જ્યારે આરબ દેશોએ તેલને હથિયાર બનાવ્યું અને અમેરિકા પર આફત આવી પડી

    • લેેખક, ગુઇલેર્મો ડી. ઑલ્મો
    • પદ, બીબીસી સંવાદદાતા, પેરૂ

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ ફરીથી ચાલુ થઈ ગયો હતો અને હવે તેણે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે જેના પ્રત્યાઘાતો અને અસરો મધ્ય-પૂર્વના અનેક દેશોમાં પડી શકે છે.

આ એ જ મધ્ય-પૂર્વના દેશો છે જેમાં 50 વર્ષો પહેલાં કથિત તેલ કટોકટી ઊભી થઈ હતી જેને કારણે પછી તેલને સહારે અહીં સમૃદ્ધ રાજાશાહીઓ વિકસી. એક સમયે તો ઊર્જા કટોકટીને કારણે અમેરિકાનું પતન થશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

1948માં આ યહૂદી દેશની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયલને તેના આરબ પડોશીઓ સામે લડવાં પડેલાં યુદ્ધોનાં ઘણાં કારણોમાંથી આ એક કારણ હતું.

અમેરિકાએ યોમ કિપ્પુર યુદ્ધમાં ઇઝરાયલનું સમર્થન કરવાનો નિર્ણય લીધો જેના કારણે ઇઝરાયલ અને ઇજિપ્ત-સીરિયા સામસામે આવી ગયા.

સાઉદી અરેબિયાના નેતૃત્વમાં તેલની નિકાસ કરનારા આરબ દેશોએ અમેરિકા અને તેમના સહયોગીઓ ઉપર પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું. કાચા તેલની કિંમતો વધવાથી અમેરિકા અને દુનિયાભરની અર્થવ્યવસ્થા ડોલવા લાગી.

પણ વાત આટલે સુધી કેવી રીતે પહોંચી?

1973માં દુનિયા કેવી હતી?

1973માં દુનિયા અમેરિકા અને સોવિયેટ યુનિયન એમ બે સમૂહોમાં વિભાજિત થઈ ગઈ હતી. જોકે, બંનેએ ક્યારેય એકબીજાની સૈન્ય શક્તિનો સીધી રીતે સામનો ન કર્યો. તેમણે બીજા દેશોમાં ચાલી રહેલા સ્થાનિક સંઘર્ષોમાં અલગ-અલગ પક્ષોને સમર્થન આપ્યું અને એ રીતે ભાગ લીધો.

આ એક એવી દુનિયા હતી જે હજુ પણ બે મહાસત્તાઓ વચ્ચે પરમાણુ યુદ્ધ થશે એવા ડરમાં જીવતી હતી અને સંપૂર્ણપણે તેલ પર નિર્ભર હતી.

એ સમય સુધી કાચું તેલ પશ્ચિમી દેશો માટે અપેક્ષાકૃત સસ્તું અને સુલભ હતું. પશ્ચિમી દેશોની કંપનીઓ તેમને ઉત્પાદક દેશો (મુખ્યત્વે મિડલ ઈસ્ટ) પાસેથી સસ્તી કિંમતે ખરીદતી હતી.

એક મોટા ઊર્જાના સપ્લાયર તરીકે આ ક્ષેત્રને હંમેશા વધુ મહત્ત્વ મળ્યું હતું અને તે સમયાંતરે વધતું ગયું.

1948માં ઇઝરાયલની રચના પછી થયેલા ઇઝરાયલ-આરબ દેશો વચ્ચેના સંઘર્ષની ત્યાં પહેલેથી જ અસર થઈ હતી.

તેલ સંકટ કેમ શરૂ થયું?

ઑક્ટોબર, 1973માં દુનિયાભરમાં ચાલી રહેલી અલગ-અલગ ચળવળો એક યહૂદી ડિપ્લોમૅટનું ધ્યાન ખેંચવા માગી રહી હતી જેમનું નામ હેન્રી કિસિન્જર હતું.

તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સનના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વિયતનામનું યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધમાં થઈ રહેલી અમેરિકાની ખુવારીને રોકવાનું કામ કિસિંજરને સોંપવામાં આવ્યું હતું.

પરંતુ ત્યાં જ એક નવા યુદ્ધની ઘોષણા થઈ જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું.

ઑક્ટોબર 6, 1973ના રોજ ઇજિપ્ત અને સીરિયાના નેતૃત્વમાં એક આરબ દેશોના સમૂહે યહૂદીઓના પવિત્ર દિન યોમ કિપ્પુકની રજાના દિવસે ઇઝરાયલ સામે એક સંયુક્ત હુમલો કર્યો.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ મોહમ્મદ અનવર-અલ-સદત અને તેમના સીરિયાઈ સમકક્ષ હાફિઝ-અલ-અસદ 1967માં ઇઝરાયલ દ્વારા 6 દિવસમાં કબજે કરાયેલા ક્ષેત્રોને ફરીથી પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા.

જ્યારે સીરિયાઈ અને ઇજિપ્તના સહયોગી દેશો માટે રશિયાથી સૈન્ય સામગ્રી આવવા લાગી ત્યારે અમેરિકાએ ઇઝરાયલને સહયોગ આપવા એક પૅકેજની જાહેરાત કરી જેના કારણે આરબ દેશો નારાજ થઈ ગયા.

11 દિવસ પછી આરબ તેલ નિકાસકાર દેશોએ તેમના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરી અને આરબ દેશોએ અમેરિકા, નેધરલૅન્ડ, પૉર્ટુગલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પર ઇઝરાયલને મદદ કરવાનો આરોપ લગાવ્યો.

સાઉદી અરેબિયાએ એક એવું પગલું ભર્યું અને આમ જોવા જઈએ તો એ પગલાનું નેતૃત્વ કર્યું જેના કારણે સ્થાયી આર્થિક અને ભૂ-રાજનૈતિક પરિણામો જોવાં મળે. તેણે અમેરિકાને દેખાડી દીધું કે આરબ દેશો દ્વારા કરવામાં આવતી તેલની નિકાસને તેમણે હળવાશમાં ન લેવી જોઈએ.

આ ઉપાય પાછળ સાઉદીના રાજા ફૈઝલ-બિન-અબ્દુલઅઝીઝનું દિમાગ હતું. જોકે, કેટલાક લેખકો ઇજિપ્તના સાદાતની ભૂમિકા પર પણ પ્રકાશ પાડે છે.

અમેરિકી વિદેશ વિભાગમાં મધ્ય-પૂર્વના દેશોના વિશ્લેષક તરીકે વર્ષો સુધી કામ કરનાર ગ્રીન બૅનરમેને બીબીસી મુંડોને જણાવ્યું કે, "સાદાત અને ફૈઝલ બંને જો સહમત ન થયા હોત તો અમેરિકા પર આવો પ્રતિબંધ ન લાદી શકાયો હોત."

કૅનેડાની વૉટરલૂ યુનિવર્સિટીમાં મધ્ય-પૂર્વના વિશેષજ્ઞ બેસ્મા મોમાણીએ બીબીસી મુંડોને કહ્યું, "એ સમયે આરબ એકતાની ભાવના અત્યારની તુલનામાં ઘણી વધુ મજબૂત હતી. તેઓ પૅલેસ્ટિનિયન લોકોને આઝાદ કરાવવાની માગણી કરી રહ્યા હતા અને તેમને એ વાતનો અહેસાસ હતો કે તેમની પાસે કાચા તેલના સ્વરૂપમાં એક શક્તિશાળી હથિયાર છે."

હકીકતમાં આરબ દેશો પાસે અમેરિકા સામે આમ વર્તવા માટે અનેક કારણો હતાં.

બીજા વિશ્વયુદ્ધ પછી બ્રેટન વૂડ્સ સંધિ પ્રમાણે વિશ્વની આર્થિક વ્યવસ્થા ‘એક ડૉલર બરાબર એક ઔંસ સોનું’ એ આધાર પર ઊભી હતી. જેનો અર્થ એ થયો કે નિક્સને જૂની સ્વર્ણ વ્યવસ્થાને ત્યાગવાનો નિર્ણય કર્યો.

આના કારણે તેલ નિકાસકારોને નુકસાન થયું હતું. કારણે કે તેઓ તેને ડૉલરમાં વેચતા હતા. તેમને લાગ્યું કે આ પગલાથી તેનું મૂલ્ય ઘટી ગયું છે. તેની કિંમતનો અંદાજ કાઢવો મુશ્કેલ બન્યો કારણ કે અમેરિકન ચલણમાં વધઘટ થવાની સંભાવના રહેલી હતી.

આરબ દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે તેલનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સાઉદી અરેબિયા આ મુદ્દે મૌન હતું. તેને કદાચ ડર હતો કે અમેરિકા તેલનો બીજો સપ્લાયર શોધી લેશે.

સ્પેનમાં આરબ અને ઇસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર ઇગ્નાસિઓ અલ્વારેઝ એસોરિયો કહે છે, "રાજા ફૈઝલે પ્રતિબંધ લાદવાનો ઇરાદાપૂર્વકનો નિર્ણય લીધો હતો."

તેઓ પરિસ્થિતિને કારણે દબાણમાં હતા. વધુમાં, સોવિયટ યુનિયનની નજીકના દેશો જેમ કે અલ્જેરિયાએ વધુ કડક પગલાંની માગ કરી હતી.

જ્યારે નિક્સન વહીવટીતંત્રે ઇઝરાયલને લશ્કરી સહાયની જાહેરાત કરી ત્યારે આરબ દેશો માટે તેલનો હથિયાર તરીકે ઉપયોગ હવે જાણે કે જરૂરી બની ગયું.

તેમણે નક્કી કર્યું કે અમેરિકાને હવે સજા આપવાનો સમય આવી ગયો છે.

તેલ સંકટનો શું પ્રભાવ પડ્યો?

પ્રતિબંધની તાત્કાલિક અસર થઈ અને અમેરિકાને મોટો આંચકો લાગ્યો.

એક બેરલની કિંમત કે જે તે વર્ષના જુલાઈમાં 2.90 ડૉલર હતી, તે ડિસેમ્બરમાં વધીને 11.65 ડૉલર થઈ ગઈ.

અમેરિકામાં પેટ્રોલ પંપોમાં પેટ્રોલ સમાપ્ત થઈ ગયું હતું અને ઈંધણ ભરવા માટે રાહ જોતી કારની લાઇનો મહિનાઓ સુધી એક સામાન્ય દૃશ્ય બની ગયું હતું. કેટલાંક રાજ્યોમાં ઈંધણની મર્યાદ પણ નક્કી કરી દેવામાં આવી હતી.

અમેરિકામાં લોકો મોટરકારોના ખૂબ શોખીન હતા. કારને સ્વતંત્રતાનું પ્રતીક માનવામાં આવતું હતું. કાર એ ‘અમેરિકી સ્વપ્ન’ નો ભાગ હતી. પેટ્રોલની અછતે અમેરિકી જનતાને વ્યાકુળ કરી દીધી. આ એક અભૂતપૂર્વ સંકટ હતું. તેનાથી ભારે નુકસાન થયું.

તેના કારણે 1975 સુધીમાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છ ટકા ઘટી ગયું હતું, બેરોજગારી બમણી થઈ ગઈ હતી. આ કટોકટીએ લાખો નાગરિકોને અસર કરી.

વિશ્લેષક બ્રુસ રિડલ અમેરિકન તપાસ એજન્સી સીઆઈએના એજન્ટ રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે 1815માં બ્રિટન દ્વારા વૉશિંગ્ટનને સળગાવી દેવાયા બાદ જે ઘટનાની સૌથી વધુ અસર અમેરિકા પર પડી તે સાઉદી અરેબિયા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હતા.

તે સમય દરમિયાન, કિસિન્જરે વારંવાર આરબ દેશોની મુલાકાત લીધી અને પ્રતિબંધો દૂર કરવાના માર્ગો શોધ્યા. માર્ચ 1974માં જ્યારે યોમ કિપ્પુર યુદ્ધ સમાપ્ત થયું ત્યારે જ આ શક્ય બન્યું. ઘણા અમેરિકન પરિવારો અને કંપનીઓને રાહત મળી.

તેલ સંકટ પછી શું થયું?

ઇજિપ્તના પ્રમુખ અનવર સાદાત ઇઝરાયલ પર હુમલો કરવાનાં તેમનાં લક્ષ્યોને હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, યુદ્ધને કારણે અમેરિકા સાથે વાટાઘાટોનો રાઉન્ડ શરૂ થયો.

ઇઝરાયલે 1978માં કૅમ્પ ડેવિડ સમજૂતી હેઠળ સિનાઇ દ્વીપકલ્પ ઇજિપ્તને પરત કર્યો.

ગ્રીમ બૅનરમૅન માને છે કે પ્રતિબંધોને કારણે જ અમેરિકાએ તેની નીતિમાં ફેરફાર કર્યો, જેના કારણે કૅમ્પ ડેવિડ કરાર શક્ય બન્યો.

આ નિર્ણય બાદ ઇજિપ્ત ઇઝરાયલને માન્યતા આપનારો પહેલો આરબ દેશ બન્યો. આ નિર્ણયને કારણે અનવર સાદતને આરબ વિશ્વમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો, જ્યારે પશ્ચિમમાં તેમને શાંતિવાદી તરીકે જોવામાં આવ્યા અને પ્રશંસા કરવામાં આવી.

અનવર સાદત પણ સોવિયેટ યુનિયનને બદલે અમેરિકા સાથે ફરી સંબંધો સ્થાપિત કરવા ઉત્સુક હતા. આ હેતુમાં તેઓ સફળ થયા હતા.

તેલ સંકટના પાંચ મહિના પછી, રિચર્ડ નિક્સને અમેરિકાના સૌથી ચર્ચિત બનેલા એવા વૉટરગેટ કૌભાંડને કારણે રાજીનામું આપ્યું. સાઉદી અરેબિયાના શાસક ફૈઝલની રિયાધમાં તેમના એક ભત્રીજાએ ગોળી મારીને હત્યા કરી હતી. તેમનો હત્યારો છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતો હતો. તેનાથી આ હત્યાકાંડમાં સીઆઇએની સંડોવણીની શંકા જન્મી.

તેલ સંકટના દૂરોગામી પરિણામો

સસ્તા તેલનો યુગ જાણે કે હંમેશા માટે ખતમ થઈ ગયો. તેલની કિંમતો મધ્ય-પૂર્વમાં સ્થિરતાનું પ્રતીક બની ગઈ.

1979ની ઇરાનની ક્રાંતિ હોય કે પછી 1991નું ઇરાકનું યુદ્ધ, આ ક્ષેત્રમાં પછી જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે તેલની કિંમતો વધી અને તેનાથી દુનિયા પ્રભાવિત થઈ.

આ સંકટ પછી તેલ ઉત્પાદક દેશોના જૂથ ઑપેકે નવા સભ્યો બનાવ્યા અને આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં એક નવી તાકાત તરીકે તે ઊભર્યું. તેણે તેલ ઉત્પાદનની માત્રા નક્કી કરી જેના કારણે પશ્ચિમી દેશો માટે તેને નજરઅંદાજ કરવું મુશ્કેલ બન્યું.

તેલ સંકટનો સૌથી મોટો જેમને ફટકો પડ્યો એવી અમેરિકી પ્રજામાં ઓછું ઈંધણ વાપરતી કારની માગ વધી. આ રીતે દુનિયામાં નાની અને સસ્તી કારોનું ચલણ વધ્યું. જ્યારે બીજી બાજુ આરબ જગત પર નિર્ભરતાના ખતરાને ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં ઊર્જાના વૈકલ્પિક સ્રોતોની શોધ શરૂ થઈ.

હાઇડ્રૉલિક ફ્રૅક્ચરિંગ ટૅક્નૉલોજીની મદદથી અમેરિકા 2005 પછી ક્રૂડ ઑઇલની આયાત ઘટાડવામાં સફળ રહ્યું હતું. પરિણામ એ આવ્યું કે 2020માં અમેરિકાના તેલની નિકાસ તેની કુલ તેલની આયાત કરતાં વધી ગઈ.

જોકે, વિશ્વનો પ્રદેશ જે સૌથી વધુ બદલાયો તે મધ્ય પૂર્વ હતો, ખાસ કરીને પર્શિયન ગલ્ફ કે જ્યાં 1960 અને 1970 ના દાયકામાં તેલની વધતી કિંમતોએ કુવૈત, સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને વધુ સમૃદ્ધ બનાવ્યા.

આ કટોકટી બાદથી અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. આ ઑપેકની ઉત્પાદન કાપની યોજના પર બ્રેક મારવાનું કામ કરે છે, કારણ કે તેલની કિંમતો વધુ વધી શકે છે.

રિડલ કહે છે કે અમેરિકા અને સાઉદી અરેબિયાની મિત્રતા પણ આ સંકટને કારણે જ છે. અમેરિકાના દરેક પ્રમુખે તેલનો પુરવઠો જાળવી રાખવા માટે સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે.

બીજી તરફ ઇસ્લામિક વિશ્વમાં સાઉદી અરેબિયા એક નવી શક્તિ તરીકે ઊભરી આવ્યું. તે ધીરે ધીરે ઈરાન સાથે સ્પર્ધા કરવા લાગ્યું.

આજે 50 વર્ષ પછી સાઉદીની તેલ કંપની અરામકો 2023માં 61 બિલિયન ડૉલરના વાર્ષિક નફા સાથે ઍપલ પછી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે.