ખેતરમાં દવા છાંટતા ભાઈને ઝેરી અસર થતાં એવું મશીન બનાવ્યું, જે સ્ટાર્ટ-અપનું નિમિત્ત બન્યું

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ચિત્તે પિમ્પલગાંવમાં રહેતા યોગેશ ગાવંડે કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના જીવનમાં એક ઘટના બની હતી.

યોગેશ સંભાજીનગરની એક એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહ્યા હતા. એ વખતે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરતી વખતે તેમના પિતરાઈ ભાઈને એ ઝેરી દવાની અસર થઈ હતી.

એ ઘટનાને પગલે યોગેશના જીવનમાં નવો વળાંક આવ્યો હતો, જે બાદમાં સ્ટાર્ટ-અપના પ્રારંભનું નિમિત્ત બન્યો હતો.

યોગેશની એ સ્ટાર્ટ-અપ કંપનીમાં ઉત્પાદિત કરવામાં આવતા ખેતરમાં જંતુનાશક દવા છાંટવાના (સ્પ્રેઈંગ) મશીનની માગ દેશ-વિદેશમાં આજે ઉત્તરોત્તર વધી રહી છે.

જે ઘટનાને કારણે સ્ટાર્ટ-અપની યાત્રા શરૂ થઈ હતી એ ઘટના યોગેશને આજે પણ બરાબર યાદ છે.

આ રીતે થઈ હતી શરૂઆત

યોગેશ કહે છે, “હું એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે ખેતરમાં જંતુનાશક દવા છાંટતી વખતે મારા પિતરાઈ ભાઈને ઝેરી અસર થઈ હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે તું એન્જિનિયરિંગ કરી રહ્યો છે તો અમારા માટે પણ કંઈક કર. તારે ખેડૂતો માટે પણ કંઈક કરવું જોઈએ એવું મારા પિતાએ કહ્યું હતું.”

યોગેશનાં માતા-પિતા ખેતીકામ કરે છે. યોગેશે પિતાના આગ્રહનો આદર કરીને એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન જ એક સ્પ્રેયર બનાવ્યું હતું.

તેણે બનાવેલા સ્પ્રેયરને કૉલેજની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું અને અન્ય એક કૉલેજની સ્પર્ધામાં તેને રૂ. 1,500નું ઇનામ મળ્યું હતું.

એ પછી વધુ એક વર્ષ તેણે પ્રોડક્ટને વધુ સારી બનાવવા માટે કામ કર્યું હતું અને 2019માં પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું.

યોગેશ કહે છે, “કંપની શરૂ કર્યા પછી અમને પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીમાં ઉત્કર્ષ એગ્રીબિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરની સુવિધા મળી. અમને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (આરકેવીવાય) તરફથી ભંડોળ પણ મળ્યું. તેમાંથી અમે અમારી નવી પ્રોડક્ટ વિકસાવી. તેનું ટેસ્ટિંગ ડો. બાળાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠમાં કરવામાં આવ્યું હતું.”

સંભાજીનગરના વાળૂજ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી યોગેશની નિયો ફાર્મટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની હાલ ચારથી પાંચ પ્રકારનાં સ્પ્રેયર બનાવે છે. તેમાં સ્વચાલિત અને બૅટરી વડે સંચાલિત યંત્રોનો સમાવેશ થાય છે.

પાઇપ કટિંગ, વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ અને એસેમ્બ્લિંગની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મશીન તૈયાર થાય છે.

સ્પ્રેયરના ફાયદા

ખેતરમાં જંતુનાશકના છંટકાવ માટેના પરંપરાગત પમ્પને પીઠ પર ઊચકવો પડે છે. તેને કારણે છંટકાવ કરનાર વ્યક્તિને ઝેરી અસર થઈ શકે છે. વાસ્તવમાં એવી ઝેરી અસરને કારણે ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે.

સ્પ્રેયરના ફાયદા વિશે વાત કરતાં યોગેશ કહે છે, “નિયો સ્પ્રે પમ્પને પીઠ પર ઊચકવો પડતો નથી. તેનું હેન્ડલ પકડીને આગળ ધકેલવાનો હોય છે. તેથી જંતુનાશક દવા ખેડૂતના શરીર પર ઢોળાઈ જવાનું, તે શ્વાસમાં જવાનું, ઝેરની અસર થવાનું જોખમ હોતું નથી. દવા છાંટવાને કારણે ચામડી પર થતી ખંજવાળ આવવા જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી પણ બચી શકાય છે. આ એક મશીન ચાર માણસનું કામ કરે છે. પીઠ પર ઊચકેલા પમ્પ વડે એક એકર જમીનમાં દવાનો છંટકાવ કરવામાં દોઢથી બે કલાકનો સમય લાગે છે, જ્યારે આ પમ્પ વડે તે કામ માત્ર 20-30 મિનિટમાં કરી શકાય છે.”

હવે મિકેનિકલ એન્જિનિયર બની ગયેલા યોગેશે આજ સુધીમાં 4,000થી વધુ મશીન વેચ્યા છે. તેમણે બનાવેલું સ્પ્રેયર મશીન દેશનાં 20 રાજ્યો ઉપરાંત કેન્યા જેવા દેશમાં પણ પહોંચ્યું છે.

યોગેશ કહે છે, “પહેલા વર્ષે અમે લગભગ રૂ. 20-21 લાખનો બિઝનેસ કર્યો હતો. એ પછી કોવિડ ફાટી નીકળ્યો હતો. અમે ટકી રહ્યા. અમે રૂ. 22 લાખનું ટર્નઓવર કર્યું હતું. એ પછી રૂ. 55 લાખ અને ગયા વર્ષે અમે રૂ. એક કરોડથી વધુનું ટર્નઓવર કર્યું હતું.”

ભવિષ્યની યોજના

યોગેશ હવે ઑટોમૅટિક ઇલેક્ટ્રિક સ્પ્રેયર બનાવવાના છે. તેના સ્ટાર્ટ-અપને એ માટે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ કાર્યક્રમ હેઠળ નીતિ આયોગ નાણાકીય સહાય આપી રહ્યું છે.

યોગેશ કહે છે, “ઇલેક્ટ્રિક સ્કૂટરની માફક અમે ઇલેક્ટ્રિક સ્પ્રેયર બનાવીએ છીએ. તેને લીધે ખેડૂતોએ સ્પ્રેયરને ધક્કો નહીં મારવો પડે. મશીન જાતે ચાલશે અને જંતુનાશકનો છંટકાવ કરશે.”

યોગેશ હાલ તેમનો બિઝનેસ વિસ્તારવાની તૈયારી કરી રહ્યા છે. એ માટે તેમણે વાળૂજમાં નવી જગ્યા લીધી છે. ત્યાં હાલ સમારકામ ચાલી રહ્યું છે.

સવાલ થાય કે યોગેશના સ્ટાર્ટ-અપની સફળતાનો મંત્ર શું છે?

યોગેશ કહે છે, “આપણે શેની સર્વિસ આપીએ છીએ અને કેવી પ્રોડક્ટ બનાવીએ છીએ તેમજ લોકોને તેની ખરેખર જરૂર છે કે કેમ તે જોવું મહત્ત્વનું છે. લોકો એ માટે આપણને પૈસા આપવા તૈયાર થશે કે કેમ તે વિચારવું સૌથી વધુ મહત્ત્વનું છે.”

યોગેશને હાલ એક ખાનગી કંપની પાસેથી 1,000 મશીનનો ઓર્ડર મળ્યો છે. હાલ તે ઓર્ડર પૂરો કરવા માટે યોગેશ મહેનત કરી રહ્યા છે.

યોગેશનું આ સ્ટાર્ટ-અપ છ જણને રોજગાર આપે છે.

યોગેશે બનાવેલા સ્પ્રેયરની કિંમત, તેના પ્રકાર અનુસાર રૂ. 10,000થી શરૂ થાય છે.

યોગેશ હવે સરકારી સબસિડી દ્વારા આ મશીન ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે.