#USCapitol : બાઇડનની જીત પર અમેરિકી કૉંગ્રેસની અંતિમ મહોર, આખરે ટ્રમ્પ સત્તા સોંપવા તૈયાર થયા!

વૉશિંગ્ટન ડીસીસ્થિત કૅપિટલ હિલ્સમાં ટ્રમ્પના સમર્થકોના ઉત્પાત બાદ થયેલા હિંસક ઘર્ષણ અને તોફાન બાદ ફરી એક વાર અમેરિકન સંસદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનની ચૂંટણીજીત પર મહોર લગાવવાની ચર્ચા શરૂ કરી અને જો બાઇડનને અધિકૃત વિજેતા જાહેર કર્યા.

કૅપિટલ હિલ્સમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

ટ્રમ્પ સમર્થકો અચાનક જ કૅપિટલ્સ હિલ્સમાં ઘૂસ્યા હતા અને ચૂંટણી પરિણામોને બદલવાની માગ કરી રહ્યા હતા. બાદમાં અફરાતફરી મચી ગઈ અને અમેરિકન સંસદનાં બંને સદનોએ પોતાની ચર્ચા સ્થગિત કરવી પડી હતી.

જો બાઇડને લોકશાહી પ્રક્રિયામાં આ રીતે દખલ દેવા બદલ અને "વિદ્રોહ" પર ગુસ્સો પ્રગટ કર્યો છે.

તો આ તરફ પોતાના સમર્થકોને અગાઉ કૅપિટલ હિલ્સમાં જવાનું કહેનારા ટ્રમ્પે બાદમાં તેમને "ઘરે જવા" કહ્યું છે.

જોકે આ દરમિયાન તેઓ ચૂંટણીમાં ગોટાળાનો પોતાનો આરોપ ફરી દોહરાવતા રહ્યા.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ એમનું નિવેદન જાહેર કર્યું છે જેમાં ટ્રમ્પ કહે છે કે સત્તાનું હસ્તાંતરણ વ્યવસ્થિત રીતે થશે. જોકે, હજી તેઓ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની વાત પર અડગ છે. ટ્વીટર અને ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ હંગામી ધોરણે બ્લૉક કરતાં આ નિવેદન તેમના પ્રવક્તાએ જાહેર કર્યું છે.

વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસ માટે પબ્લિક ઇમર્જન્સી

ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટન ડીસીમાં કૉંગ્રેસની કૅપિટલ હિલ્સની ઇમારત બહાર હંગામો કર્યો છે. પોલીસ-પ્રદર્શનકારીઓની અથડામણમાં ચારનાં મોત પણ થયાં છે. કહેવાઈ રહ્યું છે કે એક મૃતકની ઓળખ મહિલા તરીકે થઈ છે.

દરમિયાન અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં મેયરે 15 દિવસ માટે પબ્લિક ઇમર્જન્સી લગાવી દીધી છે.

અમેરિકાની કૅપિટલ બિલ્ડિંગની ચારે તરફ રસ્તાઓ પર હિંસાની આશંકાને જોતા પોલીસ તહેનાત છે. વૉશિંગ્ટનનાં મેયરે આખી રાત માટે કર્ફ્યૂ લગાવી દીધો છે.

વૉંશિગ્ટન પોલીસના પ્રમુખનું કહેવું છે કે સ્થાનિક સમયના હિસાબે રાત સાડા નવ વાગ્યા સુધીમાં 52 લોકોની ધરપકડ કરાઈ છે. ચાર લોકોની લાઇસન્સ વિના બંદૂક રાખવા બદલ, એકની પ્રતિબંધિત હથિયાર રાખવા બદલ અને 47ની કર્ફ્યૂના ઉલ્લંઘન અને ગેરકાયદે ઘૂસવા બદલ ધરપકડ કરાઈ છે.

બે પાઇપ બૉમ્બ પણ મળ્યા છે. એક કૅપિટલ બિલ્ડિંગ પાસે ડેમૉક્રેટિક નેશનલ કમિટી ઑફિસથી અને એક રિપબ્લિકન નેશનલ કમિટીની મુખ્ય ઑફિસથી.

કેટલાક રિપબ્લિકનોને હજુ પણ વાંધો

આ આખા ઘટનાક્રમ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ફેસબુકે ટ્રમ્પનાં એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધાં છે.

હવે હિંસા અને અરાજકતાના એક દૌર બાદ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના નેતૃત્વમાં કૉંગ્રેસે ચૂંટણીસત્ર ફરીથી શરૂ કરી દીધું છે.

અમેરિકન સાંસદ ફરી એક વાર ઇલેક્ટૉરલ કૉલેજની ગણતરી અને પુષ્ટિ કરી રહી છે. સાંસદોએ તેને યુએસ કૅપિટલના ઇતિહાસનો "કાળો દિવસ" ગણાવ્યો છે.

જોકે હજુ પણ કેટલાક રિપબ્લિકન સાંસદો ચૂંટણીનાં પરિણામોને બદલવાના ઈરાદાથી સત્ર દરમિયાન વાંધો ઉઠાવી રહ્યા છે.

ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટનમાં એ સમયે હંગામો શરૂ કરી દીધો હતો જ્યારે બુધવારે સાંજે ડેમૉક્રેટિક પાર્ટીએ જ્યૉર્જિયામાં સૅનેટની સીટો જીતી હતી.

આ જીત સાથે જ નવા પસંદ કરાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડેમૉક્રેટિક પાર્ટીનું સંસદમાં રાજકીય પ્રભુત્વ વધી ગયું છે.

જ્યૉર્જિયામાં મળેલી જીતે 20 જાન્યુઆરીએ શપથ લેવા જઈ રહેલા વાઇડનનો રસ્તો સરળ કરી નાખ્યો છે.

પેન્સિલવેનિયા ચૂંટણી પર આવેલા વાંધા સંસદે ફગાવ્યા

પેન્સિલવેનિયામાં બાઇડનની જીત પર આવેલા વાંધાઓ અમેરિકાની સંસદના ઉપરી સદનસૅનેટે 92-7 બહુમતથી ફગાવી દીધા છે.

સાંસદ હૉલેનું ભાષણ પૂરું થતા સૅનેટના નેતા મિચ મૅક્કૉનલે આ મુદ્દા પર ચર્ચા બંધ કરી દીધી.

મૅક્કૉનલે કહ્યું કે આજે રાતે ચૂંટણી પર કોઈ વધુ પડકાર આવવાની સંભાવના નથી. જોકે સાંસદો વાંધાઓ પર હજુ પણ ચર્ચા કરી રહ્યા હતા.

ઉપરાંત સમગ્ર ઘટનાક્રમ બાદ અમેરિકાના ઉપલા સદનમાં જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો પરના વાંધાઓને ઉપરાષ્ટ્રપતિ માઇકલ પેન્સે ફગાવ્યા ત્યારે તાળીઓનો ગડગડાટ થયો હતો, કેમ પ્રક્રિયા માટે જરૂરી કોઈ સાંસદે એના પર હસ્તાક્ષર કર્યા નહોતા.

એક પડકાર જોડી હાઉસે ફેંક્યો હતો, જેઓ નવેમ્બરમાં પોતાના ગૃહરાજ્ય જ્યૉર્જિયાથી ચૂંટાયા હતા.

જ્યૉર્જિયાનાં અન્ય એક પ્રતિનિધિ માર્જરી ટેલર ગ્રીને મિશિગનના મતદાન પર સવાલ ઉઠાવ્યા હતા.

નવાં ચૂંટાયેલાં આ સાંસદે ભૂતકાળમાં ક્વેનન કૉન્સ્પિરેસી થિયરીનું સમર્થન કર્યું હતું.

ત્રીજો પડકાર અલાબામાના સાંસદ બ્રુક્સ તરફથી ફેંકવામાં આવ્યો હતો, જે નવાદાનાં પરિણામ પર વાંધો ઉઠાવી રહ્યા હતા.

આ બધી અસહમતીઓને માઇક પેન્સે ફગાવી દીધી હતી.

વળી ઇમર્જન્સી મામલે મેયર મ્યુરિયલ બાઉસરે કહ્યું, "ઘણા લોકો શહેરમાં હથિયારો સાથે હિંસા અને તોડફોડના ઈરાદાથી આવ્યા અને તેઓએ હિંસા અને તોડફોડ કરી. તેઓએ કેમિકલ છોડ્યું, ઈંટો, બૉટલો મારી, બંદૂક પણ ચલાવી."

તેઓએ કહ્યું કે "તેમની હરકતો હજુ પણ ચાલુ છે."

આ નિર્ણય બાદ શહેરમાં લોકોની સુરક્ષા માટે વધુ સંસાધનનો ઉપયોગ કરાશે, જેમ કે કર્ફ્યૂ, ઇમર્જન્સી સર્વિસ વધારવી અને જરૂરિયાતની ચીજોની વહેંચણી.

આ આદેશ 21 જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યા સુધી લાગુ રહેશે, એટલે કે જો બાઇડનના શપથગ્રહણના એક દિવસ પછી પણ.

શહેરમાં પહેલેથી કર્ફ્યૂ લાગેલો છે, જેને મેયરે બુધવારે સાંજે છ વાગ્યાથી લાગુ કર્યો હતો.

અનેક લોકોની આદેશના ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

હુમલાને લઈને પત્રકારપરિષદ

વૉશિંગ્ટનનાં મેયર મ્યુરિયલ બાઉસરે કૅપિટલ હિલનાં પ્રદર્શનોને લઈને પત્રકારપરિષદ યોજી હતી.

તેઓએ જણાવ્યું કે જે મહિલાને ગોળી લાગી છે, તેઓ એ ગ્રૂપનો હિસ્સો હતાં, જે હાઉસરૂમમાં જબરજસ્તી ઘૂસવાની કોશિશ કરતા હતા અને એ સમયે સત્ર પણ ચાલી રહ્યું હતું.

સાદી વરદીમાં ઑફિસરોએ તેમને રોકવાની કોશિશ કરી હતી અને એક ઑફિસરે હથિયાર કાઢીને ફાયર કરી દીધું.

મહિલાને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં તેમને મૃત ઘોષિત કર્યાં હતાં.

બાઉસરે જણાવ્યું કે કૅપિટલ ગ્રાઉન્ડમાં થયેલાં ત્રણ મૃત્યુમાંથી એક વયસ્ક મહિલા હતી અને બે પુરુષ હતા.

મેયરે જણાવ્યું કે મેટ્રો પોલીસ વિભાગના 14 લોકો ઘાયલ થયા છે. બે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંના એકને ભીડે ખેંચતા ગંભીર ઈજા પહોંચી છે અને બીજી વ્યક્તિના ચહેરા પર જોરથી કંઈક મારવામાં આવ્યું હતું.

દરમિયાન યુએસ કૅપિટલ બિલ્ડિંગમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાંકા ટ્રમ્પે હુમલો કરનારાઓને દેશભક્ત કહેતા વિવાદ થયો છે.

તેમના એક ટ્વીટની એટલી ટીકા થઈ કે તેને તેઓએ ડિલીટ કરવું પડ્યું અને તેના પર સ્પષ્ટતા આપવી પડી.

ઇવાંકાએ ટ્વીટ કર્યું હતું, "અમેરિકન દેશભક્તો- સુરક્ષાનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કે આપણા કાયદા પ્રત્યે અનાદરને સ્વીકાર નહીં કરાય. હિંસા તરત બંધ કરવી પડશે. કૃપા કરીને શાંતિ જાળવો."

આ ટ્વીટમાં કૅપિટલ બિલ્ડિંગ પર હુમલો કરનારાઓને દેશભક્ત કહેતા ઇવાંકાની ટીકા થવા લાગી.

લોકો તેમનો વિરોધ કરવા લાગ્યા. આથી ઇવાંકાએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું અને સ્પષ્ટતા કરી.

તેઓએ વધુ એક ટ્વીટ કર્યું, "શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન દેશભક્તિ કહેવાય, હિંસા સ્વીકાર્ય નથી અને સખત રીતે તેની ટીકા થવી જોઈએ."

તો બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાની ઘટના પર પ્રતિક્રિયા આપી છે.

તેઓએ ટ્વીટ કરીને કહ્યું, "વૉશિંગ્ટન ડીસીમાં તોફાનો અને હિંસા વિશેના સમાચાર જોતાં વ્યથિત. વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સત્તાનું પરિવહન ચાલુ રાખવું જરૂરી છે. લોકશાહી પ્રક્રિયાને કોઈ ગેરકાયદે વિરોધના માધ્યમથી બગડવા ન દેવાય."

વળી કૅપિટલ હિંસામાં 13ની ધરપકડ થઈ છે અને પાંચ હથિયાર પર જપ્ત લેવાયા છે. અમેરિકી ગાર્ડ્સને ખડકી દેવાતા હવે ભીડ વિખેરાવા લાગી છે. વળી સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દીધું છે.

વળી તાજા સમાચાર અનુસાર ટ્રમ્પના સમર્થકો સંસદની અંદર પણ ઘૂસ્યા હોવાથી 2700 સૈનિક ખડકી દેવાયા છે. તેમાં કેટલાક અંદર હથિયાર સાથે ઘૂસ્યાં હતા.

દરમિયાન પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરી દેવાયો છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને શાંત રહેવા અપીલ પણ કરી છે.

જોકે ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું કે જે લોકોએ કૅપિટલમાં કેર વરસાવવાની કોશિશ કરી છે, તેઓ જીતી નહીં શકે. તેમણે કહ્યું, "હિંસા ક્યારે જીતી નથી શકતી, જીત સ્વતંત્રતાની જ થાય છે."

બાઇડને કહ્યું - આ રાજદ્રોહ છે

બીજી તરફે જો બાઇડને આ કૃત્યને એક 'રાજદ્રોહ' ગણાવ્યો છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યૂ બુશે પણ આ ઘટનાની નિંદા કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં આજે વૉશિંગ્ટનમાં સંસદગૃહ(કૉંગ્રેસ)માં ઈલેક્ટોરલ વોટ સંબંધિત મતદાન અને ચર્ચા દ્વારા આગામી અમેરિકી રાષ્ટ્રપતિની પસંદગી થવાની હતી. આ માટે સંયુક્ત સત્ર બોલાવાય છે.

આ સત્રમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના નામની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પર અંતિમ મહોર લાગવાની પ્રક્રિયા થવાની હતી.

પરંતુ એ વખતે જ વૉશિંગ્ટનમાં ટ્રમ્પના સંખ્યાબંધ સમર્થકો ઉમટી પડયા હતા. ટ્રમ્પની માફક આ સમર્થકો પણ માને છે કે ચૂંટણીમાં ગરબડ થઈ એટલે તેમના પ્રમુખ ટ્રમ્પ વિજેતા હોવા છતાં હારેલા જાહેર કરાયા છે. સમર્થકોએ આ રેલીને 'સેવ અમેરિકા' નામ આપ્યું હતું અને તેના બેનર્સ પણ ફરકાવ્યા હતા.

6 તારીખે સંસદનું સંયુક્ત સત્ર મળીને બાઇડનના નામ પર અંતિમ મહોર મારવાનું હતું. એ સમયે જ ટ્રમ્પે બહાર સભાને સંબોધવાનો નિર્ણય કર્યો હતો. ટ્રમ્પ-બિડેનના સમર્થકો મારામારી પર ન ઉતરી પડે એ માટે અગાઉથી જ સલામતી વ્યવસ્થા ઊભી કરી દેવાઈ હતી. પરંતુ તેમ છતાં પ્રદર્શનો થયા છે.

3જી નવેમ્બરની ચૂંટણીના પરિણામો મુજબ બાઈડેન વિજેતા માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પ આ પરિણામો માનવા તૈયાર નથી.

(અહેવાલ અપડેટ થઈ રહ્યો છે. વધુ વિગતો ઉમેરવામાં આવશે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો