મનરેગા: મોદી સરકારે મજૂરોની યોજનાના બજેટમાં કેમ ઘટાડો કર્યો?

    • લેેખક, આનંદ દત્ત
    • પદ, બીબીસી માટે

સૌથી પહેલાં જાણી લો કે મનરેગા શું છે?

  • મનરેગા દ્વારા કામ કરવાનો અધિકાર અધિનિયમ ઑગસ્ટ 2005માં પસાર કરવામાં આવ્યો હતો. આ યોજના ભારતમાં એપ્રિલ 2008થી લાગુ કરવામાં આવી છે.
  • આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિને 100 દિવસ માટે રોજગાર આપવાની જોગવાઈ છે.
  • મનરેગા યોજનાનું અમલીકરણ ગ્રામ પંચાયતના નિયંત્રણ હેઠળ છે.
  • મજૂરને પાંચ કિલોમિટરની ત્રિજ્યામાં કામ આપવામાં આવે છે અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે.
  • અરજી કર્યાના 15 દિવસમાં જો અરજદારને કામ ન મળે તો તેને બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ છે.

ઝારખંડના લાતેહાર જિલ્લાના બનારસી નગેસિયા ચાર એકર જમીનના માલિક હતા. વર્ષ 2018માં પત્ની બીમાર પડતાં ત્રણ એકર જમીન ગીરો મૂકવી પડી હતી. બદલામાં તેમને 30 હજાર રૂપિયા મળ્યા. જ્યારે આ જમીન છોડાવવા માટે પૈસાની વ્યવસ્થા ન થઈ ત્યારે તેઓ કેરળ જતા રહ્યા. ત્યાં તેમણે પાઈનેપલના ખેતરમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

બનારસી નગેસિયાને લોકડાઉનમાં ઘરે પરત ફરવું પડ્યું. અહીં મનરેગામાં તે ઘણા મહિનાઓ સુધી મજૂર તરીકે કામ કરતા રહ્યા અને જેમતેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. મનરેગા તેમનો સહારો બની ગયો. જો કે છેલ્લા બે વર્ષથી તેમને મનરેગામાં પણ મજૂરી મળી નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "મનરેગામાં પૈસા ક્યારેક એક મહિનો તો ક્યારેક બે મહિના મોડા મળે છે. એટલે મારે અહીં કામ છોડવું પડ્યું. ત્યારથી આજદિન સુધી અમે અમારી જમીન છોડાવી શક્યા નથી. અમને અઠવાડિયામાં એકવાર મજૂરી મળે છે. જેમાંથી જેમતેમ કરીને ઘર ચાલે છે."

ઝારખંડના લાતેહાર જિલ્લાની ચંપા પંચાયતનાં ગુલાબ દેવીને મનરેગા હેઠળ એકધારું કામ મળી રહ્યું છે. મનરેગામાં મળતા પૈસાથી તેમની એક પુત્રી અને એક પુત્ર શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.

2 ફેબ્રુઆરીના રોજ તેઓ મહુઆડાંર બ્લોક સ્થિત બૅંકમાંથી પૈસા ઉપાડવા આવ્યાં હતાં. તેઓ કહે છે, "પૈસા ભલે મોડા આવે, પણ આના ભરોસે જ ઘર ચાલે છે. જો આ પણ નહીં હોય તો ખબર નથી કે બાળકો કેવી રીતે ભણશે, ઘર કેવી રીતે ચાલશે."

મનરેગાના બજેટમાં ઘટાડો

હવે દેશભરમાં આવા મજૂરો પર સંકટ વધવાની આશંકા છે. આ વર્ષે બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માટે કુલ 60 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ છેલ્લા નાણાકીય વર્ષ એટલે કે 2022-23ના 89 હજાર કરોડ રૂપિયાના સુધારેલા બજેટ કરતાં લગભગ 34 ટકા ઓછી છે. જોકે આવું પહેલીવાર નથી થયું, મનરેગાના બજેટમાં સતત ત્રીજા વર્ષે કાપ મુકવામાં આવ્યો છે. અગાઉ, નાણાકીય વર્ષ 2022-23માં 25.5 ટકા, 2021-22માં 34 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

એક સમયે મનરેગાને નિષ્ફળતાનું સ્મારક ગણાવનારા પીએમ મોદી પોતે કહી ચૂક્યા છે કે કોરોના મહામારી દરમિયાન ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવવામાં મનરેગાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

નિષ્ણાતો કહે છે કે બજેટમાં કાપનો સ્પષ્ટ અર્થ છે કે મજૂર દિવસો ઓછા થશે અને મજૂરોની રોજગારીની તકો ઘટશે. જોકે, ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પછી તેમના મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, "મનરેગા એક માંગ આધારિત યોજના છે. માંગના આધારે બજેટની ફાળવણીમાં વધારો કરવો શક્ય છે. જો રાજ્યમાંથી વધુ માંગ આવે તો અમે સંસદમાંથી પૂરક માંગ કરી શકીએ છીએ."

નાણામંત્રીની દલીલમાં ચોક્કસપણે વજન છે. ગયા વર્ષના બજેટ દરમિયાન, આ યોજના માટે રૂ. 73 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે પાછળથી સુધારીને રૂ. 89,400 કરોડ કરવામાં આવ્યા હતા. જ્યારે હકીકતે રૂ. 98,468 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પરંતુ મનરેગા પર કામ કરતા સામાજિક કાર્યકરો માને છે કે જ્યારે એક વર્ષનું વેતન બીજા વર્ષમાં જવાથી આ ખર્ચ વધી જાય છે. માંગ સાથે તેનો સીધો સંબંધ નથી.

બીજી તરફ આઈઆઈટી દિલ્હીના અર્થશાસ્ત્રના પ્રોફેસર રિતિકા ખેડાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "દર વર્ષે જે બજેટ જાહેર કરવામાં આવે છે તેનો મોટા ભાગનો હિસ્સો પાછલા વર્ષની મજૂરી પર ખર્ચાય છે. નાણાકીય વર્ષમાં ઑક્ટોબર આવે ત્યાં સુધીમાં નાણા વપરાઈ જાય છે." સરકાર કહે છે કે અમે માંગ પ્રમાણે બજેટ વધારી શકીએ છીએ, પરંતુ એટલું નથી કરી શકાતું કે તેનાથી દર વર્ષે ખર્ચને પહોંચી વળાય."

શા માટે મનરેગા જરૂરી છે

ઝારખંડના પાકુડ જિલ્લામાં આવેલું ઝેનાગડિયા એ ગામ છે જ્યાં તેને 2006માં નરેગા (તત્કાલીન નામ) હેઠળ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું.

તે સમયે ગામના જાવેદ અલીને નરેગા મજૂરોના નેતા બનાવવામાં આવ્યા હતા. તેઓ કહે છે, "ઝેનાગઢિયામાં પાંચ તળાવ, 12 ચેકડૅમ બાંધવામાં આવ્યા હતા. આ ચેકડૅમ અને તળાવની આસપાસ લગભગ 1500 વીઘા ખેતીની જમીન છે. તમે પરિવર્તનનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે વર્ષ 2009 પછીથી અમારે ચોખા અને લોટની ખરીદી કરવી પડી નથી. જ્યારે અમે 2007 પહેલાં ક્યારેય ઘઉંની ખેતી કરી ન હતી. કારણ કે પાણીનું કોઈ સાધન જ નહોતું."

ચાર વર્ષ પહેલા તેમણે તેમની પુત્રી રજીના બીબીની શાદી કરી હતી. રજીના મનરેગામાં મજૂર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેમને તેમના સાસરે મોકલતી વખતે જાવેદ અલીએ તેમને વિદાય સમયે 16,000 રૂપિયાની કિંમતનો પલંગ, 12,000 રૂપિયાનો કબાટ અને 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા.

ઝારખંડના ચાઈબાસા જિલ્લાના સોનુઆ બ્લોકના દોરાઈ હેમરામ મનરેગા મજૂર છે. તેમને 14 દિવસથી પૈસા મળ્યા નથી. તેઓ કહે છે, "મારા ત્રણ બાળકો છે. ત્રણેય અભ્યાસ કરે છે, પરંતુ થોડા દિવસોથી તેઓ ટ્યુશનમાં જઈ શકતા નથી. કારણ કે તેમણે ફી જમા કરાવી નથી."

આગળની વાતચીતમાં તેઓ કહે છે, "મને ખબર નથી કે મનરેગામાં પૈસા ઓછા થયા છે. જો મને કામ નહીં મળે મારા બાળકોને લઈને વિદેશ જતો રહીશ." તેમનો વિદેશનો મતલબ અહીં ભારતનું જ કોઈ અન્ય રાજ્ય થાય છે.

શા માટે કાપ મુકાયો?

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના દાવાઓ વચ્ચે મજૂરોના સૌથી મોટા આધાર મનરેગાના માથે પૈસા કાપ કેમ આવ્યો?

મનરેગાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નરેગા સંઘર્ષ સમિતિ સાથે સંકળાયેલા નિખિલ ડે આ અંગે વિગતવાર વાત કરે છે.

તેઓ કહે છે, "સરકારે આવો નિર્ણય શા માટે લીધો તે સમજની બહાર છે. સરકાર અમીર વર્ગને વધુ આપવા માંગે છે. આ ચૂંટણીનું વર્ષ છે, સરકાર રાશન અને મનરેગા માટેના નાણાંમાં કાપ મૂકી રહી છે તો એ સ્પષ્ટ છે કે તેમને મતોની પણ પરવા નથી."

તેઓ કહે છે, "ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને મજબૂત કરવા માટે મનરેગા સૌથી મોટું ઈનપુટ છે. કારણ કે કોઈ પરિવાર શાકભાજી ખરીદે છે, કોઈ દવા ખરીદે છે, કોઈ બીજું કંઈક ખરીદે છે, તેનાથી બજારમાં ગુણાત્મક અસર ઊભી થાય છે. એ વિસ્તારોમાં કોઈ સરકારે ઉદ્યોગ સ્થાપ્યો નથી. મનરેગા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં બજાર ચાલે છે. સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી હોય કે કોવિડનો સમય, મનરેગાએ જ બચાવ્યા છે. તમામ મોટા અર્થશાસ્ત્રીઓએ પણ આ વાત સ્વીકારી છે."

જાણીતા અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ કહે છે કે, "બજેટ ફરીથી મહત્ત્વની સામાજિક સુરક્ષા યોજનાઓ જેવી કે મનરેગા, રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ, બાળ પોષણ યોજનાઓ અને પ્રસૂતિ લાભો ઉપર કાપ મુકી રહ્યું છે. આ તમામ યોજનાઓની ફાળવણી વાસ્તવિક દૃષ્ટિએ ઘટી છે. એકંદર સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના પ્રમાણમાં આ યોજનાઓ પરનો સંયુક્ત ખર્ચ 18 વર્ષમાં સૌથી ઓછો છે."

રિતિકા ખેડા કહે છે, "આશ્ચર્યની વાત છે કે 2014થી 2018 સુધી મોદી સરકારે મનરેગાનું બજેટ વધાર્યું, પરંતુ બીજી ટર્મમાં સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે. એક રીતે જોતા આ યોજનાને ખતમ કરવાની સ્થિતિ ઊભી કરવા જેવું છે. જેઓ રોજ કમાય છે અને રોજ ખાય છે તેમના પૈસા બાકી રાખવાથી શું સ્થિતિ થશે, લોકો પોતે કંટાળી જશે અને તેમાં કામ કરવાનું છોડી દેશે."

આંકડામાં મનરેગા મજૂરો

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગત 2 ફેબ્રુઆરી 2023 સુધી દેશભરમાં 15,06,76,709 સક્રિય મજૂરો છે. અર્થાત કે તેમને આ સમયે કામ મળી રહ્યું છે.

જ્યારે દેશભરમાં કુલ નોંધાયેલા મજૂરો 29,72,36,647 છે.

જ્યાં સુધી વેતન મેળવવાની વાત છે તો હરિયાણામાં મહત્તમ 331 રૂપિયા પ્રતિ દિવસના હિસાબે આપવામાં આવે છે.

જ્યારે છત્તીસગઢમાં સૌથી ઓછી મજૂરી 204 રૂપિયા ચૂકવવામાં આવે છે. ઝારખંડમાં વેતન રૂ. 201 છે. પરંતુ રાજ્ય સરકાર તેમના વતી વધુ 27 રૂપિયા આપી રહી છે.

ઓડિશામાં વેતન રૂ. 222 છે. ત્યાં રાજ્ય સરકાર 104 રૂપિયા વધારાના આપી રહી છે.

શું અસર થશે?

મનરેગાના બજેટમાં ઘટાડાથી લોકોને કામ ઓછું મળે તે સ્વાભાવિક છે.

મનરેગા વૉચ નામની સંસ્થાના કન્વીનર ઝારખંડ સ્થિત સામાજિક કાર્યકર જેમ્સ હેરેન્જ કહે છે, "પહેલેથી જ માત્ર 45 ટકા લોકોને મનરેગા હેઠળ કામ મળી રહ્યું છે. એટલું જ નહીં તાજેતરના યુએન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 50 ટકા આદિવાસીઓ ભૂખમરાના આરે છે. આ ઘટાડાની અસર આદિવાસી બહુસંખ્યક રાજ્યોમાં સૌથી વધુ જોવા મળશે. ઝારખંડમાં દુષ્કાળ (યોજના) જાહેર કરવામાં આવી છે."

તેઓ વધુમાં કહે છે, "બીજી અસર સ્થળાંતર પર પડશે. તેનું પ્રમાણ પહેલા કરતા વધશે અને તેના કારણે શહેરોમાં સસ્તા મજૂર વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. જેનો સીધો ફાયદો ઉદ્યોગપતિઓને થશે."

નિખિલ ડે તેને અલગ રીતે સમજાવે છે. "તેઓ કહે છે કે જાન્યુઆરી 2023 સુધીમાં 16 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. માર્ચ સુધીમાં તે 25 હજાર કરોડ રૂપિયા સુધી જવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર આ નાણાં નવી જાહેરાત એટલે કે રૂપિયા 60 હજાર કરોડમાંથી જ રાજ્યોને આપશે."

આ પરિપ્રેક્ષ્યમાં અગાઉના લેણાંને લીધે નવા નાણાકીય વર્ષ એટલે કે 2023-24ના ખાતામાં માત્ર 35 હજાર કરોડ જ વધ્યા છે.

વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં, પરિવાર દીઠ માત્ર 42.85 દિવસનું કામ પૂરું મળ્યું છે જ્યારે કાયદો 100 દિવસનું કામ આપવાનું વચન આપે છે. નિખિલના કહેવા પ્રમાણે, જો આ બજેટમાં થોડા વધુ નાણા ઉમેરવામાં નહીં આવે તો આ નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં માત્ર 20 દિવસનું કામ મળી શકશે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તે આ વાત સાથે સહમત નથી. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જુઓ, આ ડિમાન્ડ આધારિત સ્કીમ છે. તેને બજેટ સાથે કોઈ લેવાદેવા નથી. જેમ જેમ ડિમાન્ડ વધશે તેમ નાણા પણ વધશે."

જો કે તેમણે અગાઉના લેણાં અને બંગાળને છેલ્લા એક વર્ષથી પૈસા ન મળવાના પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો ન હતો.

આનાથી કેટલા લોકોને અસર થશે?

મનરેગા હેઠળ 262 યોજનાઓની યાદી બનાવવામાં આવી છે. આ 262માંથી રાજ્યમાં મનરેગા હેઠળ કયા કયા કામો કરવાના છે તે રાજ્ય સરકાર પોતાની રીતે નક્કી કરે છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ ગ્રામસભામાં નક્કી કરવામાં આવે છે કે કઈ પંચાયતમાં કયુ કામ કરવાનું છે.

હાલમાં દેશભરમાં 15 કરોડથી વધુ પરિવારો મનરેગા હેઠળ નોંધાયેલા છે. જો પ્રતિ મજૂર ત્રણ સભ્યોના પાલનપોષણની જવાબદારી ગણવામાં આવે તો 45 કરોડથી વધુ લોકોને સીધી અસર થવાની છે.

એટલે કે ગ્રામીણ અર્થતંત્રને ફટકો પડશે. ગરીબ મજૂર વર્ગની વિશાળ બહુમતી વધુ દેવામાં ડૂબી જશે અને ઘણું સહન કરશે.

આ યોજનાને ગ્રામીણ ભારતની ગરીબી દૂર કરવાના ઉપાય તરીકે પણ જોવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણ 2022-23માં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે મનરેગા સીધી રીતે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પ્રદાન કરે છે અને આડકતરી રીતે ગ્રામીણ પરિવારોને તેમની આવકના સ્ત્રોત બદલવામાં મદદ કરે છે.

કાપની ટીકા

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના આ પગલાની ટીકા કરી છે. તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર 100 દિવસની કાર્ય યોજના માટે પૈસા નહીં આપે તો તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ મોટા પાયે આંદોલન કરશે.

ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું હતું કે એવી અપેક્ષા હતી કે કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ પ્રભાવિત આરોગ્ય, શિક્ષણ, રોજગાર થયા હતા, તેને લઈને વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ, અપેક્ષાથી વિપરીત, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન મનરેગાના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે.

સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું છે કે 'મનરેગા, સામાજિક સુરક્ષા પેન્શન, બાળ પોષણ કાર્યક્રમ અને માતૃત્વ લાભ કાર્યક્રમની ફાળવણીમાં ઘટાડો ભારતને 20 વર્ષ પાછળ લઈ જઈ રહ્યો છે. આ નુકસાનકારક છે. મોદીનું જુમલાનોમિક્સ ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.'

બીજી તરફ, આ યોજના પર કામ કરનારા ઍક્સ્પર્ટ જેમ્સ હેરેન્જના કહેવા પ્રમાણે, 'સરકાર બજેટમાં કાપ મૂકીને પાછળથી યોજના બંધ કરવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહી છે. આ યોજના હેઠળ હવે તમામ મજૂરોની હાજરી ફરજિયાત કરી દેવામાં આવી છે. પરંતુ જે એપમાં આ રેકોર્ડ રાખવાનો છે તેમાં ઘણી ટેકનિકલ સમસ્યાઓ છે.

ન તો મજૂરો પાસે સ્માર્ટફોન છે. ન તો ટેકનિકલ જ્ઞાન, ન યોગ્ય તાલીમ.

સર્વર નિષ્ફળતા અને ઇન્ટરનેટ બ્લેકઆઉટ સમસ્યામાં અનેકગણો વધારો કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં મનરેગામાં માનવ દિવસમાં ઘટાડો થશે અને કેન્દ્ર સરકારને મનરેગાના બજેટનું કદ ઘટાડવાનું બહાનું મળી જશે એવી પૂરી સંભાવના છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો