ભરુચ : મળો એ દંપતીને જેઓ બન્યાં નિરાધાર અને ગરીબ દરદીઓનો ‘આધાર’

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"હું સાતમા ધોરણમાં હતો ત્યારે જબલપુર બાજુ મારે અંતરિયાળ ગામોમાં જવાનું થયું હતું. ત્યાંની દારુણ ગરીબી જોઈને મને રડવું આવી ગયું હતું. એ વખતે નક્કી કર્યું કે મારે જીવનમાં આપણા દેશ માટે કંઈક કરવું છે."

આ શબ્દો છે ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ શરૂ કરનારા રાકેશ ભટ્ટના.

સેવાયજ્ઞ સમિત દ્વારા નિરાધાર, ગરીબ અને અનાથ દર્દીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે, તેમજ તેમને અહીં આશરો પણ આપવામાં આવે છે.

એટલું જ નહીં બીમાર અને અશક્ત દર્દીઓની તમામ પ્રકારની સારસંભાળ રાખવામાં આવે છે.

એક ખાનગી કંપનીમાં કામ કરતા રાકેશ ભટ્ટ અને તેમનાં પત્ની દ્વારા આ સેવાયજ્ઞ સમિતિની શરૂઆત કરવામાં આવી હતી.

મફતમાં મેડિકલસેવા અને ભોજન

ભરૂચમાં સિવિલ હૉસ્પિટલના દર્દીઓ અને દર્દીઓ સાથે આવેલા સ્વજનો માટે પૌષ્ટિક ભોજન પીરસવાનનું સેવાકાર્ય વર્ષોથી સેવાયજ્ઞ સમિતિ કરી રહી છે. આ સેવાયજ્ઞની શરૂઆત 1998માં થઈ હતી.

સતત 22 વર્ષથી આ સેવાકાર્ય ચાલે છે. આ સેવાકાર્યમાં અન્ય 60 જેટલા સ્વયંસેવકો છે, તે પોતાની રીતે લોકોને સેવા આપે છે.

રાકેશ ભટ્ટ કહે છે કે અહીં ગરીબ દર્દીઓ, દર્દીનાં સગાંઓ અને જે બિનવારસી લોકો છે, તેમને આ સેવાભાવી સંસ્થા ભોજન આપે છે.

તેઓ કહે છે, "અમારું સેવાકાર્ય ચાલી રહ્યું છે, તેમાં મુખ્યત્વે મેડિકલ, દર્દીઓને દવા આપવાનું અને એમનાં ઑપરેશન અમે કરીએ આપી છીએ. બીજું કે અમે એમ્બ્યુલન્સ સેવા સાવ મફતમાં આપીએ છીએ."

તેઓ વધુમાં કહે છે, "અહીં રોજની ઓછામાં ઓછી 600 ડીસ ભોજન બને છે અને વર્ષે દોઢેક લાખ ડીસ ભોજન બને છે. પણ અમે ડાયેટનું ધ્યાન રાખીએ છીએ. અમે ગુણવત્તાયુક્ત બૅલેન્સ ફૂડ બનાવીને આપીએ છીએ. બહુ હાઈજેનિંગ સ્થિતિમાં અમારા રસોઈઘરમાં ભોજન બને છે."

રસોઈઘરમાં કેવી રીતે કામ ચાલે છે એનું ધ્યાન પણ રાકેશભાઈ પોતે રાખે છે. તેઓ ભોજન બનાવવામાં પણ મદદ કરે છે.

દર્દીઓની બાળકની જેમ રાખે છે સારસંભાળ

સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિરાધાર લોકોને આશરો પણ આપવામાં આવે છે. અહીં હંગામી આશરો બનાવ્યો છે, જેમાં દર્દીઓ, વૃદ્ધો રહે છે.

સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવક હિમાંશુ પરીખ કહે છે, "સેવાયજ્ઞ સમિતિના હંગામી સેલ્ટર હોમમાં બીમાર, અશક્ત, અસ્થિર મગજના લોકોને રાખવામાં આવે છે."

તેઓ કહે છે, "સિવિલમાં આવ્યા પછી જેમનું કોઈ હોતું નથી અથવા તો 108 એમ્બ્યુલન્સમાં આવ્યા પછી તેમનું કોઈ ન હોય એવા દર્દીઓની ઓળખ કરીને તેમને અમે અહીં લાવીએ છીએ."

"અહીં આવ્યા પછી તેમની જે કંઈ પણ જરૂરિયાત હોય એને પૂરી કરીએ છીએ. તેમને નવડાવવા, બે ટાઈમનું ભોજન આપવું, ચા-નાસ્તો આપવો, તેમના વાળ કાપી આપવા, જે પથારીવશ હોય એમનાં ડાઇપર બદલવાં, એમનું નિયમિત ચેકઅપ કરવું- એ બધું અહીં નિયમિત કરવામાં આવે છે."

સ્વયંસેવક હિમાંશુ પરીખના કહેવા અનુસાર, અહીં દર્દીઓનું નિયમિત મેડિકલ ચેકઅપ થાય છે, તેઓ દર્દીઓનું બીપી, સુગર, ઓક્સિજન વગેરે ચેક કરે છે.

સેવાયજ્ઞનો ક્યાંથી વિચાર આવ્યો?

ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવાનો વિચાર રાકેશભાઈને બાળપણથી જ આવ્યો હતો.

રાકેશભાઈ કહે છે કે "હું સાતમા ધોરણમાં હતો ત્યારે જબલપુર બાજુ મારે અંતરિયાળ ગામોમાં જવાનું થયું હતું. ત્યાંની દારુણ ગરીબી જોઈને મને રડવું આવી ગયું હતું. એ વખતે નક્કી કર્યું કે મારે જીવનમાં આપણા દેશ માટે કંઈક કરવું છે. કેમ કે કોઈ માણસ કે વસ્તુ એ ભારત દેશ છે."

"દેશ માટે સેવા કરવી છે અને એના માટે જીવવું છે. એ નિશ્ચય કરી લીધો, પણ સાતમા ધોરણમાં હું કાંઈ કરી શકું તેમ નહોતો, એટલે એ વિચાર જીવંત રાખ્યો."

જોકે એક દર્દીથી શરૂ થયેલા આ સેવાયજ્ઞમાં મદદના હાથ જોડાતા ગયા અને વર્ષ 2002માં સેવાયજ્ઞ સમિતિની સ્થાપના થઈ.

રાકેશભાઈ કહે છે, "છેલ્લાં 15-17 વર્ષથી મેં જોયું છે કે અમારી પાસે વર્ષે 250થી 300 ઘરડા અને અનાથ લોકો આવે છે."

"જેમનું કોઈ જ નથી, જેમને આશરાની જરૂર છે. એ લોકોને અમે હાલમાં એક ઝાડ નીચે પંડાલ બનાવીને રાખીએ છીએ અને એમની સેવાચાકરી કરીએ છીએ."

રાકેશભાઈની ઇચ્છા છે કે તેઓ ગરીબ અને નિરાશ્રિતો માટે આવાસ બનાવવા માગે છે. તેઓ આ સેવાકાર્યમાં સરકારની મદદ પણ ઇચ્છે છે.

(રવિ પરમાર અને સાજિદ પટેલના વીડિયો અહેવાલને આધારે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો