You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ ભાજપને ફળશે કે કૉંગ્રેસને?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા જાન્યુઆરીનમાં ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને સ્થાનિકસ્વરાજની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પેટલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બેઠક કરી હતી.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર નડ્ડા અને જનરલ સેક્રેટરી બી. એલ. સંતોષે ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ અંગે રાજ્યના ત્રણેય નેતાઓ સાથે બેઠક કરી હતી.
એ અગાઉ આપના પ્રવક્તા આતિષી ગુજરાત આવ્યાં હતાં, તેમને જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાગે લેશે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આતિષી અને ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 504 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
પત્રકારપરિષદમાં આતિષીએ ગુજરાત મૉડલ સામે પ્રશ્નો કરતાં જણાવ્યું કે "અમે નકલી વૅન્ટિલેટર ધમણનું કૌભાંડ જોયું છે, જેના તાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટ સુધી જાય છે. અહીં એન-95 માસ્કનું કૌભાંડ પણ જોયું છે."
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો કારણકે ભાજપ અને કૉંગ્રેસે એક બીજા સાથે કરાર કરી લીધો છે.
શનિવારે ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાને મળવા આવી પહોંચ્યા હતા.
ધ ઇન્ડિન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ મુલાકાત નર્મદા જિલ્લાના નેત્રંગમાં થઈ હતી અને મુંબઈના ભાયખલ્લાથી એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારીસ પઠાણ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના થોડા દિવસ પહેલાં જ છોટુ વસાવાએ એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
અહેવાલ મુજબ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, "ઓવૈસીની સૂચના બાદ તેઓ ગુજરાત આવ્યા છે અને આવનારા દિવસોમાં ઓવૈસી પણ ગુજરાત આવશે. બંને પક્ષના નેતાઓ બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરશે."
રાજકીય માહોલમાં ગરમાવો
નવેમ્બર 2020માં ગુજરાતમાં 6 મહાનગપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત અને 231 તાલુકાપંચાયતની ચૂંટણીઓ યોજાવાની હતી, જોકે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ચૂંટણી ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી.
ફ્રેબ્રુઆરી 2021માં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી યોજાય એવી શક્યતા છે અને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે.
ગુજરાતમાં જ્યાં ભાજપ-કૉંગ્રેસની સામે હવે છોટુ વસાવાના પક્ષની સાથે-સાથે ઓવૈસીનો પક્ષ એઆઈએમઆઈએમ ઝંપલાવી રહ્યો છે, બીજી તરફ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે.
આ વચ્ચે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની મુલાકાતોથી એવો રાજકીય માહોલ સર્જાયો છે, જેવો સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સર્જાતો હોય છે.
શું આ પ્રથમવાર છે, જ્યારે ગુજરાતમાં સ્થાનિકસ્વારાજની ચૂંટણીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ કહે છે, "સ્થાનિકસ્વરાજની ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે મહત્ત્વની હોય છે, પણ કેન્દ્ર ના મંત્રીઓ આવીને પ્રચાર કરે, આવું ભારતના ઇતિહાસમાં થતું નહોતું. ગુજરાતની ચૂંટણીમાં સ્થાનિક નેતાગીરી પર જવાબદારી સોંપવામાં આવતી હતી, નહીં કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓને."
ઉલ્લેખનીય છે કે આ અગાઉ હૈદરાબાદમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા. જે બાદ આ ચૂંટણીની ચર્ચા રાષ્ટ્રીય ફલક પર થવા લાગી હતી.
આ વિશે દેસાઈ જણાવે છે, "ભાજપ કાયમ ઇલેક્શન મોડમાં હોય છે અને ચૂંટણી માટે તૈયારીઓ કરતો હોય છે. હૈદરાબાદની ચૂંટણીમાં પણ ભાજપે પોતાની તમામ તાકાત લગાડી દીધી અને કેન્દ્રીય મંત્રીઓએ પ્રચાર કર્યો. આ ભારતીય રાજકરણ માટે એક મોટો ટર્નિંગ પૉઇન્ટ પૂરવાર થયો છે."
"રાષ્ટ્રીય પક્ષો સ્થાનિક ચૂંટણીઓ પૂરી તાકાત લગાડી દે તો સ્થાનિક ગઠબંધનો અને નાના પક્ષો, જે સ્થાનિકસ્વારાજની ચૂંટણીઓમાં જ ભાગ લેતા હતા, તેમની પર મોટી અસર થશે."
વડોદરાસ્થિત એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયા જતીન દેસાઈથી જુદો મત ધરાવે છે.
તેઓ કહે છે, "આ પહેલી વાર નથી કે રાજકીય પક્ષો સ્થાનિકસ્વરાજની ચૂંટણીને મહત્ત્વ આપી રહ્યા હોય. છેલ્લી ત્રણેક ટર્મથી આવું થઈ રહ્યું છે કારણકે હવે ગ્રામપંચાયતો અને બંધારણીય સિસ્ટમનો ભાગ બની ગઈ છે."
"પંચાયતો અને નગરપાલિકાઓને કાબૂમાં રાખવી એ રાજકીય પક્ષો માટે જરૂરી છે કારણકે તેમના દ્વારા પક્ષો લોકો સુધી પહોંચી શકાય છે."
"વહીવટીમાં પકડ રાખવા માટે પણ આ ચૂંટણીઓ મહત્ત્વની બની જાય છે. દરેક રાજકીય પક્ષ ઇચ્છે છે કે રાજ્યમાં પોતાની પકડ મજબૂત થાય અને એટલા માટે તેઓ સ્થાનિકસ્વરાજની ચૂંટણીને મહત્ત્વ આપે છે"
સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ કેમ?
હૈદરાબાદની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં જે સ્તરે રાષ્ટ્રીય નેતાઓ ઊતરી આવ્યા, શું એ સ્તરનો માહોલ ગુજરાતની ચૂંટણીઓમાં છે?
હૈદરાબાદની સ્થાનિકસ્વરાજની ચૂંટણીથી ગુજરાતની ચૂંટણી કેટલી અલગ છે?
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ચ કહે છે, "સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ છે અને ગુજરાતમાં હૈદરાબાદ જેવી હાઇપ નથી કારણકે હૈદરાબાદમાં ભાજપ માટે એક ટેસ્ટ હતો."
"હૈદરાબાદમાં હિંદુવાદ પર આખી ચૂંટણી લડવામાં આવી જેના કારણે હાઇપ થઈ, પણ ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ નથી. પણ સ્થાનિક ચૂંટણી હોવાના કારણે રાજકીય પક્ષોમાં સક્રીયતા રહેશે, જે દેખાઈ રહી છે."
પ્રોફેસર ધોળકિયા કહે છે, "તેલંગણામાં ભાજપ નથી અને એટલા માટે આ ચૂંટણીને આટલી હાઇપ આપવામાં આવી હતી."
"ભાજપ જીત નથી મેળવી શકી પણ સ્થાનિક રાજકરણમાં સારી રીતે પ્રવેશ મેળવ્યો છે અને આવનારા દિવસોમાં તેઓ સરકાર બનાવશે એવો મૅસેજ આપવા માટે હાઇપ બનાવવામાં આવી હતી. આ હાઇપ ભાજપ દ્વારા કરવામાં આવી હતી."
જતીન દેસાઈ કહે છે, "ગ્રૅટર હૈદરાબાદ નગરપાલિકાની ચૂંટણી બાદ ભારતના રાજકરણમાં સ્થાનિક ચૂંટણીઓને રાષ્ટ્રીય બનાવી નાખવાનો મેજર શિફ્ટ આવ્યો છે. ભાજપ હૈદરાબાદમાં આમ કરવામાં સફળ રહ્યો અને રાષ્ટ્રીય મીડિયાની પણ મદદ મળી. આના કારણે સ્થાનિક મુદ્દાઓ ખોવાઈ ગયા અને એની બહુ ચર્ચા ન થઈ."
'ભાજપને ફેર નહીં પડે'
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આપ, બીટીપી અને એઆઈએમઆઈએણના ઝંપલાવવાથી ભાજપને કોઈ ફેર નહીં પડે તેવો મત રાજકીય બાબતોના તજજ્ઞોનો છે.
દેસાઈ કહે છે, "આપ પક્ષનો ગુજરાતમાં કોઈ જનાધાર નથી. દિલ્હીની પાર્ટી છે અને છેલ્લાં 2-3 વર્ષમાં પક્ષે એવું કોઈ કામ પણ ગુજરાતમાં કર્યું નથી. બીટીપી અને એઆઈએમઆઈએમને થોડા મતો મળી શકે છે."
"ભાજપને કોઈ નુકસાન કરશે, તેવી સંભાવના નથી."
પ્રોફેસર ધોળકિયા કહે છે, "આપ અને એઆઈએમઆઈએમ-બીટીપીના સ્થાનિકસ્વારાજની ચૂંટણીમાં ઝંપલાવવાથી ભાજપને કોઈ ફેર નહીં પડે, કારણકે ગુજરાતમાં હજુ કૉમ્યુનિટી પૉ઼લિટિક્સ નથી અને આ પક્ષો માત્ર ત્યાં જ અસર કરશે, જ્યાં જીતની સરસાઈ બહુ પાતળી હોય."
તેઓ જણાવે છે કે "અત્યારે તો ત્રણેય પક્ષો ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવતાં 5-10 વર્ષમાં કદાચ તેઓ સફળ પણ થાય. કૉંગ્રેસ ગુજરાતમાં નબળી થઈ રહી છે, જેનો લાભ આ પક્ષોને મળી શકે છે."
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "ભાજપને નહીં કૉંગ્રેસને નુકસાન થઈ શકે છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપની સારી પકડ છે. એઆઈએમઆઈએમ મુસ્લિમ મતો તોડી શકે છે. ગુજરાતમાં તો હવે મુસ્લિમો પણ ભાજપને સપૉર્ટ કરી રહ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો