You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વિનાશક સવારે શું થયું હતું જ્યારે હમાસે હજારો રૉકેટ વરસાવ્યા અને ગણતરીના કલાકોમાં સેંકડો ઇઝરાયલીઓ માર્યા ગયા
- લેેખક, સીન સેડોન અને ડેનિયલ પાલુમ્બો
- પદ, બીબીસી ન્યૂઝ
એ બધું શરૂ થયું ત્યારે ઘણા ઇઝરાયેલીઓ કદાચ ઊંઘતા હતા.
તે સેબથ, ‘શાંતિનો શનિવાર’ હતો. યહૂદીઓ છ દિવસ કામ કર્યા પછી એ દિવસે આરામ કરતા હોય છે. તેને યહૂદી ધર્મમાં પવિત્ર દિવસ ગણવામાં આવે છે.
યહૂદીઓના તહેવાર સુકોતની ઉજવણીના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં બૉમ્બધડાકા પણ થયા હતા.
જોકે, સવારના આકાશમાં રૉકેટ્સના વરસાદે તેની વ્યાપકતા અને સંકલનના સંદર્ભમાં અભૂતપૂર્વ હુમલાના પ્રારંભનો સંકેત આપ્યો હતો.
ઇઝરાયલે પોતાની અને પેલેસ્ટાઇન નિયંત્રિત નાનકડા ગાઝા પટ્ટી પ્રદેશ વચ્ચેની વાડની કિલ્લેબંધી વર્ષોથી મજબૂત કરી છે. તેની અભેદ્યતામાંનાં છીંડાં કલાકોમાં જ ઉઘાડાં પડી ગયાં હતાં.
હમાસે ગાઝામાંથી તેના અત્યાર સુધીના સૌથી અત્યાધુનિક હુમલાનું સંકલન કેવી રીતે કર્યું હતું તે જાણવા બીબીસીએ ઘટનાસ્થળે ચરમપંથીઓ અને નાગરિકોએ કૅપ્ચર કરેલા વીડિયોનું વિશ્લેષણ કર્યું હતું.
રૉકેટ્સના વરસાદ સાથે હુમલાની શરૂઆત
સ્થાનિક સમય મુજબ સવારે સાડા છ વાગ્યે આકાશમાં રૉકેટ્સ દેખાવાં લાગ્યાં હતાં.
ગાઝા પર નિયંત્રણ ધરાવતા અને બ્રિટન તથા વિશ્વમાં જેમને ‘આતંકવાદી જૂથ’ જાહેર કરવામાં આવ્યું તે ઇસ્લામિક સંગઠન હમાસે આ હુમલાની જવાબદારી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવાં રૉક્ટેસ સામાન્ય રીતે ઇઝરાયલની અદ્યતન મિસાઇલ-વિરોધી પ્રણાલીથી બચી શકતાં નથી, પરંતુ તેનાથી બચી શકાય એટલા માટે ટૂંકા સમયગાળામાં હજારોની સંખ્યામાં રૉકેટ્સ છોડવામાં આવ્યાં હતાં.
ગાઝાથી 60 કિલોમીટર દૂર આવેલા તેલ અવીવ અને પશ્ચિમ જેરૂસલેમમાં પણ ચેતવણીની સાયરન વાગવા લાગી હતી. જે શહેરોમાં સીધી અસર થઈ હતી ત્યાંથી ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા.
રૉકેટમારો વધવાની સાથે લડવૈયાઓ, તેમણે ગાઝાની મજબૂત વાડમાંથી જે સ્થળેથી ઇઝરાયલમાં ઘૂસવાની યોજના બનાવી હતી ત્યાં એકઠા થયા હતા.
ઇઝરાયલે ગાઝામાંથી 2005માં તેના સૈનિકો તથા વસાહતીઓને પાછા બોલાવી લીધા છે, તેમ છતાં એ વિસ્તારની એરસ્પેસનું નિયંત્રણ ઇઝરાયલ જ કરે છે. વચ્ચે સહિયારી સરહદ અને દરિયાકિનારો છે.
એ પરિમિતિની આસપાસ કેટલીક જગ્યાએ કૉંક્રિટની દીવાલ અને વાડ પણ છે. સમગ્ર વિસ્તારમાં સૈન્ય નિયમિત પેટ્રોલિંગ કરતું હોય છે. એ ઉપરાંત કોઈ આક્રમણને રોકવા કૅમેરા અને સેન્સર્સનું નેટવર્ક પણ છે.
જોકે, ગણતરીની કલાકોમાં એ બધું ભેદી નાખવામાં આવ્યું હતું.
હમાસ કેવી રીતે ઘૂસ્યું?
હમાસના કેટલાક સભ્યોએ પેરાગ્લાઇડરનો ઉપયોગ કરીને અવરોધને સંપૂર્ણ રીતે બાયપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બોટમાં બેસીને ઇઝરાયલમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેને ઇઝરાયલના સંરક્ષણ દળોએ ભગાડી મૂક્યા હતા. (સમર્થનવિહોણા ફૂટેજમાં હમાસના કમસે કમ સાત સભ્યો ઇઝરાયલ પર ચકરાવા લેતા જોવા મળે છે)
જોકે, આ હુમલાની વિશેષ બાબત, બેરિયર ક્રૉસિંગ પૉઇન્ટ પરના સીધા અને સંકલિત હુમલાઓ છે.
સ્થાનિક સમય મુજબ, સવારે લગભગ 5.50 વાગ્યે હમાસની સશસ્ત્ર પાંખ સાથે સંકળાયેલા એક ટેલિગ્રામ એકાઉન્ટે ગાઝા ક્રૉસિંગના અંતિમ દક્ષિણ બિંદુ કેરેમ શાલોમમાં કૅપ્ચર થયેલી ઇમેજીસ સૌપ્રથમ વાર શેર કરી હતી.
તે તસવીરોમાં ચરમપંથીઓએ એક ચેકપૉઇન્ટ પર કબજો જમાવ્યો હતો અને જમીન પર બે ઇઝરાયલી સૈનિકોના લોહીલુહાણ મૃતદેહો પડેલા જોવા મળે છે.
બીજી તસવીરમાં સશસ્ત્ર ચરમપંથીઓ ઓછામાં ઓછી પાંચ મોટરસાયકલ પર બેસીને, તોડી પાડવામાં આવેલી કાંટાળી વાડમાંથી ઇઝરાયલી પ્રદેશમાં ઘૂસતા જોવા મળે છે.
ઓછી સલામતી વ્યવસ્થા ધરાવતા એક વિભાગમાં એક બુલડોઝર કાંટાળી વાડના હિસ્સાને તોડી પાડતું દેખાય છે. નિઃશસ્ત્ર દેખાતા લોકો ત્યાં એકઠા થયા છે અને એ પૈકીના કેટલાક વાડમાં છીંડાં પાડતાં જોવા મળે છે.
ગાઝા ક્રૉસિંગના ઉત્તર છેડે કેરેમ શાલોમથી લગભગ 43.4 કિલોમીટર ઉત્તરમાં ઇરેઝ ખાતે હમાસે બીજો હુમલો શરૂ કર્યો હતો.
હમાસની એક પ્રચાર ચેનલ પર કેટલીક ઇમેજીસ શેર કરવામાં આવી હતી. તેમાં કૉંક્રિટની દીવાલમાં વિસ્ફોટ થયાનું દર્શાવવામાં આવ્યું હતું, જે હુમલાની શરૂઆતનો સંકેત હતી.
ફૂટેજમાં એક ચરમપંથી વિસ્ફોટના સ્થળેથી લડવૈયાઓ તરફ હાથ હલાવતો જોવા મળે છે. બુલેટપ્રૂફ જૅકેટ અને રાઇફલ્સથી સજ્જ આઠ લોકો ઇઝરાયલી સૈનિકો પર જોરદાર ગોળીબાર કરતાં ભારે કિલ્લેબંધીવાળા ચેકપૉઇન્ટ તરફ દોડે છે.
એ પછી જમીન પર ઇઝરાયલી સૈનિકોના મૃતદેહ જોવા મળે છે, જ્યારે સ્પષ્ટ રીતે સંગઠિત અને પ્રશિક્ષિત ચરમપંથીઓ સંકુલના ઓરડાઓમાં શોધખોળ કરતા દેખાય છે.
ગાઝામાં સાત સત્તાવાર ક્રૉસિંગ છે, જે પૈકીના છ પર ઇઝરાયલનું નિયંત્રણ છે, જ્યારે સાતમા પર ઈજિપ્તનું નિયંત્રણ છે. હમાસે થોડા કલાકોમાં જ તમામ અવરોધોને પાર કરીને ઇઝરાયલી પ્રદેશમાં પ્રવેશવાનો માર્ગ ખોળી લીધો હતો.
હમાસના લડવૈયાઓ ગાઝાથી અનેક દિશામાં ફેલાઈ ગયા હતા
આપણને હવે ઇઝરાયલની સત્તાવાળાઓ પાસેથી જાણવા મળ્યું છે કે હમાસે 27 અલગ-અલગ સ્થળો પર હુમલો કર્યો હતો. તેમને દેખાય તે ટાર્ગેટનો સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો એ દેખીતું છે.
હમાસ સૌથી દૂરના જે બિંદુ સુધી પહોંચી શક્યું તે સ્થળ ઓફકીમ શહેર હતું. તે ગાઝાથી પૂર્વમાં 22.5 કિલોમીટર દૂર આવેલું છે.
ગાઝાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત સ્ડેરોટમાં ઉગ્રવાદીઓ શહેરમાંથી પસાર થતી પિક અપ ટ્રકની પાછળ ઊભેલા જોવા મળ્યા હતા.
લગભગ એક ડઝન સશસ્ત્ર લડવૈયાઓ એશકેલોનની ખાલી શેરીઓમાં ફેલાતા જોવા મળતા હતા. એ વિસ્તાર તેમણે કબજે કરી લીધો હતો.
ઇઝરાયલના સમગ્ર દક્ષિણ પ્રદેશમાં આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં અને સશસ્ત્ર દળોએ ઘરની અંદર જ રહેવાનો આદેશ નાગરિકોને આપ્યો હતો.
રીમ નજીકના સંગીત સમારંભમાં, રણમાં એકઠા થયેલા યુવાનોના એક મોટા સમૂહ પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.
ચરમપંથીઓ શસ્ત્રો ભરેલી એક વાન કેવી રીતે ચલાવી રહ્યા હતા અને વધુ એક ઇઝરાયલી હુમલા માટે તેમણે લગભગ ત્રણ કલાક કેવી રીતે શોધ કરી હતી તેની વિગત એ ઘટનાના એક સાક્ષીએ બીબીસીને જણાવી હતી.
સૈનિકો અને નાગરિકોને બંધક બનાવ્યા
હમાસના લડવૈયાઓએ તહેવારના તથા અન્ય સ્થળોએથી ઇઝરાયલી નાગરિકોને પકડ્યા હતા અને તેમને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. ઇઝરાયલનું કહેવું છે કે એ 100 લોકોનું (સૈનિકો તથા નાગરિકોનું) અપહરણ કરવામાં આવ્યું હતું.
બેરી શહેરમાંથી કૅપ્ચર કરવામાં આવેલું ફૂટેજ બીબીસીએ ચકાસ્યું હતું. તેમાં ઉગ્રવાદીઓ ચાર નાગરિકોને બળજબરીથી ઉપાડી જતા જોવા મળ્યા હતા.
ઇઝરાયલીઓના સંખ્યાબંધ વીડિયો ઑનલાઇન સર્ક્યુલેટ થયા છે. એ પૈકીના કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે અને બીજા કેટલાક ગાઝાની વ્યસ્ત શેરીઓમાં જોવા મળે છે.
અત્યાચારોના કેટલાક સમર્થનવિહોણા વીડિયો બહુ ભયંકર છે. એ પૈકીના એક વીડિયોમાં ડ્રાઇવરને કારમાંથી ખેંચીને તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હોવાના અને સૈનિકોને મૃતદેહોને અભડાવવામાં આવ્યા હોવાના વીડિયોનો સમાવેશ થાય છે. ઝરાયલ પેલેસ્ટાઇન
ઇઝરાયલી સમુદાય પર હુમલા કરવા ઉપરાંત હમાસે ઝિકિમ અને રીમ ખાતેના બે લશ્કરી સ્થળો પર પણ હુમલો કર્યો હતો.
રીમ નજીકની ઇમેજીસમાં હુમલા બાદની સ્થિતિ જોવા મળે છે. તેમાં સળગેલી અનેક કાર સડકના કિનારે પડેલી દેખાય છે. લડાઈ દરમિયાન કેટલા લોકો માર્યા ગયા હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
હમાસની સોશિયલ મીડિયા ચેનલ પર મૃત ઇઝરાયલી સૈનિકોના ફોટા વારંવાર શેર કરવામાં આવ્યા હતા. બીબીસીએ તે ફોટોગ્રાફ્સની ચકાસણી કરી નથી.
જોરદાર રૉકેટમારો શરૂ થયાની કેટલીક કલાકોમાં જ સેંકડો ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને કોઈએ વિચાર્યું ન હોય એવી રીતે આ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાનો ભોગ બનેલા દક્ષિણના પ્રદેશમાં થોડા સમયમાં જ સહાય પહોંચવી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ગાઝા બહારના કેટલાક વિસ્તાર પર થોડા કલાકો સુધી હમાસનું પ્રભાવી નિયંત્રણ રહ્યું હતું.
અચાનક કરવામાં આવેલા હુમલાની ગતિ તથા ઘાતકતાથી ઇઝરાયલ ખળભળી ઊઠ્યું છે. આ હુમલો કેવી રીતે શક્ય બન્યો તેના સવાલ વર્ષો સુધી પૂછાતા રહેશે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લગભગ બપોરે જાહેરાત કરી હતીઃ “અમે યુદ્ધ લડી રહ્યા છીએ.”