ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યો કરતાં ઓછું લઘુતમ વેતન મળે છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યમાં સંગઠિત ક્ષેત્ર અને શેરડી-કાપણીના કામદારોના લઘુતમ વેતનમાં વધારો જાહેર કર્યો છે. લઘુત્તમ વેતનમાં 24 ટકાથી વધુનો વધારો કરાયો હોવાનું કહેવાય રહ્યું છે.

આ વધારો શહેરી-ગ્રામિણ-નગરપાલિકાના ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો માટે કરાયો છે. સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે માસિક 2 હજાર રૂપિયા જેટલો વધારો કરાયો છે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં શ્રમિકોના લઘુતમ વેતન અંગે રાજય સરકારને સલાહ આપવા માટે ‘ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ’ની રચના કરવામાં આવી છે.

બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને સુધારો કરવામાં આવ્યો છે.

મંત્રીએ હાલની પરિસ્થિતિ જણાવતાં કહ્યું કે, “લઘુતમ વેતન અધિનિયમ હેઠળ જુદાજુદા 46 વ્યવસાયના લઘુતમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કૉર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂ 9,887.80/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.12,324/- મળશે. આમ થવાથી શ્રમિકના માસિક વેતનમાં રૂ 2,436.20નો વધારો એટલે કે 24.63 ટકાનો વધારો થશે.”

‘શેરડી-કાપણી વ્યવસાયના લઘુત્તમ વેતનમાં 100 ટકાનો વધારો’

શેરડી-કાપણી વ્યવસાયના શ્રમિકોના લઘુતમ વેતનમાં 100 ટકાનો વધારો કરાયો હોવાનું કહેવાય છે. જે 3 લાખથી વધુ શ્રમિકોને લાભાન્વિત કરશે અને તમામ વધારાના લીધે રાજ્યના 2 કરોડ શ્રમિકોને પ્રત્યક્ષ-પરોક્ષ લાભ થવાનું પણ એમણે કહ્યું.

કૉર્પોરેશન, નગરપાલિકા અને સ્થાનિક સત્તામંડળ હેઠળના તથા તે સિવાયના વિસ્તારોમાં 46 પ્રકારના વ્યવસાયોમાં રોકાયેલા કુશળ, અર્ધકુશળ એવા 02 કરોડ જેટલા શ્રમયોગીઓના લઘુતમ વેતનદરમાં 24 ટકાથી વધુનો વધારો કર્યો.

વિધાનસભામાં મંત્રીએ આ વિશે જાહેરાત કરી હતી અને એનું નોટિફિકેશન આગામી સમયમાં ઇસ્યૂ કરવામાં આવશે. પરંતુ મોંઘવારી અને કોરોનાના કારણે આર્થિક દબાણમાં રહેલા શ્રમિકો માટે શું આ વધારો પૂરતો છે? અને ઔદ્યોગિક રીતે અગ્રેસર ગણાતા ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યોની સરખામણીએ યોગ્ય લઘુતમ વેતન મળે છે કે કેમ?

ગુજરાતમાં આશરે 40 હજાર નોંધાયેલી ફેકટરી

શ્રમ વિભાગ ગુજરાતના વાર્ષિક વહિવટી અહેવાલ – 2019 અનુસાર ગુજરાતમાં આશરે 40 હજાર ફૅક્ટરીઓ નોંધાયેલી છે.

અહેવાલ અનુસાર 2011ની વસ્તીગણતરી મુજબ રાજ્યમાં લગભગ 2.47 કરોડ શ્રમિકો છે. જેમાં 2 કરોડ મુખ્ય શ્રમિકો છે. 44 લાખ સીમાંત શ્રમિકો, 68.39 ખેત શ્રમિકો, 3.43 લાખ ગૃહઉદ્યોગના શ્રમિકો છે તથા 1.21 કરોડ અન્ય શ્રમિકો છે.

ઉપરાંત મહિલા શ્રમિકોની વાત કરીએ તો, 67 લાખ જેટલા મહિલા શ્રમિકો, 31 લાખ મહિલા ખેતશ્રમિકો છે.

‘કેન્દ્ર અને રાજ્ય સરકારના લઘુતમ વેતનની ગણતરીમાં અસમાનતા’

ગુજરાત ફેડરેશન ઑફ ડ્રૅડ યુનિયન-ગુજરાત મજદૂરસભા સાથે સંકળાયેલા ઍડ્વોકેટ અમરીશ પટેલનું આ વિશે કહેવું છે કે, “રાજ્ય અન્ડરટેકિંગ અને સૅન્ટ્રલ અન્ડર ટેકિંગના લઘુતમ ભથ્થા-વેતન વચ્ચે ઘણો તફાવત. મેં ભથ્થું નક્કી કરવાની પદ્ધતિ અને એનો આધાર માગ્યો છે.”

“ઉપરાંત શ્રમકાયદાઓની યોગ્ય રીતે અમલવારી નથી થતી. શ્રમયોગી (કામદાર) 12 કલાક કામ કરે તો જ તેને એ લઘુત્તમ વેતન આપવામાં આવે છે. 8 કલાક કામની સમયસીમાનું પણ પાલન નથી કરવામાં આવતું. આથી કામદારનું શોષણ થાય છે. આમ તેમને સામાજિક-આર્થિક સુરક્ષા નથી મળતી. ”

“જોકે, મોંઘવારી વધી છે અને ખરેખર લઘુતમ વેતન 26 હજાર રૂપિયા પ્રતિ માસ હોવું જોઈએ. હાલ જે વેતન છે એ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના 2015ની પરિષદમાં નક્કી થયેલા ધોરણોનું ઉલ્લંઘન છે.”

એક સામાન્ય ઉદાહરણ આપતાં તેઓ જણાવે છે કે,“ગુજરાતમાં રાજ્ય સરકારના અન્ડરટેકિંગમાં કામ કરતા ચોકીદારને રોજ (લગભગ) 360 રૂપિયા વેતન મળે છે, જ્યારે કેન્દ્ર સરકારના અન્ડરટેકિંગમાં જો એ ચોકીદાર એ જ કામ કરે તો તેને 876 રૂપિયા રોજ મળે છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના લઘુત્તમ વેતનની ગણતરીમાં જ સમાનતા નથી.”

“કોરોનાકાળ સમયે પણ સરકારે કારખાનેદારો-માલિકોને જે લાયસન્સ અને નિયમોમાં છુટ આપી હતી એના લીધે શ્રમિકોનું શોષણ વધી ગયું.”

આ વિષયે બીબીસીએ ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ જેનું રાજ્યમાં શાસન છે એનો મત જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ પાર્ટી પ્રવક્તા અનુસાર આ સરકારનો મામલો હોવાથી સરકારના પ્રતિનિધિ જ પ્રતિક્રિયા આપે તો વધુ સારું હોવાનું સૂચવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કામદારો-ખેડૂતો દિલ્હીમાં મોદી સરકાર સામે વિવિધ મુદ્દે દેખાવો કરવા ભેગા થયા હતા. તેમાં ચાર લેબર કૉડ અને ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલ – 2022ને રદ કરવાની માગ કરાઈ તથા મનરેગામાં કામકાજના દિવસો વધારી 200 દિવસ કરીને લઘુત્તમ વેતન પ્રતિદિવસ 600 રૂપિયા કરવાની અને શહેરી રોજગાર ગેરંટી યોજના લાગુ કરવા પણ માગણી કરાઈ.

એની સાથે સાથે જાહેર સાહસોનું ખાનગીકરણ નહીં કરી મોંઘવારીમાં રાહત માટે ઈંધણ પરની ઍક્સાઇઝ ઘટાડવી અને અત્યંત ધનિકો પર ટૅક્સ લાદવો તથા કૉર્પોરેટ ટૅક્સ વધારવાની માગણીઓ કરવામાં આવી છે.

‘ગુજરાતમાં શ્રમિકોનું લઘુતમ વેતન અન્ય રાજ્યો કરતાં ઓછું’

દરમિયાન, બીબીસી સાથેની વાતચીતમાં સુરત શહેર કૉંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં શ્રમિકોના લઘુતમ વેતન અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નૈષધ દેસાઈ ટ્રૅડ અને શ્રમિકોની બાબતો સાથે સંકળાયેલા નેતા રહ્યા છે. અને શ્રમિક સંઘ માટે પણ સેવા આપી ચૂક્યા છે.

નૈષધ દેસાઈ ગુજરાતમાં શ્રમિકોના લઘુત્તમ વેતનની સ્થિતિ વિશે વધુ જણાવતા કહે છે,“મંત્રી બંળવતસિંહ રાજપૂતે 2 ક્ષેત્રના વેતન જાહેર કર્યાં છે, બીજાં જાહેર કરવાના બાકી છે. આશા છે કે તેઓ ટૂંક સમયમાં અન્ય ક્ષેત્રોના પણ લઘુત્તમ વેતનો જાહેર કરશે.”

“ગુજરાતની વાત લઈએ તો અહીં દિલ્હી, કેરળ, હિમાચલ પ્રદેશ કરતા ઓછું લઘુત્તમ વેતન છે. ગુજરાતમાં ભૂતકાળમાં પૂર્વ સરકારો દર 3 વર્ષે લઘુત્તમ વેતન રિવાઇઝ કરતા હતા પણ મોદી સરકાર આવ્યા પછી એ પ્રથા બંધ થઈ ગઈ. વર્તમાન વધારો પણ ઘણા વર્ષો પછી કરાયો છે.”

‘સરકાર ઇચ્છે છે કે શ્રમિકો સંગઠિત ન થવા જોઈએ’

ગુજરાતમાં શ્રમિકો માટે નક્કી થતા લઘુત્તમ વેતન માટે લેવાતી ગણતરી પદ્ધતિ સામે સવાલ કરતા તેઓ ઉમેરે છે,“પહેલાં સરકારો પ્રાઇઝ ઇન્ડેક્સના આધારે વેતનો જાહેર કરતી અને એની ગણતરીની (ફૉર્મ્યૂલા) પણ જાહેર કરતી હતી. 10 વર્ષે અહીં ભથ્થા રિવાઇઝ થાય છે.”

“વળી હવે તો એટલાં બધાં ક્ષેત્રો વધી ગયા છે એટલે તમામમાં વધારો કરવો જોઈએ. પણ એ કરવાની જગ્યાએ તેઓ શ્રમિકોને નબળા કરતા 4 નવા કૉડ (કાયદા) લાવે છે.”

“પહેલાં એવું હતું કે માત્ર 11 કામદારો ભેગા થઈને યુનિયન બનાવી શકતા પણ હવે એ નવા કૉડની જોગવાઈ એવી છે કે વર્કફૉર્સના 50 ટકા સંખ્યા હોય, ઉપરાંત શ્રમિક પોતે એફિડેવિટ આપે અને કંપની-ફૅક્ટરી-માલિક પાસેથી પણ એફિડેવિટ કરાવે.”

“તદુપરાંત, શ્રમિકે પોતે પહેલા લેબર કમિશનર પાસે રજૂઆત કરવાની રહેશે અને પછી તે તેના વતી કોર્ટમાં જશે. જ્યારે પહેલા પ્રોસિક્યૂશન કરવા માટે યુનિયન પૂરતું હતું.”

“સરકાર શ્રમિકો સંગઠિત ન થાય અને નબળા રહે તથા ડરથી રહે એવું ઇચ્છે છે. એટલે આવી કઠિન કાયદાકીય જોગવાઈઓ અને પરિસ્થિતિ ઊભી કરે છે. જેથી ગરીબ શ્રમિક હંમેશાં ડરીને રહે.”

“ખરેખર જો મોદી સરકારે 44 શ્રમિક કાયદાઓની જગ્યાએ માત્ર 4 કાયદા જ રાખવા હોય તો સારી વાત છે. પણ આવી જોગવાઈઓ સાથે કાયદા લાવવાનો શું અર્થ છે? જો સાચે જ શ્રમિકોનું કલ્યાણ કરવું હોય તો, ઇન્ટરનેશન લેબર ઑર્ગેનાઇઝેશનની ભલામણો અને ધારાધોરણો અનુસાર કામ કરે.”

આ મુદ્દે બીબીસીએ રાજ્ય સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતનો પણ સંપર્ક કરી તેમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રતિક્રિયા મળી શકી નથી. તેમની પ્રતિક્રિયા મળ્યા બાદ તેને પણ લેખમાં પ્રકાશિત કરવામાં આવશે.

ગુજરાતમાં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કેટલો વધારો થયો?

વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી શ્રમિકોના વેતનમાં સીધો 25 ટકાનો સીધો ફાયદો થયો છે. તેમના માસિક વેતનમાં રૂપિયા 2436.20નો વધારો કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.શ્રમિક કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકા, સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન 9887થી વધારો 12324 કરવામાં આવ્યો છે. શ્રમિકોના વેતનમાં 24.63 ટકાનો વધારો કરાયો છે. કુશળ શ્રમિકનું માસિક વેતન 9653.80થી વધારી 11896 કરવામાં આવ્યું છે.

નગરપાલિકા અને સ્થાનિકતા મંડળમાં મહાનગરપાલિકામા કુશળ શ્રમિકોનું માસિક વેતન 9653.80 હતો તેની જગ્યાએ 12012 કરવામાં આવ્યું છે. 2358.20નો માસિક વધારો કરવામાં આવ્યો છે. જે 24.41 ટકાનો વધારો છે.

નગરપાલિકા વિસ્તારમાં માસિક વેતન 9,887 હતું જેમાં 2436 નો વધારો કરીને 12324 કરવામાં આવ્યું. લઘુત્તમ વેતનમાં 24.63 ટકાનો વધારો કરવામાં આવ્યો

જોકે, વિગતવાર નોટિફિકેશન આગામી સમયમાં જાહેર કરશે જેમાં વિવિધ ક્ષેત્રોમાં કરાયેલો વધારો જાણવા મળી શકશે એવી શક્યતા છે.

રાજ્યમાં મજૂરોને કામ પર કાયમી ધોરણે નહીં રખાતા હોવાથી તેમની સામાજિક સુરક્ષા, આર્થિક સુરક્ષાના ખૂબ મોટા પ્રશ્નો હોવાનું પણ કેટલાક નિષ્ણાતો માને છે. બીમાર પડે તો તેઓ તેમની દવાનો ખર્ચ પણ ઉપાડી શકે તેમ હોતા નથી.

વિપક્ષ અને કામદાર સંગઠનો મનરેગાનું લઘુત્તમ વેતન પણ વધારવા રજૂઆતો કરતા જોવા મળતા હોય છે. કેન્દ્ર સરકાર બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઇશ્રમ કાર્ડની યોજના લાવી છે.

અસંગઠિત શ્રમિકો જેવા કે, બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારી, આશા વર્કર બહેનો, આંગણવાડી, ફેરિયાઓ, ઘરેલુ કામદાર, રિક્ષા ડ્રાઈવર, દૂધ મંડળીના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો જેની ઉમર 16-60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અથવા તો તેઓ EPFO/ESIC ના સભ્ય ન હોય અને આવક વેરો ચૂકવતા ન હોવા તેવા લોકો આ શ્રમ ઇ-કાર્ડ કઢાવી શકે છે.

ઇ-શ્રમ કાર્ડમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય આપવા માં આવે છે તો આંશિક અપંગતતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખ ની સહાય આપવામાં આવે છે.

ગ્રામિણ કામદારોને પણ ઓછું વેતન?

વર્ષ 2021માં ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના સરેરાશ વેતનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. આ મામલેના આરબીઆઈના રિપોર્ટમાં ગુજરાત સૌથી તળિયે છે.

રિઝર્વ બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2019-2020ના રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા કામદારને સરેરાશ દૈનિક વેતન 208 રૂપિયા જ્યારે બિન-કૃષિ ક્ષેત્રમાં સરેરાશ વેતન રૂપિયા 233 અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રમાં સરેરાશ વેતન 268 રૂપિયા મળે છે.

સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રમાં જોતરાયેલા કામદારોને ચૂકવાયેલું સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ વેતન 286 રૂપિયા કરતાં પણ ઓછું છે. જ્યારે બાંધકામના ક્ષેત્ર મામલે તે રાષ્ટ્રીય સરેરાશ 341 રૂપિયા કરતાં પણ ઓછું છે.

આ રિપોર્ટ અનુસાર બિન-કૃષિ અને બાંધકામ ક્ષેત્રના કામદારોને સરેરાશ વેતન ચૂકવણી મામલે ત્રિપુરા-મેઘાલય પણ ગુજરાતથી આગળ છે. જોકે આ આંકડા વર્ષ 2021માં જાહેર થયા હતા તેમાં થયેલો ફેરફાર હાલ ઉપલબ્ધ નથી.

આ મામલે કેરળ સૌથી મોખરે છે. તેમણે કૃષિ કામદારોને 700 રૂપિયા જ્યારે બાંધકામ ક્ષેત્રના મજૂરોને 839 રૂપિયાનું સરેરાશ વેતન ચૂકવ્યું. તેના પછી જમ્મુ-કાશ્મીરનો ક્રમ છે. જેમાં કૃષિ કામદારોને 453 રૂપિયા અને બાંધકામ ક્ષેત્રના કામદારોને 458 રૂપિયાનું સરેરાશ વેતન ચૂકવાયું.

એનો અર્થ એ છે કે દૈનિક ધોરણે મળતા વેતનનો દર ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે.