ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા કામદારોનો ખરેખર કેટલો 'વિકાસ' થયો?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના સરેરાશ વેતનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ મામલેના આરબીઆઈના રિપોર્ટમાં ગુજરાત સૌથી તળિયે છે.

રિઝર્વ બૅન્ક દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વર્ષ 2019-2020ના રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા કામદારને સરેરાશ દૈનિક વેતન 208 રૂપિયા જ્યારે બિન-કૃષિ ક્ષેત્રમાં સરેરાશ વેતન રૂપિયા 233 અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રમાં સરેરાશ વેતન 268 રૂપિયા મળે છે.

સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રમાં જોતરાયેલા કામદારોને ચૂકવાયેલું સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ વેતન 286 રૂપિયા કરતા પણ ઓછું છે. જ્યારે બાંધકામના ક્ષેત્ર મામલે તે રાષ્ટ્રીય સરેરાશ 341 રૂપિયા કરતા પણ ઓછું છે.

બિન-કૃષિ અને બાંધકામ ક્ષેત્રના કામદારોને સરેરાશ વેતન ચૂકવણી મામલે ત્રિપુરા-મેઘાલય પણ ગુજરાતથી આગળ છે.

આ મામલે કેરળ સૌથી મોખરે છે. તેમણે કૃષિ કામદારોને 700 રૂપિયા જ્યારે બાંધકામ ક્ષેત્રના મજૂરોને 839 રૂપિયાનું સરેરાશ વેતન ચૂકવ્યું. તેના પછી જમ્મુ-કાશ્મીરનો ક્રમ છે. જેમાં કૃષિ કામદારોને 453 રૂપિયા અને બાંધકામ ક્ષેત્રના કામદારોને 458 રૂપિયાનું સરેરાશ વેતન ચૂકવાયું.

એનો અર્થ એ છે કે દૈનિક ધોરણે મળતા વેતનનો દર ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રાજ્યમાં 1.5 કરોડ કામદાર બિનસંગઠીત ક્ષેત્રમાં કામ કરે છે, જેમાંથી મોટાભાગના કૃષિ ક્ષેત્રમાં જોતરાયેલા છે. જ્યારે 38 લાખ કામદાર સંગઠીત ક્ષેત્રમાં કામ કરે છે.

શ્રમ પુરવઠો વધુ

આથી સવાલ એ છે કે ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રમાં કામદારોને સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછું કેમ મળે છે? અને અન્ય રાજ્યોની સરખામણીએ તે કેમ ઓછું છે?

આ વિશે બીબીસીએ જાણવાની કોશિશ કરી. જેમાં બીબીસીએ કૃષિ અર્થવ્યવસ્થાના જાણકાર અર્થશાસ્ત્રી સાથે વાતચીત કરી.

આ મામલે બીબીસીએ વાય. કે. અલઘ સાથે વાતચીત કરી. તેઓ ભૂતકાળમાં કેન્દ્ર સરકારમાં પ્લાનિંગ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રી તથા વિજ્ઞાન અને તકનિકી મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં વર્કફૉર્સ સારા પ્રમાણમાં છે. એટલે વધુ કામ અને ઓછા મહેનતાણાની સ્થિતિ સર્જાય છે.

કેન્દ્ર સરકારના આયોજન પંચના પૂર્વ સભ્ય રહી ચૂકેલા વાય. કે. અલઘે કહ્યું, "ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી થતું માઇગ્રેશન અને આંતરિક માઇગ્રેશન (સ્થળાંતર)નું પ્રમાણ વધુ છે. એટલે પૂરતા પ્રમાણમાં લૅબરફૉર્સ ઉપલબ્ધ હોય છે. એનો અર્થ કે કામદારોની સંખ્યા વધારે છે. જેથી લૅબર સસ્તું મળી જાય છે."

"વળી આ સારી બાબત છે કે રાજ્યમાં સારા પ્રમાણમાં કામદારવર્ગ ઉપલબ્ધ છે. ગુજરાતની પૂર્વિય પટ્ટીમાં ઘણા કામદારો મળી રહે છે. કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં તે મળે છે."

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે વાય. કે. અલઘ (યોગીંદર અલઘ) કૃષિ સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

વેતનના મુદ્દે તેમણે સુરતના લેબર મૉડલનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે કહ્યું કે સુરતમાં ટૅક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું મૉડલ એક ઉદાહરણ છે.

તેમણે ઉમેર્યું, "સુરતના આસપાસના ગ્રામીણ વિસ્તારોની યુવતીઓને સારી તાલીમ આપવાથી તેઓ પણ આ વર્કફૉર્સમાં જોડાય છે અને તેમને સ્કિલ્ડ લૅબરની તર્જ પર સારું મહેનતાણું મળે છે. આ જ રીતે ભૂતકાળમાં સુરતમાં એક આખી વર્કફૉર્સ તૈયાર થઈ અને એક સારુ લેબર મૉડલ મળ્યું."

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના એક જૂના પ્રંસગને વાગોળતા તેઓ કહે છે,"વડા પ્રધાને મને તેમની સાથે દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એ સમયે અમારે સુરત મૉડલની વાત પણ થઈ હતી. આથી સ્કિલ્ડ લેબર એક મહત્ત્વ પાસું છે."

દરમિયાન અત્રે એ ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ભૂતકાળમાં ગ્રામીણ કામદાર કમિશનરની કચેરી કાર્યરત રહેતી હતી અને ગાંધીનગર લેબર કમિશનરના તાબા હેઠળ તમામ જિલ્લાની આવી કચેરી કાર્યરત હતી.

વળી આ કચેરીનું કામ એ હતું કે તે કૃષિ અને અન્ય ક્ષેત્રમા જોતરાયેલા કામદારોને લઘુત્તમ વેતન મળે અને તેના ધારાધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે. પરંતુ જાન્યુઆરી-2020માં તેને લેબર કમિશનરની કચેરી સાથે મર્જ કરી દેવાઈ છે.

સરકારનું કહેવું છે કે આ ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા ઊભી કરવા માટે આવું કરાયું છે અને સામાજિક કલ્યાણની અન્ય યોજનાઓ માટે આ કચેરીઓ કાર્ય કરશે. જેથી કાર્યક્ષમતા અને ગુણવત્તા બંને વધશે.

જોકે રસપ્રદ વાત એ છે કે દેશમાં ગુજરાત મૉડલ અને તેના ઔદ્યોગિક વિકાસ મામલે ઘણી ચર્ચાઓ જોવા મળે છે. પરંતુ બીજી તરફ સામાજિક અને આર્થિક માપદંડો મામલે ઘણીવાર ચિત્ર કંઈક અલગ હોવાનું પણ જોવા મળે છે.

ગત વર્ષની જો વાત કરીએ તો વર્ષ 2019માં ગ્રામીણ ભારતમાં કૃષિ સંલગ્ન 12 અને બિન-કૃષિ સંલગ્ન 13 કામકાજ(પ્રવૃત્તિ)માં સરેરાશ વેતન 331.29 રૂપિયા રહ્યું હતું.

વળી નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે ફુગાવો અને નોટબંધી તથા ખેતપેદાશોના ભાવમાં થતો ઘટાડો સહિતના પરિબળો પણ દૈનિક વેતનને અસર કરતા હોય છે. જેથી ઓછું વેતન અને ઉપરોક્ત પરિબળોનું સંયોજન વધુ પડકારજનક પરિસ્થિતિ નિર્માણ કરે છે.

નિષ્ણાતો અનુસાર રાજ્યમાં જનતાની આર્થિક પરિસ્થિતિના મૂલ્યાંકન માટે સરેરાશ વપરાશ અથવા વેતનને માપદંડ તરીકે લઈ શકાય છે.

રિઝર્વ બૅન્કના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં વેતનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ નીચો છે. એટલે ગુજરાતે અન્ય ગરીબ રાજ્યો કરતા પણ આ મામલે ઘણું નબળું પરફૉર્મ કર્યું છે.

જોકે કેટલાક વિશ્લેષકોનો એવો પણ તર્ક જોવા મળ્યો છે કે નગરો-ગામમાં જીવનનિર્વાહનો ખર્ચ અન્ય વિવિધ રાજ્યોની સરખામણીમાં અલગ-અલગ હોય છે. અને તે મોટાભાગે નીચો રહેતો હોય છે. આથી વેતનનો આ દર એટલો પણ નીચો ન કહેવાય.

એટલે કે કામદારોને મળતું વેતન એટલું બધું ઓછું નથી. ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે રિઝર્વ બૅન્કે સરેરાશ વેતન ધ્યાનમાં લીધું છે. આથી બની શકે છે કે કામદારોને ઘણા કિસ્સામાં તેનાથી વધારે વેતન પણ મળ્યું હોઈ શકે છે.

દરરોજ કામ મળવું મુશ્કેલ?

દરમિયાન અર્થશાસ્ત્રના પ્રો. હેમંતકુમાર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે શ્રમ પુરવઠો વધારે અને કામ ઓછું હોવાનું પરિબળ અલબત્ત આમાં અસર કરે છે.

તેમણે વધુમાં કહ્યું, "સરકારે કામદારોના વેતન મામલે કાયદા બનાવેલા છે. અને લેબર કમિશનરે તેનું મૉનિટરિંગ પણ કરવાનું હોય છે. પરંતુ તેમાં ઢીલાશ જોવા મળે છે. જેથી કામદારને પૂરતું વેતન નથી મળતું."

"ઉપરાંત ઘણી વખત વેતન ભલે ઠીકઠાક હોય પરંતુ દરરોજ કામ નથી મળતું. એટલે સરેરાશ વેતનને અસર થાય છે. સરકારે આ મામલે પગલા લેવાની જરૂર છે. વળી સરકાર ખુદ નરેગામાં 220 રૂપિયા વેતન આપે છે. એટલે જો સરકારનો જ માપદંડ આ પ્રકારનો હોય તો પછી શું કહેવું?"

આ મામલે બીબીસીએ ગુજરાત સરકારના લેબર વિભાગના એડિ. ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો