You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ જેને ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર કહે છે ગુજરાતનું એ ‘પેજપ્રમુખ’ મૉડલ શું છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ભાજપ પેજપ્રમુખની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બેઠકો મેળવવા માટે પેજપ્રમુખની વ્યવસ્થા પર રંગેચંગે કામ થઈ રહ્યું છે.
ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આ અંગે પાર્ટીમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે. જેના પ્રતાપે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને પણ પેજપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાંસદો તેમજ ધારાસભ્યો પણ પેજપ્રમુખ બન્યા છે.
સી.આર. પાટીલના ફેસબુક પેજ પર જોશો તો તેમણે અલગ-અલગ પેજપ્રમુખોની નિમણૂકની તસવીરો અને શુભેચ્છા સંદેશ રજૂ કર્યા છે. જે લોકોએ પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ તૈયાર કરી છે તેમને સોશિયલ મીડિયાના માધ્યમ થકી સી. આર. પાટીલે જાહેરમાં બિરદાવ્યા છે.
પેજપ્રમુખની વ્યવસ્થા શું છે?
પેજપ્રમુખ અને પેજસમિતિ પર ભાજપ છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરી રહ્યો છે. પાર્ટી માને છે કે આ વ્યવસ્થાને લીધે જનસંપર્ક વધ્યો છે અને સરવાળે મતબૅન્ક વધી છે.
ભાજપ વિવિધ જિલ્લાના દરેક વૉર્ડનાં અલગ-અલગ બૂથ અનુસાર પેજપ્રમુખ તૈયાર કરી રહ્યો છે.
પેજપ્રમુખની વ્યવસ્થા વિશે જણાવતાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા બીબીસીને કહે છે કે “બૂથમાં રહેલા મતદારો પર ભાજપ વર્ષોથી કામ કરે છે. ભાજપની બૂથની વ્યવસ્થા પહેલાંથી જ હતી."
"એના પરથી પેજપ્રમુખ પદ્ધતિએ આકાર લીધો. હવે પેજસમિતિ પર પણ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બૂથને પેજમાં વિભાજિત કરવામાં આવે છે. એક પેજમાં ત્રીસ મતદાર હોય છે. એક ઘરમાં ત્રણ કે ચાર કે પાંચ મતદાર હોય છે. જો પરિવારને પેજમાં વિભાજિત કરીએ તો એક પેજ પર પાંચથી સાત પરિવાર હોય છે.”
તેઓ આ વ્યવસ્થા અંગે વધુ સમજ આપતાં જણાવે છે, “ટૂંકમાં એક પેજ પર ત્રીસ મતદાર અને પાંચ કે સાત પરિવાર થયા. પેજપ્રમુખે એ દરેક પરિવારમાંથી એક સભ્ય લેવાનો અને તેને પેજસમિતિનો સભ્ય બનાવીને તેની સાથે સંપર્ક રાખવાનો. તેથી એ ઘરનું પ્રતિનિધિત્વ થઈ જાય."
"પરિવારના એક સભ્ય સાથેનો સંપર્ક એટલે એ પરિવાર સાથેનો સંપર્ક થયો કહેવાય. પેજપ્રમુખે પેજસમિતિના એ સભ્યના ફોટા લાવવા પડે. તેમનું બ્લડગ્રૂપ,જન્મતારીખ વગેરે વિગતો મેળવવી પડે. આ વિગતો મેળવીએ એટલે એ સભ્ય સાથે એક આત્મીયતા કેળવાઈ ગઈ કહેવાય."
"સરવાળે તેના પરિવાર સાથે આત્મીયતા કેળવાઈ એવું પણ કહી શકાય. આમ પાર્ટી માટે એક જનાધાર ઊભો થાય અને એ મતદાનને દિવસે મતમાં ફેરવાય.”
પંડ્યા આગળ કહે છે, “મતદાનના દિવસે પેજપ્રમુખની જવાબદારી રહે છે કે તેઓ પેજસમિતિના સભ્યોને ટહેલ કરે કે તેઓ તેમના પરિવાર પાસે મતદાન કરાવે. પેજસમિતિના સભ્યની કોઈ ખાસ જવાબદારી નથી હોતી. તેમનું ફક્ત ઇન્વોલ્વમૅન્ટ હોય છે.”
સંયોજક અને જનમિત્ર, કૉંગ્રેસનું માળખું
ભાજપે બૂથસ્તરે આયોજન કર્યું છે તો કૉંગ્રેસ પણ જુદા-જુદા સ્તરે માળખાગત વ્યવસ્થા વિકસાવી છે.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે “દરેક પાર્ટીની અલગ-અલગ જનસંપર્ક પદ્ધતિ હોય છે. અમારી ભાજપ કરતાં અલગ છે. કૉંગ્રેસે બૂથ મૅનેજમૅન્ટ, સંયોજક તેમજ જનમિત્ર જેવી વ્યવસ્થા ઊભી કરી છે. 2017થી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.”
પોતાના પક્ષના જનસંપર્કના માળખા અંગે વાત કરતાં તેઓ કહે છે, “કૉંગ્રેસે દરેક બૂથના સંયોજક બનાવ્યા છે. સંયોજકની નીચે ઓછામાં ઓછા પાંચ જનમિત્ર હોય છે. જેમાં બે મહિલા હોય છે."
"સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા બે લોકોને પણ જનમિત્ર તરીકે જોડવાના હોય છે. સાથે-સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની જવાબદારી પણ અમે તેમને આપીએ છીએ. ચૂંટણી દરમિયાન મતદારયાદી, બૂથની વ્યવસ્થા, પત્રિકા વગેરેનું સંકલન કરવાનું હોય છે. ચૂંટણીના દિવસે મતદાન માટે લોકો બહાર આવે એ જોવાનું હોય છે.”
તેઓ કહે છે કે, “ચૂંટણી સિવાયના દિવસોમાં સ્થાનિક કક્ષાએ તાલીમ તેમજ પક્ષના પ્રચારનું કામ આ મંડળીએ જોવાનું હોય છે. જનમિત્ર, સંયોજકનું જે માળખું છે એને અમે પ્રદેશાધ્યક્ષ તેમજ વિવિધ સમિતિઓની સાથે સાંકળી રહ્યા છીએ.”
જનસંપર્ક અંગેની કૉંગ્રેસ પક્ષની રણનીતિ અંગે વાત કરતાં તેઓ કહે છે, “ચૂંટણી આયોજન સમિતિ, પ્રચાર ઝુંબેશ સમિતિ, રણનીતિ સમિતિ એવી સાત સમિતિ બનાવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે દરેક મહાનગરોમાં ત્રણ-ત્રણ વરિષ્ઠ આગેવાનોને ચૂંટણી સંચાલન માટે મૂક્યા છે."
"સુધરાઈમાં ઇન્ચાર્જ બનાવ્યા છે. જિલ્લા પંચાયત માટે અમે ઝોન મુજબ પ્રભારી બનાવ્યા છે. તેઓ પણ વરિષ્ઠ આગેવાનો છે. તેમના હાથ નીચે જિલ્લા તેમજ તાલુકાની પંચાયતની વ્યવસ્થા છે."
"સ્થાનિક સ્વરાજ તેમજ આગામી 2022ની વિધાનસભા ચૂંટણી સુધીની આ વ્યવસ્થા છે. જરૂર લાગે ત્યાં સુધારા પણ કરવામાં આવશે. સંયોજક અને જનમિત્રની જે વ્યવસ્થા છે એ ગુજરાત કૉંગ્રેસની છે. અન્ય રાજ્યોમાં પણ આ વ્યવસ્થા પાર્ટી લઈ જવાની છે.”
'પેજપ્રમુખ નવું મૉડલ નથી'
ફરી પાછા ભાજપની વાત પર આવીએ તો ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભાજપ દ્વારા પેજપ્રમુખ, પેજસમિતિ મૉડલ લાગુ કરવામાં આવી રહ્યું છે.
જાણીતા પત્રકાર દિલીપ ગોહીલ માને છે કે પેજપ્રમુખ અને તેમની સમિતિ એ કોઈ નવી વ્યવસ્થા નથી. ભાજપ બૂથસ્તરે જે કામ કરે છે, એનું જ આ નવું વર્ઝન કહી શકાય.
તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી ભાજપમાં મહામંત્રીના પદે હતા ત્યારે તેમણે બૂથસ્તરે વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કર્યું હતું. એ જ વ્યવસ્થા આજે સુસ્પષ્ટપણે પેજપ્રમુખ અને પેજસમિતિના સ્વરૂપે આગળ આવી છે."
"ભાજપના સંગઠનનું માળખું ગોઠવાયેલું છે અને એમાં આ પ્રકારની વ્યવસ્થાથી તેમને ચૂંટણીમાં મતદાનમાં ફાયદો થાય છે. પેજપ્રમુખની વ્યવસ્થાનો ફાયદો એ છે કે પાર્ટી સાથે જોડાયેલા વર્ગનો સંપર્ક ગાઢ બને છે.”
તેઓ વાત કરતાં આગળ કહે છે, “જે વર્ગ પાર્ટી સાથે નથી જોડાયેલો તેમને પાર્ટી તરફ લાવવામાં આ પ્રકારની વ્યવસ્થા મદદરૂપ બને છે."
"આનો બીજો એક ફાયદો એ પણ છે કે કાર્યકરોને એવું મહેસૂસ થાય છે કે અમે સંગઠન સાથે કોઈ રીતે જોડાયેલા છીએ અને અમારી પણ ભૂમિકા છે. પાર્ટી જ્યારે જીતે ત્યારે તેને પણ એવું લાગે કે વિજયમાં તેનું પણ પ્રદાન છે. "
"સંગઠન માળખાકીય રીતે કેવું કામ કરે છે, એનું માપ પેજપ્રમુખ અને સમિતિના તંત્રથી નીકળે છે. કૉમ્યુનિકેશન માટે આ પ્રકારની વ્યવસ્થા સારું કામ આપે છે. કોઈ સ્લોગન કે વિચારને તરત વહેતો કરવો હોય તો પેજપ્રમુખ અને પેજસમિતિનું તંત્ર ઝડપી કામ આપે છે.”
વિજય રૂપાણી પણ પેજપ્રમુખ
નવસારીના સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ દેશમાં સૌથી વધારે મતથી ચૂંટણી જીત્યા હતા.
હાલમાં જ 27 ડિસેમ્બરે તેમની વેબસાઇટ પર તસવીર સાથે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે “મારા બૂથ નંબર 94ના પેજનંબર 36ના પેજપ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યને સમાવિષ્ટ કરી પેજકમિટીની રચના સંપૂર્ણ કરી, સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાને સુપરત કરી છે."
"ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપની પેજકમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરશો.”
મુખ્ય મંત્રી વિજય રૂપાણી રાજકોટ વિધાનસભાના વોર્ડ નંબર 10ના બૂથ નંબર 2ના પેજ નંબર 22ના પ્રમુખ બન્યા છે. વિજય રૂપાણીને પેજપ્રમુખ તરીકેનું કાર્ડ પણ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે ગત ડિસેમ્બર માસમાં આપ્યું હતું.
એવી જ રીતે અમદાવાદની નારણપુરા વિધાનસભાના બૂથ નંબર 10ના એક પેજના પ્રમુખ અમિત શાહ બન્યા છે.
એ વખતે વિજય રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે “પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાતમાં તમામ બૂથ પર પેજપ્રમુખ બનાવવાનો અભિગમ દાખવ્યો છે. ભાજપની એ પદ્ધતિ રહી છે કે પાર્ટી કોઈ યોજના નક્કી કરે તો એ બધા કાર્યકર્તાને લાગુ પડે છે."
"પછી તે મુખ્યપ્રધાન હોય કે બૂથનો કાર્યકર્તા હોય. મારા વિસ્તારમાં હું પહેલાં કાર્યકર્તા છું પછી મુખ્ય મંત્રી છું. મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી પણ છે. એ પેજપ્રમુખ તરીકે મેં પણ મારી સમિતિ સબમિટ કરી છે. મારાં પત્ની પણ પેજપ્રમુખ બન્યાં છે.”
'પેજપ્રમુખ અને સમિતિનું મૉડલ દરેક વિસ્તારમાં વિકસાવવું અઘરૂં'
પેજપ્રમુખ જે પેજસમિતિના સભ્યોની યાદી તૈયાર કરે છે. એમાં તેમનાં નામ, સરનામાં ઉપરાંત મોબાઇલ નંબર, આધાર નંબર, મતદારયાદી નંબર, બ્લડગ્રૂપ, જન્મતારીખ તેમજ લગ્નતારીખ નોંધવામાં આવે છે.
લગ્નની તારીખ પણ નોંધવામાં આવે છે, એનું શું કારણ છે?
આ વિશે ભરત પંડ્યા કહે છે, “લગ્નતિથિની શુભેચ્છા પાઠવી શકાય. બ્લડગ્રૂપ હોય તો તેમને કે એ બ્લડજૂથ ધરાવતી અન્ય કોઈ વ્યક્તિને બ્લડની જરૂર હોય તો એ સંપર્ક પણ રહે છે."
"મોબાઇલ નંબર હોવાથી નવા વર્ષની શુભેચ્છા કે વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી શકાય છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમને પહોંચાડી શકાય છે. ટૂંકમાં, પેજસમિતિના સભ્યો સાથે પેજપ્રમુખનો જે સંબંધ રચાય, એ ચૂંટણીમાં કામ લાગે છે. પેજસમિતિ એ દરેક ચૂંટણી જીતવા માટેનું બ્રહ્માસ્ત્ર છે.”
જોકે, દિલીપ ગોહિલ કહે છે કે “આ થોડું ચગાવવામાં આવેલું મૉડલ પણ છે. કારણ કે, દરેક વિસ્તારમાં પેજપ્રમુખ અને સમિતિ બનાવવાં સરળ નથી હોતાં."
"જ્યાં ભાજપના ઉમેદવાર સતત જીતતા હોય ત્યાં તો પેજપ્રમુખ અને પેજસમિતિ બનાવવું સરળ હોય છે, પણ જ્યાં ભાજપની હાર થતી હોય એવા વિસ્તારમાં આ મૉડલ ઊપજાવવું અઘરૂં પડી જાય છે."
"કેટલાક વિસ્તારોમાં કૉંગ્રેસના ઉમેદવારની બોલબાલા હોય તો ત્યાં આ મૉડલ વિકસી શકતું નથી. કેટલાક લઘુમતિ વસતી ધરાવતા વિસ્તારોમાંથી ભાજપને મત મળતાં જ ન હોય તો ત્યાં તેમના પેજપ્રમુખ પણ કદાચ નહીં હોય અને પેજસમિતિ પણ નહીં હોય.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો