You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીસનગર : ખેતીની નવી 'શ્રી દાદા લાડ' પદ્ધતિ શું છે, જેમાં ઓછા ખર્ચે કપાસ બમણો પાકે
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
“મને લોકો ધૂની કે ગાંડો ખેડૂત ગણે છે, કારણ કે જે અખતરો કોઈ ખેડૂત ન કરે એવા અખતરા હું કરું છું.”
તેમણે આંતર ચાસ પાટલા, પીળાં પાટિયાં, પ્રકાશ પિંજર, સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત વ્યવસ્થાપન જેવી શ્રેષ્ઠ પ્રણાલીઓ પદ્ધતિઓ અપનાવી છે.
ગિરીશભાઈ કપાસમાં ‘શ્રી દાદા લાડ કપાસ પદ્ધતિ’ અપનાવનારા બહુ ઓછા ખેડૂતોમાંના એક છે.
તેમનો દાવો છે કે “કપાસના પાકમાં ‘શ્રી દાદા લાડ કપાસ પદ્ધતિ’ અપનાવીને કપાસનું બમણું ઉત્પાદન મેળવ્યું છે. સજીવ ખેતીનો પાક લેવાથી અને તે ખોરાક ખાવાથી, અમારા ઘરમાં છેલ્લાં 7 વર્ષથી કોઈ બીમાર પડ્યું નથી.”
57 વર્ષના અને માત્ર દસમા ધોરણ સુધી ભણેલા આ ખેડૂતે પોતાની કોઠાસૂઝ તથા કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના માર્ગદર્શનના સમન્વયથી અનેક નવા અખતરા કર્યા છે, એટલું જ નહીં, તેમાં તેઓ સફળ પણ થયા છે.
“મને વાંચવું બહુ ગમે છે. વાચનમાંથી જ હું ખેતી વિશે નવું-નવું જાણી લઉં છું. તેમાંથી હું ખેતી અને બીજા વિષયોની શીખ મેળવું છું.” આ શબ્દો છે ગિરીશભાઈ મંગળદાસ પટેલના.
તેઓ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના કુવાસણા ગામના એક અનોખા પ્રયોગશીલ ખેડૂત છે. અનોખા કેવી રીતે? આવો જાણીએ.
પ્રાકૃતિક ખેતીની સાથેસાથે ખેતીની શ્રેષ્ઠ પ્રણાલીઓ અપનાવી
ગિરીશભાઈ છેલ્લાં સાતેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની પાસે કુલ સાત વીઘા જમીન છે. તેમાંથી તેઓ તેમની પોણા બે વીઘા (1 એકર)માં કપાસનો પાક લે છે અને બીજી સવા વીઘામાં ઘઉં, અડદ અને રાઈનો પાક લે છે. કપાસની ખેતીમાં તેમણે શ્રેષ્ઠ પ્રણાલીઓ અપનાવીને સારી ગુણવત્તાનો કપાસનો પાક મેળવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગિરીશભાઈ ખેતીને વધુ ગુણવત્તાભરી અને ઓછી ખર્ચાળ બનાવવા માટે નવુંનવું શીખતા જ રહે છે. તે માટે વિવિધ મિટિંગો, તાલીમો અને ઍક્સપોઝર વિઝિટ્સમાં ભાગ લેતા રહે છે.
તે બાબતે તેઓ કહે છે, “2018માં મારા ગામમાં ડીએસસી સંસ્થાની મિટિંગ યોજાઈ, તેમાં ભાગ લઈને મને ઘણું બધું માર્ગદર્શન મળ્યું. ત્યારથી આજ દિન સુધી હું વીસનગર, કાંસા, ઘાઘરેટ અને કચ્છના કુકમા ગામે જઈને તાલીમોમાં ભાગ લઈ ખેતીનું માર્ગદર્શન લેતો રહું છું.”
તેમણે અત્યાર સુધીમાં આંતર પાક, આંતર ચાસ પાટલા, પીળાં પાટિયાં (યલો સ્ટીકી ટ્રેપ), ઈયળ નિયંત્રણ માટે પક્ષીઓને બેસવાનાં સ્ટેન્ડ, કુદરતી મલ્ચિંગ, વર્મી કમ્પોસ્ટ, જમીન ચકાસણી, પ્રકાશ પિંજર (સોલાર ટ્રેપ), સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત વ્યવસ્થાપન જેવી બેસ્ટ પ્રેક્ટિસિસ (શ્રેષ્ઠ પ્રણાલીઓ) ગણાતી પદ્ધતિઓ અપનાવી છે. તેનો અમલ કરવાથી તેમને તેમની ખેતીમાં ખૂબ ફાયદા થયા હોવાનું તેમનું માનવું છે.
ગિરીશભાઈએ તેમની એક એકર ખેતીની જમીનમાં વર્ષ 2022 દરમ્યાન મહારાષ્ટ્રની ‘શ્રી દાદા લાડ કપાસ પદ્ધતિ’ (દાદા લાડ કોટન પ્રોડક્શન ટેકનૉલૉજી)નો અખતરો કર્યો. આ પદ્ધતિ મહારાષ્ટ્રમાં બહુ જાણીતી છે, પણ ગુજરાતમાં હજુ તે પદ્ધતિ અપનાવનારા બહુ ઓછા ખેડૂતો છે. તેમાંના એક ગિરીશભાઈ છે.
દાદા લાડ કપાસ-ઉત્પાદન પદ્ધતિ એટલે શું? શું ફાયદો થાય?
કપાસમાં નીચેથી છેક ઉપર સુધી સીધી જાય એવી મોનોપોડિઅલ અથવા વેજિટેટિવ (ગુજરાતના ખેડૂતો તેને વિકાસની ડાળી તરીકે ઓળખે છે) ડાળી હોય છે.
તે ડાળીને આ પદ્ધતિમાં છોડ વાવ્યાના 40-45 દિવસ પછી કાપી નાખવામાં આવે છે. આમ કરવાથી દરેક છોડ ઉપરનાં જીંડવાંની સંખ્યા વધે છે અને જીંડવાંનું વજન પણ વધે છે.
પરિણામે, કપાસનું ઉત્પાદન સારું અને વધારે થવાથી તેના વેચાણમાંથી ખેડૂતોને વધારે આવક થાય છે. હાલમાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના 700 ખેડૂતોએ તેમની કુલ 1600 એકર ખેતીની જમીનમાં આ પદ્ધતિ અપનાવીને ફાયદો મેળવ્યો છે.
દાદા લાડ કોણ છે? અને કપાસમાં તેમના નામે ઓળખાતી આ પદ્ધતિનો ઉદભવ કેવી રીતે થયો?
મહારાષ્ટ્રના ખેડૂત દાદા લાડ ભારતીય કિસાન સંઘના મહારાષ્ટ્ર અને ગોવાના ઑર્ગેનાઇઝેશન સેક્રેટરી છે. તેમને બાળપણથી જ કપાસના ઉત્પાદનમાં ખૂબ રસ પડતો, કારણ કે તેમના કુટુંબના નિર્વાહ માટે કપાસનો પાક રોકડિયો પાક હતો.
આજથી 15-16 વર્ષ પહેલાં જ્યારે તેઓ તેમના એક પ્રવાસ દરમિયાન કેળાના એક ખેતરમાં ગયા. ત્યાં તેમણે જોયું કે, ત્યાંના ખેડૂતો વેજિટેટિવ (મોનોપોડિઅલ) એટલે કે છોડની નીચેથી સીધી ઉપર જતી ડાળી કાપી નાખતા હતા. ખેડૂતો સાથેના સંવાદથી તેમને જાણવા મળ્યું કે, તે ડાળી વધારે પોષકતત્ત્વો ખેંચી લે તો સરવાળે પાક ઓછો મળે અને તે ડાળી કાપી નાખવાથી તેમને કેળાનો વધારે પાક મળે છે.
દાદા લાડે કપાસમાં આ પદ્ધતિ અપનાવી જોઈ અને કપાસમાં પણ તેમને તેનાં સારાં પરિણામો મળ્યાં. ત્યારથી કપાસની આ પદ્ધતિ ‘શ્રી દાદા લાડ કપાસ-ઉત્પાદન પદ્ધતિ’ તરીકે ઘણાં રાજ્યોમાં પ્રચલિત છે.
“શ્રી દાદા લાડ પદ્ધતિ અપનાવીને મેં કપાસનું બમણું ઉત્પાદન મેળવ્યું”
ગિરીશભાઈ કહે છે, “હું આ પદ્ધતિ શ્રી દાદા લાડ પાસે રૂબરૂ જઈને શીખ્યો છું. ગયા વર્ષે મારી અડધા એકર જમીનમાં કપાસના 2200 છોડ આ પદ્ધતિથી કર્યા હતા, જ્યારે બાકીની અડધા એકર જમીનમાં 4000 છોડ પરંપરાગત પદ્ધતિથી કર્યા હતા.”
“મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે મને શ્રી દાદા લાડ પદ્ધતિના 2200 છોડમાં આશરે 800 કિલોગ્રામ એટલે કે 40 મણ જેટલો કપાસ મળ્યો. બાકીના 4000 છોડમાં પણ આટલું જ ઉત્પાદન મળ્યું છે. એટલે કે મને આ પદ્ધતિથી લગભગ બમણું ઉત્પાદન મળ્યું.”
સામાન્ય રીતે, કપાસના કાલાનું વજન 4થી 5 ગ્રામ જેટલું હોય છે, પણ આ પદ્ધતિમાં વજન 8થી 10 ગ્રામ જેટલું મળે છે એ વધારાનો ફાયદો. કપાસનો અત્યારનો ભાવ એક મણના 1450 રૂપિયા લેખે ગણીએ તો ગિરીશભાઈને માત્ર અડધા એકરમાં કરેલો 40 મણ કપાસ વેચવાથી 58,000 રૂપિયાની આવક થશે.
મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ખેરવાના વરિષ્ઠ વિજ્ઞાની રમેશ પટેલ કહે છે, “બીજા ખેડૂતો કોઈ નવી પદ્ધતિ અપનાવવી હોય તો વિચાર કરે, પણ ગિરીશભાઈ સાહસ કરીને નવો પ્રયોગ અચૂક કરે. અમારા કેન્દ્ર દ્વારા, ગિરીશભાઈને ડૅમો માટે નિંદામણ કાઢવાનું હાથથી ચલાવવાનું સાધન આપ્યું હતું. તે તેમણે તેમના ખેતરમાં વાપરીને નિંદામણનો મજૂરી ખર્ચ બચાવ્યો અને ઝડપથી નિંદામણ કર્યું. આમ, તેઓ પ્રયોગ કરવા ઉત્સાહી હતા એટલે નિંદામણ સારી રીતે કાઢી શકાયું અને તેમને પ્રાકૃતિક ખેતીમાં કપાસનો સારો પાક મળ્યો.”
ગિરીશભાઈને વર્ષોથી માર્ગદર્શન પૂરું પાડનારી ‘ડીએસસી’ સંસ્થાના વીસનગરના ટીમ લીડર રાજેન્દ્ર પટેલ કહે છે, “તેઓ કૃષિ યુનિવર્સિટીઓનો સીધો સંપર્ક કરવામાં ખચકાટ અનુભવતા નથી. આ વર્ષે તેમણે તલોદ યુનિવર્સિટીનો સંપર્ક સાધીને કપાસનું દેશી બિયારણ મંગાવ્યું અને તેમની એક એકર જમીનમાં તે નોન-બીટી કપાસ વાવ્યો છે. (કપાસના છોડમાં જનિન ઈજનેરી પદ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાંની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરીને વિકસાવવામાં આવે છે તેને બીટી કપાસ કહે છે.) એટલું જ નહીં, પ્રયોગવીર ગિરીશભાઈએ મહારાષ્ટ્રથી સૂરજ અને સુરભિ નામની કપાસની જાતના 50-50 ગ્રામ દેશી બિયારણ મંગાવીને તે પણ તેમની બીજી જમીનમાં ઉગાડ્યા છે.”
ગિરીશભાઈનાં પત્ની વિદ્યાબહેન કહે છે, “હું તો ખેતીને સટ્ટો જ ગણું છું, કારણ કે તેમાં રોકાણ કર્યા પછી પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો નુકસાન જાય અને જો આયોજન પ્રમાણે બધું પાર પડે તો ફાયદો થાય. વળી, અમે તો છેલ્લાં સાત વર્ષથી સજીવ ખેતી અપનાવી છે. તેમાં મિશ્ર પાક લેવાનો હોવાથી અમને તે માથાકૂટવાળું કામ લાગતું, કારણ કે તેમાં મહેનત અને મજૂરી પણ વધતી. રસાયણો વગરની સજીવ ખેતીમાં, નિંદામણ હાથથી જ મજૂરો પાસે કરાવવું પડે એટલે ખર્ચ વધે. જોકે, અમારો કૅમિકલનો ખર્ચ બચ્યો અને સજીવ ખેતીનો પાક લેવાથી અને તે ખોરાક ખાવાથી, અમારાં ઘરમાં છેલ્લાં 7 વર્ષથી કોઈ બીમાર પડ્યું નથી.”
સજીવ ખેતીમાં ગિરીશભાઈની સફળતા જોઈને તેમના ગામના ખેડૂત રામભાઈ પટેલે તેમના 5-6 ભાઈઓના આંબાવાડિયામાં સજીવ ખેતી અપનાવી છે. ગામના બીજા એક ખેડૂત રજનીભાઈ પ્રભુદાસ પટેલે પણ તેમની એક વીઘા જમીનમાં સજીવ ખેતીની શરૂઆત કરી દીધી છે.
ગિરીશભાઈએ કપાસની ખેતીમાં બીજા અનેક પ્રયોગો કર્યા છે અને તેમાં સફળતા મેળવી છે.
આંતર પાટલા પદ્ધતિથી પિયત આપી ખર્ચ ઘટાડ્યો
ગિરીશભાઈ કહે છે, “વર્ષ 2018 પહેલાં મારા પોણા બે વીઘાના કપાસના પાકમાં પિયત આપવાનો ખર્ચ 2240 રૂપિયા જેટલો થઈ જતો, કારણ કે મારે એક પિયત આપવામાં 14 કલાક સુધી પાણીની મોટર ચલાવવી પડતી, એટલે બે પિયતનો મારો ખર્ચ વધી જતો. પરંતુ મેં આંતર પાટલે (ઓલ્ટરનેટ) પિયત આપ્યું. તેથી ઓછું પાણી વપરાયું અને તેના લીધે મારો પિયતનો ખર્ચ લગભગ અડધો થઈ ગયો.”
“એ જ રીતે પહેલાં હું ખેતરમાં કુદરતી મલ્ચિંગ કરતો ત્યારે મગ જેવા આંતરપાકના અવશેષો નાખી તેની ઉપર રોટાવેટર ફેરવી દેતો તેનાથી કચરો વેરાઈ જતો અને જમીનને માત્ર કાર્બન જ મળતો. 2018 પછી હું ખેતરમાં આંતરપાકના અવશેષો ‘વ્યવસ્થિત રીતે પાથરીને મલ્ચિંગ’ કરતો થયો. તેના કારણે અળસિયાની ગતિવિધિને વેગ મળ્યો. તેથી જમીનમાં ભેજ તથા તાપમાન યોગ્ય પ્રમાણમાં જળવાયા. મેં મારી જમીનની ચકાસણી (સોઈલ ટેસ્ટિંગ) પણ કરાવી અને તેમાં રહેલાં કાર્બન, પોટાશ તથા ફોસ્ફરસ વિશે જાણ્યું. તેનાથી મને મારી જમીનમાં રહેલાં પોષકતત્ત્વો વિશે માહિતી મળી.”
