You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ પરિવારોની કહાણી જેઓ સરકારી યોજના હેઠળ કેરીની ખેતી કરી કમાય છે હજારો
- લેેખક, આનંદ દત્તા
- પદ, બીબીસી માટે
“છેલ્લાં બે વર્ષથી અમે આ બગીચાઓથી લગભગ 40 હજાર રૂપિયાની કેરી વેચીએ છીએ. આ પૈસા પાંચ પરિવારોમાં વહેંચાય છે, કારણ કે આ જમીનમાં એમની પણ ભાગીદારી છે.”
ટોલા ગામના પ્રધાન મહાવીર પરહિયા મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરંટી ઍક્ટ, 2005) અંતર્ગત થતી કેરીની ખેતીને લીધે થતી આવક વિશે ઉપરોક્ત વાત કરે છે.
પ્રખ્યાત અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝે અહીં વર્ષ 2016માં મનરેગા અંતર્ગત કેરીની ખેતી શરૂ કરાવી હતી. કુલ 300 છોડ વાવવામાં આવ્યા હતા.
હવે અંદાજે સાત વર્ષ પછી તેમાંથી મોટા ભાગના આંબા ફળ આપવાની તૈયારીમાં છે.
મનરેગા યોજના કઈ રીતે ગરીબ લોકોના જીવનને પ્રભાવિત કરે છે તેનો એક આદર્શ નમૂનો આ ગામમાં જોવા મળ્યો છે.
આ પહેલથી ઝારખંડના આદિવાસી વિસ્તારોનાં લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
તેમાં પણ ખાસ કરીને ઝારખંડના લાતેહાર જિલ્લામાં આ યોજના ગરીબો અને જરૂરિયાતમંદો માટે 'વરદાનસમી' સાબિત થઈ રહી છે.
લંકા ગામનો ઊંચવાબાલ ટોલા વિસ્તાર આદિમ જનજાતિઓના લોકોનો છે. અહીં કુલ 60 પરિવારો એટલે કે લગભગ 300 લોકો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બગીચાના લાભાર્થીઓમાંથી એક એવા મનમતિયા પરહિયા કહે છે, “કેરી સાથે અમે ભીંડા, કાકડી, ડુંગળી, લસણ, ચણા, સાગ અને અન્ય શાકભાજી પણ ઉગાડીએ છીએ. અમારે બજારમાંથી માત્ર તેલ અને મસાલા જ ખરીદવાં પડે છે. જ્યારે શાકભાજીની સિઝન ન હોય ત્યારે અમે જંગલમાંથી કંદમૂલ લાવીને ભોજન રાંધીએ છીએ.”
બગીચામાં કામ કરતા તારા દેવી કહે છે, “કેરીના પૈસાથી શાકભાજીના બીજ, છોડની ખરીદી કરીએ છીએ. મારે એક ત્રણ વર્ષનું સંતાન છે, જે પૈસા બચે છે તેને હું તેનાં શિક્ષણ અને કપડાં માટે જમા કરું છું.”
સરકારી યોજના બની વરદાન
આ ગામ અને પરહિયા આદિમ જનજાતિ સમુદાય માટે મનરેગા કોઈ વરદાનથી ઓછું નથી. ગ્રામ પ્રધાન મહાવીર પરહિયા પ્રમાણે તેમની ટુકડી એ ગુલામ મજૂરોની ટુકડી હતી.
તેઓ કહે છે કે, “ લંકા ગામમાં અનુસૂચિત જાતિ અને સવર્ણો બંને મોટા પ્રમાણમાં રહે છે. નેવુંના દાયકા સુધી અમે લોકો એક રૂપિયો લઈને આખો મહિનો મજૂરી કરતા હતા.”
“મનરેગા આવ્યા પછી પણ ઊંચી જાતિના લોકો જ તેનું ટૅન્ડર લેતા હતા અને અમારી ટુકડીમાંથી કોઈને કામ આપતા ન હતા. વર્ષ 2016માં અમને પહેલી વાર કામ મળ્યું.”
મનરેગા યોજનાને સૌપ્રથમ 2006માં લાગુ કરવામાં આવી હતી.
બીનાદેવી પણ મનરેગાનાં કામદાર છે અને તેઓ પણ વર્ષ 2016થી મનરેગા હેઠળ મજૂરી કરી રહ્યાં છે.
પરંતુ એ વર્ષના એમના લગભગ બે હજાર રૂપિયા બાકી છે જે હજુ સુધી નથી મળ્યા. જોકે પછી તેમણે જેટલા દિવસ કામ કર્યું તેના પૈસા તેમને મળ્યા છે.
પરહિયા જનજાતિ પાસે મનરેગા હેઠળ આંબાના બગીચાનું કામ કરાવવું એ મૂળભૂત રીતે મુશ્કેલ હતું. કારણ કે આ જનજાતિ મુખ્યત્વે જંગલોમાંથી મળતાં કંદમૂલ અને શિકાર પર નિર્ભર રહેવાવાળી જનજાતિ મનાય છે.
ઝારખંડ મનરેગા સંઘર્ષ સમિતિના સંયોજક જેમ્સ હેરેન્જ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “ પરહિયા જનજાતિ અત્યારે પ્રી-ઍગ્રિકલ્ચર સ્ટેજ પર છે. તેઓ હજી ખેતીમાં પ્રવેશ કરી રહ્યા છે. કોઈને એ વાતનો અંદાજો ન હતો કે આ લોકો આવું શ્રેષ્ઠ કામ કરી શકશે.”
પરંતુ જ્યાં દ્રેઝ સહિત સમગ્ર ટીમ અને ગામના લોકોએ આ વાતને એક પડકાર તરીકે સ્વીકારી. જ્યાં દ્રેઝ માટે મનરેગા યોજનાને માળખું આપવું એ એક અલગ વાત હતી પરંતુ તેનો ખરેખર પર અમલ કરવો એ પણ અલગ વાત હતી. તેઓ પણ સાથે શીખી રહ્યા હતા કે યોજના લાગુ થયા પછી તેનો પ્રભાવ કેટલો પડ્યો છે અને સ્થિતિ કેટલી બદલાઈ છે.
“વર્ષ 2010-11 આસપાસ મનરેગા હેઠળ કૂવાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જે લોકોને કૂવા મળ્યા તેઓ સપનામાં પણ વિચારી શકતા ન હતા કે આવું શકય બનશે. તેના પ્રભાવનું પણ આંકલન કરવામાં આવ્યું. એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે તેના પછી ખેતી પણ સારી રીતે થવા લાગી અને પરિવારોની આવક પણ વધી.”
ઊંચવાબાલમાં પણ મનરેગા હેઠળ છ કૂવાઓ ખોદવામાં આવ્યા છે. ગ્રામજનો તેનો ઉપયોગ ખેતીમાં કરી રહ્યા છે.
તો આ મૉડલ બીજે કેમ લાગુ ન કરવામાં આવ્યું?
ઊંચવાબાલ ટોળા ગામ મનરેગા હેઠળ આંબાના બગીચા તૈયાર કરીને, ત્યાં ખેતીનું એક સફળ મૉડલ રજૂ કરી રહ્યું છે.
પરંતુ સવાલ એ છે કે આ સફળ મૉડલ છે તો તેને રાજ્યમાં બીજા વિસ્તારોમાં કેમ લાગુ નથી કરવામાં આવતું?
જ્યાં દ્રેઝ કહે છે, “ઝારખંડમાં મોટા ભાગે નાના ખેડૂતો છે, જે પોતાના બળે જોખમ ખેડીને રોકાણ કરી શકતા નથી. તેમની પહેલી પ્રાથમિકતા તેમનું પેટ ભરાય એટલી ખેતી કરવાની હોય છે. આ ફળદ્રુપ જમીનને કેરીના બગીચામાં રૂપાંતરિત કરવું એ તેમના માટે જોખમી સોદો નીવડી શકે છે.”
તેઓ આગળ કહે છે, “નફો વધારે મળશે પરંતુ પાંચ વર્ષ પછી મળશે. એવા સંજોગોમાં જ્યારે ખેડૂત પાસે માહિતી ઓછી હોય ત્યારે જોખમ હજુ વધી જાય છે.”
જોકે હવે પરિણામો સૌની સામે છે. આંબાના બગીચાઓમાં ખેતી પણ સાથે થઈ રહી છે એટલે હવે ઓછું જોખમ છે. હવે બીજી જગ્યાઓએ પણ આ પ્રકારે કામ કરવાથી પરિણામો વધુ સારાં મળશે અને લોકો આ કામમાં જોડાશે પણ ખરા.”
આ જ સવાલના જવાબમાં જેમ્સ હેરેન્જ કહે છે, “ઝારખંડ સરકારે ‘બિરસા હરિત ગ્રામ યોજના’ અંતર્ગત સમગ્ર ઝારખંડમાં 28,000 વૃક્ષો વાવ્યાં છે.”
જેમ્સ આ સમગ્ર પ્રક્રિયાના બીજા પ્રભાવો પર પણ વાત કરતાં કહે છે, “:જાગૃતિ આવવાને કારણે ગામના લોકો ડાક યોજના, આદિમ જનજાતિ પેન્શન યોજનાનો પણ લાભ લઈ રહ્યા છે. આજની તારીખમાં તેઓ શોષણથી સંપૂર્ણપણે મુક્ત છે.”
ટોલામાં ખૂબ મોટી સંખ્યામાં મહુડાનાં વૃક્ષો છે. અત્યારે મહુડો વીણવામાં આવી રહ્યો છે. અહીંની મહિલાઓ તે કામ કરી રહી છે. તેને બજારમાં 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચી રહી છે. મહુડો વીણવામાં નાનાં બાળકો પણ મદદ કરી રહ્યાં છે.
શું આ બાળકો શાળાએ નથી જતાં?
ગામના બનવારી પરહિયા કહે છે, “ ટોલામાં એક શાળા છે પરંતુ ત્યાં માત્ર બે જ શિક્ષક છે. તે માત્ર હાજરી પૂરીને જતા રહે છે. બાળકોને દરરોજ મધ્યાહ્ન ભોજન પણ મળતું નથી.”
આ આદિમ જનજાતિના લોકો શાળા સુધી કેવી રીતે પહોંચ્યા તેના પાછળ પણ એક કહાણી છે.
મહાવીર પરહિયા કહે છે, “વર્ષ 2002માં ટોલાના લોકોએ મળીને લાકડાં અને ભૂંસામાંથી એક શાળા બનાવી. અહીં લંકા ગામમાં જ રહેનાર ઉરાંવ જનજાતિનાં શિક્ષિત છોકરા બાળકોને ભણાવવા આવતા હતા.”
“એ સમયે પ્રતિ બાળક અમે તેમને પાંચ રૂપિયા આપતા હતા. કુલ 35 બાળકો સાથે આ શાળા શરૂ થઈ હતી. આજે એ સરકારી શાળા બની ગઈ છે. ગામનાં ઘણાં બાળકો લાતેહાર, ગુમલા, રાંચીની આદિવાસી આવાસી શાળાઓમાં ભણી રહ્યાં છે.”
ટોલાના સુનીલ પરહિયા 10મું ધોરણ પાસ છે. તેઓ 11મા ધોરણની સાથે સાથે ગામમાં મનરેગા અને અન્ય કામોનો હિસાબ રાખે છે. કોને કેટલા પૈસા મળ્યા, કોના કેટલા પૈસા બાકી છે વગેરે બાબતોનો તેઓ ખ્યાલ રાખે છે.
ટોલા ગામ ઓરંગા નદીને કિનારે આવેલું છે.
અહીં મોટા પ્રમાણમાં રેતી છે. ટોલાના લોકોએ એવું કહ્યું કે રેતી લઈ જનારા લોકોએ પ્રતિ ટ્રેકટર ટોલા ગામની સમિતિને 200 રૂપિયા આપવા પડશે.
આ પૈસાથી તેઓ અત્યારે એક સામુદાયિક ભવનનું નિર્માણ કરી રહ્યા છે.
જરૂરી સુવિધાઓનો હજુ પણ અભાવ
મનરેગાના ઊંચવાબાલના આદિવાસીઓને ગુલામીવાળી મજૂરીમાંથી મુક્તિ મળી, તેમની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવ્યો, પરંતુ તેમને હજુ સુધી મૂળભૂત સુવિધાઓ મળી શકી નથી.
ટોલાના બિગો ઉરાઈન જણાવે છે, “ બે વર્ષ પહેલાં સુધી ટોલા સુધી આવવા માટે કોઈ સડક ન હતી. સરકાર અને પંચાયતના પ્રમુખની સામે માંગણીઓ કરી કરીને અમે થાકી ગયા. પરંતુ અમને તે સુવિધા ન મળી. પછી અમે લોકોએ 20 દિવસ સુધી શ્રમદાન કરીને લગભગ સાડા ત્રણ કિલોમીટર કાચી સડકનું નિર્માણ કર્યું.”
આ સિવાય ટોલાના 60 પરિવારોમાંથી કોઈની પાસે જાજરુંની સુવિધા નથી. વીજળી પણ નથી. પરંતુ કેરી સાથે શાકભાજીની સફળ ખેતીથી તેમના જીવનમાં થોડી ઘણી આશાનું કિરણ દેખાયું છે.
ઝારખંડના લાતેહાર જિલ્લાના મણિકા વિસ્તારમાં આવેલા લંકા ગામમાં પરહિયા આદિમ જનજાતિના લોકો રહે છે.
ઝારખંડમાં સબર, કોરવા, અસુર, બિરહોર, પરિયા, પહાડિયા, માલ પહાડિયા અને બિરજીયા જેવી આદિમ જનજાતિઓને વિલુપ્ત થવા આવેલી જાતિઓની કક્ષામાં મૂકવામાં આવી છે.
વર્ષ 2011ની વસ્તીગણતરી અનુસાર પરહિયા આદિમ જનજાતિનાં લોકોની સંખ્યા માત્ર 25,585 છે. તેઓ મુખ્યત્વે લાતેહાર અને પલામૂ જિલ્લાઓમાં રહે છે. જ્યારે સમગ્ર ઝારખંડમાં આદિમ જનજાતિનાં લોકોની સંખ્યા 2,92,359 છે.
મનરેગા હેઠળ કેટલી મજૂરી મળે છે?
આ વર્ષે કેન્દ્ર સરકારના બજેટ પછી મનરેગા વિશે થઈ રહેલી ચર્ચાઓ હજુ સુધી અટકી નથી.
એક બાજુ એવું માનવામાં આવી રહ્યું છે કે મનરેગાના બજેટમાં મૂકવામાં આવેલા કાપનું નુકસાન સમાજના સૌથી નીચેના વર્ગને થશે, બીજી તરફ માર્ચ મહિનાના અંતમાં મનરેગાના કામદારોની મજૂરીમાં પણ વધારો થયો છે.
ઝારખંડમાં મજૂરી 210 રૂપિયા પ્રતિ દિવસથી વધીને 228 રૂપિયા થઈ છે. આ સિવાય 27 રૂપિયા રાજ્ય સરકાર આપે છે. તેના કારણે હવે 255 રૂપિયા પ્રતિદિન મજૂરી મળશે.
રાજધાની રાંચીથી 133 કિલોમીટર દૂર આવેલા લાતેહાર જિલ્લાના મણિકા વિસ્તારના લંકા ગામનાં બીનાદેવી પરહિયા આદિમ જનજાતિનાં છે.
બીના દેવી કહે છે, “શું અમે હંમેશાં મુસીબતોમાં જ જીવન ગાળીશું? આ તો બહુ સારી વાત છે કે અમારી મજૂરી વધી ગઈ છે. હવે બાળકોનું સારી રીતે ભરણપોષણ થશે.”
એ વાત સ્વાભાવિક છે કે મજૂરીમાં વધારાને કારણે કામદારોમાં ખુશીનો માહોલ છે. પરંતુ અલગ અલગ રાજ્યોમાં આ વધારો અલગ-અલગ છે. આ વિષય પર બિહારનાં જનજાગરણ શક્તિ સંગઠનનાં આશીષ રંજન કહે છે, “ વધારો તો થવાનો જ છે પરંતુ તે હજી લઘુત્તમ મજૂરી દરની આસપાસ પણ પહોંચી શક્યો નથી. આ હજી અપૂરતું છે અને સરકારે જ બનાવેલા લઘુત્તમ મજૂરી દરના કાયદાનો ભંગ છે.”