You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ: 'ચારે બાજુ લોકો મરી રહ્યા હતા', 260 મૃતદેહો મળ્યા ત્યાં કેવો 'નરસંહાર' થયો?
- લેેખક, ફ્રાન્સેસ્કા ગિલેટ
- પદ, બીબીસી ન્યૂઝ
"એ લોકો ઝાડ-પાનની વચ્ચે પણ ગોળીબાર કરી રહ્યા હતા. મેં જોયું કે ચારે બાજુ લોકો મરી રહ્યા હતા. હું ખૂબ જ શાંત હતી. હું રડી ન હતી, મેં કંઈ જ ન કર્યું અને ત્યાં જ પડી રહી."
આ શબ્દો ગિલી યૉસ્કોવિચ નામનાં મહિલાના છે જેઓ હમાસના વિનાશક રૉકેટ હુમલા વખતે ઇઝરાયલમાં એક મ્યુઝિક ફેસ્ટિવલની મજા માણવા પહોંચ્યાં હતાં.
હમાસે ઇઝરાયલ પર શનિવારે હજારો રૉકેટો છોડ્યા અને તેના ઉગ્રવાદીઓ જમીન તથા સમુદ્રના રસ્તે ત્રાટક્યા હતા અને જોતજોતામાં આ મેળાવડો યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયો.
ઉગ્રવાદીઓએ મ્યુઝિક ફેસ્ટિવલમાં ગોળીબાર કરીને 250થી વધુ લોકોના જીવ લઈ લીધા.
સંગીતના ચાહકો છેલ્લા અઠવાડિયાથી આતુરતાપૂર્વક આ સુપરનોવા ફૅસ્ટિવલની રાહ જોઈ રહ્યા હતા. આ ફૅસ્ટિવલ દક્ષિણ ઇઝરાયલના રણમાં યોજાયો હતો અને તેની સાથે યહૂદીઓનો તહેવાર સુક્કોટ પણ હતો.
આયોજકોએ આ ફૅસ્ટિવલ શરૂ કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "સમય આવી ગયો છે કે જ્યારે આપણો આખો પરિવાર એકઠો થશે. આ ફૅસ્ટિવલમાં આપણને ખૂબ જ મજા આવવાની છે."
પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ ઇઝરાયલ પર કરેલા અતિશય આશ્ચર્યજનક અને ભયાવહ હુમલાના ભાગરૂપે સુપરનોવા ફૅસ્ટિવલ પર પણ હુમલો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો.
માત્ર થોડા કલાકો પછી જ આ સોશિયલ મીડિયા પેજ તેમના સ્વજનોને શોધવા માટેની વિનંતીઓથી ઊભરાઈ ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલની રૅસ્ક્યૂ ઍજન્સી ઝાકાના જણાવ્યા અનુસાર ઉજવણીના સ્થળેથી 260થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.
પાર્ટીમાં અચાનક જ્યારે ગોળીબાર શરૂ થયો
પાર્ટીમાં ઉપસ્થિત રહેનાર ઑર્ટેલે જણાવ્યું હતું કે કંઈક ખોટું બની રહ્યું હોવાનો પહેલો સંકેત એ હતો કે જ્યારે પરોઢના સમયે રૉકેટની ચેતવણી આપતું સાઇરન વાગ્યું.
તેમણે કહ્યું, "કોઈ કંઈ સમજે તે પહેલાં એ લોકોએ વીજળી કાપી નાખી અને અચાનક ક્યાંકથી તેઓ (ઉગ્રવાદીઓ) બંદૂકો સાથે અંદર આવ્યા અને ચારેબાજુ ગોળીબાર શરૂ કરી દીધો."
તેમણે કહ્યું કે, "લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો, કેટલાક લોકો ભાગ્યા અને તેમની કારમાં બેસી ગયા. પરંતુ જીપમાં આવેલા બંદૂકધારીઓએ કાર પર પણ ગોળીબાર શરૂ કર્યો અને દોડી રહેલા લોકો પર પણ ગોળીબાર કર્યો."
"તેમણે ગોળીબાર કર્યો અને એક સ્થળે પહોંચ્યા બાદ બધા લોકોએ પોતપોતાનાં વાહનો રોક્યાં અને દોડવા લાગ્યા. હું એક ઝાડીમાં છુપાઈ ગઈ અને પછી તેમણે લોકો ઉપર સ્પ્રે છાંટવાનું શરૂ કર્યું. મેં અનેક લોકોને અતિશય ઘવાયેલા પડેલા જોયા."
"હજુ પણ ઝાડી પાછળ છુપાઈને હજુ હું એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી કે આ બધું શું થઈ રહ્યું છે."
ઝાડીઓમાં કલાકો સુધી છુપાઈ રહ્યા લોકો
સુપરનોવા મ્યુઝિક ફૅસ્ટિવલની જગ્યા કિબુટ્ઝ રૅઇમ નજીક આવેલા નેગેવ રણમાં હતી. ત્યાં ત્રણ અલગ-અલગ વિસ્તારો હતા. જેમાં એક કૅમ્પિંગ માટેનો વિસ્તાર, એક ભોજન માટેનો વિસ્તાર અને ત્રીજો બાર હતો.
આ જગ્યા ગાઝા પટ્ટીથી દૂર નથી. આ જ ગાઝા પટ્ટીએથી હમાસના ઉગ્રવાદીઓએ તેમના હુમલા પરોઢિયે ચાલુ કર્યા હતા. ત્યાંથી જ તેમણે ગામડાઓમાં ઘૂસણખોરી કરીને ડઝનેક લોકોને બંધક બનાવ્યા હતા.
ફૅસ્ટિવલમાં જનાર આદમ બૅરેલે હારેટ્ઝને કહ્યું કે, "ફૅસ્ટિવલમાં જનારા દરેક લોકોને ખબર હતી કે આ વિસ્તારમાં રૉકેટ ફાયર થવાની સંભાવના છે. પરંતુ આ રીતે ગોળીબાર થશે એવું કોઈને માન્યામાં આવે તેમ ન હતું."
અન્ય લોકોની જેમ તેમણે પણ કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ બંદૂકધારીઓ તેમના પર સતત ગોળીબાર કરી રહ્યા હતા. આથી તેઓ બહાર નીકળીને ભાગ્યાં. તેમણે કહ્યું કે, "લોકોને સતત ગોળીઓ વાગી રહી હતી. અમે સંતાઈ ગયાં. અન્ય લોકો બીજી તરફ ભાગ્યા હતા."
ઍસ્થર બૉરોચોવે રૉઇટર્સને જણાવ્યું હતું કે, "હું કારમાં ભાગવાની કોશિશ કરી રહી હતી ત્યારે જ એક બીજી કાર આવીને અથડાઈ."
"મને એક યુવાન કે જે બીજી કારમાં હતો તેણે ગાડીમાં બેસી જવા કહ્યું. હું તે ગાડીમાં બેસી ગઈ. પરંતુ તે વ્યક્તિને માથા પર ગોળી મારી દેવામાં આવી."
"પછી જ્યાં સુધી ઇઝરાયલી સૈન્ય દ્વારા મને રૅસ્ક્યૂ કરવામાં ન આવી ત્યાં સુધી હું મૃત હોવાનું નાટક કરીને પડી રહી."
"હું મારો પગ પણ ખસેડી શકતી નથી." તેમણે હૉસ્પિટલમાંથી રૉઇટર્સને કહ્યું. "સૈનિકો આવ્યા હતા અને અમને ઝાડીઓમાં લઈ ગયા."
ઑર્ટેલ જેવા ઘણા પાર્ટીમાં ઉપસ્થિત રહેનારા લોકો નજીકની ઝાડીઓ અને ફળોના બગીચાઓમાં કલાકો સુધી છુપાઈ ગયા હતા. તેમને એવી આશા હતી કે સૈન્ય આવશે અને તેમને બચાવશે.
ઑર્ટેલ વધુમાં જણાવે છે કે, "મેં ફૉનને મ્યૂટ મોડ પર મૂક્યો, અને પછી મેં નારંગીના બગીચામાંથી પસાર થવાનું શરૂ કર્યું. અમારી પર જાણે કે આગના ગોળા વરસી રહ્યા હતા."
આયોજનબદ્ધ ઓચિંતો હુમલો
ગિલી યૉસ્કોવિચે બીબીસીને જણાવ્યું કે તેઓ કેવી રીતે નારંગીના બગીચામાં સંતાઈ ગયા હતા. "એ લોકો ઝાડ-પાનની વચ્ચે પણ ગોળીબાર કરી રહ્યા હતા. મેં જોયું કે ચારે બાજુ લોકો મરી રહ્યા હતા. હું ખૂબ જ શાંત હતી. હું રડી ન હતી, મેં કંઈ જ ન કર્યું અને ત્યાં જ પડી રહી."
આખરે ત્રણ કલાક પછી તેમણે ઇઝરાયલી સૈનિકોના અવાજો સાંભળ્યા અને તેમણે સૈનિકો તરફ દોટ મૂકી.
ઘટનાના અન્ય એક સાક્ષીએ ‘ચેનલ 12’ ને કહ્યું કે આ એક "ચાર-પાંચ કલાકની ડરાવણી ફિલ્મ જેવું હતું ... અમે પાગલોની જેમ દોડ્યા હતા."
યાનીવ એક ઇમરજન્સી ડૉક્ટર છે જેમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે, "આ એક હત્યાકાંડ હતો."
તેમણે પબ્લિક બ્રૉડકાસ્ટર કાન ન્યૂઝને કહ્યું, "મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. તે આયોજનબદ્ધ ઓચિંતો હુમલો હતો."
"જેમ-જેમ લોકો ઇમરજન્સી ઍક્ઝિટમાંથી બહાર નીકળ્યા ત્યાં ઉગ્રવાદીઓની ટુકડીઓ તેમની રાહ જોઈ રહી હતી અને વીણી વીણીને લોકોને મારી રહી હતી."
"ફૅસ્ટિવલમાં ત્રણ હજાર જેટલા લોકો હતા જેની કદાચ તેમને જાણ હતી. તેમની પાસે ગુપ્ત માહિતી હતી."
અનેક લોકો લાપતા
ગુમ થયેલા પ્રિયજનોના મિત્રો અને પરિવારના સભ્યો હવે તેમને શોધવા માટેના હજુ પ્રયત્નો કરી રહ્યા છે.
ગુમ થયેલા લોકોમાં બ્રિટિશ વ્યક્તિ જૅક માર્લો (26) કે જેઓ મ્યુઝિક ફૅસ્ટિવલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા અને જર્મન પ્રવાસી શની લૉક સામેલ છે. તેમના માતા માને છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અન્ય એક 25 વર્ષીય મહિલા નોઆ અરગામાનીના મિત્રો અને પરિવારના મતે તેમને ફૅસ્ટિવલમાં બંધક બનાવવામાં આવ્યા છે.
નોઆના મિત્ર અમિત પારપરાએ બીબીસીને જણાવ્યું કે, "હું તેને મેસેજ કરી રહ્યો હતો, તે છુપાયેલી હતી. "
અમિત કહે છે, "આશરે 8:30એ મને તેના તરફથી છેલ્લો મેસેજ મળ્યો હતો."
અમિતે બાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં તેને બંદી બનાવી લેવામાં આવી હતી.
અમિત કહે છે,"તેને દૂર મોટરસાઇકલ પર લઈ જવામાં આવી રહી છે. તમે સ્પષ્ટપણે ગાઝા પટ્ટીમાં કેવો આતંક ફેલાયો હશે તેની કલ્પના કરી શકો છો."
23 વર્ષીય અમેરિકન-ઇઝરાયલી હર્શ ગૉલબર્ગ-પોલીનનાં માતાપિતા પણ તેમના પુત્રને શોધી રહ્યાં છે, જે તેના જન્મદિવસની ઉજવણી કર્યા પછી ત્યાં જ હતો. તેમણે જેરૂસલેમ પોસ્ટને જણાવ્યું કે તેમને શનિવારે સવારે તેના તરફથી બે ટૂંકા સંદેશાઓ મળ્યા જેમાં લખવામાં આવ્યું હતું કે,"આઈ લવ યુ" અને "આઇ એમ સૉરી."
સ્થાનિક મીડિયાના તાજેતરના આંકડાઓ અનુસાર હુમલો શરૂ થયો ત્યારથી ઓછામાં ઓછા 600થી વધુ ઇઝરાયલીઓ માર્યા ગયા છે.
ઇઝરાયલી સૈન્ય અને પૅલેસ્ટિનિયન ઉગ્રવાદીઓ વચ્ચે લડાઈ ચાલુ છે અને ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. પૅલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં ઓછામાં ઓછા 413 લોકો માર્યા ગયા છે.