અમેરિકાની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીને ફોન પર કહ્યું, મને 11780 મતની ગોઠવણ કરી આપો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ફોન રૅકોર્ડિંગ સામે આવ્યું છે જેમાં તેઓ જ્યૉર્જિયા પ્રાંતના વરિષ્ઠ ચૂંટણી અધિકારીને પોતાની જીત માટે લાયક મતોની ગોઠવણ કરવા કહી રહ્યા છે.

વૉશિંગ્ટન પોસ્ટે આ રૅકોર્ડિંગ જાહે કર્યુંછે. આમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ રિપબ્લિક સૅક્રેટરી ઑફ સ્ટેટ બ્રેડ રેફેનસ્પર્જરને કહી રહ્યાં છે 'હું બસ 11780 મતો ખોળવા માગું છું.'

ત્યાં રેફેનસ્પર્જર કહી રહ્યા છે કે જ્યૉર્જિયાના પરિણામો બરાબર છે.

ડૅમોક્રેટ ઉમેદવાર જો બાઇડને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જ્યૉર્જિયામાં જીત મેળવી હતી. એમને કુલ 306 ઇલેક્ટોરલ મત મળ્યા હતા. ટ્રમ્પને 232 મત મળ્યા હતા.

મતદાન બાદથી જ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિનો આરોપ લગાવે છે. જોકે, એમણે એના કોઈ પુરાવા રજૂ નથી કર્યાં.

અમેરિકાના તમામ 50 રાજ્યોના ચૂંટણીપરિણામોને પ્રમાણિત કરી દેવામાં આવ્યા છે. અમુક રાજ્યોમાં મતોની ફરી ગણતરી અને અપીલ બાદ આમ કરવામાં આવ્યું છે.

અમેરિકાની અદાલતો જો બાઇડનની જીત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 60 જેટલી અરજીઓ રદ કરી ચૂકી છે.

અમેરિકાની કૉંગ્રેસ 6 જાન્યુઆરીએ પરિણામનો સ્વીકારસ કરશે અને જો બાઇડન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેશે.

દરમિયાન જ્યૉર્જિયામાં સૅનેટની બે બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. આ બેઠકોનું પરિણામ રાજ્યમાં સત્તા સંતુલનને અસર કરી શકે છે.

જો ડૅમોક્રેટ પાર્ટીના બેઉ ઉમેદવાર ચૂંટણી જીતી જાય છે તો સૅનેટમાં રિપબ્લિકન અને ડૅમોક્રેટ પાર્ટીના એક સરખા પ્રતિનિધિ હશે અને ત્યારે નિર્ણાયક મત ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટાયેલાં કમલા હેરિસ પાસે હશે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના નીચલા ગૃહમાં પહેલાંથી ડૅમોક્રેટ પાર્ટી પાસે બહુમત છે.

કૉલ રૅકોર્ડિંગમાં શું છે?

વૉશ્ગિંટન પોસ્ટે જે કૉલ રૅકોર્ડિંગ જાહેર કર્યું છે એમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યૉર્જિયાના સૅક્રેટરી ઑફ સ્ટેટ રેફેનસ્પર્જર પર દબાણ કરતા સંભળાય છે.

તેઓ ભાર દઈને કહે છે કે જ્યૉર્જિયાની ચૂંટણી એમણે જીતી લીધી છે અને એ કહેવામાં કંઈ ખોટું નહીં હોય કે મતોની ફરી ગણતરી થઈ છે.

ત્યાં જ રેફેનસ્પર્જર જવાબ આપે છે કે 'રાષ્ટ્રપતિ મહોદય આપની પાસે પડકાર એ છે કે જે ડેટા આપ દેખાડી રહ્યા છો તે ખોટો છે.'

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અધિકારીને સંભવિત કાયદાકીય પરિણામોની ધમકી પણ આપે છે.

ટ્રમ્પ કહે છે 'તમને ખબર છે કે તેમણે શું કર્યું છે અને એ વિશે જાણકારી ન આપવી અપરાધ છે. તમે આવું ન થવા દઈ શકો. આ તમારા માટે અને તમારા અધિવકતા રિયાન માટે મોટો ખતરો છે.'

ટ્રમ્પે રેફેનસ્પર્જરને કહ્યું કે તેઓ રાજ્યના પરિણામોની ફરીથી સમીક્ષા કરે.

વ્હાઇટ હાઉસે આ કૉલ રૅકોર્ડિંગ પર હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

આ દરમિયાન અમેરિકામાં હયાત એવા 10 પૂર્વ રક્ષામંત્રીઓએ ટ્રમ્પને ચૂંટણીપરિણામો પર સવાલો ન કરવા અને સેનાને આ વિવાદમાં સામેલ ન કરવા માટે અપીલ કરી છે.

વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ પૂર્વ રક્ષામંત્રીઓએ કહ્યું કે અમેરિકાની સેનાને ચૂંટણીવિવાદને ઉકેલવા માટે સામેલ કરવાનો પ્રયાસ દેશને એક ખતરનાક, ગેરકાયદે અને ગેરબંધારણીય જમીન તરફ લઈ જશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો