ઇઝરાયલની નાકાબંધીને કારણે ગાઝાનું છેલ્લું વીજળી મથક પણ બંધ થવાની અણીએ, હવે શું થશે?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ભીષણ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2100થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

આ યુદ્ધ દરમિયાન પેલેસ્ટિનિયન ઊર્જા વિભાગના અધિકારીએ કહ્યું છે કે આગામી ત્રણ કલાકમાં ગાઝામાં છેલ્લા વીજળી પ્લાન્ટમાંનું ઈંધણ પણ સમાપ્ત થઈ જશે અને અહીંની વીજળી સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ઊર્જા અધિકારી જલાલ ઈસ્માઈલનું કહેવું છે કે આ પાવર પ્લાન્ટ આજે સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દેશે.

સોમવારથી ઇઝરાયલે ગાઝામાં વીજળીનો પુરવઠો બંધ કરી દીધો છે અને ત્યાં સંપૂર્ણ 'નાકાબંધી'ની જાહેરાત કરી છે.

ગાઝામાં વીજળીની સાથે પાણી, દવા અને ખોરાક જેવી તમામ ઈમરજન્સી સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.

ગાઝા પટ્ટી હમાસના નિયંત્રણ હેઠળ છે પરંતુ તેના બંદરો અને એર સ્પેસ ઇઝરાયેલ દ્વારા નિયંત્રિત છે.

ગાઝામાં લગભગ 80 ટકા લોકો માનવતાવાદી સહાય પર નિર્ભર થઈ ચૂક્યા છે.

બુધવારે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે, “શનિવારથી લગભગ પાંચ લાખ લોકોને ભોજન મળ્યું નથી.”

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 950 લોકોના મોત થયા છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષમાં અત્યાર સુધી શું શું થયું એ જાણો.

પહેલીવાર વિમાનોનો ઉપયોગ

11 ઑક્ટોબર સવારે જ ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેમણે છેલ્લા 24 કલાકમાં 450 ટાર્ગેટને નિશાન બનાવ્યા છે.

ઇઝરાયલ વાયુસેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું છે કે વર્ષ 2006 પછી આ પહેલીવાર બની રહ્યું છે કે ઇઝરાયલે ગાઝામાં આ પ્રકારે વિમાનોથી હુમલો કર્યો છે.

ઈઝરાયેલે એવો પણ દાવો કર્યો છે કે તેણે હમાસના એ બેઝને નષ્ટ કરી દીધું છે જ્યાંથી તેઓ 'એરક્રાફ્ટ સ્પોટ' કરતા હતા.

સેનાએ સોશિયલ મીડિયા પર એમ પણ કહ્યું છે કે, “બેત હેનાનમાં ગત રાત્રે 80 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બૅન્કની બે શાખાઓ પણ સામેલ છે જેનો ઉપયોગ હમાસ દ્વારા આતંકવાદને ફંડિંગ માટે કરવામાં આવતો હતો. આ સિવાય હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા એક ટનલ અને બે ઓપરેશનલ કમાન્ડ સેન્ટરને પણ નષ્ટ કરવામાં આવ્યા છે.”

ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે હમાસની ટ્રેનિંગ સાઇટ પર પણ હુમલો કર્યો છે.

ઇઝરાયલના વડાપ્રધાને શું ચેતવણી આપી?

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે થયેલા હુમલા બાદ ચેતવણી આપતાં કહ્યું હતું કે, “ઇઝરાયલ હમાસ સામે જોરદાર પ્રતિકાર કરશે.”

તેમણે કહેલું કે, “દાયકાઓમાં ઇઝરાયલની ધરતી પર થયેલા આ સૌથી ભયાનક હુમલા સામે ઇઝરાયલનાં સુરક્ષા દળોનો પ્રતિકાર હજુ તો માત્ર શરૂ જ થયો છે.”

મ્યુઝિક ફેસ્ટિવલમાં હમાસના ઉગ્રવાદીઓ દ્વારા ઇઝરાયલમાં કરાયેલા હુમલામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં. શનિવારે શરૂ થયેલા આ આકસ્મિક હુમલા બાદથી અત્યાર સુધી ઇઝરાયલના 700 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

તેમજ ગાઝામાં પ્રતિકારના ભાગરૂપે ઇઝરાયલે શરૂ કરેલા હુમલા બાદથી 600 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

નોંધનીય છે કે હમાસ દ્વારા આ હુમલામાં ઘણા લોકોનું અપહરણ કરી લીધું છે. તેમના પરિવારજનો હાલ તેમની માહિતી મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદી સંગઠન હમાસના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગના પ્રમુખ બસીમ નઈસે કહ્યું કે, “અમે અમારા બંધકો સાથે અત્યંત માનવીય, ગરિમાપૂર્ણ વ્યવહાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેઓ બીબીસી રેડિયો-4 સાથે વાત કરી રહ્યા હતા.

તેમણે બંધકોની સંખ્યા જણાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમજ એ વાતેય સ્પષ્ટતા નહોતી કરી કે પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદીઓએ કેટલાની હત્યા કરી દીધી છે.

બીબીસી સંવાદદાતા જોનાથન બેલેએ જણાવ્યું કે, “અમે જોયું કે હમાસના લડવૈયાના મૃતદેહો હજુય પડ્યા છે. તેમજ ઇઝરાયલી પીડિતોના મૃતદેહો ઓળખીને દફનવિધિ માટે મોકલી દેવાયા છે.”

“અમે જોયું કે ઇઝરાયલના એક ડ્રાઇવરે પોતાની ટ્રક રોકી અને હમાસના લડવૈયાના મૃતદેહ પર પથ્થર ફેંક્યો. સીમાની બંને બાજુએ તણાવ વ્યાપી ગયો છે.”

ઇઝરાયલના હથિયારબંધ અને તાલીમબદ્ધ સૈનિકો હુમલો કરનારા ઉગ્રવાદીઓને ખતમ કરી દેવાની તૈયારી કરી રહ્યા છે. તેમજ હમાસ સરહદ પારથી દિવસ-રાત રૉકેટો વડે હુમલા કરી રહ્યું છે.

અત્યાર સુધીમાં શું શું થયું?

છેલ્લા થોડા કલાકોમાં ઇઝરાયલી સેનાના બે સીનીયર સભ્યોએ પેલેસ્ટાઇને કરેલા હુમલાને 9/11ના અમેરિકા પર થયેલા હુમલા સાથે સરખાવ્યો છે.

સૈન્યના પ્રવક્તા મેજર નિર દિનારે કહ્યું, “આ અમારું 9/11 છે, તેમણે અમને ઊંઘતા ઝડપી લીધા.”

લૅફ્ટેનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે હમાસે કરેલા હુમલાને અમેરિકા પર 9/11 ના રોજ થયેલા મોટ હુમલા સાથે સરખાવ્યો હતો.

તેમણે કહ્યું કે, “આ 9/11નો પણ હુમલો છે અને પર્લ હાર્બર પણ છે. બંને ઘટનાઓ ભેગી કરવામાં આવે તેવો આ હુમલો છે.”

“ઇઝરાયલી ઇતિહાસમાં આ સૌથી કાળો દિવસ છે. એક જ દિવસમાં દુશ્મનોના હુમલાથી ઇઝરાયલી નાગરિકો આટલા બહોળા પ્રમાણમાં મૃત્યુ પામ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.”

યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે 1 લાખ 23 હજારથી વધુ લોકોને આ યુદ્ધને કારણે સ્થળાંતરિત થવું પડ્યું છે.

ગઇકાલે વ્હાઇટ હાઉસે પણ કેટલાક અમેરિકી નાગરિકોના ઇઝરાયલમાં મૃત્યુ થયાં હોવાનો દાવો કર્યા પછી વૈશ્વિક સ્તરે તમામ દેશો ચિંતાતુર બન્યા છે.

પેલેસ્ટિનિયન પક્ષ તરફથી આપવામાંં આવેલી અપડેટ અનુસાર, ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલા પછી 400થી વધુ લોકો માર્યા ગયા છે.

બચાવકર્તાઓ અને સુરક્ષાદળોએ કહ્યું છે કે તેમને સુપરનોવા મ્યુઝિક ફેસ્ટિવલના સ્થળે 250 થી વધુ મૃતદેહો મળ્યા છે. આ મ્યુઝિક ફૅસ્ટિવલને હમાસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

તે દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં એક જર્મન માતા તેમની પુત્રી વિશે માહિતી માટે કાકલૂદી કરી રહ્યાં છે. તેમનું એવું કહેવું છે કે મ્યુઝિક ફૅસ્ટિવલ દરમિયાન તેમની પુત્રીનું ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. કેટલાક અન્ય દેશોએ પણ એવો દાવો કર્યો છે કે તેમના નાગરિકોને પણ આ હુમલાનો ભોગ બનવું પડ્યું છે.

ઇઝરાયલે તેના જવાબી હુમલો શરૂ કર્યા પછી ગાઝાની હૉસ્પિટલો જાણે કે ઊભરાઈ ગઈ છે.

પહેલાં હુમલાના 36 કલાક પછી પણ ગાઝા પટ્ટીએથી દક્ષિણ ઇઝરાયલમાં રૉકેટ છોડવામાં આવી રહ્યા છે જે વાતની બીબીસી સંવાદદાતા ઍલિસ કુડીએ પુષ્ટિ કરી છે.

અમેરિકાએ તેના સાથી ઇઝરાયલને ટેકો આપ્યો છે. તેણે તે ક્ષેત્રમાં જહાજો અને ઍરક્રાફ્ટ તહેનાત કર્યા છે. આ પગલાને હમાસે વખોડ્યું છે.

નીચે વાંચો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં જાણો અત્યાર સુધી શું-શું થયું?

અમેરિકાએ કર્યો હસ્તક્ષેપ

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને અમેરિકાની સમાચાર ચેનલ સીએનએન સાથે ઇઝરાયલ પર પેલેસ્ટાઇન ચરમપંથીઓના હુમલા વિશે વાત કરી છે.

તેમનું કહેવું છે કે અમેરિકાની સરકારને અહેવાલ મળ્યા છે કે ઇઝરાયલમાં અનેક અમેરિકાના નાગરિકોનાં મોત થયાં છે.

તેમણે કહ્યું કે અધિકારી આ અહેવાલોની હકીકત તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બ્લિંકને કહ્યું કે અમેરિકા આજે ઇઝરાયલને નવી સૈન્ય સહાયતા આપવાની જાણકારી આપી શકે છે.

તેમણે કહ્યું કે, “અમારું ધ્યાન એ પાક્કું કરવાનું છે કે ઇઝરાયલની પાસે એ તમામ વસ્તુ હોય જે એમને જરૂર છે.”

ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ કેટલાક ઇઝરાયલી નાગરિકો અને જવાનોનું અપહરણ કરાયા હોવાના સમાચાર આવ્યા.

જોકે અપહરણ કરાયા હોય તેવા લોકોનો આંકડો નથી આપવામાં આવ્યો પરંતુ અમેરિકામાં ઇઝરાયલના દૂતાવાસે અગાઉ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઇઝરાયલના 100 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમાં નાગરિકો અને સૈનિકોનો સમાવેશ થાય છે.

ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ: અત્યાર સુધી શું-શું થયું?

હમાસના રૉકેટ હુમલા બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટી પર વિનાશક હુમલા શરૂ કર્યા છે.

ઇઝરાયલની વાયુસેનાએ ફૂટેજ જાહેર કર્યું હતું જેમાં ગાઝા પટ્ટીમાં કેટલીક ઇમારતો પર હવાઈ હુમલા થતા જોઈ શકાય છે. આ એ ઠેકાણાં છે જ્યાં હમાસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.

ગાઝામાંથી બહુ માહિતી નથી મળી રહી પરંતુ સોશિયલ મીડિયા પર તસવીરો અને ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલીક ઇમારતો તબાહ થઈ છે જેમાં મસ્જિદો પણ છે. ગાઝાના રહીશોને પણ હૉસ્પિટલોમાં શરણ લેતા જોઈ શકાય છે.

બીજી તરફ ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે તેઓ રહીશોને બહાર કાઢવાનું શરૂ કરી રહ્યા છે.

ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલા અને ત્યાર બાદ તેણે કરેલી જવાબી કાર્યવાહી બાદ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.

ઇઝરાયલની સેનાએ ગાઝાના અલગ-અલગ સાત કેન્દ્રોમાં નાગરિકોને પોતાની રીતે શરણ લેવાનું કહી દીધું છે. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસના કેન્દ્રો પર હુમલાના હેતુથી આ ઍડવાઇઝરી જાહેર કરી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને કાળો દિવસ ગણાવ્યો અને 'મોટો બદલો' લેવાની ચેતવણી આપી.

ઇઝરાયલના ટીવી ચેનલ કિબુઝ બેરીએ ડાઇનિંગ હૉલમાં બંધક બનાવેલા લોકોને છોડાવી લીધા છે.

હમાસના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે ઈઝરાયલ પરના આ અચાનક હુમલામાં તેમને સહયોગી ઈરાનનું સમર્થન છે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વેસ્ટ બૅન્કમાં 'શાંતિ અને સ્થિરતા'ની અપીલ કરી છે. તેમણે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ વાત કરી. સાઉદી અરબે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ તાત્કાલીક રીતે રોકવાની અપીલ કરી છે.

ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ આઈડીએફએ કહ્યું કે તેના સૈનિકો ઇઝરાયલમાં 22 જગ્યા પર ચરમપંથીઓ સાથે લડી રહ્યા છે. એક નિવેદનમાં સેનાએ બે જગ્યા પર બંધક જેવી સ્થિતિ હોવાની પુષ્ટિ કરી છે.

નિવેદન અનુસાર ઓફાકિમ અને બેરીમાં બે જગ્યા પર સુરક્ષાજવાનો અને ચરમપંથીઓ વચ્ચે ગોળીબારી ચાલુ છે. એક અલગ નિવેદનમાં સેનાએ ઈઝરાયલી સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. પણ સંખ્યા નથી જણાવી.

ઇઝરાયલની ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો બંધ કરવાની ચેતવણી

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો કાપી નાખવાની અને અન્ય સપ્લાય બંધ કરવાની ચેતવણી આપી છે.

ઇઝરાયલે કહ્યું કે તે ગાઝાની વીજળી, ઈંધણ અને અન્ય સામાનના પુરવઠાની સપ્લાય લાઇન કાપી નાખશે.

મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે આ ચેતવણી આપી છે.

ઇઝરાયલના અધિકારીઓએ શનિવારે અહીં વીજ પાવર કાપી નાખ્યો હતો. જેના કારણે શનિવારથી અહીં અંધારું છે.

ઇઝરાયલે 2007માં જ સુરક્ષા કારણોને લઈને ઈજિપ્તની સાથે ગાઝા પટ્ટીમાં નાકાબંધી કરી નાખી છે.

ગાઝા પટ્ટી અને તેના કિનારા પરના હવાઈ ક્ષેત્ર પર ઇઝરાયલનું નિયંત્રણ છે. તેઓ અહીં બૉર્ડર દ્વારા થતા સપ્લાય પર પણ નિયંત્રણ રાખે છે.

આ રીતે ગાઝા સાથે જોડાયેલી સરહદથી સામાન લાવવા અને લઈ જવા પર ઈજિપ્તનું નિયંત્રણ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે.

વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલ સાથે ઊભા રહેવાની અને તેને પૂર્ણ સમર્થન આપવાની વાત કરી છે.

ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ પશ્ચિમી દેશોની સાથે સાથે મધ્યપૂર્વના દેશોએ પણ પ્રતિક્રિયા આપી છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને બન્ને પક્ષો, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને સાવધાનીથી કામ લેવાની અપીલ કરી છે.

ઇઝરાયલના હુમલા બાગ ગાઝામાં કેવી સ્થિતિ છે?

હમાસના હુમલા બાદ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કર્યા છે.

ઇઝરાયલના સૈન્યએ વર્ષોથી નાકાબંધી સહન કરી રહેલા ગાઝા પટ્ટીના સાત અલગ અલગ કેન્દ્રોના લોકોને પોતાના ઘર છોડીને સિટી સેન્ટરમાં પહોંચવા અથવા આશ્રય સ્થાનોમાં જવાનું કહ્યું છે.

પ્રત્યક્ષદર્શીએ બીબીસીને કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચલાવાતા આશ્રય સ્થાનોમાં રહેવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ગાઝામાં રહેનારા લોકો પોતાની સ્થિતિ જણાવી રહ્યા છે.

હમાસના રૉકેટ હુમલા બાદ ઇઝરાયલની જવાબી કાર્યવાહી, કહ્યું- 'અમે યુદ્ધ માટે તૈયાર'

ઇઝરાયલના વિસ્તારોમાં શનિવારે ગાઝા પટ્ટીથી રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા છે.

તો ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

તો ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’

હમાસના હુમલા પછી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું.

તેમણે કહ્યું કે, ''ઇઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે, કોઈ અભિયાન કે ઉશ્કેરણી નથી, એક યુદ્ધ.''

"આજે સવારે હમાસને ઇઝરાયલ રાષ્ટ્ર અને તેના નાગરિકો વિરુદ્ધ એક જીવલેણ હુમલો કર્યો.અમે સવારથી તેનો સામનો કરી રહ્યા છે. મેં સંરક્ષણતંત્રના પ્રમુખોને બોલાવ્યા, સૌથી પહેલાં ઘૂસણખોર આતંકવાદીઓનો સફાયો કરવાનો નિર્દેશ આપ્યો. આ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે."

"આની સાથે, મેં એક વ્યાપક રિઝર્વ સૈન્યને સક્રિય કરવા અને જવાબી યુદ્ધના આદેશ આપ્યા છે, જેના વિશે દુશ્મનને ખબર પણ નહીં હોય. દુશ્મને એવી કિંમત ચૂકવવી પડશે જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય."

"આ દરમિયાન, મેં ઇઝરાયલના બધા નાગરિકોને સેનાના નિર્દેશો અને હોમ કમાંડના નિર્દેશોનું કડક પાલન કરવાની અપીલ કરું છું. આપણે યુદ્ધમાં છીએ અને આપણે તેને જીતીશું.''

ઇઝરાયલના રક્ષામંત્રીએ રિઝર્વ સૈનિકોને બોલાવવાની માગને મંજૂરી આપી દીધી છે. ઇઝરાયલની સેના હવે સત્તાવાર રીતે ‘યુદ્ધ માટે તૈયાર’ની સ્થિતિમાં છે.

રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે."

આ હુમલાની જવાબદારી પેલેસ્ટાઇની સંબંધિત જૂથ હમાસે લીધી છે.

આ ઘટના પછી સમગ્ર ઇઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને સરહદી વિસ્તારોમાં લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પેલેસ્ટાઇનના લડવૈયાઓએ ગાઝા પટ્ટીએથી ઇઝરાયલ તરફ રૉકેટ પણ છોડ્યાં છે.

આ રૉકેટ હુમલા બાદ ઇઝરાયલના મોટા ભાગના વિસ્તારોમાં ચેતવણીના સાયરન સંભળાવા લાગ્યા છે.

તેલ અવિવ અને દક્ષિણ ગાઝાની આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટો થયા હોવાના પણ અહેવાલો છે.

અત્યાર સુધીના અહેવાલો અનુસાર હુમલામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલની બચાવ એજન્સીના જણાવ્યા અનુસાર એક વ્યક્તિની હાલત નાજુક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલમાં થયેલા હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કર્યું કે, "ઇઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી સ્તબ્ધ છું. મારી સંવેદનાઓ અને સાંત્વના હુમલામાં મૃત્યુ પામનાર નિર્દોષ લોકો તથા તેમના પરિવારો સાથે છે. અમે મુશ્કેલ ઘડીમાં ઇઝરાયલની સાથે ઊભા છીએ."

ચરમપંથી સંગઠન હમાસે રવિવાર સવારે આકાશથી લઈને જમીનના રસ્તે ઇઝરાયલ પર હુમલા કર્યા છે. હમાસનો દાવો છે કે તેણે ઇઝરાયલ પર સાત હજારથી વધારે રૉકેટ છોડ્યાં છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આ યુદ્ધ છે અને દુશ્મનોએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર પૅલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે તેમના લોકોને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.

‘બસ, હવે બહુ થયું’

ગાઝા પટ્ટી પર શાસન કરનારા જૂથ હમાસે કહ્યું છે કે તેણે 20 મિનિટની અંદર ઇઝરાયલ પર પાંચ હજાર રૉકેટ છોડ્યાં છે.

હમાસના વડા મોહમ્મદ દાઇફે આ હુમલાઓ બાદ એક નિવેદનમાં કહ્યું કે, 'અમે એ ઘોષણા કરવાનો નિર્ણય લીધો છે કે બસ, હવે બહુ થયું.'

હમાસે આ ઑપરેશનને 'અલ અક્સા સ્ટૉર્મ' નામ આપ્યું છે.

દાઇફે કહ્યું, “અમે દુશ્મનને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે. ઇઝરાયલી કબજેદારોએ અમારા નાગરિકોના સેંકડો નરસંહાર કર્યા છે. એ કબજેદારોના કારણે આ વર્ષે સેંકડો લોકો શહીદ અને ઘાયલ થયા છે."

“અમે ઑપરેશન અલ અક્સા સ્ટોર્મની શરૂઆતનું એલાન કરીએ છીએ. અમે એલાન કરીએ છીએ કે દુશ્મનનાં લક્ષ્યો, ઍરપૉર્ટ અને લશ્કરી થાણાં પરના અમારા પ્રથમ હુમલામાં પાંચ હજારથી વધુ રૉકેટ છોડવામાં આવ્યાં છે.

રૉયટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે અશ્કલોન શહેરમાં આગ લાગી ગઈ છે અને ઇઝરાયલ અગ્નિશામક દળો આગને કાબૂ કરવાની કોશિશ કરી રહ્યાં છે. વાહનોમાં આગ લાગી ગઈ છે અને તેમાંથી ધુમાડો બહાર આવી રહ્યો છે.

દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ સ્થાનિક સમય મુજબ સુરક્ષા પ્રમુખો સાથે મહત્ત્વની બેઠક યોજી છે.

જેરુસલેમમાં હાજર બીબીસી મધ્યપૂર્વના સંવાદદાતા યોલાન્જે નૈલએ જાણકારી આપી છે કે સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પેલેસ્ટાઇન વિદ્રોહી ઇઝરાયલના દક્ષિણી ભાગમાં સરહદ પાર કરીને ઘુસી ગયા છે અને નાગરિકો પર ગોળીબાર કરી રહ્યા છે.

ડૅરૉતમાં હમાસના બંદૂકધારીઓએ કેટલાક ઘરો પર કબજો કર્યાંના સમાચાર છે. બીજી બાજુ ઇઝરાયલની સેનાએ સ્થાનિક લોકોને કહ્યું કે તેઓ ઘરની બહાર ન નીકળે.

શનિવાર સવારે હમાસના એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડરે હમાસ મીડિયા પર અભિયાનની જાહેરાત કરી હતી અને તમામ પેલેસ્ટાઇનવાસીઓને અપીલ કરી હતી કે જે જ્યાં છે, તે ત્યાંથી જ લડાઈમાં ભાગ લે.

ગાઝા શહેરમાં હાજર બીબીસી સંવાદદાતા રુશ્દી અબૂઅલૂફનું કહેવું છે કે પૂર્વ, દક્ષિણ અને ઉત્તર તમામ દિશાઓમાંથી તેઓ ઇઝરાયલ પર હુમલા કરી રહ્યા છે.

હમાસ ટીવીનું કહેવું છે કે હમાસ પ્રમુખના 5 હજાર રૉકેટ છોડવાના દાવાની સાથે સાથે 2 હજાર વધુ રૉકેટ ઇઝરાયલ પર છોડવામાં આવ્યા છે.

ઇઝરાયલે શું કહ્યું?

હમાસના હુમલા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઘણા લડવૈયા ગાઝા પટ્ટીથી ઇઝરાયલમાં પ્રવેશ્યા છે.'

સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ગાઝા પટ્ટીની આસપાસના વિસ્તારોમાં લોકોને તેમના ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે."

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આઇડીએફે કહ્યું છે કે, “શનિવાર અને તોરાની રજાના દિવસે આખા ઇઝરાયલમાં લોકો સાઇરનોનો અવાજ સાંભળીને જ ઊઠ્યા છે. હમાસ આજે સવારથી જ રૉકેટ છોડી રહ્યું છે.”

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું છે કે, "અમે પોતાનો બચાવ કરીશું,"

દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા પ્રમુખોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.

ગાઝા સરહદ પાસે લડાઈ

ઇઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે એરેજ બોર્ડર ક્રૉસિંગ અને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝની તાલીમ માટે બનેલા ઝિકમ બેઝ પર હાલ સંઘર્ષ ચાલુ છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર સેનાના પ્રવક્તાએ કહ્યું કે પેલેસ્ટાઇન તરફથી 2500 રૉકેટ છોડવામાં આવ્યા છે સાથે જ ‘પૅરાગ્લાઇડર્સ, સમુદ્ર અને જમીન માર્ગે’ ઇઝરાયલ પર હુમલા કરાયા છે.

ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ અમેરિકી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે, “અમને ખબર છે કે આ ઘટનાઓના કારણે જ લોકો ઘાયલ થયા છે. અમેરિકી નાગરિકોને પોતાની સુરક્ષા વધારવા અને સાવચેત રહેવાની સલાહ આપે છે. એવી ઘટનાઓ જેમાં મોર્ટાર અને રૉકેટ પણ છોડવામાં આવે છે, એ ચેતવણી વગર જ છોડવામાં આવતા હોય છે.”

ઇઝરાયલમાં અમેરિકી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓ હાલ દૂતાવાસમાં ‘સુરક્ષિત’ છે.

ઇઝરાયલના ભારત ખાતેના રાજદૂતે શું પ્રતિક્રિયા આપી?

ગાઝા પટ્ટીએથી ઇઝરાયલ પર થયેલા હુમલા પછી ભારતમાં ઇઝરાયલના રાજદૂતે પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું, “યહૂદી રજા તોરાના દિવસે ગાઝાથી ઇઝરાયલ પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો છે. આ બેવડો હુમલો રૉકેટ દ્વારા કરવામાં આવ્યો હતો અને હમાસના આતંકવાદીઓ પ્રવેશ્યા છે.”

તેમણે કહ્યું, "આ સ્થિતિ સાધારણ નથી પણ ઇઝરાયલ વિજેતા બનશે."

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ કેમ છે?

  • પહેલા વિશ્વયુદ્ધ પછી મધ્ય પૂર્વમાં ઑટોમન સામ્રાજ્યના અંત થયા પછી આ વિસ્તાર બ્રિટિશરોના કબજામાં ગયો.
  • અહીં મોટા ભાગે યહૂદી અને અરબ સમુદાયના લોકો રહે છે. બંનેમાં તણાવ વધ્યા પછી બ્રિટિશ શાસકોએ અહીં યહૂદીઓ માટે પેલેસ્ટાઇનમાં ‘અલગ જમીન’ બનાવવાની વાત કરી.
  • યહૂદી આ વિસ્તારને પોતાના પૂર્વજોની ભૂમિ માને છે. તેના પર અરબ સમુદાય પણ પોતાનો દાવો કરે છે. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે તણાવ વધવા લાગ્યો.
  • 1947માં સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને બે ભાગમાં વિભાજિત કરવાના નિર્ણય પર મહોર મારી. એક ભાગ યહૂદીઓનો બીજો અરબ સમુદાયનો.
  • અરબ વિરોધ વચ્ચે 14 મે 1948ના રોજ યહૂદી નેતાઓએ ઇઝરાયલ રાષ્ટ્રના ગઠનની જાહેરાત કરી અને બ્રિટિશરો અહીંથી ચાલ્યા ગયા.
  • તેના તુરંત બાદ પ્રથમ ઇઝરાયલ-અરબ યુદ્ધ થયું જેના કારણે સાડા સાત લાખ પેલેસ્ટાઇનવાસીઓ બેઘર થઈ ગયા.
  • આ યુદ્ધ પછી સમગ્ર ક્ષેત્રને 3 ભાગમાં વિભાજિત કરાયો – ઇઝરાયલ, વેસ્ટબૅન્ક (જોર્ડન નદીનો પશ્ચિમ કિનારો) અને ગાઝા પટ્ટી.
  • પેલેસ્ટાઇનની વસ્તી ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્કમાં રહે છે. લગભગ 25 માઇલ લાંબી અને 6 માઇલ પહોડી ગઝા પટ્ટી 22 લાખ લોકોની વસ્તી ધરાવે છે. વસ્તીના દૃષ્ટિએ આ દુનિયાનો સૌથી ગીચ વિસ્તાર છે.
  • ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ હજુ સુધી ચાલુ છે. ઇઝરાયલનું લક્ષ્ય વિશ્વના મંચ પર યહૂદી રાષ્ટ્ર તરીકે માન્યતા મેળવવાનું છે. જ્યારે પેલેસ્ટાઇન આનો વિરોધ કરી રહ્યું છે.