You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ન ખવાય છે, ન ઊંઘ આવે છે', હમાસના હુમલા બાદ માતા ગુમ, ઘરે 6 માસની બાળકી
- લેેખક, જોયેલ ગંટર
- પદ, જેરુસલેમ, ઇઝરાયલ
સેલિન બેન ડેવિડ નાગર ગત રવિવારે મૅટરનિટી રજાના ખુશખુશાલ છ માસના ગાળા બાદ પ્રથમ વખત પોતાના કામે જવા તૈયાર થઈ રહ્યાં હોત.
પરંતુ એ દિવસે તેઓ હમાસના કબજામાં ગાઝામાં ક્યાંક હશે, એવી વાત અંગે વિચાર થવા માંડ્યો. 24 કલાકનું એ દુ:સ્વપ્ન હવે અઠવાડિયા સુધી લંબાઈ ગયું છે.
32 વર્ષીય સેલિન એ શનિવારે સવારે બે મિત્રો સાથે દક્ષિણ ઇઝરાયલમાં આયોજિત નોવા મ્યુઝિક ફેસ્ટિવલ ખાતે ગયાં હતાં, પણ રૉકેટ હુમલાનો અવાજ સંભળાતાં તેઓ પરત ફર્યાં હતાં.
પાછા ફરતી વખતે તેમના જૂથને રસ્તે એક જાહેર બૉમ્બ હુમલાની સ્થિતિ માટે ઉપયોગમાં લેવાતું આશ્રયસ્થળ જોવા મળ્યું અને તેઓ ત્યાં છુપાઈ ગયાં. સવારે 7:11 એ સેલિને તેમના પતિ અને તેમની બાળકી એલીના પિતા ઇડોને અંતિમ મૅસેજ કર્યો હતો.
સેલિને કહ્યું, “સૈનિકો આવી રહ્યા છે, હે ભગવાન! અહીં આવવું એ મારી ભૂલ હતી.”
શનિવારે ઇડો પૂરપાટ ઝડપે દક્ષિણ દિશામાં ગયાં, પણ સૈન્યે તેમને આગળ ન જવા દીધા. રવિવારે તેમને સેલિનની કાર મળી આવી. તેના પર ગોળીનાં નિશાન હતાં.
એ દિવસે બાદમાં તેમને એક સર્વાઇવર મળ્યા, જેમણે ઇડોને જણાવ્યું કે હમાસના ઉગ્રવાદીઓએ આશ્રયસ્થળે બૉમ્બ વડે હુમલો કર્યો હતો, જેમાં સેલિનના મિત્રો મૃત્યુ પામ્યા હતા. એ અજાણી વ્યક્તિએ સેલિનનો એ હુમલામાં આબાદ બચાવ થયાની માહિતી આપી હતી.
આ બનાવ પછીના છ દિવસ સુધી તેમને માત્ર આટલી જ વાત ખબર પડી હતી. જોકે, આ સિવાય અન્ય જે એક વાતની તેમને ખબર નથી એ એ છે કે સેલિનનો મૃતદેહ હજુ સુધી નથી મળી આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'એ જરૂર આવશે'
તેલ અવિવ પાસે તેમના ઘરેથી ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ઇડો જણાવે છે કે, “આવી સ્થિતિમાં તમે સૂતા નથી, ખાતા નથી. આ પાગલપણાની હદ સુધીની અચોકસાઈ છે. તમે બિલકુલ નિરાધાર અનુભવો છો.”
પત્ની વિશે જણાવતાં ઇડો રડી પડે છે. તેઓ ફ્રાન્સમાં મોટાં થયાં છે અને ફ્રેન્ચ-ઇઝરાયલી નાગરિક છે. સેલિન એક લૉ ફર્મમાં ઍડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં હતાં.
પત્ની વિશે તેઓ કહે છે, “એ ખૂબ જ અદ્ભુત મહિલા છે, લોકો તેને પસંદ કરે છે અને મિત્રો પણ.”
“અમારે 6 મહિનાની બાળકી છે. કામ પર પરત જતાં પહેલાંની આ તેની આખરી પાર્ટી હતી. હું તેને રાત્રે પિકઅપ કરવાનો હતો પણ એ ક્યારેય પાછી ન આવી.”
પરિવાર અને મિત્રો એલી (છ મહિનાની બાળકી) માટે ખાવાનું અને દૂધ લઈને આવી રહ્યા છે.
ઇડો બંધકોની વ્યથા પ્રકાશમાં લાવવા જહેમત કરી રહ્યા છે. તેઓ સંબંધીઓ સાથે મળીને વૉટ્સઍપ ગ્રૂપ ચલાવી બંધકો વિશેની માહિતીઓ ભેગી કરી રહ્યા છે.
ગાઝા લઈ જવાયેલા 150 બંધકો વિશે કોઈ માહિતી નથી. ઇઝરાયલ-ગાઝા સરહદ પાસેથી તેમને ઉઠાવી લેવાયા હતા. તેમની આસપાસના મિલિટરી બેઝ પર પરથી લોકોને બંધક બનાવાયા અને તેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
હમાસ કહે છે કે તેણે બંધકોને ટનલ અને સુરક્ષિત જગ્યાએ છૂપાવી દીધા છે. પણ ચેતવણી આપી છે કે જો નાગરિકોનાં ઘરો પર ઇઝરાયલ બૉમ્બ ફેંકશે તો તેઓ તેમને મારી નાખશે.
ઇડો કહે છે, “હું કોશિશ કરી રહ્યો છું. મને આશા છે કે કંઈક સારું થશે. હું માનું છું કે તે જીવે છે. ગાઝામાં છે. કદાચ તેની સાથે રખાયેલા બંધકોમાં જે બાળકો છે તેની તે કાળજી લઈ રહી છે. આશા છે કે તે જાણે કે અમે તેને લાવવા કોશિશ કરી રહ્યા છે અને તે એક દિવસ ઘરે પરત આવશે.”
(સાભાર : ઇદાન બેન અરી)