ગિરીશભાઈએ જાતે જ ખેતીમાં ઉપયોગી કેટલાંક સાધનો પણ બનાવ્યાં છે.
ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને જાતે બનાવ્યું પ્રકાશ પિંજર
તેઓ કહે છે, “જમીનમાં હવા, પાણી અને પ્રકાશનું 98.5 ટકા બંધારણ તો કુદરતી રીતે હોય જ છે, સવાલ માત્ર ખૂટતા 1.5 ટકાનો જ છે અને તે ઍક્ટિવ કાર્બન, ફોસ્ફરસ અને નાઈટ્રોજનનું વ્યવસ્થાપન કરીને આપણે પૂરું કરી શકીએ છીએ.”
ગિરીશભાઈમાં આવી ઘણી જ્ઞાનભરી સમજણ છે. આવી સમજણ અને કોઠાસૂઝના સથવારે તેમણે પોતે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને પ્રકાશ પિંજર બનાવ્યું છે.
તેમાં તેમણે ખેતરમાં વચ્ચે એક લોખંડનું તબડકું (મોટું ટબ) મૂકી, તેમાં પાણી નાખીને, તે પાણી ઉપર દીવેલ રેડ્યું. તે પછી તબડકા ઉપર એક બલ્બ લટકાવીને તેની પાસે એક પીળો કાગળ લગાવી દીધો છે. તેમના આ સાદા પ્રયોગને કારણે હાનિકારક જીવાતો ખેંચાઈને દીવેલવાળા પાણીમાં પડી જાય છે અને તેમના પાકને નુકસાન થતું અટકે છે.
ગિરીશભાઈના પરિશ્રમ અને ખેતીના વ્યવસ્થાપન વિશે ‘ડીએસસી’ના વીસનગરના અલ્પેશ પટેલ કહે છે, “ગિરીશભાઈ હંમેશાં નવું-નવું શીખીને તેનો અમલ પણ કરતા રહે છે. કોઈ પણ નવી પદ્ધતિ અપનાવવાની હોય તો તેઓ હંમેશાં આતુર હોય અને પોતાના ખેતરમાં તેનો અખતરો કરવાનું સાહસ કરતા રહે એવા સાહસિક ખેડૂત છે. એ રીતે તેઓ એક પ્રગતિશીલ ખેડૂત છે.”
અત્યાર સુધીમાં 1000થી વધારે ખેડૂતોને ‘શ્રી દાદા લાડ પદ્ધતિ’ની તાલીમ આપી
ગિરીશભાઈ આખા ગુજરાતમાં ખેડૂતોને દાદા લાડની પદ્ધતિ સમજાવવા પોતાના ખર્ચે જાય છે. હમણાં બે મહિના પહેલાં થરા માર્કેટ યાર્ડની કારોબારી સમિતિના સભ્યો તેમના ખેતરની મુલાકાતે આવીને ગયા. તે પછી તેઓ પણ ત્યાં જઈને અનેક ખેડૂતોને આ પદ્ધતિ વિશે સમજાવીને આવ્યા. અત્યાર સુધીમાં તેમણે 1000થી વધારે લોકોને ‘શ્રી દાદા લાડ પદ્ધતિ’ની તાલીમ આપી છે.”
જીવામૃત જેવા જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી ભૂંડનો ત્રાસ દૂર થયો
ગિરીશભાઈએ જીવામૃત જેવા જૈવિક ખાતર અને છાછામૃત જેવા બાયોપેસ્ટિસાઈડનો ઉપયોગ કરીને ભૂંડનો ત્રાસ અટકાવ્યો છે. શેઢેપાળે તુવેર કરીને કપાસમાં ઈયળ આવતી અટકાવી છે. તેમનામાંથી પ્રેરણા મેળવીને કુવાસણા ગામના જ યુવાન ખેડૂત કિંજલભાઈ દશરથભાઈ પટેલે જીવામૃત અને કમ્પોસ્ટ ખાતર બનાવીને પોતાના ખેતરમાં વાપર્યું છે.
ગામના એક ખેડૂતનો તમાકુનો પાક બગડતો અટકાવ્યો
ગામના બીજા એક ખેડૂત પોપટલાલ જેઠાભાઈ પટેલના ખેતરનો તમાકુનો પાક વળી ગયો હતો. ગિરીશભાઈએ તેમાં જીવામૃત છાંટવાનો અને પિયતનાં પાણી સાથે જીવામૃત આપવાનો પ્રયોગ કરાવ્યો. તેનું ચમત્કારિક પરિણામ મળ્યું અને પોપટભાઈનો તમાકુનો પાક બગડતો અટકી ગયો.
સામાન્ય રીતે, રાસાયણિક ખેતીમાં ખેડૂતો એક સિઝનમાં તેમની જમીનમાં એક જ પાક લેતા હોય છે. ગિરીશભાઈએ આ વર્ષે 2023માં તેમની એક એકર જમીનમાંથી 30 x 30 મીટરમાં ત્રણ સ્તરની ખેતી (મલ્ટિ-લેયર ફાર્મિંગ)નો નવો પ્રયોગ આદર્યો છે.
ત્રી-સ્તરીય ખેતી કે મલ્ટિ-લેયર ફાર્મિંગ શું છે?
બહુ-સ્તરવાળી ખેતી એ પાક ઉત્પાદનની એક પદ્ધતિ છે, જેમાં જમીનના એક જ ટુકડા પર એક અથવા વધુ પાક વારાફરતી ઉગાડવામાં આવે છે. મલ્ટિ-લેયર ફાર્મિંગનો હેતુ નફાકારકતા અને ઉત્પાદકતા વધારવાનો છે. તેનાથી ખેતીની એકંદર કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
આ પદ્ધતિમાં એક જ જમીનમાં એકસાથે એકથી વધુ પાક લેવાતા હોવાથી પાક નિષ્ફળતા અને ભાવની વધઘટ સાથે સંકળાયેલાં જોખમો ઘટે છે.
આ વર્ષે 2023ના ચોમાસામાં તેમણે સંસ્થાનું માર્ગદર્શન મેળવીને ત્રી-સ્તરીય ખેતીમાં જમીનની અંદર આદું-હળદર વાવ્યાં છે. તે પછી જમીનની ઉપર ચોળી, ભીંડા, ગવાર, રીંગણ, ટામેટાં, મરચાં વાવ્યાં છે. તેમ જ તેની ઉપર મંડપ બાંધીને કાકડી, તુરિયા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી વાવ્યાં છે.
કુવાસણા ગામમાં અત્યાર સુધી ગિરીશભાઈ સિવાય કોઈ ખેડૂતે આ પ્રયોગ કર્યો નથી. ગિરીશભાઈ સિવાય વીસનગર તાલુકામાં માત્ર દેણપ ગામમાં ખેડૂત રાજુભાઈ પટેલના ખેતરમાં અને વડબાર ગામમાં એક ખેડૂતે આ વર્ષે ત્રી-સ્તરીય ખેતીનો પ્રયોગ કર્યો છે. ત્રી-સ્તરીય ખેતીથી તેમને એક જ જમીનમાં એકથી વધારે પાકનું ઉત્પાદન મળશે.
ગિરીશભાઈની ખેતીને જોવાની અનોખી દૃષ્ટિ છે. તેઓ કહે છે, “મારો ધર્મ ખેતી છે. હું મંદિરમાં જવું જ પડે એવો કોઈ નિયમ રાખતો નથી. મંદિરમાં પૈસા આપવાને બદલે હું ખેતી વિશે નવુંનવું શીખવા પાછળ ખર્ચ કરવામાં માનું છું. હું નિષ્ઠાપૂર્વક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી અપનાવીને દેશની સેવા કરું છું એ જ મારો ધર્મ.”