદ્દાઓ પર ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન ‘બે રાષ્ટ્રની વાત’ પર સંમત થયા હતા.

પરંતુ આ કેવી રીતે થયું અને પાછળથી આ ઉપાય કેવી રીતે નિષ્ફળ ગયો તે એક મોટો પ્રશ્ન છે.

‘બે અલગ રાષ્ટ્રો’ નો ઉપાય શું હતો?

1947માં યુએન તરફથી આવેલો આ પ્રસ્તાવ પહેલી વાર વાસ્તવિકતા તરફ આગળ વધવાનો ત્યારે શરૂ થયો જ્યારે પૅલેસ્ટાઇન અને ઇઝરાયલ 1993માં શાંતિ કરાર માટે મળ્યા. નૉર્વેની રાજધાની ઑસ્લોમાં તેમની બેઠક શરૂ થઈ હતી.

આ કરારને ‘ઑસ્લો કરાર’ તરીકે ઓળખવામાં આવે છે.

આ શાંતિ કરાર હેઠળ વૅસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટી પર શાસન માટે ‘પૅલેસ્ટાઇન પ્રાધિકરણ’ બનાવવાની જાહેરાત કરવામાં આવી. તેને પાંચ વર્ષમાં અમલમાં લાવવાની વાત કરવામાં આવી.

બીજી તરફ પૅલેસ્ટાઇને પણ અલગ ઇઝરાયલને માન્યતા આપી.

પરંતુ આ બધુ એટલું જલદી થઈ શક્યું નહીં. તેમાં ઘણા વિઘ્નો આવવા લાગ્યા.

શાંતિ કરાર કેમ અટવાઈ પડ્યો?

જોકે, ઑસ્લો કરારમાં બે અલગ-અલગ દેશો બનાવવાની વાત સ્વીકારવામાં આવી હતી. પરંતુ તેમની રચના ક્યારે થશે તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી.

ઇઝરાયલથી અલગ દેશ તરીકે પૅલેસ્ટાઇનની રચના માટે જરૂરી એવા ચાર મુદ્દાઓનો પણ કોઈ ઉકેલ શોધવામાં આવ્યો ન હતો.

તે ચાર મુદ્દાઓમાંથી પહેલો મુદ્દો એ હતો કે બંને દેશો વચ્ચેની સરહદ ક્યાં અને કેવી રીતે નક્કી થશે?

બીજો મુદ્દો હતો - જેરુસલેમ કોના નિયંત્રણ હેઠળ હશે? ત્રીજી સમસ્યા એ હતી કે પૅલેસ્ટિનિયન વિસ્તારોમાં સ્થાયી થયેલા ઇઝરાયલી નાગરિકોને કેવી રીતે હઠાવવામાં આવશે? અને ચોથો મુદ્દો ઇઝરાયલની અંદર વિસ્થાપિત થયેલા પૅલેસ્ટિનિયનોનો હતો કે તેઓ કેવી રીતે પાછા આવશે?

આ પ્રશ્નો અંગે સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષની અંદર પૅલેસ્ટિનિયન ઑથોરિટીની રચના થયા બાદ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પરંતુ આવું ક્યારેય બન્યું નહીં.

ઇઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીમાં મિડલ ઇસ્ટ સ્ટડીઝના પ્રૉફેસર મીર લિટવાક કહે છે કે કરારનો સંપૂર્ણ અમલ ન થવા માટે બંને પક્ષો જવાબદાર છે.

બીબીસી સાથે વાત કરતા પ્રૉફેસર લિટવાકે કહ્યું, "ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન, બંને પક્ષો તરફથી શાંતિ કરારનાં બે-બે વિરોધી જૂથો હતાં. તેમણે સર્વસંમતિ થવા ન દીધી. આ બંને સમૂહોનું કહેવું હતું કે આખો વિસ્તાર અમારો જ છે, અમારા દેશનો જ છે."

પૅલેસ્ટાઇન તરફથી આ વિરોધી જૂથો હમાસ અને ઇસ્લામિક જેહાદીઓનાં હતાં. જ્યારે ઇઝરાયલમાં આ વિરોધ કટ્ટરવાદી યહૂદી ધાર્મિક અને રાષ્ટ્રવાદી જૂથોનો હતો.

પરિણામ એ આવ્યું કે ઑસ્લો કરાર ક્યારેય આગળ વધ્યો નહીં.

1993ના આ કરારના વિરોધમાં હમાસ અને ઇસ્લામિક જેહાદી જૂથોએ યહૂદીઓ પર હુમલા કરવાનું શરૂ કર્યું. બીજી તરફ, એક યહૂદી કટ્ટરપંથીએ શાંતિ સમજૂતીની વકીલાત કરનારા ઇઝરાયલના વડા પ્રધાન ઈસ્સાક રૉબિનની હત્યા કરી નાખી.

ત્યારપછી 1996માં કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારામાં માનતો જમણેરી પક્ષ ઇઝરાયલમાં સત્તામાં આવ્યો. એ સરકાર શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માંગતી ન હતી.

જો કે, પછીનાં વર્ષોમાં બંને પક્ષો ઘણી વખત મળ્યા. પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. આ સમયગાળા દરમિયાન ઇઝરાયલનું સંપૂર્ણ ધ્યાન પૅલેસ્ટિનિયન વિસ્તારોમાં યહૂદી વસાહતોના વિસ્તરણ પર હતું. દક્ષિણપંથી સરકારે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની પણ જાહેર કરી હતી.

આ પરિસ્થિતિને જોતાં અનેક લોકોના મનમાં એક શંકા ઉદ્ભવે છે કે શું પૅલેસ્ટાઇન દેશનું સ્વપ્ન ક્યારેય ભૌગોલિક દ્રષ્ટિએ સાકાર થઇ શકશે?

કઈ રીતે સ્વતંત્ર પૅલેસ્ટાઇનનું સ્વપ્ન સાકાર થશે?

કોઈપણ દેશની સ્થાપના માટે પ્રથમ જરૂરિયાત જમીન છે. પૅલેસ્ટાઇન માટે પણ આ જ જરૂરિયાત છે. પરંતુ વૅસ્ટ બૅન્ક જેવા વિસ્તારો કે જે પહેલેથી પૅલેસ્ટાઇનના ગણાતા હતા, હવે ત્યાં હજારો યહૂદી વસાહતો સ્થાપવામાં આવી છે.

આ સિવાય ઇઝરાયલે આરબ પ્રભુત્વ ધરાવતા જેરુસલેમને પોતાની રાજધાની જાહેર કરી છે અને અમેરિકા જેવા અનેક દેશોએ તેને માન્યતા આપી છે.

આ કારણોસર ઘણા લોકોનું માનવું છે કે ભૌગોલિક રીતે અલગ પૅલેસ્ટિનિયન રાજ્ય સ્થાપિત કરવું મુશ્કેલ છે.

આ લોકોમાંથી જ એક છે શાહીન બેરેનજી, જે અમેરિકામાં મિડલ ઈસ્ટના મુદ્દાઓ પર રિસર્ચ કરે છે. શાહીનને લાગે છે કે અલગ પૅલેસ્ટાઇન રાજ્યની સ્થાપના ખૂબ જ પડકારજનક હશે.

બીબીસી સાથે વાત કરતા શાહીને કહ્યું,"1990ના દાયકાની સરખામણીમાં અલગ પૅલેસ્ટિનિયન રાજ્યનું નિર્માણ આજે વધુ મુશ્કેલ બની ગયું છે. પશ્ચિમ કાંઠે અને જેરુસલેમમાં યહૂદી વસાહતો અનેક ગણી વધી છે."

"1993ના કરારમાં તેમની સંખ્યા 1 લાખ 20 હજાર હતી જે હવે વધીને 7 લાખથી વધુ થઈ ગઈ છે. આજે, ત્યાં યહૂદી વસાહતો પણ સ્થાપવામાં આવી છે, જે વસાહતો પોતે જ ઇઝરાયલના કાયદા હેઠળ ગેરકાયદેસર છે."

શાહીન એમ પણ કહે છે, "આ સિવાય વાત એવી છે કે ઇઝરાયલને હવે બે અલગ દેશોની ફૉર્મ્યૂલામાં રસ નથી. બીજી બાજુ પૅલેસ્ટાઇન છે જે બે જૂથોમાં વહેંચાયેલું છે: હમાસ અને ફતહ. તેમની પાસે પૅલેસ્ટિનિયનો માટે શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે કોઈ વિશ્વસનીય નેતા નથી."

તો હવે ‘બે અલગ રાષ્ટ્રો’ ની ફૉર્મ્યૂલા શક્ય નથી?

આ પ્રશ્નના જવાબમાં પ્રૉફેસર મીર લિટવાક જેવા જાણકારોને એવું લાગે છે કે હજુ પણ સુધારા માટે અવકાશ છે. પરંતુ સવાલ એ છે કે શું ઇઝરાયલ આ ઈચ્છે છે?

પ્રોફેસર લિટવાકને એવું લાગે છે કે ઇઝરાયલને આ બિલકુલ સ્વીકાર્ય નથી.

તેઓ કહે છે, “હું આ મામલે ઇઝરાયલ સરકારના વલણની ટીકા કરું છું. કારણ કે તેઓ જે પરિસ્થિતિને ઉકેલની જેમ જુએ છે તેને તેઓ એમ જ છોડી દે છે, આગળ વધારતા નથી. તેઓ ઈચ્છે છે કે અહીં પેલેસ્ટિનિયન ઓથોરિટી હોય અને તેઓ તેના પર નિયંત્રણ પણ રાખે. એટલે કે, તેઓ એક નબળી સત્તા ઇચ્છે છે જે તેમના અનુસાર કામ કરે.”

પ્રોફેસર લિટવાકને લાગે છે કે અલગ પૅલેસ્ટાઇનની રચનામાં સૌથી મોટો અવરોધ યહૂદી વસાહતો છે.

જો કે, તેમનું એમ પણ કહેવું છે કે ઇઝરાયલે ગાઝામાંથી પોતાની તમામ વસાહતો હટાવી દીધી છે અને અહીંનું નિયંત્રણ સંપૂર્ણપણે છોડી દીધું છે. આ રીતે વૅસ્ટ બૅન્કમાં પણ કરી શકાય છે ભલે તે થોડું વધું મુશ્કેલ હોય.

તેવી જ રીતે જો બંને પક્ષો જેરુસલેમને લઈને પોતપોતાના વલણમાં થોડી ઢીલ મૂકે તો અહીં પણ સર્વસંમતિ બની શકે છે.

પરંતુ ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચે સર્જાયેલા યુદ્ધના નવા સંજોગોમાં સદીઓ જૂની આ મડાગાંઠને હવે કોણ ઊકેલશે તે મોટો પ્રશ્ન છે.

અમેરિકન રિસર્ચર શાહીન બેરેનજીનું માનવું છે કે આવી સ્થિતિમાં અમેરિકાએ ફરી આગળ આવવું જોઈએ. જો અમેરિકા આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી શાંતિની પહેલ કરે તો તે સફળ થઈ શકે છે.

બીબીસી સાથે વાત કરતા શાહીને કહ્યું, “એ ઐતિહાસિક હકીકત છે કે જ્યારે પણ અમેરિકા મધ્ય પૂર્વમાં કંઈક કરવા ઇચ્છે છે ત્યારે તેનો અમલ થયો છે. ઇજિપ્ત-ઇઝરાયલ શાંતિ કરારની, જોર્ડન સાથેનો કરાર, તાજેતરનો અબ્રાહમ કરાર, આ બધામાં અમેરિકાની ભૂમિકા રહી છે.

હવે સવાલ એ છે કે શું અમેરિકાને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં રસ છે?

આ પ્રશ્ન પર, શાહીન કહે છે, “9/11 હુમલા પછીનાં વર્ષોમાં, અમેરિકાનું ધ્યાન ઑસ્લો સમજૂતીના અમલીકરણથી ભટકીને આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ તરફ ગયું છે. બાદમાં તે ઈરાન, રશિયા અને ચીન સાથે અટવાયેલું રહ્યું. પરંતુ હવે અમેરિકાએ મિડલ ઇસ્ટની બાબતોમાં ફરી સક્રિય થવું પડશે. અન્યથા આ સંઘર્ષનું પરિણામ સૌને ભોગવવું પડશે. થોડા સમય પછી આ સંઘર્ષ વધુ વ્યાપક બનશે.

આ રીતે જોવામાં આવે તો પૅલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે શાંતિની સૌથી મોટી આશા અમેરિકા છે. જો તે શાંતિ માટે પહેલ કરે તો આશાનું કિરણ દેખાય છે.

પરંતુ સમસ્યા એ છે કે ઈઝરાયલ પરના હુમલા બાદ પૅલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો વ્યાપ વિસ્તરી રહ્યો છે ત્યારે કોઈ શાંતિની વાત કરતું નથી. ન તો અમેરિકા, ન ઇઝરાયલ કે ન હમાસ.