You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ પર ભયાનક હુમલો કરવા હમાસને આ ઇસ્લામિક દેશે મદદ કરી?
- લેેખક, પૉલ ઍડમ્સ
- પદ, રાજદ્વારી સંવાદદાતા
તારીખ સાત ઑક્ટોબરના રોજ ગાઝા પટ્ટીની આસપાસ ઇઝરાયલના લોકો પર હમાસના ઘાતકી હુમલામાં ઇઝરાયલના જાની-દુશ્મન ઈરાનની સંડોવણી અંગે પહેલાંથી જ સવાલ ઊઠી રહ્યા છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં હમાસ અને લેબનીઝ ગેરીલા ચળવળ હેઝબોલ્લાહના અનામી સભ્યોનાં નિવેદન પ્રસિદ્ધ કરાયાં છે. જેમાં જણાવાયું છે કે ઈરાને એક અઠવાડિયા અગાઉ જ હુમલાની પરવાનગી આપી દીધી હતી.
પરંતુ વૉશિંગટનમાં વરિષ્ઠ ડિફેન્સ ઑફિશિયલે જણાવ્યું હતું કે અમેરિકા પાસે હુમલામાં ઈરાનની સંડોવણીના આરોપોની પુષ્ટિ કરવા અંગેની ‘હાલ કોઈ માહિતી નથી.’
જોકે આના સત્યનાં પરિણામોની તીવ્રતા વધુ હોઈ શકે છે. જો આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની હકીકત બહાર આવે તો આવી સ્થિતિમાં આ ઘર્ષણ પ્રાદેશિક ટક્કરમાં પરિણમી શકે છે.
તેથી આ હુમલાની પ્રશંસા કરવામાં અને ઉજવણી કરવામાં આગળ પડતા દેખાઈ રહેલા ઈરાનના નેતાઓએ ખૂબ ઝડપથી તેમાં પોતાની સંડોવણી નકારી દીધી હતી.
ઈરાનના વિદેશ મંત્રાલયે કહેલું કે, "ઈરાનની ભૂમિકા બાબતના આરોપો... રાજકારણથી પ્રેરિત છે."
પ્રવક્તાએ ઉમેર્યું કે, ઈરાને "બીજા દેશોના નિર્ણયઘડતરની પ્રક્રિયામાં" હસ્તક્ષેપ કર્યો નથી.
પરંતુ આ બધાથી એ સ્પષ્ટ નથી થઈ જતું કે ઈરાનનો આમાં કોઈ હાથ નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ કહ્યું કે તેણે "હજુ સુધી" ઈરાનની હુમલામાં સંડોવણી અંગેના પુરાવા નથી જોયા. જોકે, સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્થની બ્લિંકને નોંધેલું કે "ચોક્કસપણે આમાં લાંબો સંબંધ છે."
હમાસનું સ્પૉન્સર ઈરાન
નોંધનીય છે કે તહેરાન (ઈરાનનું પાટનગર) ઘણાં વર્ષોથી હમાસના મુખ્ય સ્પૉન્સરો પૈકી એક રહ્યું છે. જે તેને નાણાકીય મદદની સાથોસાથ, ભારે પ્રમાણમાં રૉકેટ સહિતનાં હથિયારો પૂરાં પાડે છે.
ઇઝરાયલ ઘણાં વર્ષોથી ગાઝા સુધીના ઇઝરાયલના સપ્લાય રૂટને અવરોધિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ રૂટમાં સુદાન, યમન રેડ સીનાં વાહણો અને અનિયંત્રિત સિનાઈ ટાપુના દાણચોરો સામેલ છે.
સ્પષ્ટ છે કે ઇઝરાયલના જાની-દુશ્મનો પૈકી એક ઈરાનનાં યહૂદી રાજ્યને મુશ્કેલીની સ્થિતિમાં જોવામાં સ્થાપિત હિત છે.
ઇઝરાયલની ફૉરેન ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી હાઇમ ટોમરે બીબીસીને જણાવ્યું હતું કે, "ઈરાનની આ મામલામાં સંડોવણી અંગે પૂર્વધારણ કરવી એ વધુ પડતી વાત ન કહેવાય."
"ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે શાંતિ કરાર થવા જઈ રહ્યો છે એ અંગેના રિપોર્ટો સંદર્ભે આ ઈરાનની પ્રતિક્રિયા છે."
ટોમરે કહ્યું કે આ હુમલાના આદેશ ઈરાને આપ્યાની વાત એ "થોડી વિચિત્ર" લાગે છે.
તેમણે કહ્યું કે, "એ વાત સાચી છે કે ઈરાન હમાસને સૌથી વધુ સાધનો પૂરાં પાડે છે. અને તેઓ તેમને સીરિયા અને કેટલાક રિપોર્ટો અનુસાર ઈરાનમાં તાલીમ આપે છે."
તેઓ કહે છે કે તાજેતરના મહિનાઓ દરમિયાન ઇઝરાયલ હમાસના અધિકારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું હતું.
"અમે જૂથની સૈન્ય પાંખના વડા સાલેહ અલ-અરુરીને લેબનનથી ઈરાન હવાઈ મુસાફરી ખેડતા, મિટિંગ ગોઠવતા જોયો છે. સાથે જ તેની (સુપ્રીમ લીડર અયતોલ્લાહ) ખમેનેઈ સાથેની મુલાકાત પર પણ નજર રાખી છે."
ટોમરે હુમલાની ટાઇમિંગ અંગે વાત કરતાં કહ્યું કે, પરંતુ આ "અંતરંગ સંબંધો" પૂરતા નહોતા.
તેઓ કહે છે કે, "હમાસની ઇઝરાયલના આંતરિક ઘર્ષણ નજર હતી."
"ઈરાન સૈન્ય જરૂરિયાત સંદર્ભે દરેક લૉજિસ્ટિક સહાય કરે છે. પરંતુ મને લાગે છે કે આ હુમલાનો 75 ટકા નિર્ણય હમાસની નેતાગીરી સ્વતંત્રપણે લેવાયો હતો."
‘ખૂબ જ વ્યવસ્થિત રીતે કરાયો હુમલો’
તેલ અવીવ યુનિવર્સિટીના ઈરાન ઍક્સપર્ટ રાઝ ઝિમ્મ્ટેય આ વાત સાથે સંમત થાય છે.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "આ પેલેસ્ટાઇનિયન કહાણી છે."
વૉલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે ઈરાને ગત સોમવારે બેઇરુતમાં મળેલી મિટિંગમાં હુમલાની પરવાનગી આપી હતી.
સમાચારપત્રને હમાસ અને હેઝબુલ્લાહનાં અનામી સ્રોતોએ જણાવ્યું હતું કે ઈરાનના ઇસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સના ઑફિસરોએ શનિવારના હવાઈ, જળ અને જમીન પરથી કરાયેલા જટિલ ઑપરેશનની યોજના ઘડવામાં હમાસ સાથે મળીને કામ કર્યું હતું.
ભૂતકાળમાં ગાઝા પટ્ટીની આસપાસ ઇઝરાયલી સુરક્ષા વાડ તોડી પાડવાના જૂથના મોટા ભાગના પ્રયાસો અવ્યવસ્થિત જોવા મળતા. પરંતુ આ હુમલાના વીડિયોમાં હુમલાની વ્યૂહરચનાનું સ્તર ખૂબ જ વ્યવસ્થિત જોવા મળ્યું હતું.
હુમલાની સમાંતરે રૉકેટ, ડ્રોન, વાહનો અને પાવર્ડ હૅંગ-ગ્લાઇડર્સનો ઉપયોગ સૂચવે છે કે આ ઑપરેશનના યોજનાકરોએ તાજેતરના હાઇબ્રિડ યુદ્ધનાં કેટલાંક ઉદાહરણોનો અભ્યાસ કર્યો હશે. જેમાંથી એક કદાચ યુક્રેનનું ઉદાહરણેય હોઈ શકે.
રાઝ કહે છે કે, પરંતુ હુમલાનો નિર્ણય "હમાસ દ્વારા લેવાયો હતો, જે તેના પોતાનાં હિતો અને પેલેસ્ટાઇનિયન હકીકતોથી પ્રેરિત હતો."
"શું હમાસે ઈરાની મદદનો ઉપયોગ કર્યો, તેનો જવાબ ચોક્કસ હામાં છે. શું હમાસનું આ હુમલામાં હિત હતું? તેનો જવાબેય હા છે. પરંતુ શું હમાસને ઑપરેશન માટે ઈરાનની મંજૂરીની જરૂર છે? તો એનો જવાબ ના છે."
ભૂતપૂર્વ મોસાદ ઑફિસર હાઇમ ટોમર કહે છે કે હમાસ પાછલાં ઘણાં વર્ષોથી પોતાનાં ટોચનાં દળોને વિકસાવી રહ્યું છે.
તેમણે કહ્યું, "છતાં તેમણે તેમના ભૂતકાળના સ્તર કરતાં વધુ પરિણામ મેળવ્યાં."
ઇઝરાયલના સત્તાધીશો હાલ આગળની કાર્યવાહી અંગે તેમજ ઈરાનની હુમલામાં સંડોવણી વધુ સ્પષ્ટ થાય એ દિશામાં વિચાર કરી રહ્યા છે.
ઈરાનના લેબનીઝ સાથીદાર હેઝબોલ્લાહે ઇઝરાયલના કબજા હેઠળના ગોલન હાઇટ્સ ખાતે બે નાના હુમલા કર્યા હતા. ઇઝરાયલના સૈન્યે જણાવ્યું હતું કે તેમણે લેબનનમાંના કેટલાંક લક્ષ્યોને હેલિકૉપ્ટરથી નિશાન બનાવ્યાં હતાં.
રાઝે કહ્યું, "હમાસનું ઑપરેશન એ હકીકત છે – જેનાથી મધ્યપૂર્વમાં ઘણા બદલાવો આવ્યા છે. આના કારણે ઈરાનની ભૂમિકા સહાય અને સંકલનની વધુ પ્રત્યક્ષ સંડોવણીની બની શકે. ખાસ કરીને ત્યારે જ્યારે ઇઝરાયલની પ્રતિક્રિયાને કારણે હમાસ સામે મુશ્કેલ પડકાર હોય."