You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑપરેશન અલ અક્સા : એ ઐતિહાસિક મસ્જિદની કહાણી જેને લઈને પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે વિવાદ છે
ઇઝરાયલ પર શનિવારે કરવામાં આવેલા હુમલાને હમાસે ઑપરેશન અલ અક્સા નામ આપ્યું હતું.
અલ અક્સા, એ જેરૂસલેમમાં આવેલી એક મસ્જિદ છે જે ઐતિહાસિક રૂપથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદનું કારણ રહી છે.
મસ્જિદનું સંચાલન હાલ વક્ફ કરે છે, જે એક ટ્રસ્ટ છે જેનું નિયંત્રણ જૉર્ડન પાસે છે. આ મસ્જિદનું સંચાલન યથાસ્થિતિના એક કરાર હેઠળ ચાલી રહ્યું છે.
પેલેસ્ટાઇન ઑથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ જે વેસ્ટ બૅન્કનું શાસન સંભાળે છે તેમને ગાઝા પટ્ટી પર કોઈ નિયંત્રણો મળ્યાં નથી. તેમનું કહેવું છે કે હાલ જે સંઘર્ષ ચોલી રહ્યો છે તેનાં અનેક કારણોમાંથી એક ઇસ્લામિક સ્થળો જેમકે અલ અક્સા પ્રત્યે ઇઝરાયલની આક્રામકતા પણ છે. જોકે ઇઝરાયલે આ દાવાને ફગાવ્યો છે.
આરબો અને ઇઝરાયલીઓ વચ્ચેના સંઘર્ષમાં આ વર્ષે એ સમયે ખૂબ જ તનાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે ઇઝરાયલી પોલીસ આ ધાર્મિકસ્થળે ઘૂસી ગઈ હતી અને ત્યાં લોકોને બહાર કરી રહી હતી.
ઇઝરાયલી પોલીસના મસ્જિદમાં પ્રવેશવાનાં હિંસક દૃશ્યોની મુસ્લિમજગત અને પેલેસ્ટાઇનના વિસ્તારમાં ભારે ટીકા થઈ હતી.
મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન દરમિયાન આ ઘટના ઘટી હતી. તે સમય યહૂદીઓના રજાના એક દિવસ પહેલાં બની હતી.
અલ અક્સા મસ્જિદ કેમ આટલી મહત્ત્વપૂર્ણ છે , અહીં વાંચો તેની સંપૂર્ણ કહાણી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મનું કેન્દ્ર
ઇસ્લામ અનુસાર પયગંબર મહમદને અલ અક્સાથી મક્કા લઈ જવાયા હતા અને ત્યાંથી તેઓ જન્નતમાં ગયા હતા. આ બધું ઈ.સ 620 માં એક જ રાતમાં થયું હતું.
ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો જેમને મુસ્લિમો પયગંબર માને છે, જેમકે ઇબ્રાહિમ (અબ્રાહમ), દાઉદી (ડેવિડ), સુલેમાન (સોલોમન), ઇલ્યાસ (એલિજે) અને ઈસા (ઈશુ), તેઓ આ જગ્યાએ તીર્થ માટે આવ્યા હતા.
જૂના જેરૂસલેમ શહેરના કેન્દ્રમાં સ્થિત અલ અક્સા મસ્જિદ એક પહાડ પર આવેલી છે જેને મુસ્લિમો અલ હરમ અલ શરીફ તરીકે ઓળખે છે.
અહીં જ બે મુસ્લિમ ધાર્મિક સ્થાનો આવેલાં છે - ડોમ ઑફ ધ રૉક અને અલ અક્સા અથવા કિબલી મસ્જિદ જેનું નિર્માણ આઠમી સદીમાં થયું હતું.
14 હેક્ટરમાં સ્થિત આ જગ્યાને યહૂદીઓ હર હા બેયિત અથવા ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાય છે.
આ જ સ્થળને યહૂદીઓ માટે ટૅમ્પલ માઉન્ટ તરીકે સૌથી પવિત્ર સ્થાન કહેવાય છે.
યહૂદીઓ માને છે કે કિંગ સોલોમોને ત્રણ હજાર વર્ષ પહેલાં પહેલું મંદિર બાંધ્યું હતું અને આ સ્થાને બાંધવામાં આવેલું બીજું મંદિર રોમનો દ્વારા ઈ.સ 70માં તોડી પાડવામાં આવ્યું હતું.
અલ અક્સાનું સંચાલન કોણ કરે છે
ઇઝરાયલે 1967ની લડાઈમાં મસ્જિદો પર કબજો કર્યો હતો. તે સમયે ઇઝરાયલ અને આરબ પાડોશી દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમ અને વેસ્ટ બૅન્કના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો.
જૉર્ડને 1948થી 1967માં થયેલા છ-દિવસીય યુદ્ધ સુધી વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરૂસલેમ પર શાસન કર્યું.
આ યુદ્ધ પછી ઇઝરાયલે આ વિસ્તાર પર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું.
જોકે, જૉર્ડન અને ઇઝરાયલ વચ્ચેના શાંતિ કરાર હેઠળ, જૉર્ડનને જેરૂસલેમના ખ્રિસ્તી અને મુસ્લિમ ધાર્મિક સ્થળો પર નજર રાખવાનો અધિકાર મળ્યો.
ગયા વર્ષે મે મહિનામાં ઇઝરાયેલના તત્કાલીન વડાપ્રધાન નફ્તાલી બૅનેટે કહ્યું હતું કે તેઓ અલ-અક્સા મસ્જિદના સંચાલનમાં વિદેશી હસ્તક્ષેપને નકારી કાઢે છે. આ નિવેદન બાદ જૉર્ડન અને પેલેસ્ટિનિયનો ગુસ્સે થયા હતા.
જૉર્ડને તેને પવિત્ર સ્થળોની 'પેલેસ્ટિનિયન જમીન પર કબજો' કરવાની યોજનાનો ભાગ ગણાવ્યો હતો. હાલમાં તેના સંચાલનની જવાબદારી જોર્ડન વક્ફ બોર્ડની છે.
બિન મુસ્લિમ લોકો અલ અક્સા પરિસરની મુલાકાત લઈ શકે છે, પરંતુ માત્ર મુસ્લિમોને જ અંદર પ્રાર્થના કરવાની પરવાનગી છે.
જ્યારે ટેમ્પલ માઉન્ટ પરિસરમાં યહૂદીઓને પણ પ્રવેશની મંજૂરી નથી કારણ કે આ જગ્યાને એટલી પવિત્ર માનવામાં આવે છે કે ત્યાં 'પગ પણ ન મૂકવો જોઈએ'.
ઇઝરાયલની સરકાર ખ્રિસ્તી અને યહૂદીઓને પ્રવાસીઓ તરીકે જ આ સ્થળની મુલાકાત લેવા દે છે એ પણ અઠવાડિયામાં પાંચ દિવસમાં માત્ર ચાર કલાક માટે જ.
યહૂદીઓ વેસ્ટર્ન વૉલ જે ટેમ્પલ માઉન્ટની નીચે સ્થિત છે, ત્યાં પ્રાર્થના કરી શકે છે, આ હિસ્સો સોલોમન ટેમ્પલનો છેલ્લો બચેલો ભાગ માને છે.
100 વર્ષ જૂનો વિવાદ
પ્રથમ વિશ્વયુદ્ધમાં ઉસ્માનિયા સલ્તનતની હાર પછી મધ્ય-પૂર્વમાં પેલેસ્ટાઇન નામે ઓળખાતા ભૂભાગને બ્રિટને તેના કબ્જામાં લઈ લીધો હતો.
આ ભૂભાગ પર અલ્પસંખ્યક યહૂદીઓ અને બહુસંખ્યક આરબો વસેલાં હતાં.
બંને વચ્ચે તણાવ ત્યારે શરૂ થયો જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે બ્રિટનને યહૂદી લોકો માટે પેલેસ્ટાઇનને એક ‘રાષ્ટ્રીય ઘર’ તરીકે સ્થાપિત કરવાની જવાબદારી આપી.
યહૂદીઓ માટે આ તેમના પૂર્વજોનું ઘર છે જ્યારે પેલેસ્ટાઇનના આરબો પણ તેના પર દાવો કરી રહ્યા છે અને તેમણે આ પગલાનો વિરોધ કર્યો છે.
1920થી 1940 વચ્ચે યુરોપમાં ઉત્પીડન અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નરસંહારથી બચીને મોટી સંખ્યામાં યહૂદીઓ તેને એક માતૃભૂમિ તરીકે ગણીને ત્યાં પહોંચ્યા હતા.
આ દરમિયાન આરબો, યહૂદીઓ અને બ્રિટિશ શાસન વચ્ચે હિંસા પણ શરૂ થઈ હતી.
1948 પછીની સ્થિતિ
1947માં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને યહૂદીઓ અને આરબોના અલગ-અલગ રાષ્ટ્રમાં વહેંચવા મુદ્દે મતદાન થયું અને જેરૂસલેમને એક આંતરરાષ્ટ્રીય શહેર બનાવવામાં આવ્યું.
આ યોજનાનો યહૂદી નેતાઓએ સ્વીકાર કર્યો જ્યારે આરબ પક્ષે તેને નકારી દીધી અને પછી તે ક્યારેય લાગુ થઈ શક્યું નહીં.
1948માં સમસ્યાનું સમાધાન કરવામાં અસફળ નીવડેલા બ્રિટિશ શાસકો ચાલ્યા ગયા અને યહૂદી નેતાઓએ ઇઝરાયલ રાષ્ટ્રના નિર્માણની જાહેરાત કરી દીધી.
ઘણા પેલેસ્ટાઇનવાસીઓએ તેના પર વિરોધનો સૂર વ્યક્ત કર્યો અને યુદ્ધ શરૂ થઈ ગયું. આરબ દેશોના સુરક્ષાદળોએ હુમલો કરી દીધો.
લાખો પેલેસ્ટાઇનવાસીઓને તેમના ઘરેથી ભાગવું પડ્યું અથવા તો તેમને તેમના ઘરમાંથી જબરદસ્તી કરીને કાઢી મૂકવામાં આવ્યા. તેને તેમણે ‘અલ-નકબા’ કે ‘તબાહી’ નામ આપ્યું.
ત્યારપછીના વર્ષોમાં જ્યારે સંઘર્ષ વિરામ થયો ત્યારે ઇઝરાયલ મોટાભાગના ક્ષેત્રોને તેમના નિયંત્રણમાં લઈ ચૂક્યું હતું.
જોર્ડનના કબ્જાવાળી જમીનને વેસ્ટ બૅન્ક અને ઇજિપ્તના કબ્જાવાળી જમીનને ગાઝાના નામથી ઓળખવામાં આવી.
જ્યારે જેરૂસલેમને પશ્ચિમમાં ઇઝરાયલી સુરક્ષાદળો અને પૂર્વમાં જોર્ડનના સુરક્ષાદળો વચ્ચે વહેંચી દેવામાં આવ્યું.