You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝાપટ્ટી ક્યાં આવેલી છે અને અમદાવાદથી પણ નાના વિસ્તારમાંથી કેવી રીતે 5000 રૉકેટ ફાયર કરાયાં?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
ગત સપ્તાહાંતે પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદી જૂથ હમાસ ઇઝરાયલ કરેલ અભૂતપૂર્વ હુમલો વિશ્વના સૌથી ગીચ અને ગરીબ ગણાતાં ક્ષેત્રો પૈકી એકમાંથી કરાયો હતો.
ગાઝા પટ્ટીમાં સશસ્ત્ર સંઘર્ષોની એક લાંબી શ્રૃંખલા રહી છે. જેમાં કેટલાંક એવાં યુદ્ધોય સામેલ છે જેણે તેના હાલના ઇતિહાસને પરિભાષિત કર્યો છે. ગાઝાને વર્ષ 2007થી નિયંત્રિત કરી રહેલા હમાસ અને ઇઝરાયલ વચ્ચે દાયકાઓથી તણાવભરી સ્થિતિ રહી છે. પરંતુ 7 ઑક્ટોબરે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ કરેલા હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.
હમાસે ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડ્યાં અને સેંકડો લડવૈયાઓએ સીમા પાર કરીને ઇઝરાયલમાં ઘૂસણખોરી કરીને ત્યાંના લોકો પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા તથા બીજા કેટલાકને બંદી બનાવી લેવાયા છે.
જવાબમાં ઇઝરાયલે પણ ગાઝા પર મોટા હુમલા કર્યા.
આને છેલ્લી એક પેઢીમાં ઇઝરાયલ પર થયેલો સૌથી મોટો હુમલો ગણાવાઈ રહ્યો છે. તેમજ આ ઑપરેશન ગાઝામાંથી લૉન્ચ કરાયેલ હમાસનુંય સૌથી મહત્ત્વાકાંક્ષી ઑપરેશન મનાઈ રહ્યું છે. પરંતુ જેને અનેક માનવાધિકાર સંગઠનો અને ખુદ પેલેસ્ટાઇનના લોકો દુનિયાની સૌથી મોટી ખુલ્લી જેલ ગણાવે છે, એ જગ્યાનો શો ઇતિહાસ છે?
ગાઝા પટ્ટીનો ઇતિહાસ
સપ્ટેમ્બર 1992માં તત્કાલીન ઇઝરાયલી વડા પ્રધાન આઇઝેક રૉબિન, જેમની એક યહૂદી ઉગ્રવાદી દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી તેમણે એક અમેરિકી પ્રતિનિધિમંડળને કહેલું કે, “હું ગાઝાને સમુદ્રમાં ડૂબી જતું જોવા માગું છું. પરંતુ એવું તો નહીં બને. એટલે આપણે કોઈ સમાધાન શોધવું પડશે.”
આ વાતને 30 કરતાં વધુ વર્ષ થઈ ગયાં, છતાં પણ હજુ એ સમાધાન મળ્યું નથી.
ગાઝા પટ્ટી એ ઇઝરાયલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સાગર વચ્ચે આવેલ 41 કિલોમીટર લાંબો અને દસ કિલોમિટર પહોળો વિસ્તાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની નાકાબંધી અને કબજાનો ઇતિહાસ ચાર હજાર વર્ષ જૂનો છે.
ઈસવીસન પૂર્વે સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન ઇજિપ્તથી લઈને 16મી શતાબ્દી સુધી ઓટ્ટોમન સામ્રાજ્યના હાથમાં જવા સુધી તેના પર વિભિન્ન રાજવંશો, સામ્રાજ્યો અને લોકો દ્વારા શાસન કરવામાં આવ્યું, નષ્ટ થયું અને ફરી પાછું એ આબાદ થયું. આ ક્રમ અવિરત ચાલતો જ રહ્યો.
ક્યારેક અહીં સિકંદર મહાન, રોમન સામ્રાજ્ય અને મુસ્લિમ જનરલ અમ્ર ઇબ્ન અલ-અસને આધીન પણ આવેલું. આ બદલાવોની સાથે વિસ્તારના ધર્મ, ચડતી-પડતીમાંય ફેરફાર થયા.
ગાઝા 1917 સુધી ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ હતું. ત્યાર બાદ ગાઝા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. જેણે એકીકૃત આરબ સામ્રાજ્યના નિર્માણની જવાબદારી લીધેલી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો અને તુર્કોએ ગાઝા પટ્ટી, ઓટ્ટોમન સામ્રાજ્યના મોટા ભાગના એશિયન આરબ પ્રદેશોના ભવિષ્ય માટે એક કરાર કર્યો. પરંતુ 1919ના પેરિસ શાંતિ સંમેલન દરમિયાન વિજેતા યુરોપિયન શક્તિઓએ એકીકૃત આરબ સામ્રાજ્યની રચનાને અટકાવી દીધી. ત્યાર બાદ તેમણે સમગ્ર પ્રદેશને શ્રેણીબદ્ધ શાસન સ્થાપ્યાં. જેના કારણે આ તાકતો એકમેક વચ્ચે ક્ષેત્રોનું વિભાજન અને સંરક્ષણ કરી શકી.
આમ, ગાઝા પટ્ટી લીગ ઑફ નેશન્સ દ્વારા અધિકૃત પેલેસ્ટાઇનના બ્રિટિશ શાસનનો ભાગ બની ગઈ, આ સ્થિતિ 1920થી 1948 સુધી જળવાઈ રહી.
યુદ્ધો અને ક્ષેત્રોનું વિતરણ
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી અંગ્રેજોએ પેલેસ્ટાઇનનો નિર્ણય કરવાની જવાદારી નવનિર્મિત યુનાઇટેડ નેશન્સને હસ્તાંતરિત કરવાનો નિર્ણય કર્યો.
1947માં સંયુક્ત રાષ્ટ્રે 181મા ઠરાવને મંજૂરી આપી હતી, જે અનુસાર પેલેસ્ટાઇનને કંઈક આ પ્રમાણે વિભાજિત કરાયું : 55% ક્ષેત્ર યહૂદીઓ માટે, જેરુસલેમ આંતરરાષ્ટ્રીય નિયંત્રણમાં અને ગાઝા પટ્ટી સહિતનો બાકીનો વિસ્તાર આરબોને.
મે, 1948માં લાગુ થયેલા આ પ્રસ્તાવથી પેલેસ્ટાઇન પરનું બ્રિટિશ નિયંત્રણ સમાપ્ત થઈ ગયું અને ઇઝરાયલના જન્મનો પાયો નખાયો.
જે બાદ તરત જ લડાઈ ફાટી નીકળી, જેના પરિણામ સ્વરૂપે 1948નું આરબ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું.
આ સંઘર્ષને કારણે હજારો પેલેસ્ટાઇનિયન શરણાર્થીઓ ગાઝા પટ્ટીમાં વસવા મજબૂર મજબૂર બન્યા.
યુદ્ધવિરામ પર હસ્તાક્ષર સાથે જ ગાઝા 1967 સુધી ઇજિપ્તના સંચાલન હેઠળ આવ્યું. આ સ્થિતિ છ દિવસના યુદ્ધના અંત સુધી જળવાઈ રહી.
આ યુદ્ધમાં ઇઝરાયલ ઇજિપ્ત, સીરિયા, જૉર્ડન અને ઇરાકનું સંગઠન ભૂતપૂર્વ સંયુક્ત આરબ ગણરાજ્યથી ટકરાયું.
આ સંઘર્ષમાં જીત ગાઝા પટ્ટી, વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરુસલેમ પર ઇઝરાયલનો કબજો સ્થાપિત થયો, જેના કારણે હિંસક અથડામણો થઈ જે સિલસિલો આજે પણ યથાવત્ છે.
ઇઝરાયલ સામે પેલેસ્ટિનિયન લોકોનો પહેલો વિદ્રોહ 1987માં ગાઝામાં થયો હતો. એ જ વર્ષે ઇસ્લામી સમૂહ હમાસની સ્થાપના થઈ હતી. પછી એ કબજે કરાયેલા અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગયું.
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન લોકો વચ્ચે 1993માં ઓસ્લો કરાર થયા અને તેના કારણે પેલેસ્ટાઇન રાષ્ટ્રીય પ્રાધિકરણ (પીએનએ) નો જન્મ થયો અને તેના પછી ગાઝા અને વેસ્ટ બૅન્કના કેટલાક ભાગોને સીમિત સ્વાયત્તતા આપવામાં આવી.
પછી થયેલી અનેક હિંસક અથડામણો બાદ ઇઝરાયલે 2005માં ગાઝા પટ્ટીથી તેના સૈનિકો અને લગભગ સાત હજાર નિવાસીઓને પાછા બોલાવી લીધા.
તેના એક વર્ષ બાદ ઉગ્રવાદી સમૂહ હમાસનો પેલેસ્ટાઇનિયન ચૂંટણીમાં વિજય થયો, જેના કારણે વર્ષ 2007માં હમાસ અને ફતહ પાર્ટી વચ્ચે હિંસક ઘર્ષણ થયું. એ સમયે ફતહ પાર્ટીના ધ્યક્ષપદે મહમૂદ અબ્બાસ હતા. અને ત્યારથી તે ગાઝા પટ્ટીની સત્તામાં છે. ત્રણ યુદ્ધો અને 16 વર્ષની નાકાબંધી પછી પણ તેણે સત્તા જાળવી રાખી છે.
હમાસે ઇઝરાયલને નષ્ટ કરવાના સોગંદ ખાધા છે અને તે એક ઇઝરાયલની જગ્યાએ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા ઇચ્છે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ઇઝરાયલ પર અનેક ઘાતક હુમલા કર્યા છે.
હમાસ અને કેટલાક કિસ્સામાં તેની સૈન્ય ટુકડીને યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ કિંગડમ તેમજ ઇઝરાયલ સહિતની ઘણી સત્તાઓએ આતંકવાદી જૂથ ગણાવ્યાં છે. આ જૂથને ઈરાનનો ટેકો છે. જે તેને નાણાંની સાથોસાથ શસ્ત્રો તથા તાલીમ પૂરાં પાડે છે.
નાકાબંધી
હમાસ સત્તામાં આવ્યા પછી, ઇઝરાયલ અને ઇજિપ્તે ગાઝા પર જમીન, હવાઈ અને દરિયાઈ નાકાબંધી લાદી દીધી. યુનાઇટેડ નેશન્સ અને માનવાધિકાર જૂથોના આહ્વાન છતાં પણ ઇઝરાયલે 2007થી આ નાકાબંધી જાળવી રાખી છે.
નાકાબંધીની પેલેસ્ટિનિયન નાગરિકો પર વિનાશક અસર પડી છે. તેમને આવાગમનના વ્યાપક પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.
ઇઝરાયલી માનવાધિકાર સમૂહ બી’ત્સેલમ અનુસાર, “ઇઝરાયલે ઇમરજન્સી મેડિકલ પરિસ્થિતિઓ, અમુક માત્રામાં વેપારીઓ સિવાય પેલેસ્ટાઇનના નાગરિકોના આવાગમન પર પ્રતિબંધ લગાવ્યો છે.”
હ્યુમન રાઇટ્સ વૉચે ગાઝાની સ્થિતિને "ઓપન ઍર જેલ" સાથે સરખાવી છે જે ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયનો પર લાદવામાં આવેલા આવાગમન પ્રતિબંધોનો ઉલ્લેખ કરે છે.
ઇઝરાયલ કહે છે કે નાકાબંધીને કારણે જ તે ગાઝાની સરહદો પર નિયંત્રણ રાખી શકે છે અને તે ઇઝરાયલના નાગરિકોને હમાસથી બચાવવા માટે તે જરૂરી છે.
રૅડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટી આ નાકાબંધીને ગેરકાયદેસર માને છે અને કહે છે કે તે જિનીવા પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરે છે. આ આરોપોને ઇઝરાયલી અધિકારીઓ નકારે છે. યુનાઇટેડ નેશન્સ, વિવિધ માનવાધિકાર જૂથો અને ન્યાયશાસ્ત્રીઓ નાકાબંધીને ટાંકીને કહે છે કે ગાઝા હજુ પણ ઇઝરાયલના લશ્કરી કબજા હેઠળ જ છે.
નાકાબંધીને અટકાવવાનો પ્રયાસ કરવા માટે હમાસે ટનલનું એક નેટવર્ક પણ બનાવ્યું છે. જેનો ઉપયોગ તે ગાઝાપટ્ટીમાં માલસામાન, શસ્ત્રો લાવવા અને ભૂગર્ભ કમાન્ડ સેન્ટર તરીકે પણ કરે છે.
ગરીબીરેખા
આયાત અને નિકાસના પ્રતિબંધોવાળી ઇઝરાયલની આ 16 વર્ષની નાકાબંધીએ ગાઝાની અર્થવ્યવસ્થાને પતનના કગાર પર લાવીને મૂકી દીધી છે અને વિશ્વ બૅન્ક અનુસાર અહીંનો બેરોજગારીનો દર 40 ટકા જેટલો છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અહીંની 65 ટકાથી વધુ વસતિ ગરીબીરેખાથી નીચે રહે છે અને ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ ગાઝાની 63 ટકા વસતિને ‘ખાદ્ય અસુરક્ષિત’ ગણે છે. ગાઝા પટ્ટીમાં રહેનારા અડધા પેલેસ્ટાઇનિયન લોકો 19 વર્ષથી ઓછી ઉંમરના છે. પરંતુ તેમની પાસે સામાજિક, આર્થિક વિકાસ કરવા માટે કે બહારની દુનિયા સાથે જોડાવાનો કોઈ રસ્તો નથી.
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર હિંસાના નિરંતર સંપર્કમાં રહેવાને કારણે અહીંનાં બાળકો પર ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડ્યો છે. જેના કારણે ત્યાંના યુવાનોમાં હતાશા અને માનસિક તાણની સમસ્યાઓથી ઝૂઝે છે.
હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે, “ગાઝામાં પેલેસ્ટાઇનિયન લોકોને તેમની જ માતૃભૂમિમાં જ સ્વતંત્ર રીતે ફરવાથી રોકવા એ તેમના જીવનમાં બાધા ઉત્પન્ન કરવા જેવું છે. આ 'ભેદભાવ'ની ક્રૂર વાસ્તવિકતા અને પેલેસ્ટાઇનિયન લોકોના ઉત્પીડનને રેખાંકિત કરે છે. ”
ઇઝરાયેલી બિન-સરકારી સંસ્થા 'ગિશા' અનુસાર, આશરે 360 km2 વિસ્તારમાં અંદાજે 23 લાખ પેલેસ્ટાઇનિયન લોકો રહે છે. આમ, ગાઝા વિશ્વના સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતાં ક્ષેત્રોમાંનું એક છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, લગભગ 6 લાખ શરણાર્થીઓ અહીં અત્યંત ગીચ એવી આઠ શિબિરોમાં રહે છે.
2014માં ઇઝરાયલે ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા રૉકેટ હુમલાઓથી પોતાને બચાવવા માટે સરહદ પર એક સંરક્ષણક્ષેત્ર બનાવ્યું હતું.
તે સીમાંકનથી આ વિસ્તારમાં રહેવા માટે ઘર અને ખેતરો માટે ઉપલબ્ધ જમીનની માત્રામાં ઘટાડો થયો.
ગાઝામાં વીજળીકાપ રોજિંદી ઘટના છે.
યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફૉર ધ કૉ-ઓર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) અનુસાર, મોટા ભાગનાં ઘરોમાં દિવસમાં માત્ર ત્રણ કલાક વીજળી હોય છે.
ગાઝા પટ્ટી તેની મોટા ભાગની વીજળી ઇઝરાયલ પાસેથી મેળવે છે. ગાઝાના એકમાત્ર પાવર પ્લાન્ટમાંથી થોડી વીજળી અને ઇજિપ્ત પાસેથી થોડી વીજળી મળે છે. મોટા ભાગના ગાઝાવાસીઓને પાણીની તંગીનો સામનો કરવો પડે છે.
અહીં સંયુક્ત રાષ્ટ્ર 22 આરોગ્યકેન્દ્રોનું સંચાલન કરે છે. પરંતુ ઇઝરાયલ સાથેના અગાઉના સંઘર્ષમાં ઘણી હૉસ્પિટલો નુકસાન થયું છે અથવા તો તે નાશ પામ્યા છે.