ગામ આખું ખેતર ખેડે, એક રસોડે જમે, ઇઝરાયલની સમૃદ્ધિનું રહસ્ય શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ હુમલાની ભયાનક અસર કફા અઝા, અને નિર-એમ અને બેરી કિબુત્ઝમાં જોવા મળી હતી. આ કિબુત્ઝો ગાઝા સીમાની પાસે આવેલા છે.

કિબુત્ઝ કોઈ ગામડાં કે કૉલોની નથી, પરંતુ એને વસાહત કહી શકાય. સામ્યવાદ, લોકશાહી, સહકાર વગેરે જેવાં અલગ-અલગ અને પરસ્પર વિરોધાભાસી શાસનસ્વરૂપનું સમન્વય કિબુત્ઝ-વ્યવસ્થામાં જોવા મળે છે.

ભારતના વિવાદાસ્પદ ગુરુ ઓશો રજનીશ પણ આ વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે પણ કિબુત્ઝ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇઝરાયલની સ્થાપનાના પાયામાં જ કિબુત્ઝ-વ્યવસ્થા છે અને દેશ ઉપર થયેલા હુમલાનો પ્રથમ પ્રતિકાર તેણે જ કર્યો હતો.

કિબુત્ઝે માત્ર કૃષિક્ષેત્રે જ નહીં, ઇઝરાયલી સમાજના બૌધ્ધિક વિકાસ, એના સંરક્ષણ અને રાજકીય નેતૃત્વમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

કિબુત્ઝમાં જીવન કેવું હોય છે?

કિબુત્ઝે માત્ર કૃષિક્ષેત્રે જ નહીં, ઇઝરાયલી સમાજના બૌધ્ધિક વિકાસ, એના સંરક્ષણ અને રાજકીય નેતૃત્વમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

હિબ્રૂ ભાષામાં કિબુત્ઝનો મતલબ 'મંડળી' અથવા 'સામૂહિક' એવો થાય છે. તે કૃષિ અને ક્યારેક ઔદ્યોગિક વસાહક સ્વરૂપમાં પણ હોય છે. બ્રિટાનિકા વિશ્વકોશની માહિતી પ્રમાણે :

સૌ પહેલું દેગન્યા કિબુત્ઝ વર્ષ 1909માં તત્કાલીન પેલેસ્ટાઇનમાં અસ્તિત્વમાં આવ્યું હતું. આ પ્રકારની પ્રારંભિક વસાહતોનું સ્વરૂપ નાનું હતું અને ધીમે-ધીમે તેમનું કદ વધવા લાગ્યું અને એણે સામૂહિક સમુદાયનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ યહૂદી વસાહતોએ ઇઝરાયલની સ્થાપનામાં અને પ્રારંભિક વર્ષોમાં ઇઝરાયલી સમાજમાં મોટી ભૂમિકા ભજવી હતી.

પૂર્વ યુરોપના દેશોમાંથી આવેલા 12 યુવા યહૂદી વસાહતીઓએ એ કિબુત્ઝની સ્થાપના કરી હતી. આ કિબુત્ઝની સ્થાપના પાછળ જમીન ખેડતાંખેડતાં એક એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનું સ્વપ્ન સેવાયું હતું, જે સમાનતા બક્ષનારી તો હોય જ, સાથોસાથ એક સામાન્ય જીવનને ઉન્નત અર્થ આપવા પણ સક્ષમ હોય.

આ જ વિભાવના એ પછી અસ્તિત્વમાં આવેલા કિબુત્ઝોએ અનુસરી અને ઇઝરાયલના સમાજમાં કિબુત્ઝ-વ્યવસ્થાને સફળ બનાવી.

આવા કિબુત્ઝોમાં દરેક સભ્ય સમાન ગણાય છે, બધા જ સભ્યોને તમામ કામ કરવાં પડે અને તમામ વસ્તુઓ પર તમામનો હક હોય. સહિયારાપણાની આ ભાવના ત્યાં સુધી વિસ્તરેલી હોય કે કોઈ એક વ્યક્તિને મળતી ભેટ પર પણ સૌનો અધિકાર ગણાય.

કિબુત્ઝમાં કામની કદર કરાય છે અને દરેક કામ સમાન ગણાય છે. દૈનિક કામો વહેંચી દેવાય છે અને એ બદલાતાં પણ રહે છે. એક દિવસ કોઈને વાસણ માજવાં પડે તો બીજા દિવસે એને ઘરની સફાઈ પણ કરવી પડે.

આર્થિક રીતે સમાનપણાની ભાવના વિકસાવા કિબુત્ઝમાં સામૂહિક રસોડે સૌ સભ્યો જમે છે અને એટલું જ નહીં, કપડાં પણ મોટા ભાગે એકસમાન પહેરે. કૃષિ એ કિબુત્ઝનો મુખ્ય આધાર હતો. જોકે, એમાં બાદમાં બીજા વ્યવસાયો પણ ઉમેરાયા.

સમજ જતાં કિબુત્ઝની કૃષિ મબલખ પાક આપનારી સાબિત થઈ અને ધીમે ધીમે આ કિબુત્ઝો તકનીકી રીતે આગળ પડતા ઉદ્યમો પણ બની ગયા. ઇઝરાયલની કુલ વસતિના 2.5 ટકા લોકો કિબુત્ઝમાં રહે છે અને ઇઝરાયલના કુલ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રે 33 ટકા તથા ઔધ્યોગિક ક્ષેત્રે 6.3 ટકાનો ફાળો આપે છે.

લોકશાહી અને કૃષિઆધારિત વ્યવસ્થા એ કિબુત્ઝનાં મુખ્ય લક્ષણો છે. વર્ષ 1948માં ઇઝરાયલની સ્થાપના પછી કિબુત્ઝમાં વ્યક્તિ અને સંપત્તિની દૃષ્ટિએ નિજતા વધી છે.

વ્યાખ્યા પ્રમાણે, 'સામ્યવાદ' એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંશાધનોની માલિકી સહિયારી હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ઉપલબ્ધ કરાવી શકાય. તેમાં વ્યક્તિગત સંપત્તિ નથી હોતી. મહદંશે આ સિદ્ધાંતની આસપાસ માર્કસવાદી, લેનિનવાદી અને માઓવાદી વ્યસ્થાઓ અમલમાં આવી છે.

યહૂદી રાષ્ટ્રીય નિધિ (જ્યુઇશ નેશનલ ફંડ) દ્વારા કિબુત્ઝોને જમીન લિઝ પર આપવામાં આવે છે. તેની સંપત્તિની માલિકી સહિયારી હોય છે.

સમુદાયના સભ્યો માટે ખોરાક, કપડાં, આશરો, સામાજિક તથા આરોગ્યની સેવાઓની વ્યવસ્થા કિબુત્ઝ દ્વારા કરવામાં આવે છે. ગાઝા અને વેસ્ટ બૅન્ક સાથે જોડાયેલી ઇઝરાયલની સીમાઓ ઉપર, જૉર્ડન વૅલી, મૃત સમુદ્ર સહિત દેશભરમાં આવા કિબુત્ઝ આવેલા છે. એટલે જ ઘણી વખત ઇઝરાયલ તરફ આવતા રૉકેટ આ કિબુત્ઝના વિસ્તારોમાં પડે છે.

કિબુત્ઝમાં પુખ્તો માટે અલગ રહેઠાણની વ્યવસ્થા હોય છે, જેમાં તેમને પ્રાઇવસી મળી રહે છે. ભોજન બનવવાનું અને જમવાની વ્યવસ્થા સામૂહિક હોય છે. જ્યારે બાળકોનો ઉછેર એક જગ્યાએ સામૂહિક રીતે થાય છે અને તેમની સંભાળ લેવામાં આવે છે. બધાં બાળકો સમાનપણે શરૂઆત કરે છે અને તેમને સમાન તકો મળે છે.

કિબુત્ઝમાં કોણ રહી શકે અને નફાનું શું થાય?

કિબુત્ઝનાં અમુક લક્ષણો સહકારી મંડળી વ્યવસ્થાને મળતા આવે છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત સ્વરૂપ છે. અમુલ, ગ્રામીણ ખેતઉત્પાદક મંડળીઓ, ઇફ્ફકો, સહકારી બૅન્ક, નિવાસી સહકારી મંડળી વગેરે તેનાં ઉદાહરણો છે.

કિબુત્ઝનું એક લક્ષ્ણ એ છે કે તેમાં સામૂહિક પ્રયાસોથી જે નફો થાય, તેમાંથી સભ્યો માટે ખર્ચ કર્યા બાદ વધેલા નફાનું પુનર્રોકાણ કરવામાં આવે છે. કંઇક આવુંજ સહકારી મંડળીઓ પણ કરતી હોય છે. કિબુત્ઝના સભ્યો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેઓ દર અઠવાડિયે બેઠક કરે છે અને સભ્યો માટે નીતિનિર્ધારણ કરે છે. તેમના પ્રાદેશિકસ્તરે અને પછી રાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિનિધિઓ પણ હોય છે.

તેના સભ્ય બનવા માટે અરજી કરવી પડે છે. તેના માટે લઘુતમ પાત્રતા (અમુક કિબુત્ઝમાં સ્નાતક હોવું ઘટે) અરજદારે પૂર્ણ કરવાની હોય છે. આ સિવાય તેણે ચોક્કસ ફી પણ ભરવી પડે છે. સભ્ય બનનારી વ્યક્તિ સ્વૈચ્છાએ અરજી કરતી હોવાથી સમુદાયના સામાજિક અને આર્થિક નિયમોને અનુસરવા માટે બાધ્ય રહે છે.

વ્યક્તિના શૈક્ષણિક, સાંસ્કૃત્તિક અને સામાજિક જીવન પર કિબુત્ઝની અસર રહે છે. વ્યક્તિ માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમુદાયની હોય છે. આવા સમુદાયો મોટા ભાગની બાબતોમાં સ્વનિર્ભર હોય છે. અમુક કિબુત્ઝ તેના નિવાસ ભાડે આપી શકે છે, જ્યારે અમુકમાં તેની મંજૂરી નથી હોતી.

જેમ સહકારી મંડળીના વિવિધ સ્વરૂપ હોય છે તેમ કિબુત્ઝના પણ અલગ-અલગ સ્વરૂપ હોય છે. અમુક કિબુત્ઝ 'મલ્ટી-કલ્ચરલ' હોય છે, જ્યાં અલગ-અલગ દેશના લોકો પણ આવીને સ્થાયી થઈ શકે છે.

દરેક કિબુત્ઝના સભ્યને 'ઓછામાં ઓછી' અમુક રકમ તો મળે જ છે, જ્યારે અમુક કિબુત્ઝમાં વ્યક્તિને તેના કામના આધારે પગાર પણ મળે છે.

કિબુત્ઝ ગ્રામ રક્ષક દળની જેમ ગામડાની સુરક્ષા માટે તમામ યુવક-યુવતીઓને સજ્જ કરવામાં આવે છે અને ઇઝરાયલના દરેક સૈનિકની જેમ તેમણે પણ ફરજિયાત સૈન્યતાલીમ લેવાની હોય છે.

કિબુત્ઝનાં બદલાતાં સ્વરૂપ

કિબુત્ઝમાં 100થી લઈને એક હજાર સુધીના સભ્ય હોય શકે છે જ્યારે જૂના કિબુત્ઝમાં ત્રણ-ચાર પેઢીથી લોકો સાથે રહેતા હોવાના દાખલા છે. આવા કિબુત્ઝમાં મૂળ સ્થાપક અને તેમના વારસદારો સાથે રહેતા હોવાનું નંધાયેલું છે.

અમુક કિબુત્ઝમાં યહૂદી તરીકે માન્યતા મેળવનારા અને ઇઝરાયલમાં સ્થાયી થનારા ઇમિગ્રન્ટ્સનો પણ સમાવેશ થાય છે. જેનો પ્રવાહ ઇઝરાયલમાં સતત ચાલુ છે.

મોટા ભાગના કિબુત્ઝ બિનસાંપ્રદાયિક હોય છે, છતાં અમુક ધાર્મિક કિબુત્ઝ પણ હોય છે.

એક અનુમાન પ્રમાણે ઇઝરાયના લગભગ અઢીસો જેટલા કિબુત્ઝમાં સવા લાખ જેટલા લોકો રહે છે. 20 જેટલા કિબુત્ઝ ધર્મઆધારિત છે. કેટલાક રૂઢિવાદી છે તો કેટલાક સુધારવાદી.

કલ્પનાલોક જેવી લાગતી કિબુત્ઝ વ્યવસ્થામાં પણ સમય સાથે અનેક પરિવર્તન આવ્યાં છે અને સમૂહને સ્થાને વ્યક્તિ કેન્દ્રસ્થાને આવી રહી છે. કેટલાક કિબુત્ઝે નવાં સ્વરૂપ સ્વીકાર્યાં છે, તો કેટલાકમાં ઐતિહાસિક ઓળખ જાળવી રાખવી કે પરિવર્તન ચાલુ રાખવું તેના વિશે ચર્ચા ચાલી રહી છે.

કિબુત્ઝ અને ઓશો

ભારતના વિવાદાસ્પદ ગુરુ રજનીશે અમેરિકાના ઑરેગનની કાઉન્ટીમાં જમીન ખરીદી હતી અને વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા પોતાના અનુયાયીઓ માટે 'રજનીશપુરમ્'ના સ્વરૂપે મુક્ત અને પરસ્પર પ્રેમ ધરાવતા સમુદાયનું સર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આધ્યાત્મની સાથે કૃષિ, સામૂહિક નિવાસ, સમૂહશ્રમ વગેરે જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કહેવાય છે કે ફોસ્વૉઝ રૂડી નામનાં યહૂદી મહિલા ઓશોની ખૂબ જ નજીક હતાં. હિલટરે આચરેલા યહૂદીઓના નરસંહારમાં તેમનો બચાવ થયો હતો અને ઓશોઆશ્રમનું તેમનું નામ 'હાસ્ય' રાખવામાં આવ્યું હતું.

રૂડી પોતે ઇઝરાયલનાં કિબુત્ઝમાં રહ્યાં હતાં અને પછીનાં વર્ષોમાં ઓશોના સંપર્કમાં આવ્યાં હતાં. ઓશોએ મહારાષ્ટ્રના પૂના ખાતે આશ્રમ સ્થાપ્યો હતો, પરંતુ વર્ષ 1981માં તેઓ તબીબી કારણ આગળ કરીને અમેરિકા ગયા હતા. એ સમયે અનેક સાધકો પણ તેમની સાથે ગયા હતા.

જોકે, અહીં રજનીશપુરમના નિવાસીઓની જીવનશૈલીને કારણે આજુબાજુના વસાહતીઓ સાથે તેમના સંઘર્ષ થયા હતા. એક તબક્કે ઓશોની ઉપર વિઝા ફ્રૉડ કરવાના તથા અમેરિકાની ધરતી ઉપર અમેરિકનોની સામે જૈવહથિયાર વડે હુમલો કરવાના, હિંસા આચરવાના આરોપ પણ લાગ્યા હતા.

એ બાદ ઓશો ભારત આવી ગયા અને ભારતમાં જ તેમનું શેષ જીવન પસાર કર્યું. કમ્યૂન સ્વરૂપે લોકો સાથે રહે અને મળીને કામ કરે એવું કલ્પનાલોક સર્જવાના અનેક સ્થળોએ પ્રયાસ થયા. અમુક સફળ થયા તો અમુક નિષ્ફળ